વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ 16


અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને ‘ટ્રેડ સીક્રેટ’ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય…. પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય, એનાથી કદાચ અલ્પકાલીન કે ક્ષણિક માનસિક શાંતિ મળે એવી આશા પણ ખરી, પરંતુ એ કેટલાયને વિરોધમાં કરી મૂકે, બંધબેસતી પાઘડી પહેરનાર અનેક મળી આવે એ પણ ખરું.

ચંદ્રકાંત બક્ષીસાહેબ બક્ષીનામામાં લખે છે, ‘હું ગુજરાતી સાહિત્યનો શ્રમિક છું, સાહિત્યનો સૈનિક છું, હું પ્રોફેશનલ છું, મારા પેટની ભૂખ અને વાચકના મનની પ્યાસ માટે લખું છું. મૂડ જેવો બિભત્સ શબ્દ મૂડીવાદ કે મૂડીવાદી સર્જકનું સ્ખલન છે. રોટીવાદી લેખકને આવો કુછંદ પોસાતો નથી.’ તદ્દન સાચી અને સચોટ વાત… અમે પણ રોટીવાદી ટેકનીકલ મજૂરો છીએ, બધાની રોટીના અલગ પરિમાણ છે, અલગ વ્યાખ્યા છે અને અલગ ઉપલબ્ધિઓ છે…. અને છતાંય સંતોષ ક્યાંય અને કોઈનેય નથી.

વ્યવસાયિક જીવનમાં કોઈ પણ ખાનગી સંસ્થામાં કામ કરતા, વર્ષોના અનુભવને લીધે હવે જૂનીયર ન ગણાતા અને ઉચ્ચસ્તરીય મેનેજમેન્ટના સ્તરને પકડવાનો પ્રયત્ન કરતા પ્રોફેશનલની જે માનસીક અવસ્થા અને વિચારો હોય એ મારી સાથે, મારી વિચારસરણી સાથે ખૂબ મળતા હશે એમ મને લાગે છે. કાગડા બધે કાળા જ હોય એમ વ્યવસાયિક જીવનમાં રાજકારણ એક અહર્નિશ અને અંતિમ સત્ય છે. આ જીવનમાં હોવા છતાં પોતે રાજકારણથી દૂર છે એવું કહેનાર પ્રત્યે હસી નાંખવા જેટલી પણ નિરર્થક ચેષ્ટા કરવા હું તૈયાર નથી. પરાણે પણ જે શીખવું પડ્યું છે એ રાજકારણ અને ખંધાઈ મને માનસિક રીતે કનડે છે, એનાથી મળતો વિજય આનંદ આપતો નથી, પણ એ અસ્તિત્વના સંઘર્ષનું એક આગવું પરિમાણ છે જે આવડતું હોવું ટકી રહેવા જરૂરી છે. વ્યવસાયિક જીવનનો થાક ઉતારવા હું વર્ષોથી મારા શોખને ઉછેરી રહ્યો છું, પહેલા ડાયરી સ્વરૂપે અને હવે અક્ષરનાદ.. જોબ સેટિસફેક્શન શબ્દના બંને ભાગોને હું જ્યારે એક સાથે ન મેળવી શકું ત્યારે અલગ અલગ પણ મેળવવાનો પ્રયત્ન કરી લેતો હોઉં છું. સદભાગ્યે મને અંગત રીતે વર્ષોથી જાણતા કેટલાક ઉપરી અધિકારીઓના મારા પરના વિશ્વાસને લીધે મહદંશે મને હાલના વર્ષોમાં એ એકસાથે મળી રહે છે.

વ્યવસાયિક જીવનમાં નવાગંતુક માટે અનેક આશ્ચર્યો અને ઝાટકાઓ રાહ જોઈ રહ્યા હોય છે. મનમાં મહેનતથી કામ કરવાની, પૈસા કમાવાની અને સતત આગળ વધતા રહેવાની ઈચ્છા સાતત્ય અને સમર્પણથી કામ કરવા પ્રેરે છે. શરૂઆતના અમુક વર્ષો એ મહેનતથી કામ થાય છે ખરું, પણ પછી જ્યારે એ મહેનતના બદલે ધારેલા વળતર, બઢતી, નામ અને સંતોષ નથી મળતા, ત્યારે એક બદલાવનો પ્રારંભ થાય છે.. બદલાવ જેને મન સ્વીકારતું નથી, પણ મગજ અને તાર્કિક હકીકતોની એરણે એ સ્વીકારવાની મજબૂરી સર્જાય છે.. એ અનિચ્છનીય બદલાવ રાજકારણનો એક વ્યવસાયિકના જીવનમાં પ્રવેશ કરાવે છે. જરૂરતો એ રાજકારણ શીખવે છે, સમય તેમાં અનુભવોની એક ધાર ઉમેરે છે, કેટલાક એ ક્યારેય નથી કેળવી શક્તા, કેટલાક રોજેરોજ ધારદાર થતા રહે છે.

પોતાની જાતને મોટી કરવા બીજાની લીટી નાની ન કરવી એવી પૂર્વધારણાઓ કારકિર્દીને હાનિકારક થઈ પડે એની પૂરી શક્યતાઓ છે. અહીં મોટી લીટીને પણ પોતાની મોટાઈ ગાઈ વગાડીને સાબિત કરવાની હોય છે, નાની લીટી પોતાનું બ્રાન્ડ પ્રમોશન વધુ ન કરી બેસે એનો પણ ભય રહે છે, અનેક નાની લીટીઓ તમને ભૂંસવાની તાકમાં રહે છે. વ્યવસાયિક જીવનનું રાજકારણ ખંધામાં ખંધા રાજકારણીને પણ શરમાવે એ હદે નીચી કક્ષાનું હોઈ શકે છે. તમારી જરૂરત એક કેરી જેવી છે, રસ ચૂસાઈ જાય પછી બધી કેરીઓ એક જ સ્થાને જાય છે – જેમ ચેસ રમાઈ ગયા પછી પ્યાદું અને વજીર એક જ ડબ્બામાં જાય તેમ જ.. ક્યારેક ઉપરીઓ કાચા કાનના હોય છે, ક્યારેક કાચી બુદ્ધિના, ક્યારેક બંને એક સાથે.. ક્યારેક તમારાથી ઓછી યોગ્યતા અને અનુભવ ધરાવતા લોકોને તમારાથી આગળ વધતા જોઈ મનમાં ચચરાટ થાય, પણ યાદ રાખવું જોઈએ કે જે તમે આવડતના બળે મહેનતથી મેળવશો એનો મુકાબલો કોઈ ઓળખાણ, પૈસા કે અન્ય કોઈ પણ રીતે કરી નહીં શકે. આજે નહીં તો કાલે એ તેની યોગ્ય જગ્યા પર પહોંચશે જ! રેસ કાચબો જ જીતે છે.. સસલાં ફક્ત ઉછળકૂદ કરી જાણે છે.

સાચું અને ખોટું, પ્રમાણિકતા અને અપ્રમાણિકતા એ બધું અહીં સાપેક્ષ છે, તમારા પોતાના માટે કરેલું ખોટું જ્યારે અન્યો માટે કરવામાં આવે ત્યારે એ સાચું થઈ પડે છે, એવી અવસ્થામાં ખોટું કરનાર એ બદલ ગર્વ અનુભવે એવા પ્રસંગો પણ આવી શકે છે. જે પ્રસંગો કે કારણો કોઈકને માટે જીવનભરનો વસવસો બની રહે એ જ કોઈકને માટે બઢતી કે સન્માનના કારણ બની રહે છે. આજથી થોડાક જ વર્ષો પહેલાના લોકો એક જ સંસ્થામાં જીવન ખર્ચી દેતાં, તો સામે સંસ્થાઓ પણ તેમનું જીવનભરનું ધ્યાન રાખતી. કહે છે કે પત્તા રમતા હોઈએ ત્યારે જે પત્તું તમારી બાજી સુધારી શકે છે એ જ તમારી બાજી સંપૂર્ણપણે ખરાબ પણ કરી શકે છે – બધો આધાર તેના સાચા સમયના ઉપયોગ પર છે, અને એ તકવાદીપણું કહી શકાય જે અત્યાર સુધીના સરકારી કે ખાનગી કર્મચારીઓમાં ભાગ્યે જ જોવા મળતું. એક સંસ્થા સાથે લાંબો સમય ટકી રહેવું એ ગર્વની વાત ગણાતી, આજે કહેવામાં આવશે કે તેને બીજે ક્યાંય નોકરી નહીં મળતી હોય…

આજની કંપનીઓ અને સંસ્થાઓને મહદંશે કર્મચારીઓની બહુ ચિંતા રહી નથી. સતત ચમકતા હજારોના લે-ઑફના સમાચારો એ વાતની સાક્ષી પૂરે છે. નફા અને ખોટની ગણતરીમાં ક્યાંય સમર્પણ અને પ્રમાણિકતાના અસ્તિત્વનો ખુરદો બોલી ગયો છે અને સામે કર્મચારીઓ પણ સતત પગાર વધારા, પ્રમોશન અને ઝડપથી પગથીયા ચડીને ઉંચાઈ મેળવવા ટૂંકા સમયગાળામાં એકથી બીજી કંપનીમાં કૂદકા માર્યા કરે છે. એમ કરવામાં તેમની આવડત કે અનુભવ – કાંઈ વિકસતું નથી, એક વાતાવરણને અનુકૂળ થઈને અનુભવ શરૂ થાય ત્યાં તો બીજી કંપનીમાં જવાનું થઈ જાય. બંને પક્ષે એકબીજા માટે એક અનોખી વિરક્તિ સાધી છે, અનોખા તકવાદી વાતાવરણમાં આજની પેઢી વિકસી રહી છે.. વળી એમને એકબીજા વગર ચાલવાનું પણ નથી… મારા વિચાર મુજબ જીવનમાં સંપૂર્ણ અને “આદર્શ” કંપનીની કલ્પના કરવી જોઈએ નહીં, જે અત્યારે મળ્યું છે તેની સાથે સાચો, પ્રમાણિક અને સરળ સંબંધ હોય તો વધુ સુવિધાજનક બની શક્શે. પણ ‘બેટર સેઈડ ધેન ડન’…

એક નાનકડી વાર્તા યાદ આવે છે, કદાચ ક્યાંક સાંભળી હતી. કે એક પક્ષી ઝાડની ટોચ પર બેઠું છે અને નીચે જમીન પર એક સસલું પોતાના માટે ખોરાકનો પ્રબંધ કરી રહ્યું છે. એ ઝાડની ટોચે બેઠેલ પક્ષીને જોઈને પૂછે છે, ‘તું શું કરે છે?’ પક્ષી કહે છે, ‘કંઈ નહીં.’ સસલું પણ ‘કંઈ નહીં’ કરવા વિચારે છે.. બેસી જાય છે અને એક સમડી તેને ઉંચકી જાય છે. વાર્તાનો બોધ સાવ સ્પષ્ટ છે, કંઈ ન કરવા માટે પણ તમારે ટોચે હોવું જોઈશે, નીચેના જો એવો પ્રયત્ન કરશે તો પ્રાથમિક રીતે જરૂરતો પૂરી નહીં કરી શકે અને અંતે નાશ પામશે.

બક્ષીસાહેબ કહે છે, ‘સલૂનમાં સરસ વાળ કાપનાર પાસે અને બેન્કમાં સારા અક્ષરે સ્વચ્છ હિસાબ કરનાર પાસે અને રસોડામાં સપ્રમાણ રોટલી બનાવનાર પાસે અને ટાઈપરાઈટર પર સિફતથી આંગળીઓ ફેરવનાર પાસે જે પ્રકારની એમની કલાઓ છે એવી જ એક કલા મારી પાસે છે. તમારૂ કર્મ કરીને ફેંકાઈ જવું એ જીવનનો અંતિમ સંતોષ છે.’ વાત સાચી, પણ કર્મ કરવા અને ફેંકાઈ જવા વચ્ચે અનેક જરૂરતો પૂરી થવી જોઈએ. કર્મ કર અને ફળની ચિંતા ન કર એ સૂત્ર આજના વ્યવસાયિઓ માટે નથી. અહીં તો ફળની નિશ્ચિતતા પર જ કર્મનું અવલંબન છે.. CTC કે Incrrement ની ખાત્રી વગર કોણ ‘કર્મ’ કરશે?

તો હવે સમસ્યાઓ પરથી ઉકેલ તરફ જઈએ. જીવનમાં અનેક તકલીફો હશે પણ દરેક તકલીફને (n+૧) ઉકેલ હોય છે… જે ઉકેલોનો તમે પ્રયત્ન કરી ચૂક્યા છો એ ‘n’ અને ‘૧’ જે હજુ પ્રયત્ન કરવાનો બાકી છે એ. સ્વનિર્ભર હકારાત્મકતા આજના સમયની તાતી જરૂરીયાત છે, એ નહીં હોય તો સ્પર્ધામાં – ગળાકાપ સ્પર્ધામાં ટકશો કઈ રીતે? ફક્ત આવડત કે ડિગ્રીઓ કામ નહીં લાગે.. એવા તો હજારો તમારી સાથે સ્પર્ધા કરવા તૈયાર હશે. તમારે જોઈશે આત્મવિશ્વાસ, ધગધગતો ઉત્સાહ અને દિવસને અંતે ‘હાશ’ કે સંતોષ… કારણ આખરે બધુંય સંતોષ માટે જ છે, સ્વ સંતોષ માટે…

વોટ્સએપ પર મને મળેલ એક સંદેશ કહે છે કે “God gives gives and Forgives, whereas man gets gets and forgets’ જે મળ્યું નથી તેને મેળવવા સતત પ્રયત્ન કરતા રહીએ, પણ એને મેળવવાની લાલચમાં અને લ્હાયમાં જે મળ્યું છે – મહામહેનતે જે મેળવ્યું છે એને ન માણીએ તો આ મહેનતનો શો અર્થ?

આજે જે લખ્યું છે તેને બળાપો કહી શકો, અનુભવ કહી શકો કે વિચારવિથિકા પણ કહી શકો.. પણ બાર વર્ષોના અલભ્ય રંગબેરંગી અનુભવની આ મૂલવણી છે.. અને જો આ કૃતિ મારા અત્યારના કોઈ સહકર્મીઓ વાંચી રહ્યા હોય તો તેમને વિનંતિ.. અહીં કોઈને પણ તેમના નામ કે ગુણધર્મો દ્વારા વાંચવાનો પ્રયત્ન ન કરશો, એ મારું સ્તર નથી..

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ

 • મનીષ વી. પંડ્યા

  જીજ્ઞેશભાઈ,
  તમારી કથા-વ્યથા વાંચી. નિરાશ થયા વગર હજુ પણ કામ કરી જ રહ્યા છો તે ચાલુ રાખશો. તમારી સાથે અક્ષરનાદ ના અસંખ્ય મિત્રો છે જ તે વાત ક્યારે ય ભૂલશો નહિ. તમે તો માત્ર તેમના માટે કાર્ય કરો છો તે ધ્યાનમાં રાખશો તો નિરાશા ક્યારેય તમારી પાસે ફટકશે પણ નહિ. મારા જેવા કેટલાયે મિત્રોની અને મારી અનેકાનેક શુભકામનાઓ.

 • Palak

  જેમ તાળુ ચાવેી વગર નથેી બનતુ હોતુ એ જ રેીતે સમસ્યા પણ એના નિરાકરણ વગર નથેી હોતેી. દરેક સમસ્યાનુઁ કોઇ તો નિરાકરણ હોય જ

 • urvashi parekh

  જીગ્નેશ ભાઈ, સરસ અને નીખાલસ અને સત્યતાભર્યો લેખ. અને ઘણુ જાણવા મળ્યુ.

 • govind shah

  jigneshbhai ,

  very nice article throwing light on atmosphere prevailing in various organisations. job satisfaction is very rare thing nowadays when there are lot of layoffs , retrenchments & unemployment.sometimes hardworking, efficiency, honesty etc are not considered & flattering etc get rewarded. i had worked with many public sector & private sector companies . but total beurocracy in public sector.

 • Chandrakant Lodhavia

  જીજ્ઞેશભાઈ,
  નિર્ભય અભિવ્યક્તિ.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 • Sanjay Dudhat

  Agreed on most of the points But we cannot avoid of law of Karma. It was since beginig and it will remain true till end of the universe. People are thinking that they are not getting as per their karma,but that is the real beauty of Law of Karma.

 • devikadhruva

  ખુબ જ સાચો,વિચારશીલ અને મનનીય લેખ. આખાયે લખાણમાં સ્પષ્ટતા છે,નિખાલસતા છે અને પૂરેપૂરી સચ્ચાઇ છે.

 • ashvin desai

  ભઐ જ્પ્ગ્નેશ
  તમારિ આપ્વિતિમા સચ્ચઐનો રન્કો હોવાને લિધે તમામ સરદયિ મિત્રોને ઉન્દિ અસ્ર ર કર્શે એત્લુ નક્કિ
  તમારિ નિખાલસતા અને નિર્દમ્ભ સ્વભાવ કોઇને પન સ્પર્શિ જાય એવા હોવાથિ હજ્જારો પ્રોફેસનલોના મન્નિ વાત તનમે કરો ત્યારે બધાના મન્મા એક ક્ષન શાન્તિ થશે . સારુ કર્યુ તમે
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • Harshad Dave

  અનુભવોની અભિવ્યક્તિ સરળ છે પણ વિચારવા અને હું આ સ્થિતિમાં હોઉં તો શું કરું એ દિશામાં ધકેલે છે…તાસીર મનની પણ હોઈ શકે! ગમા-અણગમા વ્યક્તિગત હોવાના જ/રહેવાના જ. રાજકારણમાં કારણ રાજ કરવું એ જ હોય છે- યેન કેન પ્રકારેણ…શેઠ કે શેઠાણી ભલે…પણ ગોરનું તરભાણું તરો. ફળની આશા વગર કર્મ કરવા પર સ્વતંત્ર લેખ આપો…સ્વાર્થ ન સધાતો હોય તો કર્મ કોણ કરે? ભૂખ સંતોષાય તેમ હોય તો જ હાથનો કોળિયો મોં તરફ વળે. -હદ.

 • Anand

  બહુ સરસ …પ્રોબ્લેમ તો રહેવાના જ પણ જે સોલૂશન આપ્યુ એ ગમ્યુ ….

 • Deepak

  સરસ વાત લખી છે.. અમરા જેવા પ્રા. જોબ કરતા કર્મચારીઓની વ્યથા તથા ઉકેલ ઉંડુ વિચારવાથી આપના લેખમાંથી મળી આવે છે્…. આભાર…

 • જગદીશ જોશી

  પ્રિય જીગ્નેશભાઈ,

  મને લાગે છે કે વ્યવસાયીક વ્યવહાર સમય સાથે પરિવર્તનશીલ છે. મારી કારકીર્દિ ૧૯૮૦ થી શરુ થઈ અને ૨૦૦૩ માં પુરી કરી. (રીટાયર્ડ થવામાં બે વર્ષ બાકી રહ્યા હતા) તે પણ અર્ધસરકારી સંસ્થામાં. કેટલાક મુદ્દાઓ સાથે અસંમત થઈશ (એટલે જ પ્રથમ વાક્ય લખ્યું). રાજકારણા પરાણે શીખવું પડે – સાથે સંમત નથી – ગુજરાતમાં છ રીજીયન ઓફીસર હતા તેમાંથી પાંચ એક તરફ અને સામે પક્ષે હું. સંસ્થાની ગ્રાંન્ટ સરકારની આથી હું સમજતો કે મારે મારા કાર્યને વફાદાર રહેવું જોઈએ, મારા ઉપરીને નહી, (અન્ય પાંચ આરઑ સામે પક્ષે). પણ મારે સહન કરવાનું ઘણું આવ્યું, ૨૨-૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ ઘરની બહાર રહેવાનું થયું, વિવિધ મેમાઓના ખુલાસા કરવા પડ્યા, કામમાં ખુબ સજાગ રહેવું પડ્યું, કુટુંબને પણ ભોગવવાનું આવ્યું, અંતે બે જ વર્ષ બાકી હોવા છતાં કંટાળીને, સંઘર્ષથી થાકીને સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી. આમ રાજકારણમાં પડ્યા સિવાય ‘અસ્તિત્વ’ ટકાવી શકાય છે. બીજાની લીટી નાની કર્યા સિવાય આપણી લીટીની સાઈઝ જાળવી રાખી શકાય.
  પહેલાં પોતાની લીટી પોતાની નિષ્ઠા દ્વારા જાળવી શકાતી, પણ હવે કદાચ હવે નિષ્ઠા ઉપરાંત ગાઈ વગાડીને જણાવવાનું ઉમેરાયું હશે.
  પણ નિષ્કર્ષમાં લખું તો, વ્યવાસાયિક જીવન નિષ્ઠાપુર્વક પુર્ણ કરીએ તો પાછલી જીંદગી શાંતિથી જીવી શકાય છે એ અનુભવ્યું છે. રાજકારણ રમવામાં જે સ્ટ્રેસ અનુભવવું પડે છે, અને તેના કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો, જે એ વખતે નજરે પડતા નથી, તે પાછલી ઉંમરે સ્તર પર આવે છે. રા્જકારણ કે આગળ જવાની હોડમાં જે લાગણીના માનસિક ધક્કા લાગે છે તે પાછલી ઉમરે શારિરીક સ્તરે બહાર આવે છે. ટોચે હોવું જ જોઈશે એવી કોઈ શરત મને લાગતી નથી, પણ ટોચે જવાના પ્રયત્ન સતત હોવા જ જોઈએ એ સંપુર્ણ સત્ય છે. (ટોચે નહી હોવાની લાગણી, નિષ્ઠાને ઘટાડે છે.)
  પણ આવી રીતે જાતને હળવા કરતા રહેવું સરસ પ્રયત્ન છે.

 • Hemal Vaishnav

  I would lke to quote something I came across ..

  “In the rat race, even if you win, you will still be a rat, you will not become lion.”

  rightly said that now a days job and satisfaction does not go together, you must find something outside the job to satisfy you.

 • Valibhai Musa

  “દરેક તકલીફને (N+1) ઉકેલ હોય છે; જે ઉકેલોનો પ્રયત્ન તમે કરી ચૂક્યા છો એ N અને 1 જે હજુ પ્રયત્ન કરવાનો બાકી છે.”

  સરસ વાત કહેવામાં આવી. સ્વાનુભવ ઉપર આધારિત વિચારશીલ લેખ બદલ ધન્યવાદ.