પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯) 1


આ પહેલા ‘પથિક કોઈપણ કામ પુરું નથી કરતો’ શીર્ષક હેઠળ પ્રસ્તુત થયેલ ભાગ ૧ અને ભાગ ૨ અને ભાગ ૩ ક્લિક કરીને વાંચી શકાશે. આજે પ્રસ્તુત છે બાળકની અયોગ્ય વર્તણુંકના કારણો સમજાવતો ત્રીજો મણકો.

આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’  શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.

એક વિશિષ્ટ બાળકની માતા સાથે કાઉન્સેલિંગ દરમિયાન બાળકની તકલીફ વિશે જાણ્યું ત્યારે સમજાયું કે બાળકની તકલીફ મોટી દેખાય છે પણ તેનો ઉકેલ જો માતા દિવસમાં ખાલી બે કે ત્રણ કલાક કાઢી શકે તો સરળ છે. માતા આખો દિવસ ઘરમાં જ રહેતી અને પૈસે ટકે સંપન્ન હોવાથી ઘરનાં રોજીંદા કામ સિવાય માતાને ભાગે ખાસ કામ કરવાનું આવતું નહી. મારી પાસે આવ્યાં ત્યારે બાળકની માતા એટલાં બધા ચિતિંત હતા કે મને લાગ્યું એ બાળક માટે કંઇ પણ કરવા તૈયાર થશે એટલે એમને પૂછ્યાં વગર જ બાળકને શું શું કરાવવું પડશે તેનો વિગતવાર ચાર્ટ બનાવ્યો અને હજી તો એમને સમજાવવાંની શરૂઆત જ કરી ત્યાં એમણે પૂછ્યું, ‘બેન, પણ મારા બાળકને આ બધું કરાવશે કોણ? મને તો જરાય સમય ન મળે, બપોરે થોડો આરામ કરું અને સાંજે 7-11 ટીવી જોઉ, એટલે જ તો સાંજની રસોઈ પણ 6-6:30 એ બનાવી કાઢુ. એના પપ્પા તો આખો દિવસ બહાર રહીને ફ્રેશ થાય પણ હું તો ઘરમાં ને ઘરમાં, મને પણ આખા દિવસમાં કંઇક તો મનોરંજન જોઈએને!!!!’ મારા કાને જે સાંભળ્યું તેનો મનને ભાર લાગ્યો અને મારું મગજ જે સમજયું તેનો હૃદયને ભાર લાગ્યો અને હજીએ લાગે છે. વિશિષ્ટ બાળકની માતા હોવા થકી એમણે સામાન્ય બાળકોની માતાઓની સરખામણીએ પોતાનાં બાળક માટે વધુ સમય ફાળવવાની આવશ્યકતા હતી પણ ટીવી જોવાની લાલસા બાળક પ્રત્યેનાં કર્તવ્ય કરતા બળવાન નીકળી. ખૂબ દુ:ખ થયું પણ કડવી સચ્ચાઈ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આ વાતને 3 કે કદાચ તેથી પણ વધુ વર્ષ થઈ ગયાં, એ બેન હજી પણ કોઈ એવી વ્યક્તિની શોધમાં છે જે પૈસા લઈ મે સૂચવેલી પધ્ધતિ પ્રમાણે એમનાં બાળકને રોજ 2-3 કલાક તાલીમ આપે!!!!!

બીજો એક કિસ્સો અમારાં ઘરનો જ છે. અમારા કુટુંબની જ એક દીકરી ભણવામાં લગભગ 75 ટકા લાવી શકે તેવી, દસમાં ધોરણની પ્રિલીમ્સમાં ઓછાં માર્ક્સ લાવી. એના મા-બાપ દીકરીને લઈને મારે ત્યાં આવ્યાં અને કહ્યું, ‘ભાભી આને વાર્ષિક પરીક્ષા સુધી તમારે ત્યાં જ રાખો અમારા ઘરે આખો વખત ના પાડવા છતાં અમારી સાથે બેસીને ટીવી જોયાં કરે છે તમારે ત્યાં તો ટીવી જ ચાલુ ના હોય એટલે એણે ફરજીયાત ભણવું જ પડશે.’ ટીવીની ON/OFF ની સ્વીચ તો આપણાં હાથમાં જ હોય છે એવું દીકરીને પરીક્ષા સમયે બીજાને ત્યાં મુકવા તૈયાર થયેલાં આ વાલી સમજતાં નહી હોય એમ લાગે છે???? ના… પણ ટીવીની લત એ કોઈ નશાની લતથી કમ નથી. મોટેરાઓની ટીવીની લત માત્ર એમનાં બાળકો માટે જ નહી પણ સમગ્ર પરિવાર માટે અનેક રીતે નુકશાનકારક છે. આ એક આખો મુદ્દો અલગ રીતે રજૂ કરવા પાત્ર છે. હમણાં વિષયથી વધુ દૂર ન જતાં માત્ર એટલું જ કહેવાનું કે ટીવીનાં અયોગ્ય અને અતિ ઉપયોગ રૂપી દુષણથી માત્ર બાળકોએ જ નહી આપણે સૌએ ચેતવાની જરૂર છે.

વધુ પડતુ ટીવી જોવાથી બાળમાનસ પર થતી અસરો

 1. ટીવી પરનાં દરેક કાર્યક્રમમાં દર 7-8 મિનિટે કોમર્શિયલ બ્રેક આવે છે. નિયમિતરૂપે ટીવી જોતાં બાળકોનું માનસ દર 7-8 મિનિટે આવતાં આ બ્રેકથી એટલું બધુ ટેવાય જાય છે કે ધીમેધીમે કરતાં એમની એકાગ્રતાથી કોઈપણ કામ કરવાની, જોવાની કે સાંભળવાની ક્ષમતા ઘટતી જાય છે. બાળક શાળામાં શિખવાડવામાં આવતાં વિષયો પર બરાબર ધ્યાન નથી આપી શકતું અને એની અસર બાળકનાં પરિણામ પર પડે છે. સામાન્ય રીતે કોઈ વાત ધ્યાનપૂર્વક સમજવા, જોવા કે સાંભળવા માટે બાળકનું માનસ 30-45 મિનિટ સુધી એકાગ્ર રહી શકે છે પછી થોડી મિનિટનાં અંતરે ફરી પાછું 30-45 મિનિટ માટે એકાગ્ર થઈ શકે છે. શાળામાં એટલે જ એક તાસ 30-45 મિનિટનો રાખવામાં આવે છે. નિયમિત રીતે અને વધુ પડતું ટીવી જોતાં બાળકોની એકાગ્રતા ક્યારેક એટલી બધી ઘટી જાય છે કે ADHDનું ખોટું નિદાન થવાં સુધીની નોબત આવે છે.
 2. ટીવીની flickering light (ઝબૂક ઝબૂક થતી રોશની) મગજનાં જ્ઞાનતંતુઓને થકવી નાખે છે. આપણને ખોટો ખ્યાલ છે કે ટીવી જોઈને ફ્રેશ થવાય છે. વધુ પડતુ અને સળંગ ટીવી જોવાથી મગજને થાક લાગે છે. આપે જાતે જ ઘણીવાર અનુભવ્યું હશે કે સળંગ 2-3 કલાક ટીવી જોયાં પછી માથુ દુ:ખે, આંખ દુ:ખે, સુસ્તી લાગે અને થાક લાગતો હોય છે.
 3. વધુ પડતુ ટીવી જોવાનાં કારણે થાકી જતાં જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા ઘટી જાય છે જેનાં કારણે બાળકની યાદશક્તિ ઓછી થઈ જાય છે.
 4. ટીવી જોતી વખતે બાળક મૌન રહે છે આથી ધીરે ધીરે બાળકની વાણીની ચપળતા ઘટતી જાય છે. બાળકોની બોલવાની અને લખવાની ક્ષમતા મંદ પડે છે.સારૂ બોલી ન શકતાં બાળકો સારૂ લખી પણ નથી શકતાં.
 5. પહેલાં બાળકો શાળાનાં અને લેશન કરવાનાં સમય સિવાયનાં સમયમાં ભેગા મળી રમતાં. આ રમતોથી બાળકોનો સહજપણે શારિરીક તથા માનસિક વિકાસ થતો. રમવાથી લોહીનું પરિભ્રમણ ઝડપથી થઈ શરીરને વધુ ઓક્સીજન વાળું લોહી મળતું, બાળકનું શરીર કસાતું અને આપમેળે વૃધ્ધિ પામતું. ભેગા મળીને રમવાથી ભાઈચારાની ભાવના બાળકોમાં આપોઆપ વિકસતી. નાના/નબળાં બાળકોને દૂધ-પૌંવા ગણતા તેમાં નાના બાળકો પ્રત્યે પ્રેમ અને નબળા બાળકો પ્રત્યે સમભાવ કેળવાતો. સામ-સામે ટીમ બનાવીને રમવાથી જૂથભાવના કેળવાતી, જૂથને જીતાડવા માટે પોતાનાં યોગદાનનુ મુલ્ય સમજાતું, જૂથ માટે કંઇક નોંધપાત્ર કરી બતાવવાનાં જોમ-જૂસ્સો પ્રગટતાં અને ‘સાથે મળીને કાર્ય કરવાથી કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થાય છે’ એનો બોધ આપમેળે મળી જતો. જૂથમાં રમવાથી લીડરશીપનાં લક્ષણો કેળવાતા અને લીડર પસંદ કરવાની ક્ષમતા કેળવાતી. મેદાની રમતો બાળકને હાર ખમતાં કરતી અને જીતવા માટેનું ચાલકબળ પુરું પાડતી. લખોટી, ભમરડાં, ગીલ્લી ડંડા જેવી રમતોથી બાળકમાં એકાગ્રતા આવતી.

હવે ફુરસદનાં સમયે માત્ર ટીવી જોતાં બાળકોમાં ટીવી સામે બેસી રહેવાનાં કારણે શરીરનું પુરતું હલન-ચલન નથી થતું આથી બાળકોની પાચનશક્તિ મંદ પડે છે, બાળકોને ભૂખ ઓછી લાગે છે અને વળી જે ભૂખ લાગે છે તે સંતોષવા માટે ટીવી સામેથી ઊભા થઈ થાળી પર બેસવું ગમતું નથી માટે ટીવી સામે બેઠાં બેઠાં જ તૈયાર પેકેટમાંથી ખાવાની આદત પડે છે. આવો ખોરાક ખાવાથી શરીર માટે જરૂરી એવાં પોષક તત્વોની શરીરમાં ઉણપ વર્તાય છે. વળી પેકેટમાંના ખાધ્યપદાર્થો અન્ય ઘણી રીતે નુકશાનકારક હોય છે. એમાં વપરાયેલાં કલર, પ્રીઝરવેટીવ્સ, તેલ, ફ્લેવર …..બધું જ નુકશાનકારક છે. આજનાં બાળકો બેકરી પ્રોડક્ટસનો પણ બહોળો ઉપયોગ કરે છે, બેકરી પ્રોડક્ટસ જઠરાગ્નિને મંદ કરી પાચનતંત્રને નબળું બનાવે છે. આવાં બાળકો શારીરિક રીતે નબળાં રહે છે, વારંવાર માંદા પડે છે અને તામસી બને છે.

 1. શારિરીક હલન-ચલનનાં અભાવે બાળકનું શરીર સ્થુળતા પકડે છે. શરીરમાં આળસ ભરાય છે. કોઈપણ પ્રવૃત્તિ કે કોઇપણ કામ કરવાની ધગશ આવતી નથી. નાની ઉંમરથી જ બાળકો ફૂલેલાં, નીરસ અને એદી બની જાય છે.
 2. ટીવી જોતી વખતે બાળક ચેનલવાળાં જે બતાવે તે વિચાર્યા વગર જોયા કરે છે. વળી ટીવી પરનાં દ્રશ્યો  ઝડપથી બદલાતાં હોવાથી બાળકને કંઇક અલગ વિચારવાનો સમય જ નથી મળતો આથી ધીરે ધીરે બાળકની વિચારશક્તિ કુંઠિત થવા લાગે છે. જે બાળક વિચારતું નથી તે શીખી નથી શકતું. આમ બાળકની નવું શીખવાની શક્તિ વિકસતી નથી. બાળકની સર્જનાત્મકતા ઘટે છે. વિચારશીલ ન હોય તેવા બાળકોને અન્યો સાથે તાદાત્મ્ય જાળવવામાં મુશ્કેલી પડે છે. તેમનો SOCIAL QUOTIENT ઓછો રહે છે અને કેટલાંક અંશે એકલપેટા રહે છે. સમાજ પ્રત્યે એમની સંવેદનશીલતા પણ ઘટે છે.
 3. ટીવી પર તૈયાર મનોરંજન મળતું હોવાથી બાળકો બહાર નીકળી મિત્રો બનાવી રમવાની મહેનત કરવાનું ટાળે છે. બાળકને તૈયાર મેળવવાની એટલી ટેવ પડે છે કે પછી દરેક બાબતમાં પ્રયત્ન કર્યા વગર, વિચારવાની મહેનત કર્યા વગર બસ કામ પુરું કરવાની જ દાનત થઈ જાય છે. ગાઈડમાંથી ઉતારા કરી લેશન પુરું કરવાથી માંડીને પોતાની વસ્તુઓ ઠેકાણે ન મુકવાની બિનજવાબદારી સુધીની બધી જ બાબતો રોજીંદી બની જાય છે.
 4. ટીવી જોવાની લાલચમાં બીજા બધાં જ કામ જેમ તેમ પતાવવાની ટેવ પડી જાય છે. એકવાર વેઠ ઉતારવાની ટેવ પડે પછી એ બાળકોને ચીવટાઈ શીખવાડવી ખૂબ અઘરું બની જાય છે.
 5. ટીવી પરનાં કાર્યક્રમોને કારણે બાળકો હિંસક મનોવૃત્તિ ધરાવતાં થાય છે. ટીવી સિરિયલ્સમાં ભૌતિકતાનું અતિશય પ્રદર્શન તથા મહત્વ બતાવાતું હોય બાળકોની સંવેદનશીલતા ઘટે છે, બાળકોમાં પરસ્પર પ્રેમ અને હૂંફની ભાવના ઘટે છે, બાળકો જીવનનાં મુલ્યો તથા સિધ્ધાંતોની અવગણના કરતાં થાય છે, બાળકો નાની ઉંમરે જ સ્વાર્થી તથા ગણતરીબાજ બને છે.
 6. ટીવી પર બતાવાતી અવાસ્તવિકતા કેટલીકવાર બાળકોને મુંઝવે છે અને કેટલીકવાર બાળક દિવાસ્વપ્નોમાં રાચતું થાય છે.
 7. દરેક જાહેરાતમાં સ્ત્રીનાં શરીરનો રમકડાંની જેમ ઉપયોગ થાય છે. જાહેરાત ફર્નીચરની હોય, રેઝરની હોય, કારની હોય, પરફ્યુમની હોય કે વીમાની પોલીસીની હોય દરેકમાં સ્ત્રીનાં અડધાં-પડધાં ખુલ્લાં શરીરની સજાવટ ભેર નુમાઇશ કરવામાં આવે છે જેને કારણે બાળપણથી જ બાળકનું સ્ત્રી દાક્ષિણ્ય ઘટે છે.
 8. જાહેરાતો જોઇને બાળક રોજે રોજ નવી નવી માંગણીઓ કરતું થાય છે અને માંગણી પૂરી ન થતાં જીદ કરતું થાય છે, ગેરવર્તણુંક કરતું થાય છે. બાળક શરતો મુકતું થાય છે. ‘આટલું અપાવો તો આમ કરું….આ ખવડાવો તો લેશન કરું ….’ વિગેરે…
 9. બાળકની અંદર અવિરત ઉર્જાસ્ત્રોત હોય છે પણ લાંબો સમય ટીવી સામે બેસી રહેતાં બાળકની ઉર્જા વપરાતી નથી અને શરીરમાં સંગ્રહ થાય છે. ટીવી બંધ થતાં જ બાળકની સંગ્રહાયેલી શક્તિ ઉછાળો મારે છે. બાળક હેતુહીન અને કાબૂ બહારની ઉછળ કૂદ કરે છે. ક્યારેક બાળક એટલી બધી વિચિત્ર અને અસામાન્ય વર્તણુંક કરે છે કે ADHDનું ખોટું નિદાન થવાની સંભાવના ઉભી થાય છે.

આપણે શું કરવું જોઇએ?

 • દિવસ દરમિયાન કેટલો સમય ટીવી જોવું, આખા અઠવાડિયા દરમિયાન કયા દિવસે કયો કાર્યક્રમ જોવો તે બાળકની સાથે બેસીને પહેલેથી જ નક્કી કરી દેવું અને પછી બાળકને એજ પ્રમાણે કરાવવું.
 • જોવાનાં કાર્યક્રમોને બે સરખાં ભાગમાં વહેંચવા. અડધાં કાર્યક્રમો માત્ર મનોરંજન આપનારાં અને બાકીનાં અડધાં માહિતી પ્રધાન.
 • ટીવી જોવા સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં બાળકને રસ લેતાં કરવાં. ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો, ચિત્રકામ, કાગળકામ, ક્રાફ્ટ, ઇતર વાંચન, બાગકામ, ઘરનાં રોજીંદા કામમાં નાની-મોટી મદદ કરવી વિગેરે….
 • શક્ય હોય ત્યાં બાળકને મેદાની રમતો રમવાં માટે પ્રોત્સાહિત કરવું. શક્ય ન હોય ત્યાં થોડા થોડા સમયનાં અંતરે બાળકનાં મિત્રોને ભેગા કરી કોઇ ખુલ્લી જગ્યામાં, જગ્યાનાં હિસાબે શક્ય હોય તેવી રમતો રમાડવી.
 • વેકેશનમાં બાળકને નેચર કેમ્પ, વિવિધ ટ્રેકીંગ કેમ્પ, કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાલતાં જન-જાગૃતિ કેમ્પ, વિકલાંગ બાળકો તથા વૃધ્ધો માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા યોજાતાં કાર્યક્રમોમાં મદદનીશ તરીકે મોકલવું વિગેરે અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવી શકાય, જે બાળકનાં સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
 • શક્ય હોય તો ટીવી ડ્રોઈંગરૂમમાં ન રાખતાં અંદરનાં રૂમમાં રાખવું જ્યાં સહેલાઈથી આવ-જાવ ન થઈ શકતી હોય.
 • ટીવીની આડઅસરો વિશે બાળકને સમજાવવું. તમે ટીવી બાબતે નક્કી કરેલાં નિયમોનાં કારણો આપવાં અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓથી થતાં ફાયદા સમજાવવાં.
 • ટીવી જોવા બાબતે બનાવેલાં નિયમો માત્ર બાળકોને જ લાગુ ન પાડતાં ઘરની નાની મોટી દરેક વ્યક્તિ એ નિષ્ઠાપૂર્વક નિયમોનું પાલન કરવું. ઘણીવાર બાળકોની સાથે સખતાઈથી વર્તતાં મા/બાપ કે દાદા/દાદી પોતે કલાકો સુધી ટીવી જોયા કરતાં હોય છે.

આપનો પ્રતિભાવ આપો....

One thought on “પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯)