પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 9


૧.

વાંચવા દે, જર્જરિત કાગળ મને,
જીવવનું સાંપડે છે બળ મને.

વાતવાતે કાં ગુમાવે છે મિજાજ?
છીછરું લાગે છે તારું તળ મને.

એક પળમાં મુક્તિને પામી ગયો,
કેવી બાંધી આજ તે સાંકળ મને!

તપ્ત રેતી ને ઢૂવા ચારેતરફ
તો ય કાં સંભળાય છે ખળભળ મને?

સૂર્ય, તારા કિરણોને મ્યાન કર,
ના સમજતો ફક્ત તું ઝાકળ મને.

એકડો પણ આવડે છે ક્યાં હજુ,
તો ય તું બેસાડતો આગળ મને!

૨.

હાથમાંથી બે’ક કણ વેરાય છે,
ને ઉજાણી કીડીઓને થાય છે.

અર્થ શું આજાનબાહુનો સરે?
ક્યાં કશુંયે આપવા લંબાય છે?

સીમ તો ઉજ્જડ છે, એવું સાંભળી,
ખાખરો પણ મૂછમાં મલકાય છે.

પથ્થરો સાથે જુગલબંધી થતાં,
જળના હોઠે ગીત આવી જાય છે!

કોઈને અડવા પગે હું જોઉં છું,
તો બળતરા મારા પગમાં થાય છે.

વૃક્ષને ક્યાં હોય છે સહેજે ખબર,
કોણ એના છાંયે બેસી જાય છે?

હાથમાં ગાંડીવ છે તો પણ હવે,
માછલીની આંખ ક્યાં વીંધાય છે?

૩.

સપનું મારું સાચું પડશે,
હીર એનુંય ઝાંખુ પડશે.

ફોરાંની જો આશા રાખો,
વાદળમાંથી આંસુ પડશે.

મુઠ્ઠે-મુઠ્ઠાં ઓરો તો પણ
વાવેતરમાં ખાલું પડશે.

શેઢાં પણ કરતા’તાં ચર્ચા,
વર્ષ ઓણૂકું માઠું પડશે.

થાળાને કહેતો’તો કૂવો,
પાણ એકાદું ટાંચુ પડશે.

સપનામાંયે ધાર્યું નો’તું,
સામેનું પણ આઘું પડશે!

૪.

દૂરથી જે મહેલ લાગે છે,
જાવ નીકટ તો જેલ લાગે છે.

ધૂળની સૂવ, એ ય બાળકને?
શહેરમાં ઉછરેલ લાગે છે!

ઘાસ પણ શિસ્તબદ્ધ ઉગ્યું છે,
જાણે કે પાથરેલ લાગે છે!

સાવ નૂતન ભલે કહે વૃતાંત,
આમ એ સાંભળેલ લાગે છે.

ચાલ વનને જ ઘર બનાવીએ,
અહીં બધું ગોઠવેલ લાગે છે.

શીશ અમથું રહે ના ભારેખમ,
વ્યર્થ કૈં ઉંચકેલ લાગે છે.

પાર ઊતરીશ કઈ રીતે ‘રાકેશ’?
નાવ તો નાંગરેલ લાગે છે.

૫.

કોઈ રીતે ખાળવા પડશે હવે,
આંસુને પડકારવા પડશે હવે.

છાપરા સામી જ છે એની નજર
તાપણાંઓ ઠારવા પડશે હવે!

એટલો મીઠો છે આગ્રહ એમનો,
બોર એઠા ચાખવા પડશે હવે!

નોટ કે સિક્કા નથી પાકીટમાં,
બે’ક સપનાં રાખવાં પડશે હવે.

આંગણે આવીને ઊભો છે ફકીર,
દ્વારને ઉઘાડવા પડશે હવે.

કોઈ રીતે ક્યાં મટે છે અંધકાર,
કાળજાંને બાળવા પડશે હવે!

મુક્ત મનથી અશ્રુઓ સારી શકાય,
એવા ખૂણા શોધ્વા પડશે હવે.

ીક પણ સારી ગઝલ આવી નથી,
પૃષ્ઠ કોરાં છોડવા પડશે હવે.

વેદ તો રાકેશ હાથવગા નથી,
પ્રેમપત્રો વાંચવા પડશે હવે.

– રાકેશ હાંસલિયા

રાકેશભાઈની વધુ પાંચ ગઝલોનું આ ગુચ્છ અક્ષરનાદ પર પ્રસ્તુત કરતા અત્યંત આનંદ થાય છે. છંદની શિસ્તમાં લખાયેલી ભાવસભર અને ચોટદાર ગઝલો વાચકને ખૂબ ગમશે એવી આશા છે. પ્રસ્તુત ગઝલોની સાથે અક્ષરનાદ પર રાકેશભાઈની ત્રીસ ગઝલો પ્રસિદ્ધ થઈ છે જે અક્ષરનાદ માટે આનંદની વાત થઈ રહે છે. આવી જ સુંદર કૃતિઓની રચના અને ભાવકો સુધી અક્ષરનાદના માધ્યમથી તેને પહોંચાડવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ…


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા

  • લક્ષ્મી ડોબરિયા.

    રાકેશભાઈનેી ખોૂબ સરસ રચનાઓ… રાકેશભાઈ સાથે ‘તત્વ્’ ગઝલસંગ્રહ સંયુંક્ત રેીતે પ્રકાશિત થયો છે…જેમાં મારેી ગઝલો નો પણ સમાવેશ થયેલો છે. એટલે રાકેશભાઈનેી સર્જકતાથેી સુપેરે પરિચિત છું.

  • ashvin desai

    ભઐ રાકેશ ઉત્તરોત્તર નવિને નવિ ઉન્ચઐ આમ્બિ રહ્યા ચ્હે તે પ્રસન્નકર ચ્હે
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • jacob davis

    ગ્રેટ રાકેશ, તમામ રચનાઓ ખુબ સુંદર. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારાં પગલાં વખાણું. એમ કયા શેરનાં વખાણ કરવાં તે મુંઝવણ છે. તમામ ગઝલ અને શેર ખુબ સુંદર.

  • Ashok G. Bhatt

    Mahenat khoob saari chhe. Abhinandan. Chhand ni “Shishta” upar vadhare dhyaan aapo to tamane shishta barobar paaLyaa no, ane amane vadhu saari rachana vaanchyaa no, aanand thashe, raheshe.

    Ashok Bhatt