ચાર ગઝલ.. – યાકૂબ પરમાર 4


(૧)

લેપ સુખોનો કરે પીડા ઉપર,
ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર.

શું કરીશું આ શરમનું આપણે?
છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર.

જિન્દગીને પાનમાં વીંટી અમે,
છે નજર સૌની હવે બીડા ઉપર.

મૂલ્ય મારા ‘એક’નું નિર્ભર હશે,
મૂકશે તું એટલાં મીંડા ઉપર.

રેશમી સપનાં તમારાં ઉછરે,
એક કોશેટા અને કીડા ઉપર.

(ર)

રસ્તો મળે નહીં ત્યાં હરકતનું નામ આવે,
કેડી બની જવામાં પર્વતનું નામ આવે.

છેલ્લા રહી ગયા તે બાકી રહી ગયા છે,
ગુનો ગણો તમે તો ધરપતનું નામ આવે !

ઉચ્ચારના સંબંધે પણ લોક જોડવાના,
કાશી વિશે કહો તો કરવતનું નામ આવે.

પેટાળમાં ભભુકે લાવા બની બનીને,
ઉંડાણથી તપાસો, દરખતનું નામ આવે !

એ ખૂન દીકરીનું ઘરના ખૂણે કરે છે ,
એ ક્રૂરતાની પાછળ અસમતનું નામ આવે !

(૩)

કશીયે કાલની ચિંતા વગર આજે મજામાં છે,
જગતમાં એટલા લોકો જ બસ સાચે મજામાં છે.

મને બળ આપવામાં કેમ તું પાછો પડે ઇશ્વર?
અમારા દુશ્મનો શેતાનની પાસે મજામાં છે.

બધા તાંદુલવાળી પોટલીમાં દુ:ખ સંતાડે,
ન જાણી જાય કોઇ એટલી લાજે મજામાં છે.

ગણે છે કોણ જેને હાંસિયાની બ્હાર રાખ્યા છે ?
અહેવાલો બને કે, લોક સૌ સાચે મજામાં છે.

થયા છે સ્મિતના પણ અર્થ કેવા લાગણી ભીના,
મને લાગે નહિ સારું તને લાગે મજામાં છે !

(૪)

ગમે તે કષ્ટ વેઠીને શરત જીતી જવાની છે,
મરીને જિન્દગી આખી પરત જીતી જવાની છે.

તમે વિકલ્પનો વિચાર સરખો પણ ભુંસી નાખો,
કસોટીને પછાડીને તરત જીતી જવાની છે.

ચડીને કાંધ પર આ કોઇની એ ચાલવા માંડયો,
કહે છે કામના એની જગત જીતી જવાની છે !

ગણે છે જિન્દગીને જે રમત જેવી સરળ સીધી,
શરત છે એમના માટે : રમત જીતી જવાની છે.

મળે છે દાવ ત્યારે તો રહે છે દૂર ને અળગા,
અને પાછી ગળા સુધી મમત જીતી જવાની છે !

– યાકૂબ પરમાર


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “ચાર ગઝલ.. – યાકૂબ પરમાર

  • Umakant V. Mehta. ( New Jersey)

    મર્મ અને હ્રદય સ્પર્શીા ગઝલના સરતાજ શ્રેી યાકૂબભાઈ અભિનંદન સાથે ધન્યવાદ.ચારેય ગઝલો સુંદર છે.ગઝલ નં ૨ નો અંત
    “એ ખૂન દીકરીનું ઘરના ખૂણે કરે છે,
    ઍ ક્રૂરતાની પા છળા અસમતનું નામ આવે”
    દીલમાં ચોટ લગાવી ગઈ
    ઉમાકાન્ત વિ. મહેતા.

  • Umakant V. Mehta.

    મર્મ અને હ્રદય સ્પર્શીા ગઝલના સરતાજ શ્રેી યાકૂબભાઈ અભિનંદન સાથે ધન્યવાદ.ચારેય ગઝલો સુંદર છે.ગઝલ નં ૨ નો અંત
    “એ ખૂન દીકરીનું ઘરના ખૂણે કરે છે,
    ઍ ક્રૂરતાની પા છળા અસમતનું નામ આવે”
    દીલમાં ચોટ લગાવી ગઈ
    ઉમાકાન્ત વિ. મહેતા. ( ન્યુ જર્સી.)