ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ 15


૧. લોન્ગ ડ્રાઈવ

“અરે ડાર્લિંગ, આ ગાડી, બંગલો, આ સંપતિ બધું તારું જ તો છે. હવે હું શું કરું હવે કે તું ખુશ રહે ? તને તો બસ મોં ચડાવવાની આદત જ પડી ગઈ છે. ચાલ મૂડ ઠીક કર, આપણે લોન્ગ ડ્રાઈવ પર જઈએ.”

અચાનક પ્રથમનો ફોન રણક્યો, ફોન પર વાત કરતાં જ એણે અટેચી ઉપાડી, કારની ચાવી પ્રથાને આપતાં બોલ્યો, “ક્લાયંટ છે, અર્જન્ટ મીટિંગ, યુ નો! તું એકલી જ ડ્રાઈવ પર જઈ આવ.. સારું લાગશે.”

૨. વેકેશનઃ

“તું તો આબુ જવાનો હતો વેકેશનમાં, પત્નિ અને બાળકો સાથે! ટિકિટ તો બુક કરાવ!”

“કયાંથી કરું પપ્પા, આ વખતે પિંકી અને યુગના સ્કૂલના ખર્ચ સાથે સાથે નવા યુનિફોર્મનો ખર્ચો પણ આવી ગયો. લાગે છે આ વેકેશન પણ ઘરખર્ચમાં જ જશે.”

“આ વેકેશન ખાલી નહીં જાય બેટા…. લે આ રૂપિયા ૧૦૦૦૦ નો ચેક! તારી માને રિટાયર થયા પછી ફરવા જવાનો વાયદો કર્યો હતો. તમને ત્રણને મોટા કરવામાંં વર્ષો આમ જ ગયાં. એ જ લાંબા વેકેશન પર જતી રહી.. મને એકલો મૂકીને….”

૩. ઈક્વલઃ

“આપણે બંન્ને સરખા જ તો છીએ. એ જમાનો ગયો કે સ્ત્રી પુરુષથી નીચી ગણાતી… આજે તો ઈકવલ છે. એટલે નીતુ ડિયર, આ ઘરમાં તારે સામાજિક જવાબદારી સાથે આર્થિક ભાર પણ ઈક્વલી ઉઠાવવો જ પડશે. તું પણ કમાય છે અને મારા જેટલી જ ભણેલી છે. સમજી” એ ફ્રેશ થતાં બોલ્યો.

“ચાલ હવે ઓફિસ ટાઈમ થાય છે. મારી ચા આપી દે અને ટિફિન પણ. જલ્દી તૈયાર થઈ જા સાથે નીકળીએ રસ્તામાં મને મારી ઓફિસ સુધી ડ્રોપ કરતી જા…”

– સમીરા આસિફ

બોરીવલી ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા સમીરાબેનની અક્ષરનાદ પર આ પ્રથમ રજૂઆત છે અને મને આનંદ છે કે તેમની પ્રથમ કૃતિઓ માઈક્રો ફિક્શન છે. તેઓ લઘુકથાઓ અને ગઝલ પણ લખે છે. માઈક્રોફિક્શન લખવાનો આ તેમનો પ્રત્યમ પ્રયાસ છે એ બદલ અને અક્ષરનાદને આ ત્રણ સુંદર કૃતિઓ મોકલવા બદલ સમીરાબેનનો આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ત્રણ માઈક્રો ફિક્શન વાર્તાઓ – સમીરા આસિફ