પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી 12


પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..!

એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ‘ ઝીરો ‘ જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં ‘નાડ-પારખું’ નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! ‘પંચાતિયા’ એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં! આ લોકોને રહેવા માટે ઘર નાનું હોય તો ચાલે, પણ ઓટલો “રોડ-ટચ” હોવો જોઈએ! જેથી ધંધાનો વિકાસ સારો રહે!

પંચાત કરવી એ પણ એક કળા છે. જે વાત હસ્તરેખામાં કે કુંડળીમાં ના હોય, એ એમના ભેજામાં હોય! આ બધી ભગવત વ્યવસ્થા છે. મારો બનાવેલો માણસ પૃથ્વી ઉપર જઈને શું ધંધા કરે છે, એ જાણવા માટે ભગવાને જ આવા જાણભેદુને ગામે ગામ ઠાલવેલા, એટલે તો એ આપણને ગમે ત્યાં અડફટમાં આવે. માત્ર કલાકાર કે ભગવાન જ ધરતી ઉપર થોડાં અવતરે છે? આવા ફટીચર પણ ટપકે. અને તે પણ એક પર એક ફ્રી ની માત્રામાં. જેમ ભગવાન સર્વવ્યાપી, એમ આ કોડા પણ સર્વવ્યાપી, પછી એ પુરુષ હોય કે સ્ત્રી. એમાં કોઈ જાતિ ભેદભાવ નહીં. જેમ એક પણ ગામ હનુમાનજીની દેરી વગરનું ના હોય, એમ એક પણ ગામ એવું જોવા નહીં મળે કે, જ્યાં કોઈ ‘પંચાતિયા’ ની પેદાશ ના હોય! કદાચ.. ઓછાવતા કેરેટનો હોય, પણ હોય તો ખરો જ.

મોટામાં મોટી તકલીફ એ વાતની કે બહારથી આ લોકો ખૂબ સોજ્જા લાગે. આપણને તો, જોતા વેંત ‘લવ’ થઇ જાય પણ પછી ફેણ પાછળથી કાઢે. એની ભૂરકી જ એવી કે એ આપણા રેશનકાર્ડનો જ માણસ લાગે. જાણે એનું અને આપણું રસોડું એક ના હોય? આપણો ભીષ્મપિતા બનીને આપણને સલાહ આપવા માંડે કે, “તમારે કયા પ્રકારના શાકભાજી ખાવા જોઈએ, કયા પ્રકારના કપડાં પહેરવાથી તમે માર્કેટમાં ‘હેન્ડસમ’ લાગો, કઈ રાશિની છોકરી પાછળ પડવાથી ટાંટીયા નહીં ભાંગે, મગજનો કચરો કાઢવાથી સ્વચ્છતા અભિયાન સફળ થાય કે રસ્તાનો.. આ બધું પછી એ જ વિચારે.” આપણે તો ખાલી કાન જ ખુલ્લા રાખવાના, આંખ નહીં! તારી ભલી થાય તારી ચમનિયા.. કોની ગાય કોનું ખાય, અને હાંકે એનું ફલાણું થાય પણ, આપણાથી આવું બોલાય નહીં, ખાલી ગણગણાય! આ તો એક વાત, બાકી, નસીબદાર હોય એને જ આવો ‘પંચાતિયો’ પડોશમા મળે. યાર આજે આપણી ચિંતા કરવાવાળું છે કોણ? અને તે પણ મેડ ઇન અમેરિકા જેવાં! કારણ અમેરિકા સિવાય કઈ કન્ટ્રીને જમાદારીનો શોખ હોય?

ચમન ચક્કીનું તો દ્રઢપણે માનવું છે કે આ બધાં કોડા સમુદ્ર મંથનની જ પેદાશ છે! એ વિના આવા ‘પંચાતિયા’ નો સ્ટૉક આવે ક્યાંથી, જે હજારો વર્ષ થયાં છતાં પૂરો થતો જ નથી? અને હજી તો જન્મતા જ જાય છે. જ્યાં જ્યાં વસે એક પંચાતિયો ત્યાં ત્યાં સદાકાળ પંચાત! એ જ્યાં વસે ત્યાનું ગામ પણ વખણાય, ફળિયું પણ વખણાય અને ઘર પણ વખણાય! ગામમાં સજ્જન માણસ હોય કે ન હોય, પણ આ કરમ ફૂટેલા તો હોય જ.

આ લોકો ભણવામાં ભલે એમ. પી. હોય. આઈ મીન ‘મેટ્રિક પાસ’ પણ કોઈપણ પ્રશ્નના તત્કાલ ઉકેલ લાવવામાં કાબેલ! પછી એ પ્રશ્ન અટલ બિહારી બાજપાઈને ભારત રત્નનો અવોર્ડ આપવાનો હોય, જમ્મુ કાશ્મીરમાં પી.ડી.પી સાથે પિપૂડી વગાડી સરકાર રચનાનો હોય, કે પછી સલમાન ખાનને પરણાવવાનો હોય, ચપટીમાં આઇડિયા આપે!
એ તો સારૂં છે કે જન્મતા વેંત બોલતું નથી. બાકી જનમતાની સાથે જ નર્સને પણ પૂછી નાંખે, “હલ્લો. હાવ આર યુ? હેવ યુ એની પ્રોબ્લેમ સિસ્ટર? ડોન્ટ વરી, હવે હું આવી ગયો છું! પગાર નિયમિત મળે છે ને? ફિક્સ પગાર ઉપર છો કે રેગ્યુલર ઉપર! જો પૂરો પગાર ના મળતો હોય તો કહેજો, આપણે બધુ ઓ.કે. કરી દઈશું! તારી ભલી થાય તારી ચમનિયા! હજી તારા ડાઈપરના તો ઠેકાણા નહીં, અને વાત શેખચલ્લીની!

આ લોકોને.. ઓટલો ભલો ને પંચાત ભલી. આખો દિવસ એના હિડન કેમેરા આપણા ઉપર લાગેલા જ હોય! તમે, પેટી – પટારા – પાર્સલ – પડીકાં – સૂટકેસ – બાસ્કેટ – એર બેગ – બોલ બેટ – વોટર બેગ વગેરે બધ્ધું બહાર કાઢીને, ઘરને તાળું મારતાં હોય એટલે તરત પૂછે, “બહારગામ જાઓ છો?” ના. આ બધો સરસામાન લઈને ફેમિલી સાથે પાન ખાવા જઈએ છીએ.. કદાચ આવું કહેવાનું મન થાય તો, બોલવું નહીં, ગળી જવાનું! કારણ… આવું તો રોજનું લાગ્યું ને બોસ. આ તો કુદરતી સેટિંગ કહેવાય. એનાથી ગમે એટલો છટકવાનો પ્રયાસ કરો ને પણ એ તમને સામો મળે જ મળે!

વર્ષના વચલે દિવસે માંડ ટોકીઝમાં ફેમિલી સાથે ફિલ્મ જોવા બેઠાં હોય તો પણ આવા લુખેશ, આપણી બાજુની સીટમાં જ હોય. ત્યારે તો આપણને એવું જ થાય કે, “ઘરની દાઝી વનમાં ગઈ, તો વનમાં પણ લાગી લ્હાય..” ત્યાં પણ આપણને પડતાં નહીં મૂકે! તરત ભોંયફટાકો ફોડે, “પિક્ચર જોવા આવ્યાં છો?” શું કહેવું એને? આમ કહીએ તો ચાલે કે નહીં, “ના. આ બધાને લઈને અમે અહીં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવ્યા!” તારી ભલી થાય તારી ચમનિયા!

– રમેશ ચાંપાનેરી


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી

  • જયેન્દ્ર પંડ્યા

    મુરબ્બી શ્રી જીગ્નેશભાઈ
    ચાંપાનેરી સાહેબનો લેખ વાંચી મિત્રો સાથે નો સંવાદ યાદ આવી ગયો. કોલેજ કાળમાં આવીજ કંઈ વાતો થતી અને ખુબજ આનંદ આવતો. ફરી તેવોજ આનંદ આ લેખ વાંચી આવી ગયો.
    બીજું આપને વિનંતી કે આલેખ ની નકલ print કરવા માટે link આપજો જેથી ક્યારેક તે print કરી મારા માતોશ્રી ને વાંચવા આપી શકાય. તેઓની ઉમર ૮૨ હોઈ તે કંઈ ઈન્ટરનેટ વિગેરે ન જોઈ શકે માટે print કરવાની વ્યવસ્થા રાખશો જેથી મારા માતોશ્રી માટે ક્યારેક સારા લેખો print કરી વાંચવા આપી શકાય-જયેન્દ્ર નો આભાર અને જય શ્રી કૃષ્ણ

  • Umakant V Mehta.

    ” ગોળ વિના મોળો કસાર, પંચાત વિના સૂનો સંસાર્.”
    ઊંમાકાન્ત વિ. મહેતા. (ન્યુ જ્રર્સી )

  • Umakant V. Mehta

    “ગોળ વિના મોોળૉ કંસાર, પ્ંચાત વિના સૂનો સંસાર.”
    ઉમાકાન્ત વિ.મહેતા. ન્યુ. જર્સી

  • Dhiraj G Parmar

    કલાકારી રામા,
    ભલાકારી રામા.
    કયા કૂલ હૈ હમની સીઝનમા ગરમાટો આવી ગયો.