પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા 12


(૧) છાપાવાળો

રોજ છેલ્લી બેંચ પર સુઈ જતા કરમણને રોજની જેમ આજે પણ શિક્ષિકાએ સજાના રૂપમાં પચાસ ઊઠ બેસ કરાવી અને છેલ્લી વખત વોર્નીગ આપતા કહી દીધું કે, “જો હવે ક્લાસમાં સુતો છે તો તારી ખેર નથી.”

બીજા દિવસે વહેલી સવારે શિક્ષિકાબહેનના ઘેર છાપા નાખવાવાળા દિપકભાઈને સ્થાને કરમણને જોતા જ બહેન આભા બની ગયા.બહેનથી પૂછાઈ ગયું “ તું અહીં છાપું નાખવા ?”

કરમણ “ હા ટીચર, હું રોજ વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને છાપાઓ લઈને બધાને ઘરે પહોંચાડવાનું કામ કરું છું,આજે દિપકભાઈ બિમાર છે એટલે હું આવ્યો છું.”

શિક્ષિકા બહેનની આંખો આંસુથી ભરાઈ ગઈને મનોમન પોતાનાથી થયેલી ભુલનો પસ્તાવો થયો.

“આપણે જે જોઈએ છીએ તેની બીજી બાજું પણ હોય છે.”

(૨) દિકરી

રેખા અને સમીત આજે ખુશ હતા કારણ કે, તેને ત્યાં બાળક અવતરવાનું હતું.બાળકનું નામ પણ વિચારી લીધું હતું “ આર્યન”. દુવિધા એ હતી કે બાળક એ દિકરો હશે કે દિકરી. આ દંપતિને દિકરો જોઈએ કે દિકરી એ તો એણે વિચારી રાખેલા નામ પરથી જ ખ્યાલ આવી જાય.

ઓળખીતા ડૉકટરના રાધે રાધેના કોડવર્ડથી જાણ થઈ કે રેખાના પેટે દિકરી જનમવાની છે.એબોર્સનનું નક્કી કરી નાખ્યું. રેખાને રાત્રે સપનામાં દિકરી એ પૂછીયું, “ માઁ તું કઈ જાતિની છે? હું પણ તારી જાતિની જ છું, તારી પણ જો પેટમાં જ હત્યા કરી નાખી હોત તો ? શું તું આ દુનિયા જોઈ શકી હોત? માઁ મારે પણ દુનિયા જોવી છે. હું પણ તમારા સપનાને સાકાર કરીશ.” અને થોડા મહિનાઓ બાદ…….

રેખાએ ખૂબસુરત બાળકીને જન્મ આપ્યો. જેનું નામ “સપના” રાખવામાં આવ્યું.

“ બેટી હું મૈં બેટી મૈં તારા બનુઁગી, તારા બનુઁગી મૈં સહારા બનુઁગી.”

(૩) ખરી જીત

કૉલેજમાં હંમેશા દોડમાં પ્રથમ આવતો રાજા ખરેખર દિલથી રાજા હતો. પોતાના અપંગ મિત્રને દોડમાં જીતાડીને પ્રોત્સાહન આપવા પોતે હારી ગયો. બધાએ બન્નેની મિત્રતા અને રાજાની હાર (ખરી જીત)ને બિરદાવી.

“બીજાને પછાડીને મેળવેલી જીત નહીં,પણ બીજા માટે મેળવેલી હાર દુનિયા જીતી લે છે.”

(4) વેકેશનની ઉદાસી

બધા જ બાળકો શાળાના છેલ્લા દિવસે કીકીયારીઓ કરતાં હતાં.શાળામાં વેકેશન શરૂ થતું હોવાથી બાળકો ખુશ હતા ફક્ત એક રોનક સિવાય.રોનકનો ચહેરો ફિક્કો પડી ગયો હતો,તે કંઈક ઊંડા વિચારમાં કલાસરૂમનાં ખુણે બેઠો હતો.તેનો ઉદાસ ચહેરો શાળાના શિક્ષિકાથી છૂપો ન રહ્યો. શિક્ષિકાએ રોનકને ઉદાસીનું કારણ પુછીયું તો તેના જવાબમાં રોનકે કહ્યું “મારા પિતાજી મને શાળામાં મળતા મધ્યાહન ભોજનને કારણે ભણવા મોકલતા હતાં અને હવે વેકેશનમાં મને બપોરનું જમવાનું નહીં મળે.” શિક્ષિકા તેની આર્થિક પરિસ્થિતીથી વાકેફ થયાં.

અને વેકેશનમાં રોનક માટે કોઈક બપોરનું ભોજન મોકલતું રહ્યું.

(5) Apply in your Life

મંદિરના પ્રવેશદ્વ્રાર પર બેઠેલો ભીખારી જેની આંખો દયામણી હતી, જે આવતા-જતાં બધા લોકો પાસે કંઈકને કંઈક ખાવાનું માંગતો હતો.

મંદિરમાં આજે ભગવાનને બત્રીસ ભાતના ભોજન ધરવામાં આવ્યા હતાં.જે પોતે ક્યારેય ખાવાનો નો’તો. અને ત્યાં આગળ એક મોટા પ્રખ્યાત સંત પોતાનું પ્રવચન આપી રહ્યા હતાં કે, “ દરેક જીવ એ શિવનો અંશ છે, દરેક પ્રત્યે પ્રેમભાવ રાખવો….. ભુખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું દાન છે.” પ્રવચન પુરું કરીને સંત પોતાની મર્સિડીઝ એસી કારમાં જતાં રહ્યા અને પેલા ભીખારીની સામે પણ ન જોયું. “માત્ર સુંદર વાતો નહીં, એ મુજબ તમારી લાઈફમાં એપ્લાય કરો.”

– હરેશ પાડલિયા

યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રહેતા શ્રી હરેશભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. આજે તેમણે અહીં પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરી છે. માઈક્રોફિક્શનનું સ્વરૂપ નવોદિત લેખકોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એ આનંદની વાત છે. વાચકોને આ પાંચેય વાર્તાઓ ગમશે એવી આશા સહ હરેશભાઈનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા