પરથમ પરણામ મારા લાડુજીને કહેજો… – અરુણા જાડેજા 10


પરથમ પરણામ મારા લાડુજીને કહેજો
જેને ગણેશજીએ વહાલા કરિયા હો જી…

ભારતના સૌ પહેલા મિષ્ટાન્નનો જશ ખાટી જનારા આ લાડુજી, ફર્સ્ટ લેડીની જેમ ‘ફર્સ્ટ સ્વીટ ઑફ ઇન્ડિયા’નું માન મેળવનારા આ લાડુજી. ભટજીને વહાલા આ લાડુજી, દરેક ભારતીયને લાડકા આ લાડુજી. મીઠાઈના મોભી !

સંસ્કૃત लड्डुः કે लड्डुकःમાંથી આવેલો આ મધમીઠો ખાદ્ય પદાર્થ લાડુ એ ગોળ આકારની મીઠાઈનો એક પર્યાય બની ચૂક્યો છે. કોઈ પણ ગળી વાનગીને ગોળ વાળો, એનો પિંડો વાળો એટલે બની જાય લાડુ અર્થાત્ ગોળમટોળ લાડવો, લાડુનું લાડનામ લાડવો. મૂળે તો ઘી, ઘઉં અને ગૉળ એ ગણપતિ બાપ્પાને ખૂબ વહાલાં. શુભ કાર્યે પરથમ પરણામ તો ગણપતિ બાપ્પાને જ, એમને તો આ ઘી-ઘઉં-ગૉળનો જ નૈવેદ્ય ધરાવવાનો. ત્યારથી મંગળાચરણ થયાં હશે આ લાડુજીના. પણ આ લાડુને એવો કોઈ વહેરોઆંતરો નહીં. શુભ જ નહીં અશુભ પ્રસંગે પણ અવશ્ય હાજરી પૂરાવનારા અને અમસ્તાયે મ્હાલનારા. લગ્નના જમણવારમાં જ નહીં પણ લગ્નના મહિના બે મહિના પહેલાંથી જ ઊઘલવા નીકળેલા લાડકવાયા વરરાજાને સગાંવહાલાં લાડુ ખવડાવવા માટે પડાપડી કરતા હોય, તેથી જ એ લાડકા લાડુ. લાડુ કહેતાની સાથે જ આંખ સામે આવી જાય આ ચૂરમાના લાડુ. ટૂંકમાં ચૂરમાના લાડુ એ આદિ લાડવાચાર્ય ખરા. મોટા મનથી મોવેલા ઘઉંના લોટનાં મૂઠિયાં, કોઠાસૂઝથી મધ્યમ તાપે તળેલાં એ મૂઠિયાં, એ વરાળિયાં મૂઠિયાંનો ભરભરો ભૂકો, એમાં પડતો દેશી ગૉળનો ચુરો, એ ઘઉંગૉળમાં ઠલવાતું ચોખ્ખું સોડમિયું ઘી અને પછી તો એ લાડુના જેટલા લાડ લડાવો તેટલા ઓછા. શેકેલું કોપરું, ખડીસાકર, એલચી, દરાખ, બદામ; છેલ્લે ખસખસમાં રગદોળીને સામે પડેલા થાળમાં કુનેહપૂર્વક ઉછાળીને ઉપરથી એવા તે બિરાજમાન કરવાના કે નાસિકના સુંદર બેઠકદાર લોટા જેવી બેઠકવાળા લાડુજીનો વટ જોતાં જ રહી જાઓ. દેખતા જ હરખાઈ જવાય તેવો હર્ષવદની, હસમુખોય.

લાડુનું નામ પડતાં પહેલાં તો સ્વાભાવિક જ દુંદાળા ગણેશજી યાદ આવી જાય તેમ ગણેશજીનો વરદ્ હસ્ત લાધેલી દુંદ પર ઝૂલતી જનોઈવાળા, ભાલે શોભતા તિલકવાળા અને જટાજૂટ શ્વેત દાઢીવાળા પરમ પૂજ્ય ભૂદેવ પણ તરત જ સાંભરે. વર્ષો પહેલાં મુંબઈ સમાચારની પૂર્તિની એક મુલાકાતમાં આવા જ જટાજૂટ લાડુભટ્ટ અર્થાત્ આપણા વહાલસોયા કવિ મુ. રાજેન્દ્ર શુક્લે — ઉપર્યુક્ત સાંગોપાંગ શાસ્ત્રોક્ત વિધિ સાથે અધરાતેમધરાતે પોતે લાડવા કરી તો જાણે પણ પછી નિરાંતે આરોગી જાણે — એવું સગર્વ કહ્યાનું મને બરાબર યાદ છે. બામણભાઈનો લાડુ સાથેનો જન્મોજન્મનો નાતો એવું કહેવાય છે, કહેવતોમાં. ‘બ્રાહ્મણ ભટ્ટ ને લાડુ ચટ્ટ’, ‘બ્રાહ્મણનું ગયું લાડવે ને કુંભારનું ગયું ઘાડવે.’, ‘બ્રાહ્મણનું ખાધે જાય.’, ‘બ્રાહ્મણને લાડુ મળ્યા એટલે બધું મળી ગયું.’, ‘લાડવા મળ્યા કે બ્રાહ્મણ લળ્યા.’, ‘…બ્રાહ્મણ રીઝે લાડવે.’વગરે વગેરે. પણ બ્રાહ્મણ જ નહીં સૌ કોઈ રીઝે લાડવે.

લાડુનું મૂળ તત્ત્વ ઘી. અમારે ત્યાં ગણેશચતુર્થી અને સાથોસાથ પર્યુષણના પ્રસાદમાં કોઈને ત્યાંથી આવતા લાડવાને મારે અચૂક ભાંગીને, એમાં બીજું તાવેલું ઘી ઉમેરીને (મૉડીફાય કરીને) પછી જ ‘સળી ઊભી રહે એવો દૂધપાક ખપે કહેનારા’ પતિદેવને ધરવાના રહે. ખાંડવાળા લાડવા છો દેખાતા રૂપાળા પણ ગૉળના તો કામણગારા, કનૈયા જેવા. સોળ સોમવારનું પુણ્ય પામેલા લાડુ તે આ જ, ચૂરમા લાડુ. ઓછા ઘીના લાડુ ખાવા હોય તો મૉણવાળી ભાખરીના પણ થાય તો ખરા જ પણ વો બાત કહાઁ! લાડુ અને તેય લૂખો? એ કલ્પના જ કેમ-કેમ થાય!!! જ્યારે ટીવી પર નવુંનવું ‘ખાનાખજાના’ શરૂ થયેલું ત્યારે સંજીવ કપૂરે કહેલું, ‘અગર પ્રાંઠા ખાના હૈ તો વો ઘી યા મખ્ખન લગાકે હી ખાના, નહીં તો રોટી પડી હી હૈં, ખા લો ના!’ પહેલાંની જેમ ન્યાતનો જમણવાર પૂરો થયા પછી શરૂ થતી લાડુ આરોગવાની સ્પર્ધામાં આપણે ભલે ભાગ લઈ ના શકીએ; અડધો તો અડધો પણ ખાવો તો લચપચતો ચૂરમા લાડુ જ! બાકી તો રોટલીનો લાડવો છે જ ને. જોકે એય સારો જ લાગે, એને કાંઈ બહુ લાડ નહીં લડાવવાના; ઘી અને ગૉળ બસ. કહેવાય છે કે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને રોજ સવારે શિરામણમાં આ લાડવો પિરસાતો જ.

આ ચૂરમા લાડુ અને વરો(ન્યાત)ની દાળ, એનો જોટો ક્યાંયે નહીં. જોકે લાડુજીની જાનમાં ફૂલવડી, ગોટા, કેળામેથીનાં ભજિયાં, નકરી મેથીની કકરી છાંટ જેવા જાનૈયા નાચતાકૂદતા દેખાય. મોસમ બાબતે આ લાડુજી પણ કચ્છડાની જેમ બારેમાસવાળા અને સ્વાદે તો બારે મેહ અને ભારે નેહ વરસાવનારા. ફ્રિજની નજરકેદ એમને સદે નહીં, પેંડાની જેમ; બટાકાની જેમ બહાર જ ભલા.

મારા પાડોશીઓ મોટાભાગના મારવાડી વૈષ્ણવો. છાશવારે અમારે ત્યાં મસમોટા ઠોરની સાથે બદામપાક અને મોહનથાળનો પ્રસાદ આવતો જ રહે. ઠોર ખાઈખાઈનેય કેટલો ખાવાનો! એના કરતાં ઠોરના ટુકડા કરીને, એનો મિક્સરમાં ભૂકો કરી લેવાનો, એમાં બદામપાક તેમજ મોહનથાળ ચોળીને ભેળવી દેવાનો, થોડુંક ઘી રેડીને, ખસખસ સોહાવીને સરસ મજેના ઇન્સ્ટન્ટ લાડુ વાળી નાંખવાના; પછી નમૂનાના એકાદ-બે પેલા પ્રસાદવાળા વૈષ્ણવને ત્યાં મોકલવાના: ‘તમારું જ તમને દીધું, એમાં કયું મોટું અર્પણ કીધું!’ એવી ચબરખી લખીને. અમારા કચ્છકાઠિયાવાડના ફીણેલા લાડવા બહુ જાણીતા. લોટને ઘીમાં ફીણ્યા જ કરવાનો, હલકો થાય ત્યાં સુધી. બાજરીના લોટની કુલેર, કુલેરના લાડુ તો બધા જાણે; નાગપાંચમનો એનો મહિમા. રોટલો ચોળીને એમાં ઘીગોળ ભેળવીને થતા લાડવા પણ ન્યારા જ. પણ કચ્છકાઠિયાવાડ અને લાડવાની વાત નીકળે તો લસણિયા લાડવાની વાત આવે જ. બાકી બધે જેમ કેરીગાળે દીકરીઓ-ભાણેજોને પિયરિયાં તેડાવે તેમ કાઠિયાવાડમાં દીકરીઓને શિયાળે અડદિયાની સાથે આ લસણિયા લાડુ ખવડાવવા તેડાવે. બાજરીના રોટલાને ચોળીને, તેમાં ભારોભાર સમારેલું લીલું લસણ ભેળવીને, અલબત્ત ઘી તો રેલાતું જ હોય અને પછી એના એ લીલેરા-ભૂખરિયા લાડુ વાળવાના. દીકરી-ભાણેજોને પિયરથી તાજાંમાજાં કરીને મોકલવાનાં એ મૂળ ભાવના.

રાજસ્થાનથી આવેલો ચૂરમાનો જ નાતીલો એટલે સત્તુનો લાડુ, સાતવો. ભૂંજેલા ઘઉંને દળીને એમાં ખાંડેલી સાકર તેમજ ઘી ભેળવીને થતો લાડવો. પિત્ત પ્રકૃતિવાળા માટે સારો, ઠંડો. વડીલોને પચવામાંયે હલકો, હજીયે પાચનક્ષમ કરવા માટે ઘઉંને સાતઆઠ કલાક પલાળી રાખીને, પછી સૂકવીને ભૂંજવાના (માઈક્રોવેવ હૈં ના! ). આપણા ચૂરમા-લાડુ કરતાં વધુ પૌષ્ટિક. ઘઉંની જેમ ચણાના સત્તુ પણ થાય. ઘઉં કરતાં ચણા સ્વાદે ફરસા. ચૂરમાની જેમ જ દૂધે બાંધેલા, સરખા મોવેલા ચણાના લોટના ગાંઠિયા તળીને, ભૂકો કરીને પણ ચાસણી રેડીને થતા લાકડશી લાડુ સાવ અનોખા, લાખેણા; મોતૈયા પણ કહેવાય, ખસખસિયા પણ. ચણાના સૌથી જાણીતા લાડુ કળીના, બુંદીના. ઝારામાંથી બુંદી પાડવી એ કળા છે તેમ ચાસણીવાળી ગરમાગરમ બુંદીના લાડવા વાળવામાં પણ કુનેહ છે. ઘીપાણીવાળા હાથે ફટાફટ વળાતા જાય લાડવા અને તોયે ન પડે હાથે ફોડલા. તેમાંયે ખરો કસબ તો મોતીચુર લાડુનો, મોતી જેવી ઝીણી કળી પાડવાનો. એમાં જો ચાસણી ઢીલી હોય તો એ થયા કાનપુરી મોતીચુર, જોકે એ ટકે ઓછા.

ચણામાં મગસના લાડુનો પણ વટ ભારે, ધાબાવાળો કણીદાર અને ધાબા વગરનો લીસો. મગસની નાની લાડુડી ઠાકોરજીનો ગમતો નૈવેદ્ય. લાગે છે કે ગણેશજીને વાદેવાદે બધા જ ભગવાને લાડુને વહાલા કરી જાણ્યા; પછી ડાકોરના રણછોડરાયજી હોય, શ્રીનાથજી કે તિરુપતિજી. પછી તો હરિનાં હજારો નામની જેમ લડ્ડુ સહસ્ર-નામાવલિ થતી જાય. મગ અને મગદાળના, શીંગ અને તલના, રાજગરા અને શિંગોડાના કે પછી દાળિયા, પૌંઆ અને મમરાના; આ મમરાના લાડુ ખાતી વખતે મોંફાડની ખોલવાસ સાચવવી પડે, સામે બેઠેલાની હાજરીમાં ફજેતો કરાવે એ તો, એનાં કરતાં મોંફાડ-સમાણી અણીશુદ્ધ ચોસલાવાળી મમરાની ચીકી સારી (ક્ષમસ્વ, ચીકીપુરાણ ફરી ક્યારેક). સૂકા મેવાના અને ખારેક-ખજૂરના એવા તે કંઈકેટલાય લાડુ જ લાડુ નજર સામે આવી જાય. અડદિયા તો પરાણે દાઢે વળગે પણ મેથીના લાડુને પુચકારતા શીખવું પડે, ધીરજના ફળે કડવી મેથી પણ મીઠી બની જાય.

મહારાષ્ટ્રમાં દિવાળીનો નાસ્તો એટલે ઘેરઘેર ચકલી-ચેવડા સાથે લાડુ તો ખરા જ, બેસનના. લાડુ વગરની દિવાળી જ ફીકી. અમારા મરાઠીઓને બેસનના લાડુ બહુ ભાવે; ચણાના લોટના લીસા, ધાબા વગરના. બીજા તે ચણાના લોટમાં રવો ભળતા થતા રવાબેસનના લાડુ, ત્રીજા ખાસ તે રવામાં લીલું કોપરું પડતા થતાં રવા-નાળિયેરના લાડુ. અસાળિયાના લાડુ તો દરેક મરાઠીને પ્રિય. અમે નાના હતા ત્યારે ઘરમાં કોઈ કહે કે હવે તારે ત્યાં નાનું, ભાઈબહેન કોક આવશે તો અમે તાળી પાડીને કહેતા, ‘વાહ, હવે અળીવ (અસાળિયો)ના લાડવા ખાવા મળશે.’ ખાસ સુવાવડી માટે બને, ભરપૂર લીલું કોપરું નાખેલા, એકદમ સ્વાદિષ્ટ. ગુજરાતની જેમ અહીં પણ ગુંદરવાળા લાડુ બહુ જાણીતા, ટાઢા કોઠે ગુંદર તળવાનો એટલી શરત નહીં તો દાંતનો વીમો સમજો. લાડુને મોદક પણ કહેવાય પણ અમારા મરાઠીઓના, ખાસ ગણેશચતુર્થીના પ્રસાદમાં થતા મોદક તે આ કોઈ લાડુ નહી પણ ચોખાના લોટના લૂઆમાં ગોળ-કોપરું-મેવાનું મિશ્રણ ભરીને એને બાફી લેવાના અને ત્યારબાદ ઉપર ઘી રેડીને ગરમાગરમ ખાવાના. અડદ-બાજરી-મગ-મેથી તેમજ બીજા લાડુ જરાતરા ફેર સાથે અહીં પણ થાય જ. ચૂરમાના લાડુનું ચલણ અહીં ઓછું. પણ મકર સંક્રાન્તિમાં તલગોળના લાડુનો મહિમા ભાવભીનો.

આ તો થઈ ફક્ત આપણાં બે પાડોશી રાજ્યોના લાડવાની વાત પણ બીજા બધાં રાજ્યોના લાડુ વિશે જાણવા બેસીએ તો એક આખું પુસ્તક જરૂર થઈ શકે, ડૉક્ટરેટ મેળવી શકાય. એકતામાં વિવિધતા તે આ.. સાચે જ મુદિત કરનારા આ મોદક અર્થાત્ લાડુજી!

પણ આજે તો આંગણાંમાં લચપચતા લાડુનો થાળ લઈને ઊભેલી મારા જેવી એક હોંશીલી લાડુઘેલી સત્કારપ્રિય ગૃહિણીના નસીબમાં સામે મોં પર ડાયાબિટિસની પટ્ટી ચોંટાડેલા મહેમાનો જ શાને ઊભા? થાળમાંના બિચ્ચારા લાડુજી, ખસિયાણા લાડુજી! મારાં કરતાં મારાં મા કે નાનીમા-દાદીમા વધુ ભાગ્યશાળી. હશે. પણ તેથી કાંઈ લાડુજીનો મોભ ઊતરી થોડો જાય? લાડુ એટલે લાડુ, ભારતીય મિષ્ટાન્નમાં એનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી.

હવે ગણેશજીના વાલેશરી આ લાડુજી રજા માગે છે.

ૐ ગં ગણપતયે નમઃ ।

– અરુણા જાડેજા

બિલિપત્ર

गजाननं भूतगणादिसेवितं
कपित्थजंबूफलसारभक्षितम् |
उमासुतं शोकविनाशकारणं
नमामि विघ्नेश्वरपादपङ्कजम् ||

अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः |
सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः ||

अगजाननपद्मार्कं गजाननमहर्निशम् |
अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ||

गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितम् |
पाशांकुशधरं देवं वन्देऽहं गणनायकम् ||

આજે ગણેશજીના આગમનનો દિવસ, કહેવાય છે કે પાર્વતીજીએ ગુફાની બહાર બેસાડેલા ગણેશજીએ શિવજીને અંદર જતા રોક્યા, ગુસ્સે થયેલ શિવજીએ તેમનું મસ્તક કાપ્યું, પાર્વતીજીના વિલાપ અને સ્પષ્ટતાએ ગણેશજીને હાથીનું મસ્તક મળ્યું, આમ ગણેશજીનો પુનર્જન્મ થયો એ ઘટના ભાદરવા સુદ ચતુર્થીના દિવસે થઈ હોવાનું મનાય છે. ઈ.સ ૧૮૯૩થી આ દિવસને લોકમાન્ય ટિળકે સાર્વજનિક ઉત્સવના સ્વરૂપે મૂક્યો. ગણેશજીનું પ્રિય ભોજન એટલે લાડુ, તો બામણભાઈનો લાડુ સાથેનો જન્મોજન્મનો નાતો એવું કહેવાય છે, એ જ લાડુ વિશે વિગતે વાત આજે અરુણાબેન જાડેજાના પ્રસ્તુત લેખમાં મૂકાઈ છે. નવનીત સમર્પણના જુલાઈ ૧૪ના અંકમાં પ્રસ્તુત થયેલ આ લેખ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અરુણાબેનનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “પરથમ પરણામ મારા લાડુજીને કહેજો… – અરુણા જાડેજા

 • purvi

  અરુણાબહેન આપનો આ લેખ વાંચવાનો બહુ જ આનંદ આવે છે. જેટલીવાર વાંચું તેટલીવાર ઓછું લાગે તેવો.

 • Sanjay Pandya

  વાહ …સરસ આર્ટીકલ …અરુણાબહેનની શૈલી રસાળ છે …મજા પડેી .

  ઘીથી તરબતર લાડુ ખાઈ શ્રમ કરીયે., તો રોગને નોતરુ ના આપીયે …આપણી નવી પેઢી શ્રમ નથી કરતી એના આ પ્રશ્નો છે ..અમારે બ્રાહ્મણોમાં નાત જમવા બેસે ત્યારે વડીલો 80 વર્ષે ય ચાર લાડવા નિરાંતે ઝાપટી જતા …એમણે કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસના નામ પણ નહતા સાઁભળ્યા !! મારા પિતાશ્રેી ૮૬ વર્ષ સુધેી મિઠાઈ અને ફરસાણ નચિઁત રહેી ખાતા …હા, અતિરેક ન થવો જોઇયે .

 • Dhirajlal Soneji

  અરુણાબેન, ખુબ ખુબ ધન્યવાદ,
  મને મારુ બચપન યાદ આવી ગયુ. તમે ચુરમાના લાડુની વાત કરી. હું પોતે લાડવા જેવો ગોળમતોલ થઈ ગયો હતો.
  મારી બા પાસે મારી માગ ચુરમાના લાડુની જ હોઈ. તમે જાતજાતનાલાડુબનાવવા બુક બનાવી છપાવી બજારમા મુકો.
  હજી લાડુની મીઠાઈ પહેલા જેટલી ખપ છે.

 • jacob

  લાડુને લાડુજી કહીને લેખિકાએ વાજબી રીતે જ લાડુને લાડ લડાવ્યાં છે. ગુજરાતી ખ્રિસ્તી કુટુંબમાં પહેલાં નાતાલ પ્રસંગે લાડુ બનતા તે યાદ આવી ગયું. હવે જાત જાતની મિઠાઇઓ મળતી થતાં લાડુ બનતા નથી. પણ એની તોલે કોઇ મિઠાઇ આવે નહિ. આજની કોઇ પણ મિઠાઇ ત્રીજા દિવસે બગડી જાય, ને લાડુ બન્યા હોય તો ઘરમાં ટેસથી મહિના સુધી ખવાય !!

 • purvi

  બહુ સુંદર લેખ. વાંચતાની સાથે મો માં પણ પાણી આવી ગયું. પણ ઘી, ખાંડ, ગોળ અને કેલેરીથી ભરપૂર લાડેશ્વરજીને આપણાંથી દૂર રાખવા વધુ સારા.

  • અક્ષરનાદ Post author

   પૂર્વીબેન,

   ઈ-મેલ દ્વારા મને મળેલો અરુણાબેનનો આપના માટે પ્રતિભાવ….

   “સો ટચના સોના જેવા ઘી-ગોળ-ઘઉં જ કેમ બિચારાં અળખામણા….? અને પેલા બટર કે માર્ગરીન, બુૂરુ ખાંડ (પતાસાંનો ભૂકો) અને પચવામાં અતિશે…. ભારે મેંદોવાળાં કેક-પેસ્ટ્રીઝ-નાનખટાઈ- ચૉકલેટ્સ (મેંદા વગર) કેમ તે આટલાં વહાલાં…?”

   • purvi

    અરે એ પણ ખાવામાં નથી આવતાં અને ખાસ કરીને મારે માટે તો જરાપણ નહીં. હા ક્યારેક મન ચોક્કસ થઈ જાય પણ મોટાભાગે શિયાળ બની જાઉં છુ.