તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ 5


वैदेः संस्तुतवैभवों गजमुखो भकताभिमानीति यो ।
बल्लालेश्वर सुभक्त नरतः खवातः सदा तिष्ठति ।
क्षेत्रे पल्लिपूरे यथा कृतयुगे चस्मिंस्तथा लौकिके ।
भकतैर्भावितमूर्तीमान गणपती सिध्धश्वरं तं भजे ।।

વેદોએ જેમની પ્રસંશા કરી છે, જેઓ ગજમુખધારી છે, જે પોતાના ભક્તોના નામથી પ્રસિધ્ધ છે. જે પોતાના લાલન પાલનમાં મગ્ન રહી પાલી ક્ષેત્રમાં નિવાસ કરે છે જેમની સૂરત અને મૂરત બંને મનને મોહનાર છે તેવા શ્રી પાલીના બલ્લાલેશ્વર ગણપતિને હું પ્રણામ કરું છું.

બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.

ઇતિહાસ:- ત્રેતાયુગમાં પાલી ગામમાં એક કલ્યાણજી નામે શેઠને ત્યાં બલ્લાલ નામનો પુત્ર હતો. બલ્લાલ બાળપણથી ગણેશભક્ત હતાં. પરંતુ તેમના પિતાને તેમની ગણેશભક્તિ પ્રિય ન હતી તેથી હંમેશા તેઓ પોતાના પુત્રથી અસંતુષ્ટ રહેતા હતાં. એક દિવસ કલ્યાણ શેઠજી પોતાના પુત્રને કામ પર લગાવવા માટે શોધી રહ્યા હતાં. ત્યારે ગામના કેટલાક લોકોએ કહ્યું કે તેમણે બલ્લાલને જંગલ તરફ જતાં જોયેલા આથી કલ્યાણ શેઠજી પણ બલ્લાલને શોધતા શોધતા જંગલ તરફ ગયા ત્યાં જઈને જોયું કે બલ્લાલ પોતાના મિત્રો સાથે ગણેશપૂજનમાં મગ્ન છે. આથી ક્રોધે ભરાયેલા શેઠજીએ બલ્લાલને પોતાની છડી વડે ખૂબ માર્યો અને ગણેશજીની મૂર્તિ તોડીને ફેંકી દીધી. આટલું કર્યા પછી પણ તેમને સંતોષ ન થતાં તેમણે પોતાના પુત્રને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને કહ્યું કે તારા ગણેશ આવશે હવે તને છોડાવવા માટે એમ કહી પોતાના ગૃહ તરફ ચાલ્યા ગયા અને પોતાના પુત્રની સાથે બધો જ સંબંધ તોડી નાખ્યો. તેમના ગયા બાદ બલ્લાલે ભગવાન ગણેશને પ્રાર્થના કરી ત્યારે ગણેશજી બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવ્યાં અને બલ્લાલને બંધનમુક્ત કરી દીધો. ભગવાન ગણેશની કૃપાદૃષ્ટિ અને સ્પર્શ માત્રથી બલ્લાલની બધી પીડાઑ શમી ગઈ. શ્રી ગણેશજીએ બલ્લાલને કહ્યું કે આપ મારા પરમ ભક્ત છો હું આપની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું માટે આપ મારી પાસેથી વરદાન માંગો. ત્યારે બલ્લાલે કહ્યું પ્રભુ આપના ભક્તો ઉપર કૃપાદૃષ્ટિ રાખતા આપ અહીં જ સદાને માટે વિરાજો અને અને આ ક્ષેત્રને આપના નામથી પ્રસિધ્ધ કરો. બલ્લાલની વિનંતી માનીને શ્રી ગણેશજીએ કહ્યું કે આપ આપના પિતા દ્વારા તોડાયેલી આ મૂર્તિના ટુકડાઓ શોધીને સાથે રાખો કારણ કે આ મૂર્તિઑ આજથી ઢૂંઢીવિનાયકને નામે પ્રસિધ્ધ થશે, જ્યારે લોકો મારા દર્શને આવશે ત્યારે તેઓ સૌ પ્રથમ આ ઢૂંઢી વિનાયકના દર્શન કરી મારી પાસે આવશે તો જ તેમની યાત્રા પૂર્ણ ગણાશે અને આજથી હું પણ આ જ સ્થળે બિરાજી મારા ભક્તને નામે અર્થાત આપને નામે પ્રસિધ્ધ થઈશ એમ કહી શ્રી ગણેશ એક શીલાની અંદર ગુપ્ત રીતે બિરાજી ગયા.

ભગવાન વિનાયકના સ્થાન સિવાય આ સ્થળનું અન્ય પણ એક પૌરાણિક મહત્વ છે. આ મહત્વ અનુસાર કહે છે કે શ્રી ક્ષેત્રનો આ ભાગ એક સમયે દંડકારણ્યનો ભાગ હતો. જ્યારે શ્રી રામ લક્ષ્મણજી અને સીતાજી સાથે આ સ્થળે રહેતા હતાં ત્યારે આદ્યશક્તિ અંબાએ સીતાજીથી પ્રસન્ન થઈ દર્શન આપ્યાં હતાં. આ સ્થળથી થોડે દૂર જટાયું મંદિર આવેલું છે. એકમાનયતા છે કે આ સ્થળે જટાયુએ માતા સીતાને બચાવવા માટે રાવણ સાથે યુધ્ધ કરેલું.

મંદિર અને મૂર્તિ:- બલ્લાલેશ્વર ગણેશજીનું મૂળ મંદિર લાકડાનું બનેલું હતું પરંતુ આ મંદિરનો સમયાંતરે જીર્ણોધ્ધાર કરાયો ત્યારે લાકડાને બદલે પથ્થરોનો ઉપયોગ થયો હતો. જ્યારે આ મંદિર બની રહ્યું હતું ત્યારે આ મંદિરની પાસે બે સરોવરનું પણ નિર્માણ કરાયું. આ બંને સરોવરનું જલ શ્રી ગણેશના પૂજન માટે ઉપયોગમાં લેવાય છે. પથ્થરોથી બનેલ આ મંદિરની સંરચના સંસ્કૃતના શ્રી અક્ષર સમાન છે. આ મંદિર પૂર્વાભિમુખમાં બનેલું છે. હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં આવે ત્યારે સૂર્યોદયના સમયે સૂર્યનારાયણના પ્રથમ કિરણો ભગવાન બલ્લાલેશ્વર પર પડે છે. મંદિરની અંદર અને બહાર બે મંડપ બનેલા છે. શ્રી બલ્લાલેશ્વર પાસે બિરાજિત મૂષક મહારાજે પોતાના હસ્તમાં લાડુ ધારણ કરેલો છે. શ્રી બલ્લાલેશ્વરજીની મુખ્ય પ્રતીમા બ્રાહ્મણના રૂપે પાષાણ પર બિરાજિત થયેલી છે. શ્રી બલ્લાલેશ્વરજીના નેત્રોને હીરાથી જડિત કરાયા છે. શ્રી બલ્લાલેશ્વરજીની બંને બાજુએ સિધ્ધી અને બુધ્ધિ બિરાજી રહેલ છે.

ઉત્સવ:- ભાદરવા માસમાં અને મહામહિનાની શુક્લ પક્ષની પાંચમ સુધી અહીં ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન અહીં મહાભોજ, મહાભોગ અને મહાપૂજાનું આયોજન થાય છે. આ દિવસોમાં શ્રી બલ્લાલેશ્વરજીને પાલખીમાં બેસાડીને ગામમાં ભ્રમણ કરાવવામાં આવે છે. આ મંદિરમાં પ્રાતઃકાળ ૫ વાગ્યાથી બપોરના સાડા અગિયાર વાગ્યા સુધી ભક્ત સ્વયં પ્રભુની પૂજા કરી શકે છે. સાડા અગિયાર વાગ્યા પછી ભક્તોને પ્રભુ પાસે જવા દેવામાં નથી આવતા. રાત્રિના દસ વાગ્યા સુધી આ મંદિર ખુલ્લુ રહે છે તેથી ભક્તો ત્યાં સુધી પ્રભુના દર્શન કરી શકે છે.

દર્શનીય સ્થળો:- કરજત આ સ્થળ કેવળ 30 કી.મી ની દૂરી પર આવેલ છે. બલ્લાલેશ્વર માટે રેલ માર્ગ અને સડકમાર્ગેથી પહોંચી શકાય છે. આ સિવાય પૂના પહોંચીને પણ પ્રાઈવેટ વાહન દ્વારા પણ પહોંચી શકાય છે. પાલીથી ૪ કી.મી ની દૂરી પર આવેલ ઉન્હેરી ગામમાં ગરમ પાણીના ઝરણું બહે છે. સ્કીનના પ્રોબ્લેમવાળા વ્યક્તિઓ માટે આ સ્થળ અતિ ઉત્તમ છે. આ સિવાય જટાયુ મંદિર અને ભૃગુ ઋષિનો આશ્રમ પણ આ જ સ્થળે આવેલો છે. આ મંદિરથી ૨ કી.મી દૂર શિવાજી મહારાજનો સરસગઢનો કિલ્લો આવેલ છે.

મુદ્ગલપુરાણમાં આ સ્થળનો મહિમા ગાતા કહ્યું છે કે જે કોઈ ભક્તજન અહીં આવીને ઢૂંઢી વિનાયક અને બલ્લાલેશ્વરજીના દર્શન કરી પાવન થશે તે ભક્તજીવોને જરૂર મોક્ષ મળશે.

– પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ