બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 6


૧.

એ બધું જ
કવિતામાં લખી શકાય તો?
તારા શહેરના
એ તન્હા-તન્હા દિવસો
ને
લાંબી લાંબી રાતો,
ભાડાના રૂમ પર ઉતરી આવતી
ઉદાસ સાંજ
રાત્રે બારીમાં થઇ
પથારીમાં આવી જતા
ચાંદનીના ટુકડા
પાછલી રાતે પ્રસરી જતી
રાતરાણીની મહેક
મોડી ઊગતી સવારો
ચા ની રેકડી પર
ઊતરી આવતું સભર અંધારું
વરાળ બની
ઊડી જતી ઇચ્છાઓ..

તને ઝંખતો-ચાહતો,
તારી એક ઝલક માટે
શહેરના પહોળા રસ્તાઓની
સાંકડી ફૂટપાથ પર
સતત ભટકતો રહેતો હું…

આ બધાથી અજાણ(?)
પોતાનામાંજ વ્યસ્ત
રૂપગર્વિતા એવી તું.

નોવિનો વિસ્તાર આગળ
કપાઈ ગયેલા પેલા
ગુલમહોરના ત્રણ ઝાડ,
પાસે તૂટી ગયેલો બાંકડો,
થોડે દુર તારા ઘર તરફ જતા
રસ્તાનો વળાંક,
ડી માર્ટ રોડ પરનું
સીટી બસનું એ ઉદાસ સ્ટેન્ડ
ને પછી એક રોજ
મારું શહેર છોડી જવું

આજે એક વરસાદી સાંજે
આ લખ્યા પછી
વિચારું છું:
શું એ બધું જ
કવિતામાં લખી શકાયું છે???

૨.

આજે ફ્રેન્ડશીપ ડે છે.
આગલી સાંજથી જ દોસ્તોના
‘ફોરવર્ડ’ થઇ થઇ ને
થાકી ગયેલા મેસેજ
મોબાઈલ ફોનમાં ટપકી રહ્યા છે.
દોસ્તીમાં જાન આપી દેવાની
વાતો કરતા મિત્રો
મેસેજ લખવાની એક મિનીટ પણ
નહીં કાઢી શકતા હોય?

અમસ્તો જ હું
મુખ્ય બજાર તરફ
લટાર મારવા નીકળી પડું છું.
રસ્તામાં ફ્રેન્ડશીપ બેલ્ટની
આપ-લે કરતા
યુવક-યુવતીઓ દેખાય છે.
બધાના હાથ પર બેલ્ટ બાંધેલા છે.
ઠેર-ઠેર કાર્ડ અને
ફ્રેન્ડશીપ બેલ્ટની દુકાનો દેખાય છે.
હું પણ એક બેલ્ટ ખરીદી
ખિસ્સામાં સરકાવી દઉં છું.

આખા દિવસની રઝળપાટ પછી હું થાકી ગયો છું.
સાંજ પણ ઢળવા આવી છે
અલબત્ત,
પેલો ફ્રેન્ડશીપ બેલ્ટ હજુ ત્યાં જ છે
-ખિસ્સામાં:
એવો ને એવો અકબંધ!

– દિનેશ જગાણી ‘અલિપ્ત’

દિનેશભાઈ જગાણીના સર્જન સ્વરૂપ અનેક અછાંદસ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજના તેમના બે અછાંદસ આજકાલના વરસાદી ‘ફ્રેન્ડશીપ ડે’ ના વાતાવરણને અનુરૂપ રચનાઓ છે. ફ્રેન્ડશીપ ડે ની નિરર્થકતા અને વરસાદી સાંજે એકલતાના ઓછાયામાં પ્રિયતમની યાદમાં ખોવાયેલ કવિ તેમની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ આભાર, શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’

  • Kalidas V. Patel { Vagosana }

    દિનેશભાઈ,
    આપની અછાંદસ કવિતાઓ બે વાર વાંચી. … પરંતુ કશું યાદ ન રહ્યું ! ખરેખર તો ” જે ગવાય તે સચવાય ” ના ન્યાયે લય, તાલ, ઢાળ વાળી કે છંદોબધ્ધ કવિતાઓ જ ચિર સ્મરણિય રહે છે અને તે લોકજીભે સચવાતી રહે છે તે નિર્વિવાદ છે. આવી કવિતાનો દુકાળ પડ્યો છે, તો તેમાં આપનું યોગદાન ઈચ્છું છું.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Harshad Dave

    અલિપ્ત અને તટસ્થ વચ્ચેનો તફાવત વિચારવા જેવો છે…સાક્ષીભાવ તો ભીતર સાથે વધારે ભાવ જગાવે…પથરાતા વિચારો આકાશમાં અવકાશયાનની લાંબી ધૂમ્રસેરની જેમ ચિત્તમાં એક છાપ છોડી જાય છે…ધૂમ્રસેર આપોઆપ વિલીન થઇ જાય પણ આ અમીટ ભાત અંકિત કરે છે…-હદ.