માર્સ મિસ્ટરી (સાયન્સ ફિક્શન વાર્તા) – આનંદ ઠાકર 5


મેનસ્ટ્રિમ-૪ નું બારણું ખૂલવાની સૂચના અપાઈ રહી હતી. યાનમાં બેઠેલા બધા વિજ્ઞાનિકો યાનની ફ્લાઈટ ડેકમાં આવી ગયા હતા. મને પણ ત્યાં આવી જવા આદેશ આપવામાં આવ્યો. મારો સ્પેશસૂટ ખાસ મંગળના વાતાવરણને અનુકૂળ આવે તેવો હતો.

આઠ-આઠ માસથી યાનમાં રહેલા કાચના નાના બાકોરામાંથી અવકાશ જોતો હતો. થયું હતું કે ખોટો ફસાઈ ગયો. પણ આજે પૃથ્વીવાસીઓની ઐતિહાસિક ક્ષણોનો હું પણ સાક્ષી હતો! મને ક્યાં ખબર હતી કે એક વખત ભોજન લેવાની અને વર્ષના એક – શ્રાવણ – માસમાં માત્ર પાણી પીને રહેવાની મારી તપશ્ચર્યાનું ફળ ઈશ્વર આ રીતે આપશે!

મનજીત મારો ભાઈબંધ, અમદાવાદમાં જ્યારે અમે અગાશી પર જઈ આંખોથી આકાશ આંબતા ત્યારે ખબર નહતી કે મનજીત મને સાથે લઈને આ રીતે આકાશ આંબશે. મનજીત ભણવામાં હોંશિયાર એટલે તે સંશોધક બન્યો અને ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરવા મળી ગયું. ‘મેનસ્ટ્રીમ માર્સ મિશન’માં પણ તેને સમાવવામાં આવ્યો. આમ તો અમદાવાદથી વિખૂટા પડ્યા પછી અમે બહુ ઓછા મળ્યા હતા, વર્ષમાં એકાદવાર મળવાનું થાય. તેણે મને ફોન કર્યો, બેંગ્લુર પહોંચ્યો ત્યારે તેણે ફોડ પાડ્યો કે મંગળ મિશન માટે એવા વ્યક્તિની જરૂર છે જેની ખોરાકની માંગ ઓછી હોય, શ્રાવણ મહીનાની તપશ્ચર્યાને જાણતા તેણે મને પસંદ કરવા માટેની વાત કરી છે. બસ થોડી ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તે આ મિશનમાં એક અવકાશ વિજ્ઞાની તરીકે સાથે હશે.

આજે મારી ઉમર 34 વર્ષની છે. ખબર નહીં કેવી એવી બીમારી લાગુ પડી ગઈ હતી કે હું ધર્મના રવાડે ચઢી ગયો અને વર્ષોના વર્ષો મેં ધર્મ-ધ્યાન-તપમાં કાઢવા માટે એક ટાઈમ જમવાનું લીધું હતું. મને આ વાતનો ત્યારે એક રીતે આનંદ પણ થયો હતો કે ચાલો આ રીતે તો આ રીતે ઈશ્વરે મદદ કરી. કપરી ટેસ્ટ્સમાંથી બહાર આવ્યો. વૈજ્ઞાનિકોએ મારી ભોજનની ક્ષમતા પર એક મંગળને ખોદવા જેટલું સંશોધન કરી નાખ્યું હતું. એક વર્ષ મને ટ્રેઈનીંગ આપવામાં આવી.

યાનમાં બેઠો તે પહેલા અમદાવાદ જઈ મોટાભાઈ-ભાભી, મમ્મી-પપ્પા અને જૂનાગઢથી આવેલી બહેનને મળેલો. ઈશ્વરને કરવું તે હજી લગ્ન થયાં ન હતા તે સારું હતું.

હું અને ચાર વૈજ્ઞાનિક મળી અમે પાંચ જણાં હતા. લક્ષ્મેશ નારાયણન, વિ. આર. વત્સસ, સ્મિતિ આનંદમ્ – જે એક માત્ર સ્ત્રી હતી આ મિશનમાં –, ચોથો મનજીત. લક્ષ્મેશ નારાયણન અને વિ. આર. વત્સસ બન્નેએ યાન હેંડલિંગ અને લેન્ડરોવરને મેનેજ કરવાના હતા. સ્મિતિ આનંદમ્ અને મારે મંગળ પરના જીવનની શક્યતા માપતા લેન્ડરોવરની પાછળ સ્પેશિયલ લેન્ડરોવરમાં જવાનું હતું. મનજીત ત્યાંના વાતાવરણની, પ્રકાશ, જમીન, હવા, પાણી અને ખોરાકના ઉપજની શક્યતાઓ તપાસવાનો હતો. કામની વહેંચણી નીચે જ થઈ ગઈ હતી. લક્ષમેશના ઓડર પ્રમાણે અમારુ ઉતરાણ હતું.

અમારા યાનને વિજ્ઞાનની ભાષામાં આ લોકો મધરશિપ કહેતા. મધરશિપ એટલે એવું યાન કે જે ન્યૂકીલર ફ્યૂઅલથી ચાલતું હતું, ૨૦૧૩ની આસપાસ મોકલેલ યાન કરતા આની સ્પિડ ત્રણ ગણી વધારે હતી. તેંતાલીશ દિવસમાં અમે મંગળની સામે હતા. આ મધરશિપમાં તમે હરીફરી શકો, ખાઈ શકો, આઠેક જેટલા જણ રહી શકે. પૃથ્વી પરથી લાવેલો ખોરાક ટકી પણ શકે. તેમાં નાના બીજા બે પ્લેન અને લેન્ડરોવર પણ રાખી શકાયા હતા. સામાન્ય રીતે આપણી સમજમાં આવે તેમ કહેવું હોય તો તે મધર એટલે કે મા જેવું હતું, બધું કામ કરી શકે!

રણ જેવા ઢુંવાની બાજુમાં સ્હેજ પથ્થરાળ જમીન દેખાઈ રહી હતી. મનજીત; લક્ષ્મેશ અને સ્મિતિનું મંતવ્ય લઈ અને સેટેલાઈટ ઓર્ડર પ્રમાણે વત્સસે ત્યાં મધરશિપ લેન્ડ કરવાનું મુનાસિબ સમજ્યું. યાન લેંન્ડીંગ વખતે કોઈ મુશ્કેલી પડી નહીં. પણ હવે દરવાજો ખોલવાનો હતો.

મેં મંગળનો શ્લોક બોલી લીધો. તમિલવાસી સ્મિતિ મારી સામે હસી પણ ખરી! પણ ધાર્મિક મનોવૃત્તિ ધરાવનારાઓ માટે તો આ ગ્રહદેવતા હતો. શિવજીને મનોમન નમસ્કાર કર્યા. આદેશ જારી થયો.

મધરશિપના કમાડ ખૂલ્યા બધાના મનમાં એક જ અસમંજસ હતી કે આ ખૂલતા દરવાજા મંગળ કરશે કે અમંગળ? દરવાજો ખૂલતાં જ અમારા ઈયરફોનમાં સૌને સંભળાયું કે માઈનસ ૪૦ અં.સે. જેટલી ઠંડી છે અને હવા ફૂંકાઈ રહી છે. યાનનું સમતોલન બગડી રહ્યું હતું માટે દરવાજા બંધ થયાં. ફ્લાઈટ ડેકમાંથી મનજીતે એક ટ્રાન્સમિટર બહાર ફેંકી દીધું જેનાથી મંગળ પર મૂકેલા પૃથ્વીના અમેરિકા, રશિયા, ચીન, જાપાન અને ભારતા લેન્ડરોવરની વિગત મેળવી શકાય અને તેના દ્વારા બહારનું વાતાવરણ પણ જાણી શકાય.

લગભગ બીજા દિવસનો સૂર્યોદય થવાનો હતો. અમને સજ્જ થવા આદેશ આવ્યો. સજ્જ થઈ ફરી બાલ્કની જેવા ફ્લાઈટ ડેકમાં ગોઠવાયા. રોમમાં મંગળને યુદ્ધનો દેવતા કહે છે અમારા માટે પણ આ યુદ્ધ હતું, પણ ફરક એટલો હતો કે આમાં કોનો વિજય થશે કે કશુંક પ્રાપ્ત થશે કે કેમ તે પ્રશ્ન હતો. ખાસ તો અહીંની જીવસૃષ્ટિ છે કે નહીં તેનું સંશોધન મહત્વપૂર્ણ હતું પૃથ્વી માટે. કારણ કે જો પૃથ્વી પછી રહેવાનો વિકલ્પ શોધવો હોય તો મંગળ હતો અને તેના પર પહેલેથી જ કોઈ બીજું રહેતું હોય તો તેની સાથે સમાયોજન સાધવું મુશ્કેલ પડી શકે એમ હતું. જો જીવસૃષ્ટિ મળે તો તેના પણ પૂરાં પૂરાવા લેવાના હતા. પણ એ હિંસક નિકળ્યા તો અમે જીવશું કે કેમ તે પણ પ્રશ્નાર્થો હતાં.

આખરે બાર ખૂલ્યું ૩૦-૩૨ અં.સે. જેટલું માઈનસમાં વાતાવરણ હતું પણ હવે હવા થોડી નરમ પડી હતી. મનજીત, સ્મિતિ અને મારે ઉતરવાનું હતું. મેં મનજીત અને સ્મિતિ સામે જોઈને અંગ્રેજીમાં જ કહ્યું (કારણ કે સ્મિતિ ગુજરાતી સમજે તેમ નહોંતી અને આમેય આ વિજ્ઞાનિકો સાથે રહીને હવે અમારા વ્યવહાર અંગ્રેજીમાં જ થતાં હતા) મને જતાં વાંધો નથી પણ ‘મંગળ પ્રવેશ’ વખતે આપણે ત્યાં નિયમ છે કે સ્ત્રીના પગલા પહેલા પડાવવા. આ સાંભળી સ્મિતિનો ચહેરો જોવા જેવો થઈ ગયો. તે મારકણું હસતી તો હતી પણ સાથે સાથે સ્પેઈસ સૂટના વિઝરમાંથી દેખાતું હતું કે તેનું મુખ મંગળની રેતીનો રંગ ધરતું હતું!

વત્સસના આદેશથી સ્મિતિએ ઉતરાણ કર્યું કે મને આદેશ ન હોવા છતાં સ્મિતિ પાછળ મેં પણ ઝંપલાવી દીધું ખબર નહીં કેમ પણ થઈ ગયું, તેના બદલામાં મને મનજીત અને વત્સસનો ‘મેમો’ પણ મળ્યો.

અમારા ‘મંગળ પ્રવેશ’ પછી મનજીત પણ ઉતર્યો. મારા આશ્ચર્યની વચ્ચે સામેની એક વિશાળકાય ખીણમાંથી સૂર્ય નિકળી રહ્યો હતો. અહીંનો સૂર્ય પણ થીજેલો લાગતો હતો! દૂર દૂર પૃથ્વી દેખાઈ રહી હતી અને બસ મારાથી સ્મિતિનો હાથ પકડાઈ ગયો.

સ્મિતિએ મારો હાથ જોયો, મેં તેને બીજી બાજું નજર કરવા કહ્યું. કારણ કે તેનું ધ્યાન જમીનમાં પડેલા અમારા પગલા જોવામાં હતું. તે પણ જોતી રહી ગઈ. મેં તેને કહ્યું પૃથ્વી તારા ગાલ જેવી સુંદર લાગે છે અને અવકાશ તારી આંખોનું અફિણ જાણે અહીં ઉતરી આવ્યું છે.

એક માસથી હું સ્મિતિ સાથે આવું ફ્લર્ટીંગ કરતો આવતો હતો, ખબર નહીં મારું ધ્યાન-તપ કેમ તેને જોઈને છળી મરતું હતું. તે ખાસ દેખવડી ન હતી પણ આંખો સુંદર હતી અને મારું ખાસ ધ્યાન રાખ્યા કરતી હતી. તેના પિતા પાઈલોટ હતા. તેના મમ્મી બેંકર. તેનો ભાઈ આઈ.ટી. કંપનીનો હેડ હતો. તેના માટે આ એક શોખની વસ્તુ હતી. તે ૩૨ વર્ષની હતી પણ તેણે લગ્નનું વિચારેલું તે યુવાન દિલ્હીમાં આઈટી કંપની ધરાવતો હતો અને તેણે આને નોકરી છોડવા કહેલું તેથી સ્મિતિ પેલાને છોડીને ચાલી આવેલી. ખેર એ જે હોય તે અત્યારે તો તે મને ગમતી હતી, એટલે મેં તેને આવું કહી દીધું, મનજીત સાંભળી ગયો તેથી તેણે મને ફરીથી ટપાર્યો.

અમે ત્રણેય જણ થોડું ચાલ્યા. આસપાસનું નિરિક્ષણ કરવા લગ્યા. અમારા એક એક કદમ માનવ ઈતિહાસનું નવું પૃષ્ઠ હતું તો મંગળ માટે માનવીય સંસ્કૃતિના પ્રારંભિક પૃષ્ઠો હતા. જો મંગળ પર માનવીય સંસ્કૃતિ ફેલાશે તો લખાશે કે મંગળ પર રાજુ એટલે કે હું, મનજીત અને સ્મિતિ સૌ પ્રથમ આવેલા!

લેન્ડરોવર મંગળના અલગ-અલગ ભાગમાં ફરી રહ્યા હતા. ત્યાંથી અમારી પાસે રહેલી સ્ક્રિનમાં તેના વિડિયો આવી રહ્યા હતા. મંગળના દક્ષિણ ધૃવ તરફના એક લેન્ડરોવર તરફથી આવતા વિડિયોમાં જોવા મળતું હું કે ત્યાં બરફનો પ્રદેશ છે અને તે બરફ ઓગળી પણ રહ્યો છે! તાપમાન થોડું ઉષ્ણ થવામાં હોય તેવું લાગે છે, જો કે આ સમય મંગળના ઉનાળાનો હતો. મંગળના ઓછા ગુરુત્વાકર્ષણને કારણે અમારું સમતોલન પણ ખાસ રહેતું ન હતું. જો હું તાલીમ ન પામ્યો હોત તો કદાચ મારા માટે ઉભું રહેવુ, ચાલવું, થોડું મુશ્કેલ હોત. અહીં થોડો કૂદકો તમને સો મિટર ઊંચા કરી શકે તેમ હતો! કાર્બન ડાયોક્સાઈડના વધારે પ્રમાણને કારણે પણ ઘણી મુશ્કેલીઓ નડી રહી હતી.

મેં મંગળની ધૂળ હાથમાં લીધી જાણે પૃથ્વીનો કોઈ અંશ હોય તેવું લાગ્યું! અમારી પાસે કામ માટેના અઠ્ઠાવીશ દિવસ હતા અને અમારી સામે અફાટ મંગળ ગ્રહ પડ્યો હતો. મનજીત તો આવતા વેંત કામે લાગી રહ્યો હતો. શાકભાજી અને અનાજના પ્રોજેક્ટ બહાર નીકાળ્યા. બે પ્રોજેક્ટમાં પૃથ્વીની માટીમાં ફળ-ફૂલ અને અનાજ ઉગાડવાના હતા તો બીજા પ્રોજેક્ટમાં મંગળની માટીમાં, આવું બધું તેના પક્ષે હતું. તો વળી વી. આર. વત્સસ અને લક્ષ્મેશ નારાયણન મંગળ અને પૃથ્વી વચ્ચેની ટેકનોલોજી અને મધરશિપની ટેકનોલોજી મેનેજ કરી રહ્યા હતા. સ્મિતિ આનંદમ્ તો અમને આપેલી સ્ક્રિનમાં લેન્ડરોવરે મોકલાવેલા એક એક વિડિયો ચેક કરી રહી હતી. હું યાનથી થોડે દૂર એક ઢૂંવા પર ચઢીને માનવ વિહિન આ ધરાને જોઈ રહ્યો હતો!

આજ સુધી ધરતી પરથી મોકલેલા લેડરોવર્સ દ્વારા એક જગ્યાએ પૂરી શક્યતાઓ માપી શકાઈ હતી, તે હતી મંગળ પરની ‘સેવન સિસ્ટર’. અમને નીચેથી જ સૂચના આપવામાં આવી હતી કે મંગળ પરના અર્સિયા મોન્સ નામના જ્વાળા મુખીની દક્ષિણ-પશ્ચિમ દીશામાં સાતેક જેટલી ગુફાઓ આવેલી છે, જે મંગળના પારજાંબલી કીરણોથી બચેલી છે અને પુરાણી છે તથા તેની ઉંડાઈ એટલી છે કે તેની અંદર સુર્ય કિરણો ઓછા પહોંચ્યા છે માટે અહીં કોઈ જીવ હોવાની શક્યતા પૂરી છે. વળી, આજ સુધીના નિષ્ફળ જનારા લેન્ડરોવર અહીં આવીને જ અટકી ગયા છે તેથી તેને ‘માર્સ મિસ્ટ્રી’ કહેવામાં આવે છે-તે મંગળનું રહસ્ય છે! એક વાર તો કોઈ પક્ષીનો પગ પણ દેખાયો હતો અને અવાજ પણ આવેલો પણ પછી લેન્ડરોવર સાથેનું સેટેલાઈટ કનેક્શન જ તૂટી ગયેલું અને ત્યાર પછી તેની કોઈ ખબર રહી ન હતી. આથી અમારા બન્ને પર એ જવાબદારી હતી કે તેનું રહસ્ય અમે ઉઘાડીએ! ટૂંકમાં કહીએ તો મંગળ પરના સૌ પ્રથમ જીવનના શોધક અમે બનવાના હતા અને કદાચ બલીના બકરા પણ; કારણ કે અહીં કેવા પ્રાણી, પક્ષી કે માનવનુમા સજીવો સાથે પનારા પડે તેની કોઈ તાલીમ કે ટ્યુશન કરીને અમે આવેલા ન હતા!

વિઝર(visor)ની અંદર ચાંદલાની જેમ અમારા કપાળ પર લાગેલો માઈક્રો કેમરો ખૂબ શક્તિશાળી હતો, તે બધી નોંધ લેવાનો હતો અને માથા પરની માઈક્રો લાઈટ – અમારા કંટ્રોલમાં રહીને – અંજવાળું આપવાની હતી. આ સીવાય ન તો અમારી પાસે કોઈ શસ્ત્રો હતા કે લડવાનું જનુન. એક રોબોટિક યાન પણ ગુફાઓમાં આવીને ઓગળી ગયું હતું, જેનો કોઈ અત્તોપત્તો હતો નહીં.

પણ મારી સાથે તો સ્મિતિ હતી. હું તો એ રીતે તૈયાર હતો જાણે અમે બન્ને ખજુરાહો જોવા જવાના કેમ હોય! હું તો આછું ગાતો પણ હતો કે તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ.
ત્યાં અચાનક સ્મિતિએ મને બોલાવ્યોઃ આપણે ગુફાના રહસ્યને ઉકેલવા જઈશું તો જીવશું કે મરશું?

એક બાળક જેવી આર્દ્રતા, તેની આંખોમાં હું કાચની આરપાર જોઈ શક્યો. મારાથી તેનો હાથ પકડાઈ ગયો, તેને જાણે કશો વાંધો ન હોય તેમ તેણે રહેવા દીધો અને મેં કહ્યુઃ જીવશું કે મરશું તેની મને ખબર નથી પણ આપણે સાથે રહીશું તેટલી મને ખબર છે. તેણે બીજો હાથ મારા હાથમાં મૂકી દીધો ત્યાં સુધીમાં તો એક બીજાની આંખો બોલતી થઈ ગઈ હતી. અમે મધરશિપમાં ગયા.

વત્સસ અને લક્ષ્મેશ બન્નેને મળી અને યાનમાંથી ‘સેટેલાઈટ-નેનો’ પ્લેન બહાર કાઢ્યું. સાત સિક્રેટ ગુફાઓ સુધી પહોંચવા માટે તે જ અમારું સાથી અને સંગી હતું. અમે બન્ને ત્રણેયને વારંવાર ગળે મળ્યા, મનજીત થોડો નબળો પડ્યો. મેં કહ્યુ, મારે કોણ આગળ પાછળ છે? ડોન્ટ વરી, પણ જો કશું થશે તો સ્મિતિને હું બચાવી લઈશ.

અમારા સેટેલાઈટ-નેનો પ્લેનમાં અમે બન્ને ગોઠવાયા જાણે નાનું હેલિકોપ્ટર જોઈ લો પણ તેને પંખા નહીં. માત્ર બે વ્યક્તિ જ બેસી શકે. અમે ઉડાન ભરી. સ્મિતિ ચલાવી રહી હતી. ઓલમ્પસ માન્સ (Olympus Mons) જે ભારતના માઉન્ટ એવરેસ્ટથી લગભગ ત્રણ ગણો મોટો છે તે દેખાઈ રહ્યો હતો. જાણે સમગ્ર મંગળ ગ્રહની ચોકી કરવા કોઈએ દિવાદાંડી બનાવી હોય તેમ તે ઉભો હતો! એ…યને વિશાળ કાય તળમાં પથરાઈને! તે થોડો દૂર હતો. અમારે જવાનું હતું અર્સિયા મોન્સ નામના પહાડ પર જ્યાં સાત ગુફા હતી. પહોંચ્યા.. સ્મિતિએ તે સાત ગુફા ફરતે પ્લેનને ચક્કર લગાવડાવ્યા જો કોઈ વધારે હિંસક સજીવ હોય તો તેના પર કોઈ આધિપત્ય જમાવવા આવ્યા છે તેમ માનીને જ બહાર આવશે. એવું બન્યું નહીં. સ્મિતિએ અને અમે બન્નેએ એક બીજાની સામે જોયું પછી નીચે જોયું અને પહેલી ગુફાના દરવાજાની પાસે જ અમે લેન્ડ થયાં.

ચાલો અંદર. મેં કહ્યું અને સ્મિતિએ મારો હાથ પકડીને કહ્યુ, ચાલો, જે જીવતો રહ્યો તે મંગળ ગ્રહનો ધ ગ્રેટ સિકંદર.

એક વિશાળકાય બોખ જેવી ગુફા હતી. જોઈને જ મોતીયા મરી ગયા! અમે તો સતત ચાલતા જતાં હતા અંદર ને અંદર. મોટું બાકોરું આવ્યું. એક બાજુથી પાણીના ખળખળ અવાજ આવે તો ક્યાંક મોટા પથ્થર ગબડતા ન હોય, એવા અવાજો! એક બાજું આનંદ થયો કે ચાલો પાણીનો સ્ત્રોત તો મળી ગયો. અમારા કેમરા અને ઈયરફોન મધરશિપ સાથે કનેક્ટેડ હતા. તે ત્રણેય પણ ખુશ થયાં. સ્મિતિએ એક પગ આગળ માંડ્યો. તપખીરીયા રંગના પંખીઓ ફફડાટ કરતા ઉડી ગયા. ચામચીડીયા જેવી ચીચીયારી ઉડતી નીકળી. અંદર ડોકીયું કર્યું. જોયું તો આછો આછો પ્રકાશ હતો.

ધીરે ધીરે આગળ વધ્યા. અમને લાગ્યું કે તેની નીચે જાણે ધગધગતો જ્વાળા મુખીનો મલબો છે. અમે થોડાંક ચાલતા હતા અને પાછળની આખી જમીન સરકતી હતી! હવે સમજાયું કે આ તો બધું ઉકળે છે. અમને થયું હમણાં અમારા સ્પેઈશ સૂટ ઓગળી જશે. શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. પાછળ ખસતું પીળું દ્રાવણ એક ચતુષ્કોણ આકારના નાળચામાંથી આવતું હતું. તે વધારે ખસવા લાગ્યું. અમે જાણે હવે કોઈ અકળ કાળના પંજામાં હોય તેમ સરકે જતાં હતા. થોડાં આગળ વધ્યા, ત્યાં જમીન થોડી શાંત થતી હતી. દૂર દૂર થોડો પ્રકાશ દેખાવા લાગતો હતો. જાણે કોઈ ગુલાબ-મોગરાના છોડ આગળ હોય તેમ અહીં સુગંધ આવવા લાગી હતી. થોડી રાહત મળી હોય એવું લાગ્યું.

આગળ જતા અચાનક એક વળાંક આવ્યો અને ત્યાં અર્ધ ચંદ્રાકારનો મોટો ઝરો હતો. તે ઝરામાં આરપાર તળીયું દેખાય એવું શુદ્ધ અને ચોખ્ખું પાણી હતું. પાણી ટેસ્ટ માટે લેવા અમે લાવેલા પોલીથીન બેગ ભરી રહ્યા હતા ત્યાં એ સરોવરમાંથી કાચબા જેવું એક પ્રાણી નીકળ્યું અને અમારા પર સીધો પ્રહાર જ કર્યો. હતું મોટા કાચબા જેવું પણ તેની ઢાલ ન હતી ઢાલ જેવો ભાગ લચીલી ચામડીનો બનેલો હતો. તેણે પ્રહાર કરીને આપણા હાથી જેવો અવાજ કર્યો.

અમને થયું કે હવે મર્યા. મનજીત અમને ઈયરફોન પર પાછા ફરવાનું કહી રહ્યો હતો પણ હવે પાછા ફરી શકાય તેવી દશા ન હતી કારણ કે પહેલો વટાવેલો જ્વાળામુખીનો પ્રદેશ સામા પ્રવાહે ઝીલવો પડે અને એમ કરતા જો કપડા ઓગળ્યા તો પછી જીવન ન રહે તો આમ પણ મરવું અને તેમ પણ. પણ હવે કરવું શું એ વિચારવા અમે એક ખૂણાની આડશે ઉભા રહ્યા. એટલે પેલો કાચબો પણ અંદર ચાલ્યો ગયો.

અમે બન્ને વિચારમાં ઉભા હતા, તેને બેક ક્ષણ પસાર થઈ હશે ત્યાં દૂર દૂર કંઈક અવાજ અંદર અંદર સંભળાયો જાણે માનવનો જ અવાજ જોઈ લો! તીણા અને ઘેઘુર અવાજો અમારા સુધી સાવ મંદ માત્રામાં પહોંચતા હતા. લક્ષ્મેશનો આદેશ જેવો અવાજ આવ્યો યસ વી ગોટ ઈટ. કીપ ઈટ અપ ડીયર. અવાજ આવાની સાથે જ તે ઘડીક તો બી ગઈ. પણ પછી તેને આનંદ થયો કે ચાલો કોઈ તો છે.

અમે અમારી માઈક્રોલાઈટને ફૂલફોકસ કરી અને પેલા કાચબા સામે રાખી અને પાણી ભરવા વળી નમ્યા તે ઉભો થયો, આમ તેમ થયો, અનેક અવાજ કર્યા. પણ અમે ક્યાં હતા તે કદાચ અમારી લાઈટના અંજવાસથી નક્કી નહોંતો કરી શક્યો. અમે પાણી ભરી લઈ કવરમાં રાખી દીધું.

અહીંથી એક રસ્તો સીધો જતો હતો અને બીજો અમારી ડાબી બાજુ રસ્તો જોયો, તે તરફ સ્હેજ વળ્યા જોયું તો સજીવોના હાડપિંજરની ખાણ હતી! સ્હેજમાં બચી ગયા નહીં તો અમે તેમાં પડી જ જાત કારણ કે અહીં ખૂબ લીસી જમીન હતી. અમે ખીણની ફરતે નજર કરી, જોયું તો ખીણમાં હાડપીંજરના ઢગલે ઢગલા. કાળા દાંત વાળું ગીદ્ધ જેવું પશુ અને સફેદ પાંખ વાળું વાઘ જેવું પક્ષી, બીજા ઘણાં શરીરને ખાઈ રહ્યા હતા. ત્યાં લેન્ડરોવર્સનો કાટમાળ પણ હતો. તે પશુ-પક્ષીની નજર ન પડે તે પહેલા ત્યાંથી છટકી જવાનું જ મુનાસિબ માન્યું અને અમે દોડ્યા સીધા જમણી બાજુ.

અમારા કેમરાથી દ્રશ્યો જોતાં તે ત્રણેય તો ‘‘ઓ.. માય ગોડ.’ એવા એક્સપ્રેશન આપતા હતા પણ અમારા ધબકાર ઝડપી બન્યા, અમે બન્ને વધુને વધુ એક બીજાને વળગીને ચાલવા લાગ્યા.

આગળ ચાલતા થોડીવાર અંધાર છવાઈ ગયો. સ્મિતિને તો ગૂંગળામણ થવા લાગી, તે જોરજોરથી શ્વાસ લેવા લાગી. થોડે દૂર લાલ પ્રકાશ ઝબકતો હતો. બસ અમે તો એ પ્રકાશની દિશામાં આગળ વધવા માંડ્યું. હવે અમારા પગલા પડતા જાય તેમ નવા નવા અવાજ સંભળાવા લાગ્યા. તે ખૂબ આછા સંભળાતા હતા, તેથી દૂર દૂરથી આવતા હોય તેવું લાગતું હતું. પણ એટલું તો તેનાથી સાબિત થતું હતું કે અંદર કોઈક હતું ખરું. ત્યાં જે લાલ પ્રકાશને જોઈને અમે આવતા હતા તેની પાસે પહોંચી ગયા. એક લાલ ત્રિકોણ હતો. જેમાંથી લાલ કેસરી ઉગતા સુરજ જેવો પ્રકાશ નીકળતો હતો. આસપાસ કોઈ રસ્તો ન હતો, જો તેમાંથી પસાર થઈએ તો આગળનો રસ્તે ત્રિકોણના ત્રીજા ખૂણેથી નીકળી શકીએ તેમ દેખાઈ રહ્યું હતું. પણ સ્મિતિએ કહ્યુઃ આ જ્વાળા મુખીનું મુખ હોય અને આપણે અહીં જ સળગી મરીએ તો?

મેં તેનો હાથ પકડીને ટેસ્ટ ખાતર મારો એક પગ ધીરે રહીને તે લાલ પ્રકાશ વાળા ત્રિકોણમાં બોળવા ગયો. ત્યાં સામે કિનારે ઘોડા જેવા પ્રાણીઓ દેખાતા હતા, તે લાલ રંગના જ હતા અને તેની ઊંચાઈ આપણા ઘોડાથી વધારે હતી અને તેની પૂંછ મગર જેવી કાંટાદાર હતી. મારો પગ બોળ્યો તો એટલો પગ લાલ રંગનો થઈ ગયો. મેં ધીરે ધીરે તેમાં ઉતરવાનું શરું કર્યું. તે પણ મારી પાછળ મને પકડીને અંદર ઉતરી. જેવા અડધા ઉતર્યો કે તેમાંથી ઠંડી વરાળ નીકળવા લાગી અને તે વરાળ એટલી વધી ગઈ કે તે વરાળના પ્રેશરથી તરવા લાગ્યા, થોડીવારમાં તે વરાળના પ્રેશરે એવો ધક્કો માર્યો કે અમે સીધા સામે કિનારે જઈ ફસડાયા. હજી પડ્યાની કળ વળે ન વળે ત્યાં તો પેલા ઘોડાઓએ અમને ઘેરી લીધા હતા. તે બધા સાપ જેવી જીભ કાઢીને અમને ફૂત્કારી રહ્યા હતા.

હવે બહારના અવાજ નહીં કે નહીં તો પેલા વત્સસ કે લક્ષ્મેશના આદેશ માનવાનો વખત હતો, હવે વખત હતો સામનો કરવાનો. પ્રથમ વખત અમને નવા પ્રાણીને અહીંના મંગળના આ ઘોડા જોઈ રહ્યા હતા. અમારા વિડિયો ફૂટેજ કદાચ ધરતીવાસીઓ માટે આનંદની લાગણી આપતા હશે પણ અહીં અમારા માટે જીવન-મરણનો ખેલ હતો. મેં સ્મિતિને કહ્યું તું કોઈ પણ હલન ચલન વગર જ પડી રહે જે કારણ કે હલન-ચલન કરનારને તે પોતાનો શત્રુ માનશે. હું આ પ્રાણીઓના ગૃપને બીજી તરફ વાળું છું જેથી તે મારી સાથે લડે ત્યાં સુધીમાં જમણી બાજુથી દેખાતા ખુલ્લા દરવાજામાંથી નીકળી અને પાછી ફરી જાજે. મારું જે થવાનું હશે તે થશે પણ એકનું જીવવું મહત્વનું છે.

આવા નિર્ણયના કારણે ઘડીભર તો ત્યાં બેસી ગયા. શાંતિથી વિચાર્યું. આસપાસ જોયું. ઉપર જોયું તો અમે આ ચોથી ટેકરીના ભોંયરામાં હતા. મેં ઘોડાઓની આંખને પહેલા નીહાળી. મેં અનુભવ્યું હતું કે કોઈ પણને આંખની કરામતથી વશ કરી શકાય. અહીં પણ મારે આની સાથે દોસ્તીનો હાથ લંબાવવા પહેલા આંખોથી વિશ્વાસ આપવાનો હતો કે હું અહીં મિત્રતા માટે આવ્યો છું નહીં કે તમારી સાથે દુશ્મની કરવા.

મેં ખૂબ ઊંડો વિચાર કરી લીધો. પછી સ્મિતિની આંખમાં જોયું અને પછી પાગલપન કર્યું. એક ઘોડા પર બેસવા ગયો, ઘોડાઓની કીકીયારીથી આખી ગુફાઓ ગાજી ઉઠી. હું જેના પર બેસેલો હતો તે ઘોડાની પૂંછ મારા પીઢ પર લાગી રહી હતી પણ અમારા મજૂબત સ્પેશ સૂટ હતા જેથી રક્ષણ થઈ રહ્યું હતું. છતાં તેના વજનથી ધક્કો તો પહોંચતો હતો. હું સરકતો જતો હતો જો પડ્યો તો મને મારી નાખશે હું કસકસીને તેને વળગી રહ્યો. જાણે યમના પાડા પર બેઠો હોય તેવો અહેસાસ થયો! તેની તાકાત એટલી હતી કે મને લાગતું હતું કે ઘોડો જાણે હવામાં ઉડતો ન હોય! થોડીવાર તો આમથી તેમ અને તેમથી આમ કરતો મંગળ-ઘોડો વિશાળ ગોળ ષટકોણ જેવા ભોંયરામાં ચકરાવે ચડ્યો. મને હવે થાક લાગવા લાગ્યો, આંખો ઘેરાવા લાગી. થયું કે જો સાવધાન નહીં થાઉં તો આ ઘોડો મને ક્યાંયનો નહીં રહેવા દે.

ઘોડો પણ નબળો પડતો હતો, તેથી થોડી હૈયાધારણા બંધાઈ. હું ટટ્ટાર થયો. મેં તેના કાનની નીચેના ભાગમાં તેને થોડો સસવાળ્યો, તેની ગતિ અને અવાજ બન્ને શાંત થતાં હતા. થોડીવાર આવું ચાલું રાખ્યું તો તે શાંત પડતો લાગતો હતો પણ બીજા ઘોડાઓના અવાજ પાછળ છૂટી ગયેલી ગુફામાં ચાલું હોય તેવું લાગતું હતું.

આસપાસ નજર નાખી. છ રસ્તા જતા હતા. આથી જ ગોળ દેખાતું આ ભોંયરું ષટકોણાકારનું હતું. મને થયું આંખ અહીં કામ લાગે તેમ નથી, મેં પેલા અવાજો યાદ કર્યા. ફરીથી તે સાંભળવા કાન સરવા કર્યા. હજુ તો કાન સરવા કરવાનું વિચારું ત્યાં ઘોડો આગળની ગુફાના રસ્તા તરફ રવાના થવા લાગ્યો. આગળ ગયા ત્યાં તો એ તીણો અને ઘેરો અવાજ અવાજ સ્પષ્ટ ને મોટો આવવા લાગ્યો. સ્ત્રી-પુરુષનો અવાજ હોય તેવું જ લાગ્યું. ભોંયરું મોટુંને મોટું થવા લાગ્યું.

ઘોડો નિશ્ચિત રીતે દોડી રહ્યો હતો. નીચેની જમીન બદલાઈ હોય તેવું લાગ્યું. મેં જોયું તો હવે બધે આકાશી રંગનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. હું તો ઘોડાનો દોરવાયો દોરવાતો જતો હતો મારે ક્યાં કોઈ લક્ષ્ય જેવું હતું! જોતો જતો અહીંનો પ્રદેશ ઘોડાના ચાલવાની સાથે… અમે બન્ને મંગળ અને પૃથ્વીના સજીવ વચ્ચેની પ્રથમ મૈત્રીનું પ્રતિક હતા!

ત્યાં એક મોટા ઈંડા જેવા ખોબચામાંથી ઘોડો અંદર પ્રવેશ્યો. જોયું તો બધે આકાશી રંગની રોશની ફેલાયેલી હતી, અંદર ફૂલછોડ અલગ અલગ પ્રકારના આડેધડ જંગલની જેમ ઉગી નિકળ્યા હતા. આપણા પતંગીયાથી સામાન્ય રીતે ત્રણ ગણાં મોટા પતંગીયા ઉડતા હતા. ઘોડો થોડો આગળ ગયો ત્યાં એક મેદાની પ્રદેશ આવ્યો અને સામે સાક્ષાત્ યમના દૂત જેવો કોઈ માનવીય આકાર ધરાવતો સજીવ જોવા મળ્યો. મેં ઘોડાને રોકવા ચાહ્યો પણ તેનામાં કોઈ બ્રેક ન હતી, જો તેને કોઈ શારીરિક ચાળો કરું તો વળી તે ભડકે એના કરતા જે શોધવા આવ્યા હતા તેનાથી વધારે જોવા મળી રહ્યું હતું તેનો આનંદ હતો.

ઘોડો તે મેદાનની બહાર વાડા જેવું બાંધેલું હતું અને ત્યાં પેલો ‘માર્સ-મેન’ ઉભો હતો. ઘોડો ત્યાં ઉભો રહી ગયો. હું ગળગળો થઈ ગયો, આ શોધનું શ્રેય મારા પર હતું! અમે જન્મ્યા ન હતા ત્યારથી પરગ્રહવાસી વિશેની વાતો અને ફિક્શનો લખાતા આવ્યા, બોલાતા આવ્યા, કેટલાકે તેના વિશે વિજ્ઞાનિક તથ્યથી વાતો કરી હતી પણ આજે તે સત્ય મારી સામે હતું!
એ ‘માર્સ-મેન’ કાળા-લાલ રંગના શરીર વાળો હતો. મોટી મોટી છાલ તેણે પહેરેલી હતી. માથા પર કે શરીર પર વાળનું નામોનીશાન ન હતું. તે મને જોતો રહ્યો અને હું તેને જોતો રહ્યો. ત્યાં મને પાછળથી ઘોડાઓનો દોડવાનો અવાજ સંભળાયો. અમારી પાછળ આવતા પેલા ઘોડા મારા સુધી આવ્યા અને ટપીટપીને પેલા વાડામાં ચાલ્યા ગયા. થોડીવારે દોડવાનો અવાજ શાંત થયો. બીજી જ પળે પાછળથી એક ઘોડાનો અવાજ આવ્યો તે મારી પાસે ઉભો રહ્યો, જોયું તો તેના પર સ્મિતિ હતી.

સ્મિતિને ઈસારો કર્યો પેલા ‘માર્સ-મેન’ તરફ જોવાનો તો સ્મિતિએ સીધો જ મારા ઘોડા પર મારી પાછળ બેસવા કૂદાકો લગાવી દીધો અને મને ભેટી પડી. કુરતનો આભાર રહ્યો કે ઘોડો ભડક્યો નહીં. સ્મિતિ આવું મારા જેવું પાગલ પગલું ભરી શકે તે જોઈ હસવું આવ્યું, પણ અત્યારે જ્ઞાન તો ઓગળી જાય એમ જ હતું કારણ કે હવે આ ‘માર્સ-મેન’ અમારી શી વલે કરે તેની તો વિધાતાને પણ ખબર નહીં હોય એવું અમને લાગ્યું!

પેલાના હાથમાંથી પણ લાકડી પડી ગઈ, તે અમને જોઈને ડરી ગયો લાગ્યો, તેને પણ ડર લાગે છે તે જોઈ થોડી અમને ધરપત એ વાતની થઈ લાગી કે ચાલો આને પણ માણસ જેવી ફિલિંગ તો છે. ત્યાં તેણે ‘સં..સં…હૂ…સં..’ એવો અવાજ કર્યો કે ઘોડો બેસી ગયો. અમારે ઉતરી જવા સીવાય કોઈ ઓપ્સન હતો નહીં. ફરી તેણે અવાજ કર્યો ‘હૂ…હૂ..સં…હૂ..’ ત્યાં ઘોડો બીજા ઘોડા ગયા હતા ત્યાં ચાલ્યો ગયો. જેવો ઘોડો અંદર ગયો કે પેલો ‘માર્સ-મેન’ અવાજ કરવા લગ્યોઃ ધૈ…ધૈ….યમંયમં…ધૈ…ધૈ…

તેણે તેની લાકડી ફરીથી હાથમાં લીધી અને જાણે બંદૂક તાકતો હોય તેમ અમારી સામે તાકી રાખી. તેના શરીરથી પણ ઉંચી લાકડી છેક અમારા સુધી પહોંચતી હતી તે એટલો દૂર રહેતો હતો. અમે સ્થિર ઉભા હતા.

થોડીવારમાં તો ‘ધૈ…ધૈ….યમંયમં…ધૈ…ધૈ…’ અવાજ કરતા વીશ-પચ્ચીશ જેટલા તેના જેવા માણસો આવી પહોંચ્યા મોટી મોટી લાકડી લઈને! લાકડીનો અગ્રભાગ અણીદાર હતો તેથી તેનો દેખાવ ભાલા જેવો થતો હતો પણ ક્યાંય લોખંડનો ઉપયોગ થયો ન હતો. તે બધા અમને ઘેરી વળ્યા લાકડી અમારા તરફ તાકીને… ‘ હૂ…હૂ…સં…હૂ..હૂ…’ તેમાંથી એક બે દ્વારા એવો અવાજ નીકાળ્યો એટલે પેલા ઘોડાની જેમ હું પણ સમજી ગયો કે આ ચાલવાનું કહે છે…મેં સ્મિતિનો હાથ પકડ્યો અને અમે બન્ને ચાલવા લાગ્યા. કોઈ આતંકવાદીને લઈ જતા હોય તેમ તે લોકો અમને લઈ જઈ રહ્યા હતા! મૃત્યુના અને ભયના દરેક અર્થ ઉકેલાતા હતા અને હું પ્રતિક્ષણે મૃત્યુ અને ભયથી પર થઈ તો જતો હતો. સોએક મિટર જેટલો મેદાની રસ્તો પસાર કરતાં જ વૃક્ષોની હારમાળ આવી અને તેની પાર પહોંચ્યા તો નાની-નાની અનેક ગુફાઓ જોઈ અને ફરી પેલા માર્સ-મેન દ્વારા અવાજ થયોઃ ‘આ… આ… કસ્…. આ…’ બીજાએ વળી અવાજ કર્યો ‘હુરૂરૂરૂરૂરૂરૂરૂ’ અમે આમતેમ જોઈએ ત્યાં તો એક એક ગુફામાંથી મંગળવાસીઓ નીકળવા લાગ્યા.

મને પહેલીવાર ફિક્શન લેખકો અને વિજ્ઞાનિકો પર હસવું આવ્યું તે લોકો પોતાની કલ્પનાથી પરગ્રહવાસીઓને કેવા ગણતા હતા પણ મંગળ પર પૃથ્વી જેવું વાતાવરણ હોવાથી સામાન્ય લોકો જ જોવા મળ્યા. જો કે આ લોકો પૃથ્વીના આદીમ યુગ જેવા હતા. સામાન્ય કરતા તેની ઉંચાઈ વધારે હતી. સ્ત્રીઓ અને પુરુષો બધા મોટાભાગે લાલ-કાળા રંગના હતા. સ્ત્રીઓને માથા પર વાળ હતા, બાકી પુરુષોને શરીર પર વાળ ન હતા. પુરુષોએ મોટી છાલ પહેરેલી હતી અને છાતી પર આછા પથ્થરને ઢાલ સ્વરૂપે વેલીઓથી શરીર પર બાંધી રાખયો હતો. સ્ત્રીઓ ગુચ્છાદાર પાંદડા પહેરેલી હતી. કોઈ કોઈએ ફૂલના ગૂછ પણ પહેર્યા હતા. સ્ત્રી કે પુરુષનો ખંભાનો ઉપરનો ભાગ તથા હાથ અને પગમાં ઘૂટણથી નીચેનો ભાગ ખૂલ્લા રહેતા હતા. અહીં વાતાવરણ સામાન્ય હોય તેવું લાગી રહ્યું હતું. ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી આ લોકોના નાક ખૂબ મોટા અને કાન નાના હતા. અમે તો નિરિક્ષણ કરતા હતા પણ તે બધા અમારી સામે લાકડીઓ લઈને ઉભા રહી ગયા હતા!

સ્મિતિ મારી પાસે સરકી અને મેં તેને આંખથી જ ચિંતા ન કરવા કહ્યું. અમે આ લોકોને જોવામાં એટલા ખોવા ગયા હતા કે મનજીત અને વત્સસ રાડો પાડીને આદેશ આપતા હતા તે ઘડીભર સાંભળી ન શક્યા. મેં તેને વળતો ઉત્તર આપ્યો….

મનજીતે કહ્યું કે તમે પૂરી રીતે ફસાઈ ચૂક્યા છો, આપણે જે જાણવું હતું તે જાણી લીધું છે હવે પાછા ફરવા માટે વિચારો હું અહીંથી કેવી રીતે અને શું મદદ કરું, કારણ કે અહીં સુધી તમે પહોંચ્યા છો તો ત્યાંની સ્થિતિ તમે જ જાણી શકશો..

મેં તેને શાંતિથી ઉકેલ શોધવા કહ્યું. બધી બાજુ તે લોકોને જોઈ મેં પ્રયોગ કર્યોઃ ‘ઓ…મ…ઓ…મ…’ એમ જોરથી બોલવા લાગ્યો. તો તો તે લોકો વધારે અમારી તરફ ધસ્યા. હું મુંગો થઈ ગયો.

મનજીતનો અવાજ આવ્યો કે બન્ને તૈયાર રહેજો. તમારું લોકેશન અમે મેળવી શક્યા છીએ તમે સાતમી ગુફાના મેદાનમાં છો. ત્યાં આપણું સેટેલાઈટ-નેનો પ્રવેશી શકે તેમ છે હું લઈને આવું છું.

પેલા પચ્ચીસેક જણાંજ અમને ઘેરીને ઉભા હતા બીજા તો લાકડી લઈ ને નિહાળી રહ્યા હતા. તે લગભગ સોથી ઉપર લોકો હશે. તેનો ગણગણાટ ખૂબ વધારે હતો. કોઈ અમને કાતીલ નજરે જોતું હતું, તો કોઈ દયામણી નજરે. થોડીવારમાં એક પીળા પાંદડા પહેરેલો વ્યક્તિ આવ્યો તેના માથા પર ફૂલનો ગુચ્છ હતો અને તે ઘોડા પર ચઢીને આવ્યો હતો. તેને પહેલો જ મળેલો માર્સ-મેન આખી ઘટના સંભળાવતો હોય તેવું લાગ્યું.

મનજીતનો અવાજ આવ્યોઃ હું રેડ્ડીને સાથે લાવું છું જે આપણાં ગયા પછી પણ અહીંની વિગત આપશે… તમે તૈયાર રહેજો.

રેડ્ડી – આર.એસ. રેડ્ડી તેના વિજ્ઞાનિકે તૈયાર કરેલો એક જેનેટિકલ સેન્સિબલ રોબો હતો જે સ્થળ પ્રમાણે રંગ અને આકાર બદલીને ગુપ્ત રહી શકતો હતો અને ઓડિયો-વિડિયો માહિતી આપી શકતો હતો.

અહીં અમારી સામે જે કંઈ ચાલી રહ્યું હતું તેથી અમને તો એવું જ લાગતું હતું કે અમને હલાલ કરવાનો પ્લાન બની રહ્યો છે! પેલો ફૂલનો ગુચ્છો પહેરીને આવેલો વ્યક્તિ કાતર નજરે અમારી તરફ જોઈ રહ્યો હતો અને પછી .. ‘અં રમ્ જદય અય જા હુ’ એવું કહીને નીકળી રહ્યો હતો તો બીજાએ પ્રત્યુત્તર આવ્યો ‘હુ…રમ્ જદય હુ… સ્મ.’

સ્મિતિ કહે “તે લોકો શું બોલે છે’’ મેં કહ્યું તે કહે છે ‘‘આ બન્નેને એક ગુફા ખાલી કરી દો, તે હનિમુન કરવા માટે અહીં આવ્યા છે.”

મારી આ વાત સાંભળી અને ફૂલનાગુચ્છા વાળા માર્સ-મેન કરતા પણ વધારે કાતર દ્રષ્ટિએ મારી સામે જોઈ રહી હતી, જો તે ધરતી પર હોત તો નક્કી તેનું સેન્ડલ જ મને મારી દીધું હોત! મનજીત પણ મારી વાતથી ખડખડાટ હસી પડી બોલ્યો, “સાલ્લા મોતના મુખમાં ઉભીને પણ તને આવો વિચાર આવે છે.”

પેલો ફૂલના ગુચ્છા વાળો ગયો એટલે અમારી બરાબર સામેથી એક વ્યક્તિ આવી શકે તેવો રસ્તો કરી દેવા માટે આ લોકો બે ભાગમાં ફેલાઈ ગયા. મેં સ્મિતિને કહ્યું ‘આ લોકોની તરકીબથી તો લાગે છે કે નક્કી કોઈ તેનો મુખ્ય માણસ આવતો લાગે છે.’

સ્મિતિ મારા અનુમાન સાથે સહમત થઈ હોય તેવું લાગ્યું. ત્યાં ફરી પાછો ઘોડેસવાર-ફૂલના ગુચ્છા વાળો આવ્યો. તે અમારી સામે જોઈ બોલ્યો, “રમ્ જયદીય ના..ના…સં હૂ.. અન..દય..સં હૂ સત ભનવે..જય…”

તેના સમાચારથી ત્યાંના વૃદ્ધો થોડા નિરાશ થયાં હોય તેવું લાગ્યું. તેણે જવાનો ઈશારો કર્યો પછી પેલો ઘોડેસવાર પણ લાકડી તાકીને તેની પાછળ અમને લઈ જવા ઈશારો કર્યો.

અમને ચલાવવામાં આવ્યા. મનજીતને મેં કહ્યુઃ આ લોકો અમને લઈ જઈ રહ્યા છે તું ઝડપ કર નહીં તો પછી રામ રામ.. યાર..

એટલી વારમાં જો ઉપર નેનો-પ્લેનનો અવાજ આવ્યો. ‘હમ હોંગે કામીયાબ.. યાર દોરડું ફેંકું છું..’

‘આ લોકોને પ્લેનનો અવાજ સંભળાઈ તે પહેલા અને ટેકઓફમાં ઝડપ રાખજે.’

મેં સ્મિતિનો હાથ કસકસાવીને પકડી લીધો. મનજીતે કહ્યુ, ‘સ્મિતિ રેડી?’

સ્મિતિના ઉત્તર સાથે પ્લેન અમારી નજીક આવ્યું. તે બધાએ પ્લેનની ઉપર જોયું. તેના માટે આ અવાજ વિચિત્ર હોય, તેમ તે લોકો વેર વિખેર થઈ ગયા અને જમીન પર સુઈ ગયા.

અમારા માટે ખુલ્લું મેદાન મળી ગયું… દોરડું આવ્યું. અમે કૂદીને લઈ લીધું અને એ જ મિનિટે મનજીતે રેડ્ડી રોબોને નીચે ઉતારી દીધો, પછી ટેકઓફ કરી પ્લેન ઉપર લીધું.

‘હાહાહહા. યાર જક્કાસ’

તેણે ગુફાની ઉપરના પર્વતીય પ્રદેશ પર અમને લેન્ડ કર્યા. નીચે ઘોડાઓ અને માણસનોની કિકિયારીથી સાતેય ગુફાઓ ગાજી રહી હતી. પછી દરવાજો ખોલી અને અમને અંદર લીધા. બેની જગ્યામાં ત્રણ ગોઠવાયા. ફરી પ્લેન ટેકઓફ થયું અને સીધું અમારા મધરશિપ પાસે.

અમે ઉતર્યા. વત્સસે કહ્યું કે નીચેથી ઓર્ડર છે કે હવે સલામતિના તમામ પગલા લેવામાં આવે. શું કહો છો મિત્રો? હજી આપણે 26 દીવસ પસાર કરવાના છે.

મેં કહ્યુઃ કેમ 26 દીવસ?

મનજીત કહે તમારે અંદરને અંદર બે દીવસ પસાર થઈ ગયા તમને ખબર ન રહી?

સ્મિતિ તો ઢળી જ પડી હતી.

લક્ષ્મેશે કહ્યુઃ પ્લેન અંદર લઈ લો. આપણે મોટાભાગનો સમય મધરશિપમાં પસાર કરવો છે જો તે લોકો આવ્યા તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી માટે જરૂરી કામ પૂરું કરી અને બાકીનો સમય યાનમાં પસાર કરવાનો આદેશ છે. યાનથી દૂર ન જવાની પણ સૂચના છે અને હું પણ ઈચ્છું છું કે આપણે સૌ સાથે આવ્યા હતા અને સાથે પાછા ફરીએ.

લક્ષ્મેશ અમારો સિનિયર હતો. આદેશ તો માનવો પડે તેમ જ હતો. અમે પ્લેન અંદર લીધું. સ્મિતિને અશક્તિ આવી ગઈ હતી. જોયું તો તેના વિઝર પ્રોટેક્શનમાં તીરાડ પડી ગઈ હતી. અમારું ધ્યાન મોડું ગયું અમે તેને પણ અંદર લીધી. સૌ યાનમાં બેસી ગયા.

લક્ષ્મેશે કહ્યુઃ ચાલો આજે તો બધા સાથે થોડું ખાઈએ, ખબર નહીં પછી ક્યારે આવી ઉજાણી થાય… નીચે સેટેલાઈટ કનેક્ટ કરવામાં આવ્યો. નીચેના ફૂટેજ આવી રહ્યા હતા તેમાં અમેરિકા, રશિયા, ચાઈના, જાપાન વગેરે દેશોના પણ શુભેચ્છા સંદેશ હતા. અમારા ચેરમેન ખૂબ ખૂશ હતા. અમારા કેમરામાં સેવ ફૂટેજને વત્સસે સ્ટોર કર્યો અને વિડિયો કંન્ટ્રોલ રૂમને પણ મોકલ્યો!

જમીને અમે સૌ થોડો આરામ ઈચ્છતા હતા. પણ બે જણાએ જાગવું રહ્યું કારણ કે ગમે ત્યારે પેલા લોકો કદાચ આવી શકે તો. વત્સસ અને મનજીત પોત પોતાની સ્લિપિંગ સ્ટ્રીપ લઈને ફ્લાઈટ ડેકમાં ગયા. હું ને સ્મિતિ ત્યાં ઉભા હતા. દૂર.. દૂર..

‘લક્ષ્મેશ કંન્ટ્રોલિંગ સંભાળી રહ્યો છે તમે જાઓ સૂઈ જાઓ.’

અમે અંદર ગયા તો કંન્ટ્રોલિંગ સેક્શનની આડે રેલબોર્ડ રાખી દીધું હતું. અમારી બન્નેની સ્લિપિંગ સ્ટ્રિપ બાજુમાં રાખી દીધી હતી. હું તો ઢળી પડ્યો. સ્મિતિ બીજે સૂઈ શકે તેવા ઓપ્સન તો હતા પણ તે ત્યાં જ ઢળી પડી અને મેં તેની સામે જોઈને આંખો ફાડી કહ્યુઃ

‘મંગળ પર મેરેજ…મંગળમાં મંગલ કરીશું…?’

તેણે એક ધક્કો આપ્યો અને હસતી હસતી બીજી બાજુ પડખું ફરી ગઈ.

– ઠાકર આનંદ

ગુજરાતીમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ લખાય છે? વર્ષો પહેલા ‘નો અને યસ‘ નામની એક વાર્તા વાંચી હતી. પણ એ સિવાય આંગળીને વેઢે ગણાય એટલી ગુજરાતી સાયન્સ ફિક્શન હોય તો પણ ઘણું. ઘણી વાર્તાઓ એ પ્રકારમાં લખવાનો પ્રયત્ન થાય છે પણ લાગે કે જાણે કોઈએ બળજબરીથી સાયન્સ ફિક્શન લખવાનું કહ્યું હોય. એવામાં અક્ષરનાદને મળતા વૈવિધ્યપૂર્ણ સાહિત્યમાં આનંદભાઈ ઠાકરની ‘માર્સ મિસ્ટરી’ એક સુખદ આશ્ચર્ય આપી ગઈ. નવા લેખકોની નવા ક્ષેત્રમાં હાથ અજમાવવાની ઇચ્છાને અક્ષરનાદ ટેકો આપી શકે એ પણ ખૂબ સંતોષની વાત છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આનંદભાઈનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “માર્સ મિસ્ટરી (સાયન્સ ફિક્શન વાર્તા) – આનંદ ઠાકર