વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે 13


ઈશ્વરે આપેલો ઉપહાર ક્યારેય ઓછો નથી હોતો,
જે તૂટી જાય તે સંકલ્પ મોટો નથી હોતો.
હારને રાખજો લક્ષ્યથી હંમેશાં દૂર,
કારણ કે જીતનો વિકલ્પ બીજો નથી હોતો.

****

જીવનમાં બે ચીજ છૂટવાની જ છે,
“શ્વાસ અને સાથ”.
શ્વાસ છૂટે ત્યારે માણસ મરે એક જ વાર,
પણ સાથ છૂટે ત્યારે તે મરે છે વારંવાર!

****

જીવનમાં અપરાધ એ સહુથી મોટો હોય છે,
જયારે કોઈની આંખમાં તમારે કારણે આંસુ આવ્યાં હોય છે.

જીવનની સહુથી મોટી ઉપલબ્ધિ એ હોય છે,
કોઈની આંખમાં આંસુ તમારે માટે હોય છે!

****

જીવન જીવવું સરળ નથી હોતું,
સંઘર્ષ કર્યા વગર કોઈ મહાન નથી થતું.
જ્યાં સુધી પથ્થર પર ઘા હથોડીના ના પડે,
તેનાથી પણ ભગવાન નથી થવાતું!

****

જરૂર મુજબ જીવન જીવો, મરજી મુજબ નહીં,
કારણ કે જરૂરિયાત તો ભિક્ષુકની પણ પૂરી થઇ જાય છે,
પરંતુ મરજી તો રાજા-મહારાજાઓની પણ અધૂરી રહી જાય છે!

****

સવારથી સાંજ સુધી કામ કરી માનવી એટલો નથી થાકતો,
જેટલો ક્રોધ અને ચિંતાથી પળવારમાં થાકી જાય છે!

****

જગતમાં કોઈ ચીજ ક્યાં પોતાને માટે બની છે?
જુઓ:

સાગર પોતાનું પાણી ક્યારેય નથી પીતો!
વૃક્ષ ક્યારેય પોતાનું ફળ નથી ખાતું!
સૂરજ પોતાને ક્યારેય રાત નથી આપતો!
પુષ્પ પોતાની સુગંધ પોતાને માટે નથી ફેલાવતું!

સમજવાની વાત છે કે …
બીજાને માટે જીવવું એ જ ખરું જીવન છે!

****

માંગો તો ઈશ્વર પાસે
જો તે આપે તો તેની કૃપા
અને ન આપે તો નસીબ;
પણ બીજા કોઈ સામે હાથ ન ફેલાવશો,
કારણ કે જો તે આપે તો ઉપકાર
અને ન આપે તો શરમ-સંકોચ!

****

ક્યારેય સફળતાને મગજમાં ન રાખશો
અને નિષ્ફળતાને હૃદયમાં સ્થાન ન આપશો,
કારણ કે સફળતા મનમાં ઘમંડ
અને નિષ્ફળતા હૃદયમાં નિરાશા ઉત્પન્ન કરે છે.

****

કોઈ કાયમ ક્યાં સાથ નિભાવે છે?
લોકો તો અંતિમયાત્રામાં
પણ કાંધ બદલાવે છે!

– હર્ષદ દવે.

જીવન – આજીવન…!
[પ્રેરિત]

વિચારમાળાના મોતીઓ મનની પાચકદવા છે, જેમ ભારેખમ ખોરાકને પચાવવા એક નાનકડી ગોળી કામ કરી જાય છે તેમ જીવનના મોટા વિઘ્નો, તકલીફો અને દુઃખોની સામે લડવા આવી વિચારકણીકાઓ અનેરું પ્રેરકબળ અને શક્તિ પૂરી પાડી જાય છે. કયા સમયે કઈ પંક્તિ કે વાત નવો માર્ગ ચીંધી જશે એ તો કોણ કહી શકે? આજે પ્રસ્તુત છે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા સંકલિત આવા જ કેટલાક વિચારમાળાના મોતીઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “વિચારમાળાના કેટલાક મોતી… – હર્ષદ દવે