મૃગેશભાઈ, R.I.P. દોસ્ત… 26


મિત્રો,

ગઈકાલે મૃગેશભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, રીડગુજરાતી.કોમ પર મૃગેશભાઈના અવસાન વિશે પોસ્ટ કરી, ફેસબુક પર પણ એ જાણકારી મૂકી અને પછી શરૂ થઈ યાદોની સફર. મૃગેશભાઈની મુલાકાત તો ઘણે મોડેથી થઈ, પણ એ પહેલા ૨૦૦૬માં મારી બે ગઝલ તેમણે રીડગુજરાતી પર મૂકેલી, દરમ્યાનમાં ૨૦૦૭માં મેં ‘અધ્યારૂનું જગત’ બ્લોગ શરૂ કર્યો અને ત્યારબાદ મેં ૨૦૦૮માં રીડગુજરાતી પર પ્રતિભાવ આપ્યો તેના જવાબમાં તેમનો ઈ-મેલ આવ્યો હતો. તેમણે મને ફોન કરીને વાત કરવા અથવા મારો નંબર આપવા કહેલું, અને મેં તેમને જે પહેલો ફોન કર્યો હતો એ પોણો કલાક ચાલ્યો હતો.

તે દિવસથી લઈને ગત મહીને છેલ્લે તેમની સાથે વાત થઈ, ત્યારે સવારે સાડા નવ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા કલાક વાત કરી હતી. એક ખૂબ જ અંતરંગ, લેખનમાં આંગળી પકડીને દોરનાર અને સુધારા સૂચવનાર મિત્ર અને સહ્રદય ભાઈની જેમ ચિંતા કરતા એક અંગત સ્નેહીને ગુમાવ્યાનો વસવસો આજે ભારે થઈ રહ્યો છે.

‘અક્ષરનાદ’ એ મૃગેશભાઈની મહેનતની ઉપજ છે એ બહુ ઓછા મિત્રોને ખબર હશે! બ્લોગ ‘અધ્યારૂનું જગત’ બંધ કર્યો એ પછી મૃગેશભાઈની દોરવણીએ જ અક્ષરનાદની ડીઝાઈન થઈ, કોડ પણ તેમણે પોતે કર્યા અને આખી વેબસાઈટ તૈયાર કરી આપી, પણ તેમનું નામ ક્યાંય પણ મૂકવાની ના પાડી. મને કોડીંગ શીખવ્યું અને વેબડિઝાઈનની બારીક બાબતો કહેતા રહ્યા, એના બદલામાં હું તેમને વેબવિશ્વની અવનવી વેબસાઈટ્સ અને સુવિધાઓ વિશે કહેતો, અને અંતે કાંઈ ન હોય તો અમે સાથે અલકાપુરી પાણીપૂરી ખાવા જતાં કે મીરાંબેન ભટ્ટના ઘરે જતાં અને અરુણભાઈના કંઠે ગીતો સાંભળવાનો લ્હાવો લેતા.

તેમની પુસ્તિકા ‘જીવનપાથેય’ ના પ્રથમ ગ્રાહક થવા તેમણે મને તેમના ઘરે બોલાવેલો, અસ્મિતાપર્વ દરમ્યાન મહુવાના અમારા ઘરે તેમના પિતા સાથે તેઓ રોકાયેલા એ અવસર હોય કે ગીરના જંગલમાં મારી દોરવણીએ ફરવાનો અમારો સાહસિક પ્રયત્ન હોય, મૃગેશભાઈ સદાય ઉત્સાહસભર અને આનંદી રહ્યાં. તેમના ઘરે બેસીને થયેલ લાંબા સત્સંગ અનેરા આનંદના અવસર બની રહેતા. જ્યારે વડોદરા જાઉં ત્યારે મૃગેશભાઈના ઘરનો એક આંટો તો ચોક્કસ હોય જ! તેમનું ‘આવો, જયશ્રીકૃષ્ણ’ હવે ક્યાં સાંભળવા મળવાનું! હમણાં છેલ્લે અસ્મિતાપર્વમાં તેમને મળ્યો ત્યારે એ મને કહેતા, ‘જીજ્ઞેશભાઈ, હવે તમારી ઓળખાણ બનાવો…. લોકો હજુ પણ અક્ષરનાદને રીડગુજરાતી જેવી બીજી વેબસાઈટ જ કહે છે.’ તો અસ્મિતાપર્વની એક બેઠક પછી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણા સાથે અમે ઉભા ઉભા વાતોએ વળગ્યા હતા એ દ્રશ્ય હજુ પણ આંખ સામે તરવરે છે…

ગઈકાલે આખો દિવસ તેમના અને મારી વચ્ચે થયેલ ઈ-મેલ વ્યવહારને જોતો રહ્યો, તેમની સાથે થયેલી વાતોને માણતો રહ્યો…. તેમાંથી કેટલુંક વહેંચું? તેમના વિચારોથી વધુ સારી રીતે તેમને યાદ કઈ રીતે કરી શકીએ?

‘તમે બહુ સ્ટ્રેસ લો છો, નોકરી તમને ચૂસી લેશે, પછી સાહિત્ય અને વાંચનનો આનંદ ક્યાંથી માણશો? આ કંપનીઓને તો માણસો છોડીને રોબોટ વસાવી લેવા જોઈએ.’

કે

‘નીચેના ટૂચકાઓ, કદાચ મને એમ લાગે છે કે ‘અક્ષરનાદ’ના સ્વરૂપ સાથે બંધબેસતાં નથી. થોડુંક સુરૂચિભંગ થતું હોય એમ લાગે છે. ખાસ કરીને સંપાદક પ્રતિભાભાભી હોય ત્યારે યોગ્ય લાગતું નથી. વ્યક્તિગત રીતે આમ આ ટુચકાઓમાં કશું નથી પરંતુ જાહેરમાં એની જુદી અસર થતી હોય તેમ જણાય છે તો આપનું જરા ધ્યાન દોરું છું. આપની દષ્ટિએ યોગ્ય લાગે તો તપાસી લેશો.’

કે

‘લખાણ સરસ લખાયું છે. હું તમારા લખાણને અનુરૂપ એમાં સુધારાવધારા કરી દઈશ. થોડી વ્યસ્તતા વધારે હોવાથી મોક્લવામાં મોડું થયું છે. તો માફ કરજો….. નહીં તો, પેલા જોક્સ વાળા તરંગભાઈ હાથી કહે છે એમ…. થાય તે કરી લે જો !! 🙂 ભાભીના આ લખાણમાં ‘પોસ્ટ’ વગેરે જેવા અંગ્રેજી શબ્દો ઘણા છે એને સ્થાને આપણે લેખ અથવા કૃતિ શબ્દ વાપરીશું તો ઠીક રહેશે ને ?

કે

‘પ્રિય જીગ્નેશભાઈ,

દ્રૌપદીની કવિતા સુંદર રચાઈ છે અને તેના ભાવો ખૂબ ગમ્યા.

વાર્તાનું લખાણ સારું છે પણ એમાં વાર્તાતત્વની ઊણપ છે. હકીકતે વાર્તા ત્યારે બને છે કે જ્યારે કોઈ સીધી સાદી ઘટનાને કોઈક નવીન રીતે રજૂઆત કરવામાં આવે. અહીં રજૂઆતની શૈલી ખૂબ જૂની અને સર્વસામાન્ય છે. માત્ર ભાવના પ્રધાન સંવાદોથી વાર્તા સાહિત્યિક સ્વરૂપને પામતી નથી. વ્યક્તિગત તમારા લખાણ અને વિચારો માટે સુંદર કૃતિ કહી શકાય, પરંતુ એના ઘટનાતત્વને ધ્યાનમાં લેતાં કોઈ જ વાત નવીન રીતે કહેવામાં આવી હોય તેવું નથી.

વાત નીકળી છે તો આપને મારા થોડા અંગત વિચારો પણ કહું. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો હંમેશા એના નિશ્ચિત સ્વરૂપમાં જ રહી, એમાંથી એ બહાર ન નીકળી શકી અને પરિણામે ફેંકાઈ ગઈ. ઢોલામારું અને વીર પાવવાળો અને ફલાણું ફલાણું કરીને ગુજરાતની અસ્મિતાના નામે સમય સાથે ચાલવાનું ચૂકાઈ ગયું અને દુનિયા આગળ નીકળી ગઈ પણ એ લોકો હજી તલવારો લઈને લઢવામાં કે મુછો મરડવામાંથી ઊંચા ન આવ્યા. કંઈક એવું જ ગુજરાતી સાહિત્યનું પણ લેખકોએ કર્યું છે. સાહિત્યના નામે રોતલ વાર્તાઓ, પતિ-પત્ની અને સાસુઓના ઝઘડા, પ્રેમકથાઓ અને ટિપિકલ ગુજરાતી વાર્તાઓમાંથી કોઈ બહાર નીકળીને નવું વિચારતું જ નથી. પરિણામે એક સરખા ઢાંચામાં આવતી વાર્તાઓથી ગુજરાતી વાચકને સરવાળે કશું નવું મળતું નથી. અંગ્રેજી સાહિત્યમાં વર્તમાન જીવનનું પ્રતિબિંબ પડે છે. એમાં કોલસેન્ટરમાં કામ કરતા વ્યક્તિની વાત પણ આવે છે અને અજાણ્યા માણસના પરાક્રમોની વાત પણ આવે છે. સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલે એમ કહેવાનો મારો અર્થ નથી, હકિકતે સાહિત્યએ તો દુનિયાને બદલવાનું કામ કરવાનું છે પણ એ માટે સાહિત્યમાં લોકજીવનનું પ્રતિબિંબ હોવું જ જોઈએ. થોડા સાવ અનોખા વિષયો પર લખાવું જોઈએ. સાંપ્રત સમસ્યાઓમાં જીવતા માનવીના મનમાં ચાલતી મથામણો વાર્તામાં આવવી જોઈએ. એને એમ લાગવું જોઈએ કે આ તો મારા જીવનની આસપાસની વાત છે. ક્ષણિક માણસને હસતો રડતો કરી દે એ વાર્તા નથી. હકીકતે તો વાર્તા એટલે એને જીવનમાં બેઠો કરી દે એ છે. આજે ઘણા લેખકો પોતાની વાર્તા કેટલાને રડાવી એવા બેરોમિટરથી વાર્તાને માપતા હોય છે. વાર્તા કોઈના દિલને સ્પર્શે એ સારી વાત છે. પરંતુ હું મારા વિચાર પ્રમાણે એને અંતિમ પડાવ નથી ગણતો. હું અંતિમ પડાવ તો અવંતિકા ગુણવંત જેવા લેખિકાની વાર્તાઓને ગણું કે જે આપણી વચ્ચે જ જીવતા લોકોના મનના ઊંડાણને સ્પર્શી આવે છે. જયવતીબેન કાજીના લેખને વાંચીએ ત્યારે ખરેખર એમ લાગે કે કશુંક પામ્યા. મનોમંથન આપો આપ શરૂ થઈ જાય. હાલમાં મીનાક્ષી બેન ચંદારાણાની ‘બટરિયો’ નામની વાર્તા એવી જ હતી જેમાં ખૂબ સુંદર વાત સહજતાથી કરવામાં આવી હતી.

ટૂંકમાં આપનું લેખન અને પ્રયાસ ખૂબ સરસ છે અને આ પડાવ પણ સારો છે પરંતુ યાત્રા હજુ આગળ વધારતા રહેજો એવી શુભકામના.’

કે

‘તમે આખો દિવસ વ્યવસાયિક પોલિટીક્સમાં ફસાયેલા રહો તો રાત્રે કે સમય મળે પોસ્ટ કરતા હોવ ત્યારે સાહિત્યને ખરેખર મનથી સ્પર્શી શકો છો કે ફક્ત દૂરથી તેને જોઈને વહેંચવાનો માત્ર આનંદ માણો છો?’

મેં એકવાર તેમને કહેલું કે થોડુંક ભેગું કરી લઈએ, છોકરાઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય પછી બધુંય મૂકીને મનને ગમે તેમ આનંદ કરવો છે, અને તેમણે પૂછેલું, થોડુંક એટલે કેટલું જીજ્ઞેશભાઈ?

તમેય થોડુંક વધારે રહ્યા હોત તો મૃગેશભાઈ?

ખેર! સ્વર્ગમાં પણ લોકોને સાહિત્યની અને એ દ્વારા સદવિચાર અને નિષ્કામ જીવનની સરવાણી પહોંચાડશો જ એ અપેક્ષામાં…

R.I.P. દોસ્ત…

તમને અમારા છેલ્લા જય શ્રી કૃષ્ણ…


આપનો પ્રતિભાવ આપો....

26 thoughts on “મૃગેશભાઈ, R.I.P. દોસ્ત…

 • Chandrakant Lodhavia

  શ્રી મૄગેશભાઇ ના બિમારીના અને અવસાનના સમાચાર “અક્ષરનાદ” દ્વારા જાણ્યા. આપે તેમની સાથેની એક વિચારધારા ના સાથીની વાત ઘણી મોડી કરી.
  આપણે સૌ એ અક્ષર્નાદ ના માર્ગ દર્શક ગુમાવ્યો. તમને તેનો જેટલી ખોટ લાગશે તેટલી અમને પણ લાગશે. શ્રી મૄગેશભાઇ સાહિત્ય નું માખણ કાઢી ને પિરસતા હતા તે હવે નહિ મળે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા – ૧૪.૦૬.૨૦૧૪ શનિવાર.

 • PH Bharadia

  શ્રી મ્રુગેશ શાહના અકાળ અવસાનથી ખરેખર દિલ દુભાયું છે, તેમની ખોટ વણપુરાયેલી રહેશે. ગુજરાતી ભાષાના એક
  ઝળકતા સિતારાનું આથમી જવું તે આપણી માતૃભાષા માટે દુખદ બીના છે.
  ઈન્ટર્નેટ પર ગુજરાતી ભાષાને ચાલતી કરવામાં તેમનો ફાળો
  અમુલ્ય અને નિર્ંતર સોનેરી શબ્દમાં અંકાઈ ગયો છે.
  અન્ગ્રેજિમાં R.I.P.નો મતલબ ‘ REST IN PEACE’ તો
  તેમના આત્માને પરમ શાન્તિ.

 • Harshad Dave

  શ્રી મૃગેશભાઈ શાહ ગયા એનું દુઃખ અને વસવસો હંમેશાં રહેશે. આપણા ઋષિઓ અને મુનિઓ જ્ઞાન પ્રસાર કરતાં તેવું વારસાગત કાર્ય તેઓ નેટ/બ્લોગ કે વેબસાઈટનાં માધ્યમથી કરતાં. તેમનાં પ્રેરક કાર્યમાંથી પ્રેરણા લઇ તેમનાં કાર્યોને આગળ ધપાવતા રહેવું એ શ્રેષ્ઠ અંજલિ અને તર્પણ બની રહે. અસ્તુ. -હદ.

 • Viranchibhai. C. Raval.

  મૃગેશભાઈ ના અવસાન ના સમાચર વાંચી દુ;ખ થયું,ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાથના,ગુજરાત સાહિત્ય નેટ જગત ને તેની ખોટ પડશે,
  શાંતિ…શાંતિ ….શાંતિ

 • અશોક જાની 'આનંદ'

  ખુબ જ દુખ:દ વિદાય, સતા વાંચતો અને વાંચેલું વહેંચાતો એ માણસ કાયમ યાદ રહેશે… એમની અંત્યેષ્ટિ માં ખુબ જ પાંખી હાજરી મને દુ:ખી કરી ગઈ.. આપના લોકો આટલા સ્વાર્થી કે મૃગેશભાઈને આખરી વિદાય આપવા પણ હાજર નાં રહી શકીએ..!! વડોદરામાં પણ એમને જાણતા ખાસ્સા લોકો છે..

 • Ashok M Vaishnav

  શ્રી મૃગેશ શાહ ગુજરાતી નેટજગતનાં આકાશમાં ધૂમકેતુની જેમ આવ્યા – અર્વાચીન ગુજરાતી સાહિત્યને નેટજગત પર રજૂ કરવાની એક અનોખી ભાતનો તેજ લિસોટો તાણીને તેઓ વિલિન થઇ ગયા.
  તેમની સાઈટ પરનું કામ તેમનાં મિત્રોના સક્રિય પ્રયાસ થકી ચાલુ રહે તે તેમને સાચા અર્થમાં અંજલિ તો બની જ રહેશે, તે સાથે આ પ્રકારનો પ્રયોગ ગુજરાતી નેટજગતને પણ વ્યક્તિગત આયામમાંથી સામુહીક આયામ કેમ થઇ શકે તેનું પણ બહુ જ સ્તુત્ય ઉદાહરણ પૂરૂં પાડી શકશે.
  ગુજરાતી નેટજગતમાં પોતાનાં વ્યક્તિગત સર્જનોને પ્રકાશીત કરતા હોય તે સિવાયના ઘણા મહ્ત્વના બ્લૉગ / સાઈટ્સ છે. આ દરેક વડે અલગ અલગ દિશાઓમાં વ્યક્તિગત કે સામુહીક સ્તરે ગુજરાતી ભાષાના વેબપ્રસારનું કામ થઇ રહ્યું છે. પોતાની સ્વતંત્રતા જાળવીને પણ આવા સમગ્ર પ્રયોગોને સહકારી ધોરણે સાંકળી લેવા માટે પણ આ પ્રસંગ આવા પ્રયોગો માટે પણ એક આલબેલ છે.

 • kalpana desai

  લેખકોને અને વાચકોને જોડતી એક કડી તૂટી ગઈ. ન માની શકાય એવા દુઃખદ સમાચાર.

 • JAYESHKUMAR.R.SHUKLA.

  *** ઓમ શાન્તિ….. ખુબ દુખદ સમાચાર્
  … ***એમના માટૅ પ્રાર્થના……
  ** જયેશ્ શુક્લ”નિમિત્ત્”
  * વડૉદરા.૦૬.૦૬.૨૦૧૪.

 • Sushant

  મ્રુગેશભાઇ ના અવસાન ના સમાચાર જાણી ને આઘાત લાગ્યો. મને લખવાની ની પ્રેરણા પણ તેમણે જ પુરી પાડી હતી. જ્યારે પણ હુ તેમને લેખ મોકલતો, ત્યારે તેઓ મને લખાણ બાબતે માર્ગદર્શન આપતા.

  એક સારા વ્યક્તી નઈ ખોટ હમેશા શાલશે.

  ભગવાન તેમની આત્મા ને શાન્તિ આપે.

 • ashvin desai

  એક યુવાન ગુજરાતિ સાક્ષર આમ વિદાય લૈ લે એનાથિ મોતિ દુખદ ઘતના કૈ ? તમારો સરદય મિત્ર એત્લે તમારિ માન્સિક હાલત્નિ કલ્પના કરતા રુવાતા ઉભા થૈ જાય ચ્હે
  મ્રુગેશ્નિ સાહિત્ય સુઝ – બુઝ અસાધારન હતિ અને એઓ એને આધુનિક ઉપકરનોથિ ઉજાગર કરતા હતા તેથિ ગુજરાતિ ભાશા આજે ગરિબ થૈ ગૈ
  તમને દિલિ શાન્તવન – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

 • i.k.patel

  મૃગેશભાઈની આટલી યુવાન વયમાં આટલી બધી સિદ્ધિ અને આવી રીતે અચાનક ચિરવિદાય બન્ને માનવામાં મુશ્કેલ પડે તેવું છે. પ્રભુ તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના. તેમના મિત્રો readgujarati.com ને ચાલુ રાખે તેવી વિનંતી છે.

 • La' Kant

  સરળતા જેની શૈલી હોય ,અને મિત્ર-ભાવે આમ
  સહજતાથીવાત કરી શકે વ્યક્તિઓની ખોટ તો સાલવાની જ !
  ” ઈશ્વર સદ્ગતના આત્માને ચિર શાંતિ બક્ષે”​ ​​એવી પ્રાર્થનામાં ​સામેલ ……..

 • lata j hirani

  સાચી વાત છે. મૃગેશભાઇ હવે આપણી વચ્ચે નથી એ નથી માની શકાતું. અને કેવી રીતે માની શકાય ? કેમ કે એ આપણી વચ્ચે જ છે અને રહેશે… મારો બ્લોગ ‘રીડસેતુ’ મૃગેશભાઇએ જ બનાવી આપેલો. મને અફસોસ એ વાતનો થાય છે કે મૃગેશભાઇની આટલી ગંભીર માંદગીની મને જે સવારે જાણ થઇ એ જ દિવસે રાત્રે એમના જવાની… લોકોના સંપર્કમાં રહેવાની ઓછી આદત છે એ જ કારણ !! ખેર.. રીડગુજરાતી જેવી ધરખમ અને પ્રથમ ગુજરાતી વેબમેગેઝીન કહી શકાય એવી વેબસાઇટથી એમનું નામ ગુજરાતી પ્રેમીઓ, વાંચનપ્રેમીઓ હંમેશા યાદ કરશે.. એમના આત્માને પ્રણામ અને એમના પિતાનો તો હું વિચાર પણ નથી કરી શકતી.. કેવી રીતે એમને આશ્વાસન આપી શકાય !

 • Nirav

  રીડગુજરાતી અને અક્ષરનાદ વચ્ચેનો આ સંબંધ તો છેક હવે જાણવા મળ્યો !

  તેમની હયાતીમાં જ આપ બંને સાહિત્ય’નાં કદરદાનો’ની એક સંયુક્ત પોસ્ટ બની હોત તો તે આજે એક અમુલ્ય સંભારણું બની રહેત . .

  આપ બંને મિત્રો’નો એક ફોટો પણ અહી મુકવા નમ્ર વિનંતી . મૃગેશભાઈ ચાલ્યા ગયા છે , તે હજુ પણ માનવામાં નથી આવતું !

 • Maheshchandra Naik (Canada)

  માનવામા ન આવે એવી વાત છે, શ્રી મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી એ માનવાનુ મન ના પાડે છે, અમારી હ્ર્દય પુર્વકની શ્રધ્ધાંજલી પ્રભુ એમના આત્માને શાશ્વત શાતી બક્ષે એ જ પ્રાર્થના…..

 • vkvora Atheist Rationalist

  સમાચાર તો આઘાતના છે. રીડ ગુજરાતીના મૃગેશ શાહના અવસાનના સમાચાર જાણી ખુબ આઘાત લાગેલ છે. એમના પિતાશ્રીને દુખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના…

 • Haresh Parmar

  નેટ જગત પર મૃગેશભાઈ હંમેશા અમર રહેશે. તેમના દુખદ સમાચાર સાંભળી નેટ જગત પર ગુજરાતી સાહિત્યને ચાહનાર તેમજ અન્ય લોકોને માટે પણ આ આઘાત જનક સમાચાર છે. તેમનો સાહિત્ય વર્ષો જળવાય રહે એવી શબ્દાંજલિ