ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર 1


૧. દુઃખ રિવાજી પણ હોય

જેમની સાથે આપણો કશો સંબંધ નહોતો બંધાયો, પરિચય પણ નહોતો એવા લોકોના મરણનું દુઃખ શા માટે થાય? એમ તો દુનિયામાં અસંખ્ય જીવો આવે છે અને જાય છે, એનો હર્ષશોક શો! પણ કોઈ અકસ્માત થાય ત્યારે દુઃખ થાય જ છે. દુઃખ પાછળ કેવી લાગણી હોય છે! આટલા લોકોના ગયાની કે અકસ્માતની? સંસ્મૃતમાં कस्मात એટલે ‘ક્યાંથી?’ શા કારણે બનાવ બન્યો એ જ્યારે આપણે જાણી શક્તા નથી ત્યારે આપણે એને અકસ્માત કહીએ છીએ.

જે જોઈ શકાયું નહીં, જાણી શકાયું નહીં તેને કહે છે अदृष्ट. આમ અકસ્માત અને અદૂષ્ટ એક જ અર્થના શબ્દો છે. અણધારી રીતે કોઈનો ભેટો થાય તો આપણે કહીએ છીએ એ ભાઈનો અકસ્માત ભેટો થયો. ત્યાં એ શબ્દ સારા અર્થમાં પણ લેવાય.

અકસ્માતને અંગે દુઃખ થાય છે એ ખરું, એની પાછળ કોઈની ગફલત હોય તો એ દુઃખ વિશેષ. અણધારી કુદરતી ઘટના હોય તો મનમાં અણગમો પેદા થાય, એથી વધારે દુઃખને અવકાશ છે ખરો? દુઃખ પણ કેવળ રિવાજી હોઈ શકે છે.

૨.ધર્મને ઠેકાણે હવે લોકકેળવણી

કાલે રાત્રે ચિ. દિપકે જેલસુધારની વાત છેડી. જવાહરલાલજીની આત્મકથામાં જેલની હાલત વિશે એણે વાંચ્યુ હતું અને અમેરિકન છાપા ટાઈમ્સમાં ત્યાંની જેલો વિશે વાંચીને એ અસ્વસ્થ થયો હતો. મારા જેલ અનુભવમાં એવું કશું કેમ નથી એ એનો સવાલ હતો.

મેં એને જોયેલી અને જાણેલી ઘણી દુઃખદ વિગતો કહી. જેલો ચલાવનાર માણસોની સંસ્કૃતી હીન હોય તો એનો કશો ઈલાજ થઈ ન શકે. કોઈ પણ પ્રસંગે ફાંસીની સજા અયોગ્ય કેમ છે એ વિશે પણ મેં એને વિગતે સમજાવ્યું. હવે દિપક વ્યાપક દ્રષ્ટિએ વિચારતો થયો છે એ સારું છે. પશ્ચિમની જેલોની પદ્ધતિ ખ્રિસ્તી તપસ્વીઓના પ્રાયશ્ચિત અને દેહાંતદંડનમાંથી કેમ ઉત્પન્ન થઈ છે એ પણ એને સમજાવ્યું. એની ગ્રહણશક્તિ હવે ખીલી છે. સમાજવિજ્ઞાનની દ્રષ્ટિ સમજતો થયો છે એટલે એને વિગતે સમજાવતા રસ છૂટે છે.

કાનૂનો, ગુનાઓ અને સજાઓ બધું જ જંગલી છે. કશું ન કરીએ એ પણ નહીં ચાલે. જૂના વખતમાં ધર્મો જે કામ કરતા હતા તે હવે લોકકેળવણી દ્વારા થવું જોઈએ. ધર્મોની કાર્યપદ્ધતિમાં અનેક દોષો હતા એ પણ ટાળવા જોઈએ. લોકકેળવણી એ જ સાચો ઉપાય છે. એ કામ પાછળ આખા સંસ્કારી સમાજે ભેખ લેવો જોઈએ. ઊતરતા લોકો મારફતે એ કામ ન જ થવું જોઈએ.

૩. વિશ્વાસમૂલક આસ્તિકતા

વિશ્વાસ એ અદભુત વસ્તુ છે. એના બે વિભાગ (૧) આત્મવિશ્વાસ (૨) સામાન્યપણે દુનિયાની સજ્જનતા ઉપર અને માણસજાતની પ્રગતિશીલતા ઉપર વિશ્વાસ. આનું જ વ્યાપક નામ છે આસ્તિકતા. દુનિયામાં આટલી બધી હિંસા ચાલે છે, અત્યાચાર અને કૂડકપટ ડગલે ને પગલે દેખાય છે, સ્વાર્થથી અને દ્વેષથી માણસ આંધળો થાય છે છતાં આપણે માનીએ છીએ કે સરવાળે માણસજાત સદબુદ્દિથી પ્રેરાય છે અને દુનિયામાં ઈશ્વર છે. આ જે શ્રદ્ધા અને વિશ્વાસ તે જ માણસને લોકોત્તર બળ આપે છે અને એની પાસે અસાધારણ પુરુષાર્થ કરાવે છે.

દુનિયા એટલે અસંખ્ય લોકોનો સમુદાય, કોના ઉપર વિશ્વાસ રખાય અને કોના ઉપર નહીં? પણ આત્મવિશ્વાસ તો પોતાના ઉપર જ આધાર રાખે છે. એના વિના આપણે દેશવિદેશ જઈ ન શકીએ, સમાજમાં ટકી ન શકીએ. એમાંયે પોતે એટલે એક વ્યક્તિ નહીં, જાતજાતના સંકલ્પો, શક્તિઓ અને નબળાઈઓ, અનુભવો અને સિદ્ધાંતો મળીને વ્યક્ત થાય છે. પોતાના ઉપર વિશ્વાસ રાખવો એ પણ ભારે આસ્તિકતાનું કામ છે.

– કાકા કાલેલકર

(‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર)

કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ ‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.

બિલિપત્ર

હ્રદયમાં જે ઉંચો ખ્યાલ ઉઠે તેને ઈશ્વરી પ્રેરણા સમજી એને વફાદાર રહેશો તો તમારું બધી રીતે કલ્યાણ થશે.
– કાકા કાલેલકર


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર

  • Umakant V.Mehta

    રોજ બરોજ વારંવાર વપરાતા શબ્દોના ગૂઢાર્થ જાણી અનંદ થયો.શબ્દ ક્યાંથી આવ્યો,તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણ્યા વગર જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે આવા વિદ્વાન લોકોની મદદથી તેનો ગૂઢાર્થ સમજાય છે તે ખરેખર આનંદ દાયક હોય છે.આવા ચિંતન વૈવિધ્ય સભર આપનો ઘણો જ આભાર. ઉમાકાન્ત વિ.મહેતા. ન્યુ જર્સી