પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯) 1
આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’ શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.