સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી 3


એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો – “સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો”

પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી.

રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું – “અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? તમે એમ કરો આ ગ્રંથસમૂહને સંક્ષેપમાં રજૂ કરો.”

પંડિતો ફરીથી કામ કરવા માંડ્યા. આ વિશાળ ગ્રંથ સમૂહમાંથી તેમણે તેનું સંક્ષિપ્ત રૂપ બનાવ્યું. આ નવા સ્વરૂપમાં તે જ્ઞાન કુલ ત્રણ મોટા ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યું. પંડિતો આ ત્રણે ગ્રંથો લઈને રાજા પાસે આવ્યા. તેમણે આ ત્રણે ગ્રંથો રાજા પાસે રજૂ કર્યા. રાજાએ આ ત્રણે ગ્રંથો જોયા. ગ્રંથો ખૂબ સારી રીતે તૈયાર થયા હતા. આ ગ્રંથો જોઈને રાજા ખૂબ પ્રસન્ન થાય. આમ છતાં રાજાએ પંડિતોને કહ્યું – “તમારું કાર્ય ખૂબ સારું છે. આ ગ્રંથો ખૂબ સારી રીતે તૈયાર થયા છે. પરંતુ હજુ આ કદ સામાન્ય માનવી માટે વિશાળ છે. તમે એમ કરો હજી આ ગ્રંથનું સંક્ષિપ્ત રૂપ બનાવો.”

પંડિતોએ પોતાની કામગીરી શરૂ કરી. ખૂબ મહેનત કરીને, ખૂબ ચીવટપૂર્વકતેમણે ત્રણ ગ્રંથોનો સંક્ષેપ કરીને તેમાંથી એઅ ગ્રંથ બનાવ્યો. આ એક ગ્રંથ લઈ પંડિતો રાજા પાસે આવ્યા. પંડિતોએ તે ગ્રંથ રાજાની સમક્ષ રજૂ કર્યો. રાજાએ ગ્રંથ જોયો. ગ્રંથ ખૂબ સારો હતો. ગ્રંથ જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. આમ છતાં આ ગ્રંથ પણ તેમને મોટો લાગ્યો. તેમણે પંડિતોને કહ્યું – “તમારી મહેનત ખૂબ સારી છે. ગ્રંથ ખુબ સારો છે. પરંતુ હજુ આ ગ્રંથ પણ મોટો છે. તમે આનું સંક્ષિપ્ત સ્વરૂપ બનાવો અને તેમ કરીને આ ગ્રંથને નાનો બનાવો.”

રાજાજ્ઞા થઈ. રાજાજ્ઞા તો રાજાજ્ઞા છે, પંડિતો ફરી એક વાર કામે લાગી ગયા. ઘણી મહેનતને અંતે સૌ પંડિતોએ સાથે મળીને મોટા ગ્રંથનું સંક્ષિપ્ત સ્વરૂપ બનાવીને તેમાંથી એક નાનો ગ્રંથ બનાવ્યો. આ ગ્રંથ લઈને પંડિતો રાજા પાસે આવ્યા. રાજાએ ગ્રંથ જોયો. ગ્રંથ ખૂબ સારો હતો. રાજા પ્રસન્ન થયા. આમ છતાં રાજાએ કહ્યું – “ગ્રંથ ખૂબ સારો છે. તમે ખૂબ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે. તમે સૌ ધન્યવાદને પાત્ર છો. આમ છતાં મારી ઇચ્છા એવી છે કે આ લખાણને તમે હજુ સંક્ષિપ્ત રૂપ આપો.”

પંડિતોએ ફરી પોતાનું કાર્ય ચાલું કર્યું. ગ્રંથની માહિતી તેમણે એક પ્રકરણમાં સમાવી લીધી. આમ ગ્રંથના સંક્ષિપ્ત સ્વરૂપે એક પ્રકરણ તૈયાર થયું. પંડિતો આ પ્રકરણ લઈને રાજા પાસે આવ્યા. રાજાએ આ આખું પ્રકરણ વાંચ્યું. આ લખાણ વાંચીને પ્રસન્ન થયા. આમ છતાં રાજાએ કહ્યું – “તમારું લખાણ ખૂબ સારું છે. હું તમારા કાર્યથી પ્રસન્ન છું. તમને ધન્યવાદ આપું છું. આમ છતાં મારી ઈચ્છા એવી છે કે આ લખાણને હજુ વધુ લઘુસ્વરૂપ આપો.”

પંડિતોએ રાજાજ્ઞા પ્રમાણે પોતાનું કાર્ય પુનઃ શરૂ કર્યું. તેઓએ એક પ્રકરણના લખાણનું સંક્ષિપ્ત સ્વરૂપ બનાવીને એઅ પાનામાં તે પ્રકરણનો સારભાગ લખ્યો. પંડિતો આ એક પાનાનું લખાણ લઈને રાજા પાસે આવ્યા.

રાજાએ આ લખાણ વાંચ્યું. પંડિતોની વિદ્ધતા અને ડહાપણ પર રાજા ફિદા થઈ ગયા. આ એક પાનામાં પંડિતોએ જણે સમગ્ર જ્ઞાનનો જાણે નિચોડ જ આપી દીધો. રાજાએ કહ્યું – “તમે આ લખાણ ખૂબ સારી રીતે તૈયાર કર્યું. સર્વ જ્ઞાનનો સાર તમે આ એક પાનામાં મૂકી દીધો છે. હું તમારા કાર્યથી ખૂબ પ્રસન્ન થયો છું. આમ છતાં મારી એવી ઈચ્છા છે કે તમે આ લખાણ હજુ વધુ સંક્ષેપમાં રજૂ કરો. હજુ આ લખાણને લઘુ સ્વરૂપ આપો.

રાજાને પ્રસન્ન તો રાખવા જોઈએ. પંડિતો સાથે મળીને ખૂબ વિચાર કર્યો અને તેમણે સમગ્ર અનુવાકનો સાર એક જ વાક્યમાં રજૂ કરી શકાય તેવું વાક્ય તૈયાર કર્યું. વસ્તુતઃ આ વાક્ય સમગ્ર જ્ઞાનના સારરૂપ વાક્ય ગણાય. તેમણે સમગ્ર જ્ઞાનના સારરૂપ તૈયાર કરેલું વાક્ય આ પ્રમાણે છે…

“ભગવાનના ચરણોમાં પોતાનું જીવન નિઃશેષ સ્વરૂપે સમર્પિત કરી દેવું, તે જીવનનું સર્વોચ્ચ રહસ્ય છે.”

એક વિશાળ સરોવરને કિનારે એક નાનું ખાબોચિયું હોય અને સરોવર અને ખાબોચિયા વચ્ચે એક ફૂટની નાની પાળી હોય તો જ્યાં સુધી તે પાળી છે, ત્યાં સુધી જ ખાબોચિયું નાનું ખાબોચિયું છે. જે ક્ષણે પાળી દૂર કરવામાં આવે તે જ ક્ષણે ખાબોચિયું સરોવર બની જાય છે. ખાબોચિયા અને મહાન સરોવર વચ્ચેના એકત્વને એક નાની પાળી બાધારૂપ બને છે. પાળી દૂર થતાં જ એકત્વ સિદ્ધ થાય છે.

આ નાની પાળીનું નામ છે – અહંકાર. આપણે આપણી નાની અજ્ઞાનજન્ય અહંચેતનામાં જીવીએ છીએ. તેથી આપણે પરમ ચેતનાથી આપણી જાતને ભિન્ન સમજીએ છે. જે ક્ષણે અહં ચેતના વિલિન થાય છે, તે જ ક્ષણે આપણે આપણી જાતને પરમ ચૈતન્ય સાથે અદૈત્યરૂપે અનુભવીએ છીએ. તે ક્ષણે અનુભવાય છે કે હું અને મારા પ્રિયતમ પ્રભુ તો એક જ છીએ.

હવે પ્રશ્ન એ એ કે આ લઘુ અહંચેતનાનું વિલીનીકરણ થાય કેવી રીતે? તે માટેનો રાજ માર્ગ છે – પોતાના જીવનનું પરમાત્માના ચરણોમાં નિઃશેષ સમર્પણ. તેથી જ સર્વ જ્ઞાનનો સાર છે – સમર્પણ!

ભગવાનનું વચન છે –

“સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણમ્ વ્રજઃ’
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષપિષ્યામિ મા શૂચઃ.

“હે અર્જૂન! તું સર્વ ધર્મોનો ત્યાગ કરીને મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. તું શોક ન કર.”
– શ્રીમદ ભગવતગીતા (૧૮-૬૬)

  • ભાણદેવજી

આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી