સવારનું અલાર્મ – ગુણવંત વૈદ્ય 9


સવારના પહોરમાં લાઉડસ્પીકર પર શંખનાદની સાથે ‘મનકામેશ્વર મહાદેવકી જય’ ના પ્રચંડ જયઘોષ સાથે જ ઢોલ, ઝાલર તેમજ ઘંટનાદની સંગાથે શક્તિનગર સોસાયટીના મંદિરમાં મહાદેવજીની આરતી શિવભક્તોએ સુંદર સ્વરમાં શરૂ કરી ‘ઓમ જય હરિહરા…’

…અને એ મંગલ ધ્વનિએ જ હું પણ જાગ્યો. એક ઊંઘે મારી સવાર પડી હતી. વિમાનની દસ કલાકની મુસાફરી બાદ માતૃભૂમિમાં મારી પ્રથમ રાત એકંદરે આરામદાયક રહી હતી. રાત્રે ભરાતી સામાન્ય શ્વાનસભામાં થતો શોરબકોર અને દલીલબાજી પણ મારી ઊંઘમાં વિક્ષેપ ન જ પાડી શક્યા.

આરતીના સૂરમાં દંતધાવનસહિતના મારા તમામ પ્રાત:કર્મો પતાવી મેં મસાલાવાળી ચાનો છેલ્લો ઘૂંટ જ્યાં ભર્યો ત્યાં જ ‘નમ: પાર્વતિ પતયે હર હર મહાદેવ’ના જ્યકારાથી મારી ચા ભેગી શિવાલયમાં આરતી પણ પૂરી થઈ.

લાઉડ સ્પીકર બંધ થયું. મંદિરમાંથી પ્રસાદ લઈ શિવભકતો કદાચ પોતાના વાહનોમાં બેસી ધંધા રોજગારે જવા નીકળતા હોવાનું મને લાગ્યું. વાહનોનો શોર વધ્યો. તમામ રસ્તાઓ જાગી ઊઠ્યા. મારે માટે દિવસની સુંદર શરૂઆત થઇ.

બીજે દિવસે સહુથી પહેલા સ્નાનાદિથી પરવારી પ્રાત: આરતીમાં ભાગ લેવાના ઉમળકે હું વહેલો વહેલો મંદિરે ગયો.

એક બે ઘરોમાંથી કુકરની વ્હીસલ સંભળાઈ. મંદિર આગળ કોઈ ખાસ ચહલપહલ દેખાઈ નહીં. હું કદાચ ઉત્સાહમાં આરતીના સમય પહેલા જ મંદિરે પહોંચી ગયો હતો. બે ત્રણ કૂતરાઓ ચોગાનમાં રાતપાળીનો ઉજાગરો ઓછો કરતા હતા. પગથીયા આગળ પગરખા ઉતારી હું મંદિરમાં દાખલ થયો કે તરત જ ગર્ભદ્વારમાંથી બાવાજીએ ડોકું કાઢી મને અવલોક્યો. મેં હાથ જોડી નમસ્કાર કર્યા. મારા મંદિર પ્રવેશે એમને આશ્ચર્ય જ થયું હોય એવો ભાવ મને એમના ચહેરે ડોકાયો. દર્શન કરી હું મંદિરની પાળી ઉપર બીજા ભક્તોના આવવાની પ્રતિક્ષામાં બેઠો. એક છોકરો સાઈકલ પર આવ્યો ને થોડા ઘરોમાં ચાલુ સાઈકલે જ છાપાના ઘા કરી પલકવારમાં પલાયન થઈ ગયો. સામેના ઘરની અગાશીમાં ઊભા રહીને એક ગંજીધારી ભાઈ બ્રશ કરતા હતા. નીચે એક બહેન એમના ઘરનું પ્રાંગણ સાફ કરવામાં વ્યસ્ત હતા. બાજુના ઘરમાંથી કુકરની એક ધમાકેદાર વ્હીસલ સંભળાઈ. એના અવાજથી જાગી ગયેલું એક કૂતરું મંદિરના પગથીયા ચડી સામેની પાળી ઉપર ફરીથી લંબાયું.

‘સુરજ માથે આવી ગયો, બેટા હવે તો ઊઠ..’ સફાઈકામ પતાવી ઘરમાં જતાં પેલી બહેને એના છોકરાને ઊઠાડવા હ્યુમન એલાર્મ વગાડતી હોય એમ કહ્યું. બ્રશનું કામ પતાવી પેલા ભાઈએ સ્વચ્છ જગામાં ઉપરથી કોગળા કરીને સ્વચ્છ મોમાંથી ‘જય ભોળાનાથ’ કહી શંકર ભગવાનને બાલ્કનીમાંથી હાથ જોડયા. પછી ઘાંટો કાઢ્યો, ‘એ ….ચા, નાસ્તો, છાપું લઇ આવજે….’

નીચે બબડાટ સાથે રસોડે વાસણો ખખડયા હોય એમ લાગ્યું. મંદિરમાં ભક્તજનોની ગેરહાજરી મને મૂંઝવતી હતી. મેં મંદિરના ચોગાન અને પગથીયા તરફ નજર દોડાવી. તે ક્ષણે જ બાવાજી હાથમાં દીવો લઇ ગર્ભદ્વારમાંથી બહાર આવ્યા. પાળી ઉપર કૂતરાને સૂતેલું જોઈ ‘હટ… હટ…’ કહી એમણે ખદેડ્યું. પછી તેઓ મારી તરફ ફર્યા.

‘આરતીમાં રોકાશોને?’ એમણે મને પૂછ્યું. મેં ડોકું હલાવી હા પાડી.

‘ઠીક’ કહી અંદર જઈ એમણે એક સ્વીચ દબાવી. તેની સાથે જ લાઉડ સ્પીકર પર શંખનાદની સાથે ‘મનકામેશ્વર મહાદેવકી જય’ ના પ્રચંડ જયઘોષ સાથે જ ઢોલ, ઝાલર તેમજ ઘંટનાદની સંગાથે શક્તિનગર સોસાયટીના મંદિરમાં મહાદેવજીની આરતી સુંદર સ્વરમાં શરુ થઈ ‘ઓમ જય હરિહરા…’

હું એકદમ ચમક્યો, સટાક કરતો ઊભો થયો…. ચોગાનમાં સૂતેલા કૂતરાઓય આળસ મરડી બેઠા થયા. હું ભક્તોને શોધતો રહ્યો અને આરતી શરુ પણ થઇ હતી!

હું સૂરતાલમાં સંગત કરતો હતો અને બાવાજી આરતી કરતા હતા… ‘ઓમ જય હરિહરા ….’

ત્યાં હાજર હતા હું, બાવાજી અને ભોલેનાથ.

આરતી પૂરી થતાં જ બાવાજીએ સ્વીચ બંધ કરી. ઝાઝ, પખાજ, ઢોલ, ભક્તોના અવાજ… બધું ગયું…

પ્રસાદ લઇ ભારી હૈયે પગરખા પહેરી ઘર તરફ વળતાં મેં જોયું તો શક્તિનગરમાંથી કામધંધે જનારાઓનાં વાહનોથી સોસાયટીનો રસ્તો ધમધમી ઉઠયો હતો. બાવાજીની આંખ સાથે મારી આંખો મળી.

પછી તો બે માસના મારા રોકાણ દરમ્યાન એ મંદિરે જવાનો મારો રોજનો નિયમ બની ગયો અને બાવાજી સાથે મારો ઘરોબો થતાં સોસાયટીનું સમાજદર્શન પણ મને એમના થકી ઘણું થયું.

બાળકો નિશાળે અને પતિદેવો ધંધે જાય એટલે જમીને સોસાયટીની ગૃહિણીઓ મંદિરના બાંકડે ટાઢે પહોરના ગપ્પે ચડતી. રાત્રે સોસાયટીનો પુરુષવર્ગ હથેળીએ અંગૂઠો ઘસવાની સાથે સાથે મુખેથી ધુમ્રવર્તુળો કાઢતાં દેશ અને દુનિયાની અઢળક અસ્ખલિત ખામીકથાઓ શ્રોતાઓને પીરસતો. તે વખતે ગૃહિણીઓ સીરીયલમાં મન પરોવતી. મોડી રાતે પુરુષસભા પૂરી થતાં મંદિરના ચોગાન અને સોસાયટીની સંપૂર્ણ જવાબદારી સુરક્ષાકર્મી શ્વાનસમાજ સંભાળી લેતો. આમ મંદિરનો ચોક સતત ૨૪ કલાકની પાળીમાં કાર્યરત રહેતો… અને ત્યાં થતી તમામ ગતિવિધિના મનકામેશ્વરદાદા સાક્ષી..

દર્શનાર્થી પાસે સમયના અભાવને કારણે મંદિરની આરતી યાંત્રિક બનાવી દેવાઈ હતી….. મોહરું ચડાવાયું હતું.

હા, ઘંટારવ સાંભળીને સોસાયટીના ન ઊઠેલા બધા લોકો જાગી જતા.

દોઢ કરોડનું એલાર્મ કલોક સમું એ… મંદિર…

મૂલ્યાંકન?

– ગુણવંત વૈદ્ય

ગુણવંતભાઈ વૈદ્યની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે પ્રસ્તુત છે મંદિર વિશેની, આરતી વિશેની તેમની મનોવ્યથાનું સહોટ નિરુપણ એવી પ્રસ્તુત ઘટના. ગુણવંતભાઈના પ્રસ્તુત ચિંતનને વાચકો આવકારશે એવી અપેક્ષા સહ પ્રસ્તુત છે કૃતિ – સવારનું અલાર્મ, મંદિર…


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “સવારનું અલાર્મ – ગુણવંત વૈદ્ય

 • Hitesh

  Thanks for nice description of reality of temples and other religious acts in our society.
  When Newspapers and phones were new, world was evolving around such temples for spiritual and social activities. now world has change everything has become personalised – home temples and rituals are carried out in house or office or on the way while going home in vehicles 🙂

 • Arvind upadhyay

  બહુ જ સરસ્ વાસ્તવિક રજુઆત. આવા જ અનુભવો હવે ગામડાઓમા પણ થઇ રહ્યા છે.

 • Gunvant Vaidya

  દરેક સોસાયટીના મંદિરોની સ્થિતિ આવી છે એવું કહેવાનો મારો જરાપણ આશય નથી જ છતાં મંદિરના હેતુઓ અંગે જાગરૂકતા વધારી અને તે દ્વારા સ્વવિકાસ સાધી આપસી ઐક્ય સ્થાપવામાં મંદિરો કેટલા સફળ કે વિફળ થયા છે એ વિચારનો મુદ્દો ખરો.

 • Vinay Sura

  Absolutely fact…All the society has their own temple and but ocationally member visit their own temple. From opening of door to cleaning of temple and closing of door is done by appointed maharaj.

 • Harshad Dave

  સરળ ભાષામાં વાસ્તવિકતાનું યથાર્થ ચિત્રણ સ્વાનુભવનો આસ્વાદ કરાવે છે અને માનવીની ગતિવિધિમાં બદલાયેલી જીવનશૈલી પ્રત્યે કરૂણ કટાક્ષ …ખરેખર જાગવું હોય તેને માટે આ લેખ મૌન ઘંટનાદનો રણકાર છે. -હદ.

 • ashvin desai

  ગુનવન્ત વૈદ્ય – નો આ ચિન્તન – પિસ ભાવક પાસે પન મનોમન્થન કરાવવાનિ ક્ષમતા ધરાવે એવો બન્યો ચ્હે , બધન્યવાદ
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા