મૈકૂ – પ્રેમચંદ, અનુવાદ : હર્ષદ દવે 10


કાદિર અને મૈકૂ શરાબના પીઠા સામે આવી પહોંચ્યા. ત્યાં તેમને કોંગ્રેસના કેટલાક વોલન્ટીયરો ઝંડા લઈને ઉભેલા દેખાતા હતા. પીઠાના દરવાજાની આસપાસ અનેક લોકો ઊભા હતા. સાંજનો સમય હતો. એ સમયે તે ગલીમાં દારૂડિયાઓ સિવાય બીજું કોઈ આવતું ન હતું. સારા ઘરના લોકો ત્યાંથી ન છૂટકે જ નીકળતા. દારૂડિયાની નાની નાની ટોળકીઓ ત્યાં આવતી જતી. બે-ચાર ગણિકાઓ દુકાનની સામે ઉભેલી દેખાતી હતી. આજે આ ભીડ જોઈને મૈકૂએ કહ્યું – અલ્યા, બહુ ભીડ છે. બસો ત્રણસો લોકો હશે.

કાદિરે હસીને કહ્યું – ભીડ જોઈને બી ગયો કે શું? આ બધા તો તમાશો જોવા આવ્યા છે, લાઠીના ઘા ઝીલવા નથી આવ્યા. હમણાં બધા રફુચક્કર થઇ જવાના.

મૈકૂના માનવામાં ન આવતું હોય તેમ તેણે કહ્યું – પોલીસના સિપાઈઓ પણ બેઠા છે. ઠેકેદારે તો કીધું’તું કે પોલીસ વચ્ચે નહીં પડે.

કાદિરે કહ્યું – હા ‘લ્યા, પણ પોલીસ વચ્ચે ન પડે તેમાં તારા મોતિયા કેમ મરી જાય છે? પોલીસ તો ત્યાં જ વચ્ચે પડે કે જ્યાં રૂપિયા મળતા હોય કે કોઇ ઓરતનો મામલો હોય. આવી નક્કામી વાતમાં પોલીસ ન પડે. પોલીસ તો આવું થાય એવું જ ઈચ્છે. ઠેકેદાર પાસેથી તેમને દર વર્ષે નિયમિત હપ્તો મળે જ છે ને. આવા સમયે પોલીસ તેની મદદ ન કરે તો ક્યારે કરશે?

મૈકૂ – ઠીક છે, દસેક તો આપણા પાક્કા. મફતમાં પીશું એ નફામાં. પણ મેં સાંભળ્યું છે કે કોંગ્રેસવાળામાં કેટલાયે પૈસાદાર લોકો પણ ભળ્યા છે. એ લોકો તો આપણી ઉપર દાઝ નહીં ઉતારે ને, તો આપણી માઠી થશે.

કાદિર – અરે કોઈ દાઝ બાઝ નહીં ઉતારે, તારો જીવ કાં તાળવે ચોંટી ગ્યો? કોંગ્રેસવાળાને ભલે કોઈ મારી નાખે તો પણ તેઓ કોઈને મારતા નથી, નકર તે દી સરઘસમાં દસ હજાર માણસોની ભીડમાં દસ-બાર સિપાઈની શી વિસાત કે બધાને મારી મારીને બેવડા વાળી દે. ચારનાં ઢીમ તો ત્યાં જ ઢળી ગ્યા’તા. પણ જોયું ને, ન કોઈએ સામનો કર્યો કે ન સામે હાથ ઉગામ્યો. તેમના જે મા’ત્મા છે તે આલા દરજાના ફકીર છે. તેમનો હુકમ એવો છે કે ચુપચાપ માર ખાઈ લો, લડો નહીં.

આવી વાતો કરતાં કરતાં બંને પીઠા પાસે આવી ગયા. એક સ્વયંસેવક હાથ જોડીને તેમની સામે આવ્યો અને બોલ્યો: ભાઈ, તમારા ધર્મમાં દારૂ પીવો હરામ બરોબર છે.

મૈકૂએ એની વાતનો જવાબ કચકચાવીને એક થપ્પડ લગાવીને આપ્યો. તેણે તેને એવી થપ્પડ મારી કે સ્વયંસેવકની આંખમાં ખુન્નસ ભરાઈ આવ્યું. જો તેને બીજા સ્વયંસેવકોએ પકડી ન લીધો હોત તો તે પડી જ જાત. તેના ગાલ ઉપર પાંચેય આંગળાની છાપ ઉપસી આવી હતી.

પરંતુ વોલન્ટીયર થપ્પડ ખાધાં છતાં પોતાની જગ્યાએ અડગ ઉભો રહ્યો. મૈકૂએ કહ્યું – હવે વચમાંથી આઘો જાય છે કે હજી મારું?

સ્વયંસેવકે નમ્રતાપૂર્વક કહ્યું – જો તમારી એવી ઇચ્છા હોય તો હું હાજર છું, જેટલું મારવું હોય તેટલું મારો, પણ અંદર ન જાઓ. એમ કહી તે મૈકૂની સામે બારણા વચ્ચે જ બેસી ગયો.

મૈકૂએ સ્વયંસેવકના ચહેરા સામે જોયું. તેની પાંચેય આંગળીઓની છાપ તેના ગાલ પર સ્પષ્ટ દેખાતી હતી. મૈકૂએ આ પહેલાં પોતાની લાઠીથી કેટલાયના માથાં ફોડ્યા હતા, પરંતુ તેનાં મનમાં આજ જેવો ખટકો ક્યારેય નહોતો થયો. પાંચેય આંગળાની છાપ તેનાં હૃદયમાં પાંચ શૂળની જેમ ભોંકાતી હતી.

કાદિર ચોકીદારો પાસે ઊભો ઊભો સિગરેટ પીવા લાગ્યો. ત્યાંથી જ તે બોલ્યો – હવે ઊભો રહીને જોયા શું કરે છે, લગાવ ફરીવાર બીજી જોરદાર થપ્પડ.

મૈકૂએ સ્વયંસેવકને કહ્યું – તું ઊભો થઇ જા, મને અંદર જવા દે.

તમે મારા ઉપર પગ મૂકીને અંદર જઇ શકો છો.

હું કહું છું ઊભો થઇ જા, અંદર જઈને હું દારૂ નહીં પીઉ, મારે બીજું જ કામ છે.

મૈકૂએ એવી દૃઢતા સાથે કહ્યું કે સ્વયંસેવક પીઠાના બારણા વચ્ચેથી ઊભો થઈને એકબાજુ જતો રહ્યો.

મૈકૂએ હળવેથી હસીને તેની સામે જોયું.

સ્વયંસેવકે ફરી હાથ જોડીને કહ્યું – તમે મને આપેલું વચન ભૂલી ન જતાં.

એક ચોકીદાર બોલ્યો – મેથીપાક મળે તો ભલભલા ભાગી જાય. સીધી આંગળીએ ઘી  ન નીકળે. એક જ થપ્પડમાં કેવો સીધોદોર થઇ ગયો!

કાદિરે કહ્યું – આ થપ્પડ બચ્ચુને જિંદગીભર યાદ રહેશે. મૈકૂનિ થપ્પડ ખમી ખાવી કાચા પોચાનું કામ નથી.

ચોકીદાર – આજે બધાને એવાં લમધારો કે ફરીવાર અહીં આવવાની ખો ભૂલી જાય.

કાદિર – ખુદાની મરજી હશે તો ફરીવાર કોઈ અહીં આવશે જ નહીં. પણ કે’વું પડે, છે તો જીગરવાળા. જીવના જોખમે પણ આવી જગાએ આવે છે.

મૈકૂ અંદર ગયો ત્યારે ઠેકેદારે ખુશ થઈને તેને આવકાર આપ્યો – આવો મૈકૂ મિયાં, એક જ થપ્પડ મારીને કેમ અટકી ગયા? એક થપ્પડની અસર કાંઇ આ લોકો ઉપર થોડી થાય? બધાંય ભારે હઠીલા છે. ગમે તેટલું મારો તો પણ જાણે તેમના પર કાંઇ અસર થતી જ નથી. આજે તો બસ બધાના હાડકાં ખોખરા કરી નાખો, ફરી આ બાજુ ફરકવાનું ક્યારેય નામ જ ન લે.

મૈકૂ – તો શું પછી બીજા નહીં આવે?

ઠેકેદાર – પછી તો બધા મિયાંની મીંદડી થઇ જશે. બધાની બકરી બેં થઇ જશે.

મૈકૂ – અને આ તમાશો જોવાવાળાઓમાંથી કોઈ ક્યાંક લાઠી બાઠી ફટકારી બેસે તો?

ઠેકેદાર – તો પોલીસ તેને મારીને ભગાડી દેશે. એક સપાટામાં મેદાન સાફ થઇ જશે. લે ત્યાં સુધીમાં તું એકાદ બોટલ પી લે. આજે હું મફતમાં પીવડાવું છું.

મૈકૂ – શું આ ગ્રાહકોને પણ મફતમાં પીવડાવો છો?

ઠેકેદાર – શું કરું, કોઈ આવતું જ નો’તું. મફત મળશે એવું સાંભળીને બધાં દોડતા આવી ગયા, જોયું?

મૈકૂ – હું તો આજે નહીં પીઉ.

ઠેકેદાર – કેમ ? તારે માટે તો આજે ખાસ તાડી મગાવી છે.

મૈકૂ – બસ એમ જ, આજે પીવાની ઇચ્છા નથી. લાવો, કોઈ લાઠી કાઢો, હાથેથી મારવું ફાવતું નથી.

ઠેકેદારે તરત જ એક મોટી કડિયાળી ડાંગ મૈકૂના હાથમાં આપી દીધી અને પછી જાણે તે લાઠી વીંઝતો હોય તેવો તમાશો જોવા માટે દરવાજા પર આવીને ઊભો રહી ગયો.

મૈકૂએ એકવાર લાઠીનું વજન ચકાસ્યું અને પછી અચાનક ઊછળીને તેણે બે હાથે પૂરી તાકાતથી ઠેકેદારને માથે એવી તો ફટકારી કે તે ત્યાં દરવાજા પાસે જ ફસડાઈ પડ્યો. ત્યારબાદ મૈકૂ અંદર રહેલા દારૂડિયાઓ તરફ ફર્યો અને પછી માંડ્યો આડેધડ સબોસબ લાઠી વીંઝવા. આગળ પાછળ કાંઈપણ જોયા વગર બસ ધડાધડ લાઠી ફટકારવા લાગ્યો.

નાશાખોરોનો નશો છૂમંતર થઇ ગયો. તેઓ અથડાતા, ગભરાતા ભાગવા લાગ્યા પણ દરવાજાની વચ્ચે તો ઠેકેદારનું શરીર લોહીલુહાણ થઈને પડ્યું હતું.  તેઓ ફરી અંદરની બાજુ વળ્યા. મૈકૂએ ફરી તેમને લાઠી દેખાડી અને લલકાર્યા. છેવટે બધાં ઠેકેદરના શરીરને કચડી કચડીને ભાગ્યા. કોઈનો હાથ ભાંગ્યો તો કોઈનું માથું ફૂટ્યું, કોઈની કેડ તૂટી ગઈ. એવી તો ભાગમભાગ મચી ગઈ કે થોડીવારમાં તો પીઠામાં સમખાવા ય કોઈ ઊભું ન રહ્યું, સાવ ખાલીખમ્મ.

અચાનક માટલાં ફૂટવાનો અવાજ આવ્યો. સ્વયંસેવકે અંદર ડોકિયું કર્યું તો મૈકૂ માટલાં ફોડવા મંડી પડ્યો હતો. તે બોલ્યો – ભાઈ, ઓ ભાઈ, આ તો તમે ગજબ કરો છો. આના કરતાં તો તમે તમારો ગુસ્સો અમારી ઉપર ઉતાર્યો હોત તો વધારે સારું હતું.

મૈકૂએ બે-ત્રણવાર લાઠી વીંઝીને બાકીની બોટલો અને માટલાંને પણ તોડી-ફોડી નાખ્યા. બહાર નીકળતા નીકળતા તેણે ઠેકેદારને એક લાત મારી.

કાદિરે તેને રોકીને પૂછ્યું – શું તું ગાંડો થઇ ગયો છે અબે? તું શું કરવા આવ્યો હતો અને આ તું શું કરી બેઠો?

મૈકૂએ લાલઘૂમ આંખે તેની તરફ જોઈને કહ્યું – હા પરવરદિગારની મહેરબાની છે કે હું જે કરવા આવ્યો હતો તે ન કરતાં બીજું જ કાંઇ કરી બેઠો. તારામાં તાકાત હોય તો તું વોલન્ટીયરોને માર, મારામાં એવી તાકાત નથી. મેં જે એક થપ્પડ મારી તેનું પણ મને બહુ દુઃખ થાય છે અને હંમેશાં રહેશે. થપ્પડની છાપ મારાં કાળજે કોતરાઈ ગઈ છે. જે લોકો બીજાને અપરાધ કરતાં બચાવવા માટે પોતાનો જાન આપી દેવા તૈયાર થયા છે તેમના પર તો જે પાજી હોય, જે નીચ હોય, જે બાયલો હોય તે જ હાથ ઉગામે. મૈકૂ પૈસા લઈને કામ કરે તેવો છે, લાઠી ચલાવી જાણે છે, ગુંડો છે પરંતુ નીચ અને બાયલો નથી. જા કહે દે પોલીસવાળાને, ભલે મારી ધરપકડ કરે.

કેટલાંય દારૂડિયાઓ ડોલતાં ડોલતાં ઊભા હતા અને મૈકૂ તરફ ભયભીત આંખે જોઈ રહ્યા હતા.  એક હરફ પણ બોલવાની કોઈની હિંમત ચાલતી નહોતી. મૈકૂએ તેમની  તરફ જોઈને કહ્યું – હું કાલે ફરીવાર અહીં આવીશ. જો તમારામાંથી કોઈ અહીં આવ્યું તો તેનું આવી બન્યું સમજી લેજો. જેલ અને ફાંસીથી હું નથી ડરતો. તમે સહુ ભૂલથી યે અહીં ન આવો તેમાં જ તમારી ભલાઈ છે. આ કોંગ્રેસવાળા તમારા દુશ્મન નથી. તમારા અને તમારા બૈરી છોકરાના સારા માટે જ તમને દારૂ પીતાં રોકે છે. એ પૈસાથી તમારા બાળકોનાં પેટ ભરો, ઘી-દૂધ ખાઓ, ઘરમાં પૂરું બે ટંક ખાવાનું નથી, તમારી ઓરત  તમારા નામે કપાળ કૂટે છે અને તમે અહીં બેઠા બેઠા દારુ પીઓ છો? શરમ નથી આવતી, પૂળો મેલો એવી દારૂ પીવાની લત પર.

મૈકૂ લાઠી ત્યાં જ ફેંકી લાંબા ડગલાં ભરતો ભરતો ઘરે જતો રહ્યો. ત્યાં સુધીમાં તો હજારો લોકોની મેદની એકઠી થઇ ગઈ હતી. બધા શ્રદ્ધા, પ્રેમ અને ગૌરવથી મૈકૂને જોઈ રહ્યા.

– મૂળ કૃતિ – પ્રેમચંદ, અક્ષરનાદ માટે અનુવાદ – હર્ષદ દવે

અનુવાદકની નોંધઃ-

આ પ્રેમચંદની ‘મૈકૂ’ વાર્તાનો અનુવાદ છે. અનુવાદ કરતી વખતે મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ભાષા એવી જ અસરકારક ‘મુહાવરેદાર’ બને અને એ પણ ગુજરાતી તળપદી બોલીના પ્રયોગો સાથે.

ઠેકેદાર શબ્દ સાર્થકોષમાં, ગુજરાતીમાં છે. (જમીનદાર એટલે જમીનનો માલિક અહીં કોન્ટ્રેક્ટર એટલે કે ઠેકો રાખનાર એવો અર્થ છે. ગુજરાતીમાં અંગ્રેજી ઉપરથી બનેલો કંન્ટ્રાટી અથવા કન્ત્રાટી શબ્દ પ્રચલિત છે પરંતુ અત્યારે તે એટલો બધો વપરાતો નથી તેથી ઠેકેદાર શબ્દ વધુ યોગ્ય લાગતા તે જ પ્રયોજ્યો છે.

કાદિર અરબી વિશેષણ છે જેનો અર્થ શક્તિશાળી અને સમર્થ અથવા ભાગ્યશાળી થાય છે. પહેલાં મેં મૈકૂ માટે મેકુ અને કાદિર માટે કાદર વિચાર્યું હતું પણ શબ્દાર્થ જોતાં તેને યથાવત રાખવાનું યોગ્ય લાગ્યું.

પીઠું આપણે ત્યાં વપરાતો શબ્દ છે… તાડીખાના એટલે દેશી શરાબની દુકાન. ટૂંકમાં તાડી એટલે કે તાડ/ખજૂર નાં વૃક્ષનો સફેદ કેફી રસ. આપણે ત્યાં ‘નીરો’ (સાવ તાજો ) સ્વાસ્થ્યપ્રદ પીણું માનવામાં આવે છે ( તે છે અને મેં નીરો પીધો પણ છે…) જે અમુક -સવારનો- સમય જતાં કેફી દ્રવ્ય (દારુ) માં બદલાઈ જાય છે. તેથી નશાખોરો નશો કરી પોતાની જાતને પાયમાલ બનાવે છે અને પોતાનાં પરિવારને પણ પાયમાલ કરે છે. બરબાદી નોતરતા આવાં વ્યસનથી બચાવવા માટે ગાંધીજીએ તેમનાં સ્વયંસેવકોને ગાંધીગીરી રાહે હાકલ કરી હતી. ત્યારે પોતાનાં વશમાં રાખવા માટે દારૂડીયાઓ દારૂના વ્યસનથી ન છૂટે અને પોતાની તિજોરી ભારતી રહે તે માટે ઠેકેદારો ઇચ્છતા કે તેઓ વધુ દારૂ પીએ. તેથી ઠેકેદારો અને સ્વયંસેવકો વચ્ચે પ્રેમભાવ ન જ રહે તે સ્વાભાવિક છે. નામર્દ એટલે કે બાયલા ઠેકેદારો ‘મૈકૂ’ જેવાને હાથો બનાવી પીઠ પાછળ ઘા કરનારા અને સમાજને આવી બદીઓમાં સબડતો રાખવાના મલિન ઈરાદા ધરાવતા લોકોથી છુટકારો મળે તે માટે કથા સમ્રાટ પ્રેમચંદે આ રસપ્રદ વાર્તાના માધ્યમથી સમાજના નિમ્ન વર્ગને દારુ અને ઉચ્ચ વર્ગને શરાબ છોડવા માટે સચોટ અપીલ કરી છે.

‘મૈકૂ’ શીર્ષક વિષે પણ મેં થોડું વિચાર્યું. ‘થપ્પડ’ શીર્ષક વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વધારે યોગ્ય લાગતું હતું. કારણ કે થપ્પડથી આંગળાની છાપને જોઈને જ મૈકૂનું હૃદય પરિવર્તન થાય છે. પણ ‘સહુથી ઉપર મનુષ્ય છે, તેનાથી ઉપર કોઈ નથી’ એ ન્યાયે ‘મૈકૂ’ સામાજિક પરિવર્તનનો સંદેશો આપતો પ્રણેતા બને છે તેથી તેનુ મહત્વ ઓછું ન થાય તે માટે તે પણ યથાવત રાખ્યું છે. બાકી એકવાર તો ‘મૈકૂની થપ્પડ’ શીર્ષક પણ ઉચિત લાગતું હતું.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “મૈકૂ – પ્રેમચંદ, અનુવાદ : હર્ષદ દવે