ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર 10


ઘરનું એક સભ્ય માંદુ હોય અને જે અહેસાસ અન્ય સભ્યોને થતો હોય છે તેવી જ લાગણી ઘરમાં ટેલિવિઝન બંધ હોય ત્યારે થતી હોય છે. ટીવી બગડ્યું હોય તો ઘરમાં બધા જ સભ્યો “બગડતાં” હોય. ઘરમાં માંદા થયેલ સભ્ય કદાચ કલાકમાં સાજા ન થાય પરંતુ ટીવી તો કલાકમાં રીપેર થઈ જ જવું જોઈએ. ઘરમાં બંધ ટીવી પાલવે તેમ નથી, ઘરમાં રહેલું નાદુરસ્ત ટીવી ઘરના દુરસ્ત સભ્યોની તબિયત બગાડે છે.. ટીવી આજે ઘરનું એક સભ્ય બની ગયું છે, મમ્મી કે પપ્પા બે દિવસ બહારગામ ગયા હોય તે સાંખી શક્તી આજની પેઢી બે દિવસ ટીવી બંધ હોય તે સહન કરી શક્તી નથી.

ટીવી આપણાં ઘરોમાં મનોરંજનનું એકમાત્ર સાધન રહી ગયું છે. મમ્મીને પોતાના કામ કરવા માટે અને બાળકોને એંગેજ રાખવા માટે ટીવી ચાલુ કરી આપવું એક સરળ ઉપાય છે. બાળકો મા-બાપને હેરાન-પરેશાન નકરે તે માટેનો મોટો અને સારો વિકલ્પ ટીવી સામે બેસાડી દેવાનો છે. મા-બાપનો એક જ અજેન્ડા – “ટીવીમાં એને જે જોવું હોય તે જુએ અને જે રમવું હોય તે રમે પરંતુ અમને હેરાન ન કરે.”

ટીવી માત્ર બાળકો જ જુએ છે એવું નથી, ઘરનાં તમામ સભ્યો ટીવીમાં આવતા કોઈને કોઈ કાર્યક્રમની આદતે ચડેલા છે. પોતાના મનગમતા કાર્યક્રમ માટે ઘરનાં તમામ કામ પડતાં મૂકીને સમયસર ટીવી સામે બેસી જવાનું લગભગ દરેક ઘરમાં સામાન્ય બની ગયું છે.

કૌટુંબિક અસર

આજે ટીવી જોવાથી થતી કૌટુંબિક અસરોના ઘેરા પ્રત્યાઘાતો પડે છે. ઘરનું વાતાવરણ બગડતું જોવા મળે છે, પતિ-પત્નીના સંબંધો તનાવયુકત બને છે. ટીવીની મોટાભાગની સિરીયલમાં પતિ-પત્ની ઔર વો નો કૉન્સેપ્ટ હોય છે. ક્યાંકને ક્યાંક એ વાત પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. સાસુ-વહુના સંબંધો હોય એના કરતાં વધુ તંગ બને છે. ટીવીમાં હોય તે બધું શીખવાનું નથી પરંતુ સતત ટીવી જોવાથી તેના કાર્યક્રમોની આપણા ચિત્ત ઉપર અસર પડે જ છે અને અજ્ઞાત મનમાં સંગ્રહિત થાય છે. સમય આવ્યે ટીવીના જ સંવાદોનો ઉપયોગ કરી ઘરમાં કંકાસ-ઝઘડો શરૂ થાય છે, ઘરનું-કુટુંબનું વાતાવરણ બગડે છે. પતિ-પત્ની કે સાસુ-વહુના ઝઘડાની અસર બાળકો પર ખૂબ મોટી અને ઊંડી થતી હોય છે. ટીવીમાં કૌટુંબિક મૂલ્યોની જાળવણી થતી હોય કે મૂલ્યોનું જતન અને સંવર્ધન થતું હોય (અપવાદને બાદ કરતાં) તેવી સિરીયલોનો મોટો અભાવ જોવા મળે છે.

શારીરિક અસર

ટીવી જોતાં જોતાં ખાવું એ એક ફેશન ગણાય છે. બાળકો જમવાની થાળી લઈને સામે આવી જતાં હોય છે. ટીવી સામે જમવા બેસવાથી ઘણું નુકસાન થાય છે. શું ચાવી રહ્યાં છીએ તેની કોઈ જ ગતાગમ રહેતી નથી અને તેની સીધી અસર લાળગ્રંથી પર થાય છે. ખોરાકનું પાચન થવામાં તકલીફો ઉભી થાય છે. બાળકોમાં આ જ કારણે ઓબેસિટીનો રોગ વધી ગયો છે. એકાદ કલાકથી વધુ ટીવી સામે બેસવાથી રોગોની સમસ્યા વધી જતી હોય છે. આંખોના નંબર વધવા, સ્થૂળતા, આળસ, મૂડ ન હોવો વગેરે સમસ્યાઓ આંખો ફાડીને સામે આવે છે, પછીના તબક્કામાં બાળકો ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનનો ભોગ બને છે. આવા બનાવો અવારનવાર છાપામાં વાંચવા મળે છે.

માનસિક અસર

ટીવી સિરીયલમાં વાર્તાતત્વ ઓછું અને કાવાદાવા વધુ – જેવી બાબતો જોવા મળે છે. સાસુની વહુને અથવા વહુની સાસુને સતત માનસિક હેરાનગતિ – ઘરનું વાતાવરણ બગાડે છે. ટીવી સિરીયલની મુખ્ય નાયિકાઓ લગભગ રડતી જ જોવા મળે છે, પરિણામે મુખ્ય અને સારો વ્યવહાર કરનારાઓ દુઃખી થતાં હોય તેવી છાપ પડ્યા વગર રહેતી નથી. દિવાનખંડ અને શયનખંડમાં રચાતા ષડયંત્રોથી કુટુંબના સભ્યો તોબા પોકારી ઉઠ્યા છે. ટીવીમાં રચાતા ષડયંત્રો માણસના મનમાં રચાવાના શરૂ થાય છે. સંવાદીકરણનાં કોઈજ ઠેકાણા હોતા નથી અને એકાદ વાક્યને સંગીતના જોરે પુનરાવર્તિત કરીને પ્રેક્ષકોને તે વાક્ય જાણે મોઢે કરાવી દેવામાં આવે છે. પુનરાવર્તનનો મારો એટલો બધો હોય છે કે સિરીયલ પૂરી થયા પછી પણ પડઘાં સંભળાતા હોય.

મોંઘી સાડીઓ, ફેશનેબલ ડ્રેસ, જાતજાતનાં ઘરેણાં વગેરેની અસર તો ખરી જ, ટીવી સિરીયલોની નાયિકાઓ કાવાદાવા સિવાય લગભગ કશું જ કરતી નથી હોતી.

સાંસ્કૃતિક અને સામાજિક અસર

ટીવીમાં બતાવાતા કાર્યક્રમોમાં કૌટુંબિક કાવાદાવા અને ષડયંત્રોથી સામાજિક વ્યવસ્થા ખોરવાય છે. સામાજિક સંબંધો પર ઊંડી અસર દેખાય છે. સિરીયલના પાત્રો નોકરી ધંધો કરતાં હોય તેવું ખાસ લાગતું નથી, વાર્તા તત્વ હોતું નથી, કદાચ છે એવું માની લઈએ તો તેને રબ્બરની જેમ ખેંચીને જરૂર કરતાં વધુ લાંબુ કરીને અનપેક્ષિત ઘટનાઓ દ્વારા વાચકોને આશ્ચર્યમાં (કે આઘાતમાં) મૂકી દેવાનો કેટલાક સ્ક્રિપ્ટ લેખકોનો પેંતરો હોય છે.

બાળકોને અને ગૃહિણીઓને ગેરમાર્ગે દોરાવાની શક્યતાઓને નકારી શકાય નહિં. ટીવી કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ઘરે આવેલા મહેમાન લગભગ અપમાનિત થતાં હોય છે. કુટુંબના સભ્યો એટલી તન્મયતાથી કાર્યક્રમ જોતાં હોય છે કે આવી પડેલ મહેમાન મનગમતા કાર્યક્રમ વચ્ચે આવી જતી જાહેરાત જેવો ભાસે છે. સામાજિક રીતે કેટલીક માન્યતાઓ અન્ય સમાજના લોકોમાં દ્રઢ બને છે, જેમ કે ગુજરાતીઓ તો આવા જ હોય, તેમને અંગ્રેજી ન આવડે. પંજાબીઓ તો આવા જ હોય, બહુ બુદ્ધિનો ઉપયોગ ન કરે, મદ્રાસીઓ તો આવા જ હોય, લૂંગી પહેરીને ઐયો, ઐયો કરે… વગેરે બાળકોના મન પર બાળપણથી જ ઉંડી અસર કરે છે.

ભારતવાસીઓને એકબીજાની ખાસીયતો જાણીને અહોભાવ થવો જોઈએ. તેને બદલે દેશની વિવિધતાના પર્યાય સમ અન્ય સંસ્કૃતિની વ્યક્તિઓ પ્રત્યે તિરસ્કારની ભાવના ઊભી કરતી સિરીયલો આપણા સાંસ્કૃતિક મૂલ્યો પર કુઠારાઘાત કરે છે.

શૈક્ષણિક અસર

બાળકોના શિક્ષણને લઈને માતાઓની ફરિયાદો વધી છે. ઘરમાં ટીવીને કારણે હૉમવર્ક કરવામાં બાળકો આળસ કરતાં હોવાની ફરિયાદો ઉઠે છે. મા-બાપ કહે છે, ‘બાળકો ટીવી સામે બેસે પછી કોઈની વાત સાંભળતા જ નથી.’ મેદાનની રમતો બંધ થઈ ગઈ હોય વિડીયોગેમ અને કાર્ટુન જોવામાં સ્થૂળતાની ભેટ મેળવે છે. સ્થૂળતા અનેક રોગોનું મૂળ છે. પરીક્ષા વખતે ટીવી પર આવતી ક્રિકેટમેચ જોવા માટે મા-બાપનો ઠપકો સહન ન કરનારા બાળકો આત્મહત્યા કરે છે તેવા બનાવોય છાપામાં વાંચવા મળે છે.

રિમોટ કોના હાથમાં? ટીવી આપણા માટે કે આપણે ટીવી માટે? જીવવા માટે ખાવું કે ખાવા માટે જીવવું? કેટલાય પ્રશ્નો જીવનના સ્ટેજ પર પ્લે થતાં હોય છે. ટીવી એ ઉધઈ સમાન છે. ટીવીને કારણે સાંસ્કૃતિક મૂળિયામાં લાગેલ લૂણો કાળાંતરે પત્તાના મહેલની જેમ ખરી પડશે તેમાં હવે શંકા નથી. તાત્કાલિક અસર ઓછી અને દીર્ધકાલીન અસરો વધુ જોવા મળશે. ટીવી સિરીયલોમાં જોવા મળતી વાર્તાઓ ભવિષ્યમાં આપણા ઘરોમાં આકાર લે તો નવાઈ ન પામતા. શિસ્ત શબ્દ માત્ર શાળામાં જ હોય એવી માન્યતા ધરાવતા આપણે ટીવીને લીધે શિસ્ત પણ ખોઈ રહ્યાં છીએ. ડાયનિંગ ટેબલની શિસ્ત, ડ્રોઈંગરૂમની શિસ્ત જેવા શબ્દોના અર્થો બાળપણથી શિખવવાની જરૂરત જ નહીં, અનિવાર્યતા છે. બહેતર એ છે કે ટીવીનું રિમોટ આપણે હાથમાં રાખીએ. ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ એ વસ્તુ છે, અને વસ્તુઓ માણસના ઉપયોગ માટે છે. માણસ વસ્તુ નથી એ પાયાનો ખ્યાલ સમજી લેવાની તાતી જરૂરત છે.

ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ, જોધા અકબર, રામાયણ, મહાભારત, તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી સિરીયલો કંઈક અંશે મૂલ્યોને જાળવે છે. ટીવીમાં આવતુ બધું જ ખરાબ છેે એવું કહેવાનો આશય ન હોય પરંતુ કોઈ પણ વસ્તુનો અતિરેક ઘાતક નિવડે છે એ નિર્વિવાદ બાબત છે.

– ડૉ. સંતોષ દેવકર

બિલિપત્ર

મારા બાળકોને હું ટીવી જોવા દેતો નથી, તેઓ બગડી જાય તેનો મને ડર લાગે છે. – રુપર્ટ મુર્ડોક

ડૉ. સંતોષ દેવકર જયહિંદ સમાચારપત્રમાં દર રવિવારે ‘મેઘધનુષ’ નામની લોકપ્રિય કૉલમ અંતર્ગત લખે છે. મૂલ્યો આધારીત અને જીવનદર્શન કરાવતા લેખો તેમની વિશેષતા છે. તેમના લગભગ સાતેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બે પ્રકાશન હેઠળ છે. પ્રસ્તુત લેખમાં ટેલિવિઝનની અસરકારકતા અને નજીકની તથા દૂરગામી અસરો પર તેમણે સરસ અને સરળ ચિંતન પ્રસ્તુત કર્યું છે. ટીવીની કૌટુંબિક, શારીરિક, માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર વિશે તેમણે વિગતે મુદ્દાસર વાત કરી છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર

 • MD.Gandhi, U.S.A.

  જ્યારે દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે એ ૧૯૬૨માં દીલ્હીમાં અને મુંબઈમાં ૧૯૭૨માં ફક્ત સાંજના ૨ કલાક આવતું હતું.આને બધાના ઘરમાં હતું પણ નહીં. ત્યારે તો ૦||-૦|| કલાકના કાર્યક્રમો આવતાં અને જે જોવા હોય તેજ જોવાના પછી તો ધીમે ધીમે ૨૪ કલાકનું થઈ ગયું. એટલે ટીવીવાળાઓએ તો જાહેર ખબરોની કમાણી માટે જેવા મળે તેવા પણ વધારે તો જેમાં માત્ર અને માત્ર મનોરંજન જ હોય, પછી ભલે એ ભેળસેળવાળું હોય કે અરૂચિકર, પણ ટિવી તો ચાલુ રહેજ. પછી તો ઘરના દરેકના શોખ-TEST પ્રમાણે ચેનલો ફેરવતા જવાની, પછી કુટુંબ વ્યવસ્થામાં ફેર પડવાનોજ.

  અને ખરી વાત છે, કાર્યક્રમ વખતે માત્ર મહેમાનોજ નહીં, ઘરના સભ્યો વાતો કરતાં હોય, ભલે એકદમ અગત્યની હોય-સગાઈ-લગ્નની હોય-પૈસા બાબત હોય કે બીજી કોઈ પણ જાતની હોય, ટિવીના કાર્યક્રમ વખતે આવું કાંઈ ગમતું નથી અને પછી અંદરોઅંદર માનસિક તાણ ઉભી થયા કરે અને કૌટુંબિક સંબંધોમાં પણ ઉષ્મા નથી રહેતી….
  બહુ સુંદર લેખ છે……

 • dushyant dalal

  સાચે જ સુન્દર લેખ ……આજ્ ના સમાજ ઉપર ટી વેી નેી ખરાબ અસર જણાય જ છે. વર્તમાન કાળ મા સાચેી સમજ આપ નાર લેખ છે. ડો. દેવ્રકર ને અભિનન્દન્

 • Upendra Verma

  Really true matter. Some time back when Ramayana Serial was running. At that time on Sunday his father passed away in morning. But in mean time his son himself made arrangement the daghai to see Ramayan Serial on his room TV and then we proceed for smasan!!! To find alternative is too difficult.

 • Mr.P.P.Shah (Now inA'bad))

  T.V. really consumes lots of time at the cost of other work and relations. One has to be selective. I hear some parents do not allow kids use of i-pad, T.V and internet or if they allow then for a limited time only whihc sems a good habit.