(મુંબાઈ પ્રતિ) પ્રયાણ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 7


જમીને અમે સ્ટેશન પર ગયા. ઘેરથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે! કંસના વધનું કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે! કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે!’

ચકિત થઈ મેં કહ્યું, ‘અકથ્ય, મહારાજ! અકથ્ય.’

ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે. અને અંબારામ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે?’

મેં કહ્યું, ‘મહારાજ, તે દહાડો જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો?

ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.’

ઉત્સાહની વાતો કરતાં કરતાં અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’

ટિકિટમાસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘શું બકેચ? આય તો તિકિત ઑફિસ છે.’

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’

ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો. તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.’

ટિકિટ આપતાં સોરાબજી બોલ્યા કે, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’

ભદ્રંભદ્ર હવે કોપ સમાવી શક્યા નહિ. તેમણે મહોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ –’

અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ કહ્યું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે. માટે મારે સ્નાન કરી લેવું પડશે.’

સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઊપડવાને પંદર મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઊપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.’ એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બન્નેને જોસથી અંદર ધકેલી દીધા ને ભદ્રંભદ્ર પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘કયી નાત છો?’ ‘બ્રાહ્મણ છીએ.’ એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો?’ ‘મુંબાઈ’ કહ્યું, એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદીઓ અને ઘોરખોદીઓ છે. છોકરાં ન જીવે તેથી મા-બાપે એવાં નામ પાડેલાં.’

એક ઉતારુ બોલ્યો કે, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે?’

બીજો ઉતારુ બોલી ઊઠ્યો, ‘અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલભો મુંબાઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ ઈંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડાં મળે છે તેના જેવા-કોઠા છે. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે, એટલે તેના જોરથી પેલા કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર ઝરે, તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી. ખરી વાત છે. ઘણાએ અજમાવી જોયેલું છે.’

– રમણભાઈ નીલકંઠ

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “(મુંબાઈ પ્રતિ) પ્રયાણ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ

  • Rajnikant

    જયારે વાંચીએ ત્યારે હસાવે તેવી સદાબહાર હાસ્ય રચના છે. ગમ્યું.આભાર.

  • જયેન્દ્ર પંડ્યા

    ભદ્રમભદ્ર ની રચના ને અક્ષરનાદ ઉપર મુકવા માટે જીગ્નેશ્ભાઈનો ખુબ ખૂબ અભાર. તેઓએ રચનાની પ્રસ્તાવનામાં ધીર-ગંભીર ગુજરાતી ભાષાનો પ્રયોગ કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે.
    હાસ્ય સભર રચનાઓ ને લઇ ક્ષણ આનંદમય થઇ જાય છે અને મન હલકું થઇ જાય છે.
    ફરી એક વાર આભાર……….

  • M.D.Gandhi, U.S.A.

    સરસ હાસ્ય કથા છે. બહુ ગમ્યું…
    રમણલાલ નીલકંઠની ભદ્રંભદ્ર, શ્રી ચુનનીલાલ મડિયાની “સધરા જેસંગનો સાળો” કે કવિ દલપતરામની “મિથ્યાભિમાન”ના “જીવરામ ભટ”, આ બધી હાસ્ય કથાઓ તો ગુજરાતી સહિત્યમાં અમર બની ગઈ છે…….
    “ભદ્રંભદ્ર” આખું પુસ્તક ONLINE વાંચવા મળે….???

  • Maheshchandra Naik (Canada)

    સરસ હસ્ય રચના, નિશાળમા ભણતા હતા ત્યારે વાચવામા આવી હતી આજે ફરી વાચતા ખુબ આનદ અનુભવ્યો, આભાર………………………..

  • HEMAL VAISHNAV

    i must have read this book and “AME BADHA”..by Jyotindra bhai and Dhanshukh bhai for at least more than 25 times.

    Jignesh bhai, please also (if permissible) post a part of chapter from “AME BADHA” too.

    thanks.