આજકાલના અતિવ્યસ્ત અને ઝડપી જીવનમાં લોકોના જીવનમાં તણાવ શારિરીક સમસ્યાઓનું એક મોટું કારણ છે. એ હ્રદયરોગ, નિરુત્સાહી અને ખિન્ન માનસિકતા, અસ્વસ્થતા, ચિંતા, અનિંદ્રા, ચેપી રોગો અને વધતા વજન જેવી અનેક સમસ્યાઓનું મૂળ છે.
પણ આપણે અતિવ્યસ્ત હોઈએ છીએ, એ પણ એક હકીકત છે, અને રોજીંદા કાર્યો કરવાની સાથોસાથ આપણે કઈ રીતે આપણા માનસીક તણાવને ઓછો કરી શકીએ, આપણું પોતાનું સ્વાસ્થ્ય, આપણી કાળજી અને આપણા પરિવારની કાળજી કઈ રીતે રાખી શકીએ?
આવા વ્યસ્ત લોકો પાસે કદાચ રોજીંદી ઘટમાળમાંથી અઠવાડીયાની રજા લઈને યોગના વર્ગમાં જોડાવાની, શારિરીક તંદુરસ્તી પાછી મેળવવાના આયુર્વેદિક ઉપાયો કરવાની કે નાનકડાં વેકેશન લેવા જેટલી છૂટ ન હોય તો શું કરી શકાય? કદાચ તેમને આ બધુંય કરવાની ઈચ્છા હોય પણ તેમની નોકરી, ધંધો કે રોજગાર તેમને આવું કરવાની વ્યવસ્થા ન પૂરી પાડે તો શું થઈ શકે?
આપણે આ વાતને બહુ લાંબાલચક નિબંધ સ્વરૂપે નથી મૂકવી, ફક્ત પાંચ મુદ્દાઓ, થોડોક માનસિક બદલાવ, બે પાંચ મિનિટ જ કરવાની થતી થોડીક ક્રિયાઓ વિશે આપણે વાત કરીએ, આ ઉપાયો તણાવને લગતી સમસ્યાઓનો રામબાણ ઈલાજ નથી, પણ તેમના અમલથી થોડીક હળવાશ જરૂર મેળવી શક્શો.
૧. એક સમયે એક જ કામ
જ્યારે આપણે અનેક કામની વચ્ચે ઘેરાયેલા હોઈએ, એક સાથે અનેક કામ અગત્યના લાગે, તેના માટે સમયની તાણ હોય ત્યારે આપણે એક સાથે અનેક કામ પૂરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એક કામથી બીજા કામ પર કૂદકા મારીએ છીએ. એ તણાવની શરૂઆતનું સાવ પ્રાથમિક લક્ષણ છે. જે સમયે જે કામ કરતા હોવ એ એક જ કામમાં મગ્ન રહેવાનો પ્રયાસ કરો, એ સિવાયનું અન્ય બધુંય છોડી દો. ‘તમે અત્યારે જે કરી રહ્યા છો એને બને એટલી ઝડપે પૂરું કરીને બીજુ કામ કરવાનું છે, એ પણ એટલું જ અગત્યનું છે’ એવી લાગણી તમે અત્યારે જે કરી રહ્યા છો તેને પણ નુકસાન પહોંચાડશે, સૌપ્રથમ એ લાગણીથી મુક્ત થઈને અત્યારે જે કરી રહ્યા છો એ કામમાં સંપૂર્ણપણે તમારા ૧૦૦% આપો. આગળ કરવાના છે એવા કાર્યોની યાદી કદી પૂર્ણ થવાની નથી. અત્યારે જે કામ કરી રહ્યા છો એ અંતિમ છે એમ જ વિચારી શક્શો તો આગળના રાહ જોઈ રહેલા કાર્યોની યાદી અને તેના નાહકના તણાવમાંથી મુક્ત રહી શક્શો.
૨. તમારા આદર્શો યાદ રાખો અને જાતને કાબૂમાં રાખવાનું છોડી દો
તમે જ્યારે ડરો છો, ત્યારે તમે તણાવગ્રસ્ત થાવ છો. બહારના કારણો જેમ કે તમારી નોકરી કે પરિવારને લીધે ઓછા જેટલા તણાવગ્રસ્ત નથી હોતા એટલા તમારા મનમાં રહેલા ડરને લીધે તણાવમાં હોવ છો. બ્રાહ્ય બાબતો જેવી કે નોકરી કે ધંધાના કાર્યો અથવા પરિવારની તમારી માનસીક તાણ પર અસર ઓછી હોય છે, અને એ અંગેના તમારા મનમાં રહેલા ડરને લીધે તાણ વધુ હોય છે. તમને ડર લાગે છે કે લોકો તમને પસંદ નહીં કરે અને તમારા વિશે ઘસાતું બોલશે કે તમારી બુરાઈ કરશે, તમને ડર લાગે છે કે તમે જે કર્યું તે તમારું શ્રેષ્ઠ નહોતું, તમે ડરો છો કે લોકો તમારાથી દૂર જતા રહેશે. આ ડરનું કારણ છે તમારો આદર્શ (અને તમને ડર લાગે છે કે એ આદર્શને તમે નહીં પહોંચી શકો.) તમે મનમાં આદર્શ ધારો છો કે તમે સફળ થશો, તમે સંપૂર્ણ બનશો, તમારા જેવા જ લોકોનો સાથ તમને મળશે અને તમે સ્વસ્થ રહેશો. આ આદર્શો એ વિશ્વના નિયંત્રણમાં રહેવાના માર્ગો છે જે તમારા નિયંત્રણમાં નથી પણ ડર અને તણાવ સર્જીને તમને નુકસાન પહોંચાડે છે. એના કરતા તમારી જાતને કાબૂમા રાખવાનો પ્રયત્ન કરવું છોડી દો, અવ્યવસ્થા, અંધાધૂંધી અને અચોક્કસતાની આદત રાખો, વિશ્વાસ રાખો કે તમે જે કરશો, તમારૂ સંપૂર્ણ કરી શક્શો. તમારો ડર અને એમ તમારો તણાવ ઘટશે.
૩. લોકોને સ્વીકારો અને સ્મિત કરતા રહો
આપણે કાયમ બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ, આપણે ઇચ્છીએ તેમ વર્તન કરવાની, બોલવાની, કામ કરવાની વગેરે, અને જ્યારે લોકો આપણી અપેક્ષાઓની વિરુદ્ધ વર્તન કરે ત્યારે આપણે તેમના પ્રત્યે નારાજ થઈ જઈએ છીએ. આને બદલે લોકો જેવા છે તેવા જ તેમને સ્વીકારવાનો પ્રયત્ન કરો. એ ધ્યાનમાં રાખો કે એ લોકો પણ તમારી જેમ જ અપૂર્ણ છે, એ પણ ભૂલો કરે છે, એ પણ હાસ્ય અને આનંદ શોધે છે અને તમારી જેમ જ એ પણ તણાવથી દૂર ભાગવા માંગે છે. એવું માની લો કે તેઓ તેમનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે, તેમને તેઓ જેવા છે એવા જ રહેવા દઈ સ્મિત કરો, તેમની સાથેના તમારા સમયને માણવાનો પ્રયત્ન કરો.
૪. થોડુંક ચાલો
તણાવ વધતો લાગે ત્યારે ૨-૩ મિનિટ કામ મૂકીને થોડુંક ચાલો, મનના સંશયો દૂર થશે, મન સાફ અને શાંત થશે. એક ટૂંકો આંટો ચમત્કારો કરી શકે છે.
૫. નાનકડી અને ઉપયોગી કસરતો કરો
તમારા વિચારો, સંવેદનો, આવેગો અને લાગણીઓ પર કાબૂ કરવા અને એ સ્વસ્થતાના ફાયદા મેળવવા તમારે રોજ ૩૦ મિનિટ સુધી યોગ કે ધ્યાન કરવાની જરૂર નથી. દસ જ સેકન્ડમાં તમે વિચાર કરી શકો કે તમારુ શરીર શું અનુભવે છે. ત્રીસેક સેકન્ડ સુધી તમારા શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપો, તમારા વિચારો, સંવેદનો અને આદર્શો પર એકાદ મિનિટ વિચારો અને ધ્યાન કેન્દ્રિત કરો. માનસિક ધ્યાનમાં, તમારા શરીર, પગ, શ્વાસોચ્છવાસ અને આસપાસની પ્રકૃતિ પર ધ્યાન આપો. દિવસ દરમ્યાન સમય મળે ત્યારે આવી થોડીક કસરતો કરતા રહો.
આ ઉપરાંત જો તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવી શકો તો કેટલીક અન્ય બાબતો પણ છે જેને તમે અમલમાં મૂકી શકો. તમારા કાર્યોની યાદીમાંથી બિનજરૂરી કાર્યો ઘટાડો, લોકોને ના કહેતા શીખો – એ રીતે તમે તમારી જવાબદારી ઘટાડી શક્શો, ચોક્કસ સમયાંતરે ૫ મિનિટ ધ્યાન ચિંતન કરો, સ્વચ્છ અને સત્વશીલ ખોરાક લો, નિયમિત કસરત કરો, તમારા પરિવારના લોકો સાથે વધુ સમય વીતાવો, પૂરતી ઉંઘ લો અને ચા પીઓ..
ઘણાં લોકો તેમના રોજીંદા અને નિયમિત તણાવને અનેક નકામી રીતોથી પણ કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે જેમ કે શરાબનું સેવન, ધુમ્રપાન, ડ્રગ્સ, ફાસ્ટફૂડ, લોકો તરફ ગુસ્સો કરવો અને બૂમો પાડવી, ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ પર અનિયંત્રિતપણે સમય પસાર કરવો, કામ મુલતવી રાખવા વગેરે.. અંતે આ બધા જ કારણો તમારા તણાવને વધારશે, આ બધી જ નકામી વસ્તુઓ અને આદતોથી દૂર રહીને તણાવને નાથવાનો પ્રયત્ન કરશો તો સરળ જીવન તરફ એક પગલું વધારી શક્શો.
(‘ઝેનહેબિટ્સ‘ પરના લેખનો અનુવાદ)
– લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
લિઓનો બ્લોગ મારા વ્યવસાયિક જીવનમાં અનેક વખત ઉપયોગી થયો છે, અને ઉપરોક્ત અનુવાદ કર્યો છે એ લેખને હું લગભગ નિયમિતપણે વાંચતો રહું છું, આવા અનેક લેખ જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. ઝેનહેબિટ્સની હેબિટ ઘણીવાર નાની બાબતો પર મોટી વાત કહી જાય છે. આ સુંદર લેખ બદલ લિઓનો આભાર, આશા છે મારી જેમ અન્ય વાચકોને પણ આ બાબતો ઉપયોગી થશે.
બિલિપત્ર
મનને આરામદાયક જીવન જોઈએ છે, એ હકીકતોને અવગણીને તકલીફ અને બદલાવ તરફ ડર ઉત્પન્ન કરશે. જીવનમાં બદલાવોની સામે તમારું મન તમને કેટલાક અસત્યો કહેશે, એનાથી બચજો.
– લિઓ બબૌતાના લેખ પરથી
બહુ સુંદર લેખ છે.
i have been regularly reading ur website. iam really very happy with the articles . particularly this one is very appealing to all. thanx
સુંદર અને સરસ…અભાર…આવી હળવી કસરતો અને સામાન્ય લગતી બાબતોનો અમલ જીવનને તાણમુકત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે…તેનું નિયમિતપણે પાલન કરવામાં આવે તો તન-મનમાં તાજગી ચોમાસામાં લીલોતરી છવાયેલી રહે તેમ છવાયેલી રહે અને ઉદાસી જીવનનાં ઉંબરે ક્યારેય ન ડોકાય….હદ.
સરસ …
સાચેજ અસરકારક ઉપાય્ર ટેીપ્સ જેી વનમાઁ સતત નિરન્તર પ્રેક્ટિસ ચોક્કસ કારગત નેવ ડે જ .ઓટો-સજેશનનેી જ પ્રક્રિયા ચ્હે આ !….
-લા / ૨૫.૮.૧૪
Respected Jighneshbhai
This articles is useful in daily life. I try every as per article, I am very happy and my family is also like.
Please give if possible the link or web site of zen habits.
Thank you very much.
Your fan
narendra soni
USA