પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા 15


આજે રવિવાર હોઈ વિશ્વાસ હજુસુધી ઊંઘી રહ્યો હતો. અન્ય દિવસોએ તો સવારની નિશાળના કારણે આ સમયે તૈયારી માટે આમથી તેમ દોડાદોડી કરતા અને બંગલાને ગજવી મૂકતા એ વિશ્વાસના શયનખંડનું આડું દ્વાર હજુ ખૂલ્યું ન હતું. શ્રદ્ધાબહેને હળવા પગે અંદર પ્રવેશીને જોયું, તો એમના આશ્ચર્ય વચ્ચે એમણે વિશ્વાસને પલંગના બદલે સોફા ઉપર સૂતેલો દીઠો. પાસેની ટીપોય ઉપર લૅપટૉપ ખુલ્લું પડ્યું હતું અને તેની લીલી લાઈટ ચાલુ હતી. લૅપટૉપને સહેજ જ અડકતાં સ્ક્રીન ઉપર ગુજરાતી લેક્સિકનના સાર્થ જોડણીકોશનું ‘સર્ચ ડિક્શનરિ’નું ‘ગુજરાતી ટુ ગુજરાતી’નું એક પાનું નજરે ચઢ્યું, જેમાં ‘પત્ની’ શબ્દ ટાઇપ થયેલો હતો. શ્રદ્ધાબહેને માની લીધું કે રોજિંદી આદત મુજબ જાગી ગયેલા વિશ્વાસે ફરી ઊંઘ ન આવતાં કદાચ લૅપટૉપ ઉપર ચૅટીંગ શરૂ કરી દીધું હશે. વળી સાથેસાથે એમને આશ્ચર્ય એ વાતનું પણ થયું હતું કે ‘પત્ની’ એ તો ગુજરાતીનો પ્રચલિત અને જાણીતો શબ્દ હોવા છતાં તેનો અર્થ જાણવા માટેની વિશ્વાસને કેમ જરૂરત ઊભી થઈ હશે !

શ્રદ્ધાબહેને જોડેની ખુરશીને હળવેથી ખેંચીને સોફાની પાસે ગોઠવીને તેના ઉપર બિરાજતાં પોતાની ફૂલ જેવી કોમળ હથેળીને વિશ્વાસ જાગી ન જાય તેવી તકેદારી સાથે તેના મુલાયમ ગાલ ઉપર પીંછાની જેમ હળવેથી ફેરવી લીધી. આમેય બાળકોના ચહેરા નિર્દોષ જ ભાસતા હોય છે અને એમાંય વળી એ બાળક જ્યારે નિદ્રાધીન હોય, ત્યારે તો ખાસ કરીને માતાના દિલમાં એવું તો વહાલ ઊભરાતું હોય છે કે તેને ચૂમીઓ ભરી દીધા સિવાય રહી શકે નહિ; પરંતુ શ્રદ્ધાબહેને પોતાના ઉમળકાને કાબૂમાં લઈ લીધો અને વિશ્વાસની ઊંઘમાં વિક્ષેપ ન પાડતાં તેઓ થોડાંક ભૂતકાળ તરફ સરી પડ્યાં.

કેટલીક ડેટિંગના અંતે લગ્નગ્રંથિથી જોડાવા માટેની એ આખરી મુલાકાતમાં શ્રદ્ધાબહેન અને એમના પતિ માનવ વચ્ચે એક સમજૂતિ સધાઈ હતી કે તેઓ સંતાનપ્રાપ્તિ માટે જરાય ઉતાવળ નહિ કરે. વળી જ્યારે પણ બંને જણ એકબીજા સાથે સહમત થાય, ત્યારે જ એમણે માત્ર એક જ સંતાનને અવતરવા દેવું. વળી એ સંતાન ભલે દીકરી હોય કે દીકરો હોય, પણ કોઈએ બીજા સજાતીય કે વિજાતીય સંતાનની હરગિજ ઇચ્છા દર્શાવવી નહિ. આ ઉપરાંત એ સંતાનનો સારી રીતે ઉછેર થઈ શકે તે માટે શ્રદ્ધાબહેને ગર્ભાધાન મુકર્રર થાય કે તરત જ પોતાની ઉચ્ચતર માધ્યમિક શાળાની અધ્યાપિકાની નોકરીને કાયમી તિલાંજલિ આપી દેવી. માનવ પ્રતિષ્ઠિત એવી ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઊંચા વેતન સાથે જનરલ મેનેજરના હોદ્દા ઉપર હોઈ એમને આર્થિક સંકડામણનો કોઈ પ્રશ્ન રહેવાનો ન હતો.

લગ્નની દસમી ઍનિવર્સરિ ઉજવ્યા પછી બંને જણ સંતાનપ્રાપ્તિ માટે સહમત થતાં ભાગ્યબળે તેમની અગિયારમી ઍનિવર્સરિના એકાદ માસ પહેલાં જ એ ઉજવણીને ભવ્યતા બક્ષવા માટે વિશ્વાસ જન્મી ચૂક્યો હતો, જે આજે અગિયાર વર્ષનો થઈને શહેરની વિખ્યાત અંગ્રેજી માધ્યમની સ્કૂલના પાંચમા ગ્રેડમાં અભ્યાસ કરી રહ્યો હતો. નર્સરિથી માંડીને ચોથા ગ્રેડ સુધી બાળકોને અંગ્રેજી સિવાય અન્ય કોઈ ભાષા શીખવવામાં આવતી ન હતી, પણ ગ્રાન્ટેડ શાળાઓ માટેના સરકારી નિયમો અનુસાર પાંચમા ગ્રેડથી રાષ્ટ્રભાષા હિંદી અને પ્રાદેશિક એવી માતૃભાષા ગુજરાતી એમ અંગ્રેજી ઉપરાંત અન્ય બે ભાષાઓના શિક્ષણને અનિવાર્ય ગણવામાં આવ્યું હતું. અંગ્રેજી માધ્યમની શાળા હોવા છતાં શિક્ષકગણ દ્વારા અભ્યાસેતર સમયગાળા દરમિયાન બોલચાલમાં હિંદી ભાષાનો ઉપયોગ થતો હતો અને ઘરમાં પણ ગુજરાતી ભાષામાં જ વાતચીત થતી હોઈ વધારાની આ બંને ભાષાઓ બાળકોને જરાય બોજારૂપ લાગતી ન હતી અને તેઓ હોંશેહોંશે આ ભાષાઓ પણ શીખી લેતાં હતાં. વળી શ્રદ્ધાબહેન પૂર્ણકાલીન ગૃહિણી હોવા ઉપરાંત દશેક વર્ષના અધ્યાપિકા તરીકેના પોતાના અનુભવના કારણે વિશ્વાસની અભ્યાસકીય બાબતોમાં પૂરતું ધ્યાન આપી શકતાં હતાં, જેના લીધે વિશ્વાસને ખાનગી ટ્યુશન અપાવવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ ન હતી.

* * * * *

શ્રદ્ધાબહેનના પગનો સ્પર્શ થઈ જતાં વિશ્વાસ સફાળો ચમકીને જાગી ગયો અને તરત જ ખુરશીમાં જ બેઠેલાં એવાં શ્રદ્ધાબહેનના ખોળામાં બેસી જઈને એમને બાથ ભરી દેતાં તે ધ્રૂસકેધ્રૂસકે રડી પડ્યો. શ્રદ્ધાબહેને તેની પીઠ પસવારતાં અને તેના ગાલોએ ચૂમીઓ ભરી દેતાં રડમસ અવાજે કહ્યું, ‘મારા દીકરા, તું આમ કેમ રડી રહ્યો છે ? કોઈ ખરાબ સ્વપ્નથી ડરી ગયો છે કે શું ? તું બહાદુર છોકરો અને આમ છોકરીની જેમ રડે તે સારું લાગે ? જો તારા રડવાના અવાજથી પપ્પા જાગી જશે તો એમને કેટલું દુ:ખ થશે ? હું છું ને, પછી તારે શાની ફિકર ? વળી તું સોફામાં કેમ સૂતો છે ?’ શ્રદ્ધાએ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.

વિશ્વાસ હીબકાં ભરતાંભરતાં એટલું જ બોલી શક્યો, ‘કાં તો તું ભણવાનું છોડી દેવાની મને રજા આપ અથવા તો મારી સ્કૂલ બદલાવી દે. હું હવે એ સ્કૂલમાં નહિ ભણું. મારા ગુજરાતીના શિક્ષકના મારા સાથેના અપમાનજનક વર્તનને હું નહિ સાંખી શકું. છેલ્લા એક અઠવાડિયાથી હું પરેશાન હતો અને આજે તો મારી સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે.’

‘શું બન્યું છે તે જણાવી દે, મારા દીકરા; અને બીજી વાત કે તારી જે કંઈ વાત હતી તેને મારાથી એક અઠવાડિયા સુધી શા માટે છુપાવી રાખી ? હવે, તું મારા ખોળામાંથી ઊતરીને સોફા ઉપર બેસી જા અને હું તારા માટે ફ્રિજમાંથી પાણી લઈ આવું.’

વિશ્વાસ પાણી પીધા પછી થોડોક શાંત પડ્યો અને તેણે આગળ કહેવાનું શરૂ કર્યું, “અઠવાડિયા પહેલાં ગુજરાતી લેખનના પિરિયડમાં અમને મુદ્દા આધારિત એક વાર્તા લખવાનું વર્ગકાર્ય આપવામાં આવ્યું હતું. મારી વાર્તામાં મારાથી એક જ જગ્યાએ ‘પત્ની’ શબ્દ ‘પન્તી’ તરીકે લખાઈ ગયો હતો. આ વાર્તામાં એ જ શબ્દ મેં ચાર વખત લખ્યો હતો, જે ત્રણ જગ્યાએ તો સાચો ‘પત્ની’ તરીકે જ લખાયો હતો અને આમ એ શબ્દ એક જ જગ્યાએ ખોટો લખાઈ ગયો હોઈ અમારા શુક્લા સાહેબે મારી એ ભૂલને સહજ લઈ લેવી જોઈતી હતી. પરંતુ તેમણે મને તેમના ટેબલ પાસે બોલાવીને પેલો શબ્દ બતાવતાં મારી ઠેકડી ઊડાવતાં કહ્યું હતું, ‘આ શું લખ્યું છે, મિ. પન્તી ?’ આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો અને હું ભોંઠો પડ્યો હતો. આમ છતાંય નર્વસ થયા સિવાય મેં તેમને જવાબ આપ્યો હતો કે, ‘ઈટ ઈઝ જસ્ટ ધ સ્લીપ ઑફ પેન; સોરી સર !’ આમ અમારી વાત તો ત્યાં પતી ગઈ હતી, પણ મારી વિટંબણા ત્યાંથી જ શરૂ થઈ હતી. બધા વિષયોમાં A + ગ્રેડ લાવતા અને બધા શિક્ષકોને પ્રિય એવા મને એક મામૂલી બાબતે ઊતારી પાડવામાં આવ્યો, તેનાથી કેટલાક ઈર્ષાળુ છોકરાઓને તો મજા પડી ગઈ અને તેમણે મને મિ. પન્તી તરીકે સંબોધીને ચીઢવવાનું શરૂ કરી દીધું. પહેલા દિવસ સુધી તો અમારા વર્ગ પૂરતી એ વાત હતી, પણ બીજા દિવસથી તો રિસેસ દરમિયાન સ્કૂલના મેદાનમાં અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પણ મને ‘મિ. પન્તી’ કહીને સતાવવાનું શરૂ કરી દીધું.”

‘દીકરા, આ તો સાવ મામૂલી વાતને તેં ભારે બનાવી દીધી. કોઈ ગમે તે બોલે એના તરફ આપણે ધ્યાન જ આપવાનું નહિ. આપણે ચિઢાઈએ છીએ તેવી એ લોકોને ખબર જ ન પડવા દઈએ તો ધીમેધીમે બધું ભુલાઈ જાય.’

‘તું પણ અમારા એ શુક્લા સાહેબ જેવી જ વાત કરે છે. તમે લોકો જે કહી રહ્યાં છો, તે વાતને હું સમજું છું અને તેથી જ તો મેં કોઈનો પ્રતિકાર કર્યો ન હતો કે કોઈને મારો પ્રતિભાવ આપ્યો પણ ન હતો. પરંતુ આજની ઘટનાએ તો સાવ નવો જ વળાંક લીધો છે.’

‘આજે શું બન્યું તેની જરા માંડીને વાત કરીશ, બેટા ! જો, મેં પોતે દસ વર્ષ સુધી અધ્યાપિકા તરીકે કામ કર્યું છે અને આનાથી પણ ભારે સમસ્યાઓ મેં હલ કરી છે.’

વિશ્વાસે કહેવા માંડ્યું, “મારી આગળની પાટલી ઉપર બેસતી ચિબાવલી એ કલિકાએ પાછળ ફરીને મને કહ્યું, ‘એ પન્તી, જરા તારું ઇરેઝર આપ ને !’ આખા અઠવાડિયા સુધી ધારણ કરી રાખેલી મારી ધીરજને હું ગુમાવી બેઠો અને છતાંય મારી જાત ઉપર કાબૂ રાખીને મેં સાવ હળવેથી ઠંડા કલેજે તેને ઇરેઝર આપતાં કહ્યું હતું, ’જો કલિકા, મારાથી ભૂલથી ‘પત્ની’ના બદલે એક જ વાર ‘પન્તી’ શબ્દ લખાઈ ગયો હતો. તું જાણે છે કે હું છોકરો છું અને નરજાતિમાં ગણાઉં, જ્યારે ‘પત્ની’ કે ‘પન્તી’ જે ગણો તે નારીજાતિનો શબ્દ કહેવાય. હવે છોકરાઓ મને એ રીતે બોલાવે એ તો જાણે સમજ્યા, પણ એટ લિસ્ટ તમે છોકરીઓએ તો મને એ સંબોધન ન જ કરવું જોઈએ ને ! હું શું કહેવા માગું છું એ તને સમજાય છે, ગાંડી ?’

વિશ્વાસે વાત આગળ લંબાવતાં શ્રદ્ધાને કહ્યું, ’અને પછી તો છોકરીની જાત પ્રમાણે તેણે રડારોળ કરતાં અમારા એ જ શુક્લા સાહેબને ફરિયાદ કરતાં કહ્યું, ‘જુઓ ને સર, આ વિશ્વાસ મને ગંદુ બોલવાનું કહે છે !’

‘જો બેટા, હવે તને વચ્ચે અટકાવતાં કહી દઉં કે તેં અડધું મેદાન સર કરી દીધું છે. તું તેજસ્વી અને જિનિયસ છે તેનો હું ગર્વ લઉં છું ! તારી આખી સ્કૂલની અર્ધા ઉપરાંતની છોકરીઓ હવે તને ‘પન્તી’ તરીકે નહિ સંબોધે; વળી તેં ગર્ભિત રીતે જે ઈશારો કર્યો છે તે રીતે તને સંબોધવાનો તો તેઓ વિચાર પણ નહિ કરી શકે, શાબાશ દીકરા ! હવે આગળ શું બન્યું તે જરા ટૂંકમાં કહી દે.’

‘શુક્લા સાહેબને જાણ થઈ ગઈ હતી કે તેમની એક જ સહજ ભૂલે વાતને વણસાવી દીધી હતી. એમણે પરિસ્થિતિને પામી જઈને તાત્કાલિક અમને કહી દીધું હતું કે અમારે તેમને અંગત રીતે કાઉન્સેલરની ઓફિસમાં સોમવારે મળવું અને ભણાવવાનું શરૂ કરી દીધું હતું.’

‘સરસ બેટા, હવે જો બાકીનું અર્ધું મેદાન તારા શુક્લા સાહેબ જ તને સર કરી આપશે. હવે તું પૂછતો નહિ કે એ કેવી રીતે ? હું આજે જ શુક્લા સાહેબને એમના ઘરે મળવા જઈશ અને તારી સ્કૂલના કાઉન્સેલરને ત્યાં બોલાવડાવીશ. સોમવારની માસ પ્રેયર પછીના શુક્લાજીના જ વક્તવ્યથી તને જાણવા મળી જશે કે મેં તેમને શું સમજાવ્યું હશે !’

* * * * *

માસ પ્રેયર પછી ગુજરાતીના શિક્ષક શ્રી શુક્લાજીએ પ્રાચાર્યની સંમતિથી અને કાઉન્સેલરની ભલામણથી આ પ્રમાણેનું વક્તવ્ય વાંચી સંભળાવ્યું હતું :

“આપણી સ્કૂલના હોનહાર અને પ્રિન્સીપાલ સાહેબના લિસ્ટમાં કાયમી પોતાનું સ્થાન જાળવી રાખનાર પાંચમા ગ્રેડમાં ભણતા વિશ્વાસ અંગે હું કંઈક કહેવા માગું છું. અઠવાડિયા પહેલાંના મારા ગુજરાતીના પિરિયડમાં આપવામાં આવેલા વર્ગકાર્યમાં તેણે The slip of penથી ‘પત્ની’ શબ્દને ‘પન્તી’ તરીકે લખી કાઢ્યો હતો. આ સાહજિક ભૂલના બચાવમાં સચોટ દલીલ એ છે કે એ જ લેખનકાર્યમાં તેણે ‘પત્ની’ એવો સાચો શબ્દ બીજે ત્રણવાર પ્રયોજ્યો જ હતો. હવે અંગ્રેજીની જેમ જ કેટલાક ભાષાવિદો અને કોમ્પ્યુટરના નિષ્ણાતોએ તાજેતરમાં જ ગુજરાતી ભાષા માટેનું પણ એક ઑટો સ્પેલચેકર વિકસાવ્યું છે. આ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરનારા પ્રોગ્રામરો દરેક સાચા શબ્દ માટેના મેથ્સ ઓફ પૉસિબિલિટિના સિદ્ધાંત પ્રમાણે સંભવિત ખોટી જોડણીવાળા શબ્દો વિચારી કાઢતા હોય છે. હવે કોઈપણ માણસ એ ખોટા શબ્દો પૈકીનો ગમે તે એક પ્રયોજે, ત્યારે તે ખોટો હોવા બદલ તે લાલ રંગે અધોરેખિત થઈ જઈને પછી ઓટો સ્પેલચેકરની મદદ વડે એ બધા જ શબ્દો એક જ સાચા શબ્દમાં ફેરવાઈ જતા હોય છે. હવે સામાન્ય રીતે હૃસ્વ ‘ઇ’ – દીર્ઘ ‘ઈ’ કે હૃસ્વ ‘ઉ’ – દીર્ઘ ‘ઊ’ની ભૂલોને ધ્યાનમાં રાખીને એવા શબ્દો કલ્પવામાં આવતા હોય છે. પરંતુ વિશ્વાસથી અજાણતાં પણ જોડાક્ષરવાળો ‘પત્ની’ શબ્દ ‘પન્તી’ તરીકે લખાઈ જતાં એક વિશેષ રીતે થઈ શકતી જોડણીભૂલ જાણવા મળી ગઈ છે. ભલભલા ભણેલાગણેલાઓ પણ ‘ચિહ્ન’, ‘સદ્ભાવ’, ‘સન્માન’ જેવા શબ્દોમાંના જોડાક્ષરોને સાચી રીતે જોડી શકતા નથી હોતા. જોડાક્ષરોમાંનો પહેલો ઉચ્ચારાતો વ્યંજન અડધો અને તે પછીનો આખો એમ લખાવાના બદલે ઊલટસૂલટ લખાઈ જવાના કારણે ત્યાં જોડણીદોષ સર્જાતો હોય છે. આમ વિશ્વાસ દ્વારા આકસ્મિક રીતે જોડણીદોષની એક નવીન શક્યતાની આપણને જાણ થાય છે. પ્રોગ્રામરોએ ગુજરાતી ભાષાના તમામેતમામ જોડાક્ષરોવાળા શબ્દો માટે આ પ્રકારનો જોડણીદોષ વિચારી કાઢીને એ પ્રમાણેનો પાથ કંડારીને તેમના સોફ્ટવેરને અપડેટ કરી લેવું જોઈએ.

વિશ્વાસના આ કાર્યને આકસ્મિક શોધ તરીકે જ સ્વીકારી લેવી પડે. વિજ્ઞાનની શોધખોળો આમ આકસ્મિક જ થઈ જતી હોય છે. ચાની કીટલીનું ઢાંકણ સ્ટીમના કારણે ઊંચુંનીચું થતાં જેમ્સ વૉટે સ્ટીમ એન્જિન શોધ્યાનું કહેવાય છે. આઈઝેક ન્યૂટને સફરજનને ઝાડ ઉપરથી નીચે પડતું જોઈને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. આપણે આવા વૈજ્ઞાનિકો કે સંશોધકોનો તેમના પ્રદાન બદલ આભાર માનતા હોઈએ છીએ અને તેમને માનસન્માન આપતા હોઈએ છીએ. બસ, આમ જ આપણે વિશ્વાસને આજના દિવસે તેણે ગુજરાતી ભાષાની જોડણીસુધારણા માટેનો જે નવીન વિચાર આપ્યો છે, તે બદલ આપણી સ્કૂલ તરફથી તેને પ્રિન્સિપાલ સાહેબના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરીએ છીએ. તમે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો પણ વિશ્વાસમાંથી પ્રેરણા મેળવીને કોઈપણ ક્ષેત્રમાં શોધ અને સંશોધન અંગેના કંઈક રચનાત્મક વિચારો દ્વારા તમારું યોગદાન આપશો તેવી અપેક્ષા સાથે વિરમું છું. જયહિંદ.”

* * * * *

શ્રદ્ધાબહેને પોતાના અધ્યાપિકા તરીકેના અનુભવે અને પ્રૉફેશનલ ગ્રૅજ્યુએશન/પોસ્ટ ગ્રૅજ્યુએશનના અભ્યાસ દરમિયાન એમના ભણવામાં આવેલા શૈક્ષણિક મનોવિજ્ઞાનને ઉપયોગમાં લઈને એમણે ધેર બેઠે જ પોતાના પુત્રને લઘુતાગ્રંથિની ઊંડી ગર્તામાં ધકેલાઈ જતો અને સ્વમાનભંગના કારણે હતાશામાં ઘેરાઈ જવાથી બચાવી લીધો હતો.

આશ્ચર્યની વાત તો એ હતી કે મિ. શુક્લાજીએ જે પ્રવચન વાંચી સંભળાવ્યું હતું તેનું ડ્રાફ્ટીંગ શ્રદ્ધાબહેને જ કરી આપ્યું હતું !

– વલીભાઈ મુસા

શ્રી વલીભાઈની વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, પરંતુ આજની તેમની વાર્તાનો વિષય કાંઈક અનોખો છે, ‘જોડણી’. જોડણીને આધાર લઈને લખેલી તેમની પ્રસ્તુત વાર્તા એક બાળકના જોડણી વિશેના વિચાર અને તેની મનોદશા પણ પ્રસ્તુત કરે છે. મારા મતે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વાર્તાની ગૂંથણીને જોતા એ શક્યતાનો ભાર લઈ શકે એમ છે. આશા છે વાચકોને આ પ્રયોગ ગમશે. અક્ષરનાદને વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈ મુસાનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા

  • ઉત્કંઠા

    બહુ જ સરસ વાર્તા.. બસ, “છોકરીની જેમ કેમ રડે છે? એ વાક્ય જરા ના ગમ્યું. ઃ)

  • Harshad Dave

    જોડણીદોષ માટે અજ્ઞાન, કમ્પ્યૂટરના સોફ્ટવેર, શિક્ષકો, ખોટી જોડણી ધરાવતા છાપાં, સામયિકો, ઇ-મિડિયા, બેદરકારી, રસનો અભાવ, ઉપેક્ષા, સાચાં માર્ગદર્શનનો અભાવ, યોગ્ય માહિતીનો અભાવ વગેરે કોઇપણ કારણ હોઈ શકે. પરંતુ ચીવટ રાખવાનો ગુણ વિકસે તો નાનપણથી બાળક જે શીખે તે યાદ રાખી શકે. બીજું છેલ્લા થોડાં વર્ષોથી અંગ્રેજી ભાષા પ્રત્યેનો વ્યામોહ એટલો તો વ્યાપક બન્યો છે કે અંગ્રેજી ભાષાના શબ્દો ગુજરાતી ભાષાના હોય તેવું લાગવા માંડ્યું છે. પણ જેઓને ખરેખર અંગ્રેજીભાષાનું જરાપણ જ્ઞાન નથી તેવાં લોકોની પરિસ્થિતિ કેવી થતી હશે તેની કોઈ કલ્પના કરી શકે? સરકાર પણ એવો આદેશ બહાર પાડે છે કે ભાષાના વિષયમાં જોડણીદોષને દોષ નહીં ગણવાનો! બાળકોને પાસ કરી (ઉત્તીર્ણ કરી) દેવાના. જૈન મુનિશ્રીએ ‘જોડાક્ષર વિચાર’ જેવો ગ્રંથ આપ્યો છે જે કોઈએ વસાવ્યો? હવે એવાં પુસ્તકો કોણ વાંચે કે ખરીદે? અમે એવાં વેદિયા નથી!’ ‘વેદિયા હવે સન્માનજનક વિશેષણ ન રહેતાં અળખામણો શબ્દ બની ગયો છે તેને માટે કોણ જવાબદાર? હું, તમે, આપણે ગુજરાતીઓ જ. ‘વેદીયું’ એટલે વેદ ભણેલું એ મૂળ અર્થ વેદવિદ અથવા વેદપાઠી. પરંતુ એ શબ્દનો લાક્ષણિક અર્થ વધારે પડતો પ્રચલિત થઇ ગયો – ભણેલું પણ ગણેલું નહીં. જાગ્યા ત્યારથી સવાર કરીએ તો હવે સવાર પડે તેની જ રાહ જોવી રહી…આશા અમર છે… -હદ

  • jacob davis

    લેખકે વાતનો સુંદર અંત લાવવા પ્રયાસ કર્યો છે. ખરેખર આવા અંત હોતા નથી. પૂર્વગ્રહ યુકત શિક્ષકો બાળકોને ખુબ જ અન્યાય કરે છે. નાની બાબતમાં બાળકના જીવનને નરક બનાવતા આવા શિક્ષકોને નાગા કરીને મારવા જોઇએ.

    • Valibhai Musa

      ભાઈશ્રી જેકબની વાત અંશત: સાચી છે. આ વાર્તામાં માતા શિક્ષિત અને ભૂતપૂર્વ શિક્ષિકા હોવાના કારણે તેમણે પરિસ્થિતિને થાળે પાડી દીધી, પરંતુ અભણ માતાપિતા હોય તો એવા હોનહાર વિદ્યાર્થીની શી વલે થાય ? બાળકની પ્રગતિ કે અધોગતિ શિક્ષક અને શાળા ઉપર આધારિત છે. આજકાલ ટ્યુશનોની આવક પાછળ ઘેલા બનેલા મોટા ભાગના શિક્ષકોમાં શિક્ષણને સમર્પિત હોય એવા આદર્શ ગુરુજનો તો ભાગ્યે જ મળે.

  • Chandresh

    I like to down load Shree ValibhaiMusa’s all articles on my USB Pen Drive or on my USB Sim Card Drive.
    Please guide me step by step to do that, at the moment it does not allow to save also as open readable article.It only allows to save as title article unopened which is no good if there is no wifi or internet connectivity
    Please reply Thanks and Regards Chandresh

  • પારખી પારેખ

    ખુબ સરસ વાર્તા બદલ વલીભાઈ મુસા ને અભિનંદન

  • Dhirajlal Soneji

    ધન્ય મુસાભાઈ,
    માં જેવો ગુરૂ કોઈ નથી. તેનુ શીક્ષણ જ્ઞાન સાથે સંસ્કાર આપણને શીલવાન બનાવે છે.

  • dushyant dalal

    બાળકો ને સારેી રેીતે ઉછેર્ર્વા માટે મનો વૈગન્યા નિક અભિગમ હોવો જોઇ એ તે વાત સુન્દર રેીતે સમજાવેી છે. વલેીભાઇ ને અભિનન્દન્.