શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ 4


“મનુષ્યનું માનવી તરીકેનું સંપૂર્ણ પ્રગટીકરણ કરાવે તે એટલે સાચું શિક્ષણ.” – મહાત્મા ગાંધી

વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.

કાળક્રમે, ‘મંત્ર’ – ‘તંત્ર’ – ‘યંત્ર’ અને આજે ‘ષડયંત્ર’ની ચુંગલમાં ફસાયેલો માનવી ‘પરતંત્ર’ રહ્યો, પરંતુ ‘સ્વતંત્ર’ ક્યારે બનશે? અને એ પણ માત્ર તેજસ્વી, પ્રભાવશાળી, અસરકારક, વાસ્તવલક્ષી શિક્ષણ હોવું જોઈએ નહિ કે માત્ર પરીક્ષાલક્ષી. આજે, એજ્યુકેશનના નામે સ્કુલોમાં કેળવણીના વ્યવહાર પરત્વે ‘પરંપરાગત’ અને ‘પ્રગતિશીલ’ વચ્ચે વિવાદનો મધપુડો છંછેડાયા કરે છે. પરંતુ મુખ્ય હેતુ એ છે કે ઉગતા બાળકોને (રાઈઝીંગ ચાઈલ્ડ) વ્યવસ્થિત માહિતી અને આવડતરૂપી શિક્ષણ આપીને ભવિષ્યની જવાબદારીઓ માટે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી શકે એ હદે માનસિક રીતે મજબુત બનાવવાનો છે નહિ કે શિયાળ જેવા કાયર. અને આ વિવાદ હંમેશને માટે માત્ર ચર્ચાનો વિષય બનીને રહી જાય છે અને પરિણામ હમેશા ‘પેન્ડીંગ’ રહી જાય છે. અભ્યાસક્રમ નક્કી કરનારા શિક્ષણ જગતના સલાહકારો જ એટલી હદે કોપી-પેસ્ટીયા બની ગયા છે કે ગમે ત્યાંથી મારી મચડીને બધું જ સામેલ કરે. ‘એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટોરી’ ની માફક ‘ભાર વિનાનું ભણતર’ ની એડ આપ્યા કરે.

સ્વામી વિવેકાનંદની નજરે, “પ્રથમ દ્રષ્ટીએ આજનું શિક્ષણ વ્યક્તિને માનવી બનાવનારું નથી. એ માત્ર અને માત્ર નાણાને મહત્વ આપતું શિક્ષણ છે. કોઈપણ તાલીમ કે જે નકારાત્મકતાને મહત્વ આપે એ મૃત્યુ કરતા પણ વધુ ખરાબ છે. આજનું શિક્ષણ એટલે મગજમાં ઠાંસી ઠાંસીને ભરેલી પચ્યા વગરની જુદી જુદી બિનજરૂરી માહિતી કે જે અખા જીવન દરમીયાન ‘અનસોલ્વ ક્વેશ્ચન’ બનીને જ રહી જાય છે.”

આજનું શિક્ષણ ખર્ચાળ તો છે જ, છતાં એ ‘પ્રશિક્ષણ’ ન બનતા અભાવના લીધે ‘અશિક્ષણ’ રહી જાય છે. અને વિદ્યાર્થી અબુધ-મીંઢ-ઠોઠ નો પર્યાયી બને છે વાસ્તવિક જીંદગીમાં. આજના સંજોગો જોતા શિક્ષણનો અર્થ એવો નીકળે કે શિક્ષણ એ બાળકની ત્રણ વર્ષની ઉંમરથી નર્સરીથી લઈને છેક ૧૨ માં ધોરણ સુધી સતત ગોખણપટ્ટી દ્વારા સમજણ વિનાના ‘સમજુ’ મુદ્દાઓને વિદ્યાર્થીની ગ્રહણશક્તિ જોયા વગર ‘અપચો’ થાય એવું પીરસવામાં આવતું શિક્ષણ. અને આવી પદ્ધતિમાંથી પસાર થયા પછી પોતાને ક્યાં વિષયમાં રસ છે એ પણ કદાચ વિદ્યાર્થી ઓળખી શકતો નથી અને સતત એક ‘ક્વેશ્ચન માર્ક’ બનીને જ ઉભો રહી જાય છે. મહત્વના વર્ષોમાં વિદ્યાર્થીઓની છાશવારે આત્મહત્યા આ શિક્ષણ પદ્ધતિની ભયંકર નિષ્ફળતા નથી તો બીજું શું છે?
બસ પ્રશ્ન એક જ છે…

‘આટ-આટલા ખર્ચા, મહેનત અને કરકસર કરવા છતાં બાળકોના ભાવિ પ્રત્યેની નિ:શંકતા દુર કેમ નથી થતી?’

રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા અહી તેના મૂળ શબ્દોમાં…

Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action into that heaven of freedom;
My Father,
Let my country awake.

બિલિપત્ર

‘એક’ બાળક ‘બે’ નાકા ખભામાં ચડાવીને ‘ત્રણ’ વિષયના હોમવર્ક સાથે ‘ચાર’ કિલોનું બેગ લઈને ‘પાંચ’ કલાકની સ્કુલમાં ‘છ’ પ્રકારની બોલપેન સાથે ‘સાત’ વાગ્યામાં સોસાયટીના દરવાજે રીક્ષાની રાહ જોતો ‘આઠ’ પીરીયડ સહન કરવા ‘નવ’ સુધીના ઘડિયા પાકા કરીને ‘દસ’ વાગ્યાની રીસેસની રાહ જોતો હોય છે.

– કંદર્પ પટેલ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ

 • Gaurang

  Would like to add few more points;
  1. Our education system does not have objective other than money.
  2. Education system is not qualitative.
  3. Our graduates and post graduates choose teaching as last option to earn money because of this tuition becomes necessity and wealthy business..

 • Deejay

  ક્યાં છે માબાપને સમય પોતાના બાળકને પાસે બેસાડીને આ બધા સંસ્કારો આપવાનો? ધંધાદારી સ્કુલો અને કોલેજો પાસેથી શું આશા રાખી શકો?

 • praful v shah

  article for education is nothing but a cry against the present system. wasting
  childhood and waste our up coming generation. AWAKE for the cause of nation
  POLITICLE PARTIES ARE FIGHTING FOR POWER-THEY KNOW- WE KNOW YET NO BODY CARE.