એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી 13


એ હાલો એડમિશન લેવા… અરે પણ કયાં? અરે એમાં પૂછવાનું થોડું હોય! ૧૨ સાયન્સ પાસ છે ને? બસ બહુ થઇ ગયું. પૈસા છે ને.. તો બસ… મેરિટની જરૂર નથી. ચાલો, એન્જિનીઅરીંગમાં એડમિશન મળે છે, એ પણ માત્ર ૫૦% ફી માં જ. આ બે દિવસ માટે જ ઓફર છે અને સાથે એક લેપટોપ પણ ફ્રી આપે છે.

કોઈને ગમે કે ન ગમે પણ આજની આપણી શિક્ષણ વ્યવસ્થાની આ જ વાસ્તવિકતા છે. શાકમાર્કેટમાં શાક વેચાય એમ શિક્ષણ, એડમિશન અને ડીગ્રીઓ જાણે કે વેચાઈ રહ્યાં છે. કારણ? કારણ એ જ કે જે સહુ કોઇ જાણે છે, શિક્ષણ એ એક ફોર્માલીટી જ થઇ ગયું છે.. કોઇને વિષયવસ્તુમાં કે સાચા જ્ઞાન અને સમજણ મેળવવામાં તો રસ જ નથી. ડિગ્રી મળી ગઇ એટલે જાણે જગ જીત્યાનો આનંદ માણે છે. આ જ કારણે શિક્ષણના સોદાગરો ફાવી ગયા છે. આ કંઇ એકલા એન્જિનીઅરીગ ક્ષેત્ર માટેની જ વાત છે એવું નથી, દરેક શિક્ષણશાખાને એ જ વાત લાગુ પડે છે અને હું પોતે એન્જિનીઅરીંગ શાખા સાથે સંકળાયેલો હોઇ એના વિશે વધુ જણાવું છુ.

ગુજરાત કે ભારતના શિક્ષણ માટે હાલના સમયને એન્જિનિઅર યુગ કહીએ તો કંઇ ખોટું નથી કારણ કે હમણાં હમણાં એન્જિનીઅરીંગ કૉલિજ અને તેમાંની અનેક શાખાઓનો ઠેકઠેકાણે રાફડો ફાટી નીકળ્યો છે. લગભગ દરેક સોસાયટી કે મહોલ્લામાં દસમાંથી ત્રણ ચાર એન્જિનીઅર તો મળી જ રહેશે. વાત સંખ્યા વધવાની નથી, પરંતુ જે પણ સંખ્યા છે એમાં પોતાના વિષયમાં પૂરી ટેકનીકલ જાણકારી ધરાવતા અને કાબેલ (કુશળ) લોકો કેટલા? લગભગ નહિવત… આ કારણે આવડત વગરના પણ ડિગ્રી ધરાવતા લોકોનો ઢગલો ખડકાયા કરે છે, બેરોજગારી વધે છે કારણકે મૂળ જાણકારી કે આવડત ન હોવાને લીધે એ ડિગ્રી પછીની ગળાકાપ સ્પર્ધામાં ટકી શક્તા નથી. આ માટે જવાબદાર કોણ? તો એના માટે હું એન્જિનીયરીંગ કોલેજની વાત કરીશ.

ગુજરાતમાં જી.ટી.યુ એટલે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, જેને લોકો ગુજરાત ટેન્શન યુનિટ પણ કહે છે તેની સંલગ્ન સરકારી એન્જિનીઅરીંગ કૉલિજ (Government Engineering Colleges) વિવિધ સ્થળે આવેલી છે. સરકાર બહુ મહેરબાન છે આ સંસ્થાઓ પર, અને હોવી પણ જોઈએ… વિદ્યાર્થીઓને પ્રયોગો કરવા અને એની ડિઝાઇન, પ્રોસેસ વગેરે જાણવા માટે લાખો-કરોડોના મશીન ફાળવ્યા છે . વાસ્તવિકતા એ છે કે એ મશીનને ઓપરેટ કરનાર કોઇ નથી. આ બધીજ લેબોરેટરી અને તેનાં લાખો-કરોડો રૂપિયાના મશીનો ધૂળ ખાય છે. વરસમા કદાચ એક કે બે વાર એ ખૂલતાં હશે એટલે પ્રેકટિકલ કે મશીન જોવાની વાત તો બાજુએ રહી ગઇ. હવે વાત આવે છે પુસ્તકીયા શિક્ષણની મતલબ કે અધ્યાપકોના લેક્ચરની, તો તેમાં માં નિયમિત જવાની કે ધ્યાનથી આત્મસાત કરવાની કાળજી કોઈ લેતું નથી અથવા વિદ્યાર્થીઓની બહુ ઓછી સંખ્યા હોય છે કે જે ખરેખર પ્રામાણિકપણે ભણવા આવે છે. કૉલિજનો સમય છે સવારે નવ થી સાંજે છ, જ્યારે લોકો આવે છે અગીયાર વાગ્યે અને આવીને સીધા જ કેન્ટિન માં, એમ એક વગાડે એટલે જમવા જાય, બે-અઢી વાગ્યે ટોળટપ્પા કરવા પાછાં આવે અને ચાર સાડાચારે તો ઘરભેગાં થઈ જાય. લેક્ચરમાં હોય એવા લોકોની નોટ્સ લઈને નકલ કરાવી લઈએ એટલે ભણ્યાનો સંતોષ, ગોખવું અને ભૂલવું એ જ મંત્ર… પરંતુ સિક્કાની બીજી બાજુ એટલી જ વરવી છે. ક્લાસમાં બેસીને લેક્ચર ભરતા લોકોને પણ સાચું જ્ઞાન, સાચી જાણકારી મળે છે ખરી?

એવું નથી કે વિદ્યાર્થીઓ જ લેક્ચરથી દૂર ભાગે છે, એમાં સિંહફાળો પ્રાધ્યાપકોનો પણ છે. અમારે ‘મશીન ડીઝાઈન’ વિષયમાં લેક્ચરરે વિદ્યાર્થીઓની ઘણી ફરિયાદોને પરિણામે એક લેક્ચર લીધેલું, જેમાં તેઓ એક ચોપડો લઈને આવ્યા અને એમાથી જ થોડાક શબ્દો બ્લેકબોર્ડમાં ઉતાર્યા, એ પણ ખોટા. લાગે કે જાણે વર્ષો પછી બ્લેકબોર્ડને અને ચોકને અડ્યા હશે. એક વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ આ ખોટુ છે અને આવી બન્યું બિચારાનું! કહેવાનો મતલબ કે કઇ લાયકાતે એ લેક્ચરર બન્યા હશે કે જેની પ્રાથમિક શાળાના શિક્ષક બનવાની પણ ક્ષમતા નથી. અને છતાંય વિદ્યાર્થીઓ પર રોફ જમાવવાનો અબધિત અધિકાર ભોગવે છે. મને યાદ છે કે હું જ્યારે પ્રથમ સેમેસ્ટરમાં હતો ત્યારે એક લેક્ચરરે અમને કહયુ કે એમને આખું એન્જિનીયરીગ માત્ર એક જ ચોપડામાં આ જ કોલેજમાંથી પૂરું કર્યુ હતું. એ જ વર્ષો પુરાણો ચોપડો લઈને એ અમારું લેક્ચર લેવા આવ્યા હતા. ચોથા સેમેસ્ટરમાં હતા ત્યારે અમે અમારા મિકેનીકલ વિભાગના વડા (H) ને લેખીતમાં ફરિયાદ કરી કે કોઇ લેક્ચરર લેક્ચર લેતાં જ નથી. હવે લેક્ચરરોનો વારો આવ્યો. વિભાગના હેડ બહુ ગુસ્સે થયા, દરેક લેક્ચરરને માટે લેક્ચર લેવા ફરજીયાત કર્યા. એવું થયું કે આટલા સમયથી ભણાવેલું જ નહીં એટલે આવડે કશુંં નહીં, કરવું શું એ સમજાય નહીં, તો એક લેક્ચરરે કહ્યું કે તમે ફરિયાદ કરી છે એટલે અમારે આવવુ પડે છે.. અને અમે પ્રોફેસર છીએ તો અમે જેમ કહીએ એમ તમારે કરવું પડે, આખો પિરિઅડ એ બોલે અને અમારે લખે જવાનું, સમજાવે કશુ નહીં. આમ કરીને વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ કર્યું કે જેથી હવે પછી કોઇ લેક્ચર માટે ફરિયાદ ન કરે. આ ઉપરાંત જેણે ફ્રરિયાદ કરી એ વિદ્યાર્થિઓને શોધવાની ફિરાકમાં તો હતા જ પરંતુ સદનસીબે હાથમાં જ ના આવ્યા. ઇન્ટર્નલ અને સબ્મિશન એમના હાથમાં હોવા ઉપરાંત સરકારી જમાઇ હોવાથી વિદ્યાર્થીઓએ પણ ચૂપચાપ સહન કરી લેવુ પડે છે.

બીજી એક મજાની એવી રસપ્રદ પ્રક્રીયા છે જેનું નામ છે ‘સબ્મિશન’. સબ્મિશન નો ખરેખર મતલબ છે કે જે તે વિષયનાં પ્રેકટિકલ્સ અને ક્લાસમાં ભણાવીને અસાઇનમેન્ટ માટે આપેલા ટયુટોરિયલ એક ફાઇલ મા વ્યવસ્થીત રીતે લખીને બતાવવા, જ્યારે હકીકતમાં વિચારો તો એનો મતલબ રહી ગઓય્ છે ૨૦૦-૩૦૦ પાનાં સમજ્યા વગર લખીને એક થોકડો બનાવવો અને કૉલિજમાં જઇને પ્રાદ્યાપકોની હાજરીમાં એને ફાડી નાંખો, ભલેને અંદર ગમે તે લખ્યુ હોય. કારણ કે સબ્મિશન પણ એક ઔપચારિકતા જ બની ગઈ છે, તેમની જે મરજી થાય એ લખવા આપે કારણ કે ભણાવ્યું તો હોય નહીં, પ્રયોગો પણ ન કરાવ્યા હોય એટલે ૫૦ – ૬૦ પ્રશ્નો અને તેના ઉત્તરો લખવા આપી દે, વિદ્યાર્થીઓ રાતપાળી કરીને ભાનભૂલીને લખતા રહે. ચાલો લખાઈ તો ગયું પણ હવે એને બતાવવા માટે સરકારી કચેરીઓની માફક કૉલિજમાં ધક્કા અને બ્રહ્માસ્ત્રની માફક વિદ્યાર્થીઓની સામે ઉપયોગ કરે છે. ફાઇલ જમા કરાવવા માટે પણ સરકારી કચેરીઓની માફક આખો દિવસ લાંબી લાંબી લાઇન અને ધક્કામુક્કી થતાં મેં જોઇ છે, અને તેને તપાસતી વખતે તો જાણે પોસ્ટ્મૉર્ટમ કરતા હોય એમ, કાં તો સાવ તપાસે જ નહીં.

મેં પોતે એક વાર બહુ કાળજીપૂર્વક ૨૦૦થી વધુ પાના લખ્યા હતા સબ્મિશન માટે, પણ જો સાહેબે અંદર નજર પણ કરી હોય તો! સોગંદ ખાવા પૂરતું પણ તપાસ્યું નહીં અને જ્યારે જમા કરાવવા ગયા ત્યારે કહ્યું કે ૩૦ રુપિયાની ફાઇલમાં લઇને આવો, અરે સારી ફાઇલ જ જોઈતી હતી તો આ ગધામજૂરી શું કામ કરાવો છો? આ રીતે લખેલાની કોઇ કદર જ ન હોવાથી વિદ્યાર્થીઓ પણ થપ્પો કરાવવા માટે જ લખે છે, અને એટલે જ તો અંદર શું લખ્યુ હોય છે એ તો એને પોતાનેય ખબર નથી હોતી. જ્યાંથી મળે ત્યાંથી કૉપી કરે અને એમાં કોઇનું નસીબ સારૂ હોય અને તપાસવાનું શરૂ થાય તો સરરર ઉડતી ફાઇલો વર્ગની બહાર જતી મેં જોઈ છે. અહીં સબ્મિશનનો મતલબ થાય છે ‘ગમે તેમ લખો, ગમે તેમ ફાડો.’ પણ એક ઔપચારિકતા પૂર્ણ કરો. આનો અર્થ શું? માત્ર કાગળ, સમય અને મહેનતનો બગાડ… પરીક્ષા લેતી વખતે સંપૂર્ણ સજ્જતા સાથે પ્રામાણિકપણે પરીક્ષા લેતા લોકો જયારે પેપર તપાસવા બેસે ત્યારે જે લખાયું છે તેમાં શું સાચું અને શું ખોટુ એની તેમને જ ખબર નથી પડતી, એ પૂરું વાંચતા નથી, અને આ જ કારણને લીધે મેં પથ્થરને તરતા અને ફૂલને ડૂબતાં જોયા છે..

શુંં આ લોકોને ગુરુનો દરજ્જો અપાય? કઇ લાયકાતે એ લોકો પગાર લે છે? માત્ર સરકારી જમાઇ હોવાના નાતે જ..

હવે આ પરિસ્થિતીમાં વિદ્યાર્થિઓ જ્યારે પરીક્ષા આપે ત્યારે એમા શું લખવાના? અરે, કયા વિષય આવે અને એમાં શું શું અભ્યાસક્રમ આવે એ પરીક્ષાના આગલા દિવસોમાં જ ખબર પડે, અને એ એક-બે રાતમાં જાતે શીખવાનુ અને પછી તૈયાર કરવાનું, હવે વિચારો કે જે લોકોને જુનું શોધેલુ પણ વાપરતા નથી આવડતું કે નથી તેને એ કોઈએ શીખવ્યુ એ એન્જિનીયરો નવુ શું શોધવાના?

આવા તો લાખો એન્જિનીઅર હોય તોય શું કરવાનું? આવા એન્જિનીઅર કરતા તો મજૂર અથવા કારીગર કે જેની પાસે માત્ર ITI કર્યું હોય તેની પાસે વધુ જાણકારી અને આવડત (Knowledge, Skill) હોય છે. એટલે જ કદાચ આપણે હજુ વિકાસશીલ છીએ વિકસીત નહીં. એટલે જ આપણે લખવુ પડે છે કે મૂળે ભારતીય કે ગુજરાતી માણસે આમ કે તેમ કરી બતાવ્યુ. એ લોકો કે જે વિદેશ જઇને કરી બતાવ્યું એ અહીં કેમ નહોતા કરી શકતા? હવે મુદ્દાની વાત પર પાછા આવીએ, આવા વિદ્યાર્થીઓને એન્જિનીઅરની ડીગ્રી તો મહામહેનતે મળી જાય છે પણ પછી હાલત ખરાબ થાય છે કોના વાંકે? પોતાની નિષ્કાળજી અને સાથે સાથે પેલા સરકારી જમાઇઓના વાંકે. કારણ કે પોતાને જે ક્ષેત્રમાંં ડિગ્રી મળી છે, જ્ઞાન નહીં, આવડત નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં. સરકાર એની દુકાનમાં આવી રીતે ખરાબ માલ રાખે તો દેખીતી વાત છે કે લોકો એ દુકાન છોડીને સેલ્ફ-ફાઇનાન્સ સંસ્થાઓમાં જ એડમિશન લેવાનાં. અને ક્યાંક આ પણ એક કિમીયો છે સેલ્ફ-ફાઇનાન્સ દુકાનો સારી ચાલે એના માટેનો. અમે એક પાવર પ્લાન્ટ જોવા ગયા હતાં, ત્યાં જઇને પૂછ્યું કે આ પ્લાન્ટ ક્યાં ડિઝાઇન થયો અને કોણે કર્યો? તો જવાબ મળ્યો કે ચીનમાં, અને ચીનથીજ એન્જિનીઅરો પ્લાન્ટના ઈન્સ્ટોલેશન માટે આવ્યા હતાં. તો શુંં ગુજરાતમાં કે ભારતમાં આવા કામ માટેના એન્જિનીઅરો ખૂટી પડ્યા છે? ના! પણ કોઇ પાસે પ્રાયોગિક આવડત (Skill) જ નહોતી.

એવું નથી કે બધાં જ પ્રાધ્યાપકો અનિચ્છાએ ભણાવે છે કે વિદ્યાર્થીઓ પર ધ્યાન નથી આપતા, પરંતુ એવા એક-બે સંનિષ્ઠ અને સમર્પિત પ્રાધ્યાપકોની મહેનત પર અન્ય લોકોની નિષ્ક્રિયતા પાણી ફેરવી દે છે. અકર્મશીલ શિક્ષકો ફક્ત તેમના પોતાના જ નહીં, અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડાં કરે છે, વ્યવસ્થિત ભણાવતા આવા જૂજ સમર્પિત શિક્ષકોની એકાદ બે વિષયની મહેનત વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે મદદરૂપ થઈ શક્તી નથી, અને સરવાળે તેઓ પણ હતોત્સાહ થતાં રહે છે.

કેટલીક કોલેજો કે યુનિવર્સિટીઓ છે જેમ કે Indian Institute Of Technology (IIT) કે જેઓ સાચા અર્થમાં એન્જિનીઅર બનાવે છે. આવી Institutes ને સલામ કરવાની ઇચ્છા થાય છે, બાકી અધધધ સંખ્યામાં ઉગી નીકળેલી આવી ઘરગથ્થુ યુનિવર્સિટીને મંજૂરી જ ન આપવી જોઇએ. જ્યારથી શિક્ષણમાં રાજકારણનો સડો પેઠો છે ત્યારથી ભારતનું ભાવી વધુ ને વધુ અંધકારમય થઇ રહ્યુ છે. જો નહીં જાગીએ તો હવે એ સમય દૂર નથી કે આપણે કાયમ માટે મૂળે ભારતીય કે મૂળે ગુજરાતી લખીને જ સંતોષ માનવો પડશે.

જાગો… શિક્ષણશાસ્ત્રીઓ… શિક્ષણવિદો… વિચારકો… વિદ્યાર્થીઓ… જાગો, હજુ પણ સમય છે ભૂલસુધારનો. વ્યવસ્થાને આમૂલ પરિવર્તનની તાતી જરૂરત છે!

– જોષી જીમિત ભરતભાઈ (પો. રામપુરા, તા. વડગામ, જી. બનાસકાંઠા)

એક જાણીતી સરકારી એન્જિનીઅરીંગ કૉલિજમાં બી.ઈ. (મિકેનીકલ)માં અભ્યાસ કરતા જીમિતભાઈ એન્જિનીઅરીંગ શાખાના તેમના અનુભવના આધારે આજની શિક્ષણવ્યવસ્થા, તેના વ્યાપારીકરણ અને તેની અસરકારકતા વિશે સુંદર વિચારો લઈને આવ્યા છે. એક એન્જિનીઅર હોવાને નાતે અને એ જ ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોવાને લીધે આ બધી બાબતોમાં હું પૂરો ટેકો આપું છું. એન્જિનીઅરીંગ જેવા ખૂબ વ્યવસાયિક, સચોટ અને ચોક્કસ જાણકારી માંગી લેતા અને અનેકોને સાંકળતા ક્ષેત્રના અભ્યાસમાં દાખવાતી બેદરકારી, પછી ભલેને એ બંને પક્ષે – વિદ્યાર્થિઓ અને સંસ્થાઓની – હોય, સરવાળે નુકસાન સમાજનું જ કરે છે. આ લગભગ બધાંએ સામાન્ય ગણીને સ્વીકારી લીધેલી વાતો પ્રત્યે જીમિતભાઈનો પુણ્યપ્રકોપ તેમના હૈયાની બળતરાનો પૂરાવો છે. અને એમ કરીને વ્યવસ્થાની ગેરરીતિઓ પ્રત્યે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરવા બદલ પણ એ અભિનંદનને પાત્ર છે. અક્ષરનાદ પર તેમની આ પહેલી રચના છે, એ બદલ અને ઉંડા મંથન બદલ તેમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “એન્જિનીઅરીંગ શિક્ષણ : એક ઔપચારિકતા.. જીમિત જોષી

 • Mitesh

  શ્રી જીમીતભાઇ તમારી વાત બિલકુલ સાચી છે હું આઇટીઆઇ ઇલેક્ટ્રિશિયન પાસ છૂ અને મારી પાસે સારી એવી જાણકારી છે મારો પુત્ર સારી સેલ્ફ ફાઇનાઇન્શ કોલજ માં ડિપ્લોમાં ઇલેક્ટ્રિકલ માં ચોથા સેમેસ્ટર માં અભ્યાશ કરે છે તેમ છતાં કોરો છે તેના અન્ય મિત્રો પણ કોરા છે આ તે કેવો અભ્યાશ પૈસા નું પાણી અને સમય નો બગાડ તથા ભવિષ્ય સાથે ચેડા આનો ઉપાય શું કે જેથી અન્યો ની જિંદગી ના બગડે

 • ચન્દ્રકાન્ત લોઢવિયા

  શ્રી જીમિતભાઈ નો લેખ વાંચી ખૂબ ઘક્કો લાગ્યો. સાથે બીજા અનુભવો પણ અન્ય વિધ્યાર્થીના જાણ્યા. ૬૫ વર્ષની આઝાદીની સત્તાઘીશોએ કેવી માઠી દશા કરી તે વાંચી આજના યુવાનો શું નિર્ણય લેશે તે ખબર નથી પણ માઠા પરિણામો હવે પછીની નવી પેઢી ભોગવશે તે નક્કી છે.

  શિક્ષણની આ વાત એક અનુભવી એન્જીનીયર કહી રહ્યા છે. તેવું જ શિક્ષણ લઈ ડોક્ટરો પણ તૈયાર થયા છે. અને સ્વાસ્થની બાબતમાં પણ આવું છે. તે વાત યોગગુરૂ બાબા રામદેવ પણ કહી રહ્યા છે.

  તેવી જ રીતે કાયદાશાસ્ત્રીઓની વાતો છે. ન્યાય મોંધો ને સમય મર્યાદામાં ન મળવાથી કેટલાય કુટુંબો જાત જાતની યાતનાઓ ભોગવી રહ્યા છે. મોટા ભાગના કાયદાના યુવાનો રાજકરણમાં દાખલ થઈ દેશનું પણ સત્યાનાશ કરી રહ્યા છે. નવા સત્તાધીશો ને કેમ નાથી શકાય તે વિચારી પ્રજામતમાં પ્રજાની તાકાત ઊભી કરવાની તાતી જરૂરિયાત ધ્યાનમાં રાખી આજની યુવા પેઢીએ પાંચ વર્ષે મત આપવાની તાકાત સમજવી ખૂબ આવશ્યક છે. જેમાં સ્વાર્થી અનામત પધ્ધતિ, લોકસભામાં કાયદા બનાવવાનો થતો ખોટો દુરઉપયોગ, રાજકીય સંગઠનો બનાવી ધન કમાવી પ્રજાને રંજાડવાની હરિફાઈ, પ્રજાને કાયમ બાનમાં રાખવાની વિગેરે વાતો છે. તે માટે શ્રી અન્નાએ સુચવેલો માર્ગ રાઈટ ટુ કોલ બેક વધુ અસરકારક શસ્ત્ર છે.

  ચન્દ્રકાંત લોઢવિયા.

 • Atal Pancholi

  you are absolutely right.i am also an engineering student.To inform you in my college there are 6oo seats in only mech. branch in single sem only.

  so,we should do something against it like strike,dharna,etc…

 • Harshad Dave

  નિષ્ઠાવાન અને ખેવના હોય તેવાં શિક્ષણશાસ્ત્રીઓની ઉણપ હોવી એ અધૂરી કેળવણીની નિશાની કદાચ ન હોય પણ ભ્રષ્ટાચારના આ યુગમાં પ્રામાણિકતા ઝંખવાતી જાય છે એનો શો ઉપાય? શિક્ષણની દરેક વિધામાં આવું નથી ચાલતું તેવી કોઈ ખાતરી મળતી નથી…ભગવાન ભરોસે ન ચાલવા દેવાય…મૂળભૂતપણે માણસે જ બદલાવું પડે તો જ કાંઇક સરવાના થાય. – હદ.

 • Vipul

  After doing M.Tech. from IIT Delhi, I realised what I missed in my B.Tech. degree which I did from Gujarat. Technical knowledge which I got from IIT Delhi motivated me to do PhD from the same prestigious institute so that I can deliver best of my knowledge.

  This culture of “only degree oriented private engineering colleges” is not limited to Gujarat only. Even only Uttar Pradesh has more than 500 private engineering colleges and most of them are run by politicians.

 • Upendra

  Pujya Prof. Jimitbhai,
  Your article is really thought provoking. Here Private Classes are every where are flourishing. Parents can’t afford to pay fees but other his friend this class, so I need that particular class joined, otherwise will left behind. So parents have to pay by managing some how and allow to join. More over here one subject this much fees and all subjects so much fees. At the same in private building running. He had team of teachers coaching without knowledge. Every day they take 2-3 hours, plus some home work. As coacher assure him to pass easily. Student then can’t go to school
  full time. They do not listen with full concentrations as evening print out notes will be available from the class.

  In my son’s case he wanted to join the classes and lecturers are good teaching. But other students 99 percent in strength didn’t allow my son attend the class. Because in attendance his records will come up.

  Yes, to get any technical or engineering knowledge any subject ITI poly technics are better. Our neighbor’s son wanted technical knowledge of die and fixture. After getting he is now his small scale factory.

  In 1973 in St.Xavier’s Technical Institute interview he gave example of medical students admission. Medical Doctors placed
  various bones of human body. Students after making observations say : hadiya hey. Prof. Doctor asked again to observe and give reply. He say bola ne hadiya hey?

 • જયેન્દ્ર પંડ્યા

  Jimit Joshi has in nutshell diagnosed the dis-ease set in educational system wherein:
  1-Education has become business
  2-Admissions are auctioned
  3-Submissions and home-work is out-sourced
  4-Degrees are merely entry passes/licenses for procuring employment
  5-Reservations are restricting merits
  Rightly said if we will not wake up now and do needful entire system will collapse. Very good thought provoking article.
  Thanks to Jimit Joshi and Jigneshbhai

 • Nirav

  ભાઈ તમારા સબમીશન’નો પ્રસંગ સાંભળી’ને મને પણ મારો એક કિસ્સો યાદ આવી ગયો . . . અમારા તે લેકચરર ખુબ જ તામસી પ્રકૃતિ’નાં અને ગજબ’નાં મૂડી હતા . . જયારે સબમીશન’નો સમય આવ્યો ત્યારે મારે થોડુક મોડું થયું અને તે દરમ્યાન મારામાંથી જ કોપી કરીને જ જે લોકોએ ફાઈલ તૈયાર કરેલ હતી તેઓ સબમીશન કરી આવ્યા અને તે લોકોને સારો ગ્રેડ પણ મળી ગયો , પણ ત્યારબાદ જયારે મારે જવાનું થયું તે દરમ્યાન ખબર નહિ પણ શું ઘટ્યું કે સાહેબ ગજબ’નાં ગુસ્સે ભરાઈને બેઠા હતા અને જેવી મેં ફાઈલ મૂકી કે કઈક અજબ જ ખોડ કાઢીને તેઓએ મને ” C ” ગ્રેડ આપી દીધો અને તે દરમ્યાન વચ્ચેના પન્ના’ઓમાં એટલી ઝડપથી ચેક કરતા ગયા કે એક બે પન્ના’ઓમાં ચેકા પડી ગયા અને તેઓ ફાટી ગયા !!!

  બીજો એક રસપ્રદ કિસ્સો : અમારા જે પણ પાંચ છ લેકચરર હતા , તેઓએ એક સ્ટ્રેટેજી બનાવી હતી કે હરકોઈ લેકચરર અન્ય લેકચરર’નાં વખાણ કરે અને એક પ્રકારે તેમનું માર્કેટિંગ કરે 🙂

 • M.D.Gandhi, U.S.A.

  મોદીસાહેબ ભલેને વડાપ્રધાન બને કે તેમનીજ પાર્ટીના બીજા મુરતિયાઓ ન બનવા દ્યે, પણ તેઓ જ્યારે મુખ્ય પ્રધાન છે ત્યારે જો થોડુંક પણ ધ્યાન આપે તો શિક્ષણ ખાતું સુધરી જાય. આજે પણ અમેરીકામાં જે એન્જીનીયરો છે તે મઓટા ભાગના વડોદરા BARODA UNIVERSITY માંથીજ પાસ થયેલાછે, જેનું માધ્યમ અંગ્રેજી છે અને ભણનાર અને ભણાવનાર બન્ને તેમના કાર્યને અંતરથી વળગી રહ્યા છે…
  આજે તો સૌને ડીગ્રી જોઈએ છે, પણ એ લેતી વખતે એમની ઉમર બહુ મોટી નથી હોતી અને સંસારનો બહુ અનુભવ નથી હોતો એટલે ભણતી વખતે બરાબર ધ્યાન ન આપે અને પછી સંસારમાં પ્રવેશ કરે ત્યારે ખરાખરીનો ખેલ જોઈને પસ્તાવાનો વારો આવે છે….

 • Capt. Narendra

  શ્રી. જીમિતભાઇનો લેખ ઘણો વિચારપૂર્ણ છે. આપણા દેશના શિક્ષણક્ષેત્રમાં કશી ખામી છે એવો ખ્યાલ હતો, પણ તેની વાસ્તવિકતાની પૂરો ખ્યાલ તેમના આ લેખમાંથી મળી આવ્યો.
  વર્ષો પહેલાં બ્રિટનમાંના વાસ્તવ્ય દરમિયાન ત્યાંના રાષ્ટ્રીય અખબારોમાં સમાચાર વાંચ્યા કે ભારતમાં મેળવેલી મેડીકલ ડિગ્રીઓ – તેમાં પણ ખાસ કરીને ગુજરાતની યુનિવર્સીટીઓમાં મેળવેલી ડિગ્રીઓ અમાન્ય કરવામાં આવી છે, ત્યારે પ્રથમ તો અમને તેમાં વર્ણદ્વેષ દેખાયો. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે જ્ઞાન મળ્યું કે જીમિતભાઇની વાત ત્યારે પણ સાચી હતી. આનો બીજો અનુભવ પ્રત્યક્ષ રીતે મળ્યો. લંડનના એક મોટા સુપર સ્ટોરમાં કામ પ્રસંગે મૅનેજરને મળવા ગયો હતો. સમય કરતાં પહેલાં પહોંચ્યો હોવાથી બહાર હૉલમાં બેઠો હતો જ્યાં દસે’ક જેટલા યુવાન-યુવતિઓ બેઠાં હતાં. તેઓ નોકરી માટે આવ્યા હતા. કામ હતું સ્ટોરની અભરાઇઓમાં સામાન ભરવાનું. તેમાં એક ૨૩-૨૪ વર્ષની વયના આપણાં એક બહેન હતા. તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ માનસ શાસ્ત્રમાં બી.એ.ની ડિગ્રી લઇને આવ્યા હતા.. મેં તેમને પૂછ્યું કે તેઓ શિક્ષીકાની અથવા તેમના ક્ષેત્રમાં નોકરી શા માટે નથી શોધતા? જવાબ મળ્યો, “ભાઇ, અમને તો કશું ભણાવવામાં આવ્યું નહોતું અને પરીક્ષામાં જે લખ્યું તે ‘એક અનુભવી પ્રોફેસર’ની ગાઇડો ગોખીને લખ્યું હતું. ડિગ્રીનું કાગળીયું મેળવવા જે ઉત્પાત કરવાો પડ્યો તે કરીને અહીં લગી પહોંચ્યા છીએ.”

  જીમિતભાઇએ આ વાાત કહી તેનાથી શિક્ષણ ખાતાના ઉપરી અધિકારીઓની આંખ ખુલી હોય તેવી આશા રાખીએ.

  • joshi jimit

   નમસ્તે Capt.Narendrabhai,આપે જે વાત રજુ કરી તે પણ મુળભુત રીતે આ વ્યવસ્થાની જ ખામી છે.આ બધી વાસ્તવિકતા શિક્ષણ ક્ષેત્રના કોઇ ઉચ્ચ અધિકારીઓને નજર મા આવે એ માટે તથા શકય એટલી વધુ જનસમુદાય ના ધ્યાન માં આવે અને બધા સભાન થાય એ માટે આ હકીકત ને વધુ ને વધુ શેર કરો.વિસ્તારો.આભાર,જયહિંદ