વિદેશની અટારીએથી.. વેબજગતનું વાંચન – જિતેન્દ્ર પાઢ 9


હમણાં મારું ઈ-વાંચન વધી ગયું છે. ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રવેશ બાદ જગત સાવ નજીક અને દ્રષ્ટિની દુનિયામાં આવી ગયું છે. દરેક વસ્તુના ફાયદા – ગેરફાયદા હોવાના પરંતુ ઘણીવાર આપણને ઉચિત લાગે તેની મીઠાશ માણી લેવાની હોય છે. ગુજરાતીમાં યુવાવર્ગે ઈ-વાંચન વહેતુ કરવા સંન્નિષ્ઠ પ્રયાસ કર્યા છે., વેબજગતે વિશ્વને આંગળીના ઈ-સ્પર્શથી સાવ સરળતા અને સહજતાથી નજીક કર્યું છે. અમેરિકા પ્રવાસની આ ત્રીજી વેળાએ નવરાશની પળોમા ઈ-પેપર, પુસ્તકો અને લખાણ પ્રવૃત્તિએ મારી એકાંતની પળોને સમૃદ્ધ કરી છે. જ્ઞાન અને આનંદ આપ્યા છે. એ માટે વિજ્ઞાનજગતનો આભાર.

અમેરિકામાં ગુજરાતી ભાષાના વ્યાપક પ્રચાર માટે મનથી, ધનથી, સમય કાઢીને પ્રયાસ થાય છે. અહીંની જૂની પેઢીના વૃદ્ધજનો કાર્યનિવૃત્ત થતા નથી, વૉકીંગ, ફરવું – રખડવું, નવું જાણવું, શક્ય હોય ત્યાં મુલાકાતો, કાર્યક્રમો, શરીર પ્રત્યેની કાળજી સાથે ઈ-મેલ, આઈ પેડ, લેપટૉલ, કૉમ્પ્યુટર અને મોબાઈલ સાથેનો સતત સંપર્ક તેમના માતૃભાષા પ્રત્યે અને વતન પ્રત્યેના પ્રેમને જીવંત રાખે છે. નવી પેઢીઓ જૂની સંસ્કૃતિને ભૂલી ન જાય તેની જાગૃતિ અમેરિકન એન.આર.આઈ રાખે છે. અને તેથી મોકળાશ અને ફુરસદ મળતાં પોતાના બ્લોગ અને વેબસાઈટ શરૂ કરી વિશ્વ સાથેનો આધુનિક સંબંધ – ઇન્ટરનેટ જગતના માધ્યમે જોડે છે. તમને સતત ૨૪ કલાક ઓછા પડે તેટલુ સાહિત્ય – લખાણૉ, નાટકો, પ્રાર્થના, સમાજદર્શન, ઈ-પુસ્તકો, ઈ-પેપર, સામયિકો, ગીત, ધાર્મિક લખાણો વગેરે ઘણું ઓનલાઈન માણવા મળે છે. સ્થળથી પર એવું આ ઇન્ટરનેટ અને તેની સંગત નિવૃત્ત થવા દેતી નથી.

વેબજગત, બ્લોગ વગેરેના વિકાસ સાથે મોટું દૂષણ પણ વધ્યું છે. સાહિત્યકારો, કવિઓના કૉપીરાઈટનો ભંગ છડેચોક થાય છે. અધકચરા લખાણો અને બિન અનુભવી કલમની ઝડપથી પ્રસંશા મેળવી લેવાની તાલાવેલીથી ગુણવત્તા વગરનો ‘કચરો’ ઠલવાતો જાય છે, જો તમારામાં વિવેકબુદ્ધિ ન હોય તો સમય, શક્તિ અને રસરૂચિ બધામાં વેડફાટ હાથ લાગે છે, છતાં એ એક વ્યસન બની જાય છે. જો કે અમેરિકામાં મારા મર્યાદિત એવા સિયેટલ, પોર્ટલેન્ડ ના પ્રવાસથી હું મારી મર્યાદા, અનુભવના આધારે આખા અમેરિકાના અનુભવોની વાતો અટકળો, વિચારોના માધ્યમથી – એ સત્ય છે એવો દાવો કરી ન શકું. હા, મર્યાદિત જ્ઞાન સાથે કૈંક નવું જગત જોયાનો આનંદ, અભરખો વ્યક્ત કરી આત્મસંતોષ પામી લઉં. મારાથી ઘણું બધુ ઉંચુ અને ગુણવત્તાસભર લોકો લખે છે, હું એવું અનુભવું છું તેથી મારે ન જ લખવું એ પણ વાજબી ગણતો નથી. મારો જીવ સતત બીજાને મારા અનુભવો વહેંચવાનો આનંદ અનુભવે છે. અમેરિકામાં સિનિયર સિટીઝન લેખકો, કવિઓ ગુજરાત કે ભારત છોડીને અહીં સ્થિર થયા છે, અહીં પણ ‘ગૃપ’વાદ ઉભા થયેલા જોવા મળે છે, માણસની સ્વભાવગત ખાસીયતો કદી છૂટતી નથી. તેમ છતાં પૈસાની છૂટ હોવાથી સમય પસાર કરવા થતી પ્રવૃત્તિઓમાંથી સરવાળે કૈંક સારું પરિણામ તો આવે જ છે. વેબજગતના માધ્યમથી, રૂબરૂ ન મળવા છતાં વિશાળ મિત્ર વર્તુળ ઊભું કરી વિચારોની આપ લે કરે છે. કુશળ યુવાનો, વ્યાપારીક ક્ષમતા ધરાવતા લોકો વેબજગતને કમાણીનું સાધન બનાવી શક્યા છે તો કેટલાક લોકો નિઃસ્વાર્થભાવે લખાણો, અખબારો, સામયિકો, ફોટા, સંગીત, નાટકો, પ્રવાસવર્ણનો વગેરે ઘણુંબધું નિઃશુલ્ક વાંચન અને ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી આપીને ગુજરાતી ભાષાનું વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરતા તમામ સજ્જનોને નતમસ્તક. ગમતીલી વસ્તુ હાથ લાગે ત્યારે તમને આનંદ મળે છે, એ તમારી ચેતનાને સ્ફૂર્તિવંત બનાવે છે.

શુદ્ધ વિવેચનને બદલે જ્યારે તમે માત્ર દુર્ગુણો જોવાની દ્રષ્ટિ કેળવો છો ત્યારે તમે તમારી પ્રતિભા ખુદ ગુમાવો છો. ગમતીલું અપનાવવું અને તેનો આનંદ પામવો એમાં અનોખી મજા છે, પરિસ્થિતિ, સંજોગો અને સ્વભાવ વગેરેની મર્યાદાઓ દરેકમાં, દરેક સ્થળે મળવાની અને તેમાંથી તટસ્થ રહીને જોવાની દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ. વતન, દેશ અને સ્થાનિક વાતાવરણ અનુભવો, વર્તન, જીવન બધું જ વિદેશમાં અલગ હોવાનું અને તેથી અમેરિકા જ સારું અનેાપણાં ગામડા નકામા એવો દ્રષ્ટિકોણ અને સરખામણી કરીને દુઃખી થવા કરતાં જ્યાં જે કંઈ સારૂ છે તેને અપનાવી સરખામણી ટાળવાનું આપણે શીખવાનું છે, તો જ તમે એકાંતમાં વેબજગતના સાચા સાથી બની શક્શો.

– જિતેન્દ્ર પાઢ (પૉર્ટલેન્ડ, અમેરિકા)

મૂળે અમદાવાદમાં જન્મેલા, નવી મુંબઈ – વાશીમાં રહેતા અને હાલ પૉર્ટલેન્ડ, અમેરિકા સ્થિત જિતેન્દ્રભાઈ પાઢ પત્રકારત્વ અને સાહિત્યના જીવ છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકો સાથે કામ કર્યા બાદ ૨૦૦૫માં તેમણે નવી મુંબઈમાં માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જેવી અનેકવિધ જવાબદારીઓ સાથે અખબાર કર્યું. અત્યારે તેમના પુત્ર સાથે તેઓ પૉર્ટલેન્ડ છે. આજના લેખમાં એક અમેરિકન એન.આર.આઈ વાચકની નજરે તેઓ ઇન્ટરનેટ અને આપણી ભાષાના ઓનલાઈન સાહિત્યની વાત લઈને આવ્યા છે. અક્ષરનાદને લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ જિતેન્દ્રભાઈનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “વિદેશની અટારીએથી.. વેબજગતનું વાંચન – જિતેન્દ્ર પાઢ

 • R.M.Amodwal

  JITUBHAI

  very much impressed , writing effactive gujarati as participant with positive approach is really appriciable.
  sir , my SALAM as respect.

 • મનીષ વી. પંડ્યા

  ઇન્ટરનેટે વિવિધ ભાષાઓમાં સાહિત્ય, વિજ્ઞાન અને માનવ વિજ્ઞાન સંબંધી લખાણોનો ખજાનો ખોલી આપ્યો છે. આપણે બધાયને તેનો ફાયદો મળતો રહે છે. જય ઇન્ટરનેટ. ! ! !

 • Harshad Dave

  ગુજરાતીને ટકાવી રાખતા ગુજરાતીને કોઈ અટકાવી શકે તેમ નથી. ગરુડનું ઉડ્ડયન જોઈને ચકલી ઉડવાનું છોડી નથી દેતી. વિવેકબુદ્ધિ આપણને એટલે જ તો મળી છે કે આપણે નીર-ક્ષીર પારખી શકીએ: सार सार गहीं लहै थोथा देइ उडाय…છૂરિકાથી શાકભાજી સમારી શકાય અને …વિચારોની વહેતી શુદ્ધ ગંગામાં આપણા વિચારો ભળે તો પ્રવાહ દમદાર બને, જે અશુદ્ધિઓને કિનારે ઠાલવી દે છે… સત્યમ્ શિવમ સુન્દરમ…માત્ર વિદેશમાં વસતા નિવૃત્તો માટે જ નહીં પરંતુ ભારતમાં વસતા ગુજરાતીઓ પણ નેટ દ્વારા નિવૃત્તિને શબ્દકોશવટો આપી શકે છે! -હદ

 • Vasant Dama

  બહુ જ સરસ
  આવિ જ રિતે આપણિ ગુજરાતેી ભાષા ને જિવન્ત રાખિ શકિશુ

 • M.D.Gandhi, U.S.A.

  ઈંટરનેટ ઉપર “ગુજરાતી” સાહિત્ય આવવા માંડ્યું ત્યારથી “ગુજરાતી” વાંચવા માટે તો ખજાનો ખુલી ગયો છે. હું અહીં લવાજમ ભરીને અમેરીકામાં ભારતથી થોડા અઠવાડિક અને માસિકો મંગાવતો હતો, પણ ટપાલના ભાવ વધ્યા અને સામયિકોના ભાવો પણ વધ્યા, પણ તે ઉપરાંત પણ આ બધાની જે કિંમત થાય છે તેના કરતાં લગભગ દોઢા ભાવનું લવાજમ માંગે છે(પરદેસી જાણીને…!!!!…???), જેથી આ સામયિકો મંગાવવાનું ન છુટકે બંધ કરવું પડ્યું છે, એટલે હવે તો ઈન્ટરનેટ ઉપરનુંજ વાંચવાનું… હવે તેમાં તો જે આવે તે વાંચવાનું, સારું, ખરાબ, ન ગમે તો બીજું વાંચો, એમાં કોપીરાઈટની ખબરજ ન પડે…. મુળ તો અહીં “ગુજરાતી” વાંચવા મળે છે, જે “ગુજરાતી”ને ટકાવી રાખવાની મહેનત તો કરશેજ….

  સરસ લેખ છે…..

 • purvi

  બહુ સરસ લેખ જીતુભાઈ. Thankx to જિગ્નેશભાઈ. એમને કારણે હવે આપની કલમનો સ્વાદ માણવા મળશે.