૧. સર્જાયા’તા…
તારા જ થવા સર્જાયા’તા
તારાજ થવા સર્જાયા’તા …૧
એ ક્યાંથી કોઈના થાયે
મારા જ થવા સર્જાયા’તા …૨
સૂરજ ન થયા ના ચાંદ થયા
તારા જ થવા સર્જાયા’તા …૩
પૂછો ના હાલ બીમારોના
સારા જ થવા સર્જાયા’તા …૪
અમને તો રાજી કોણ કરે
નારાજ થવા સર્જાયા’તા …૫
– હરેશ બક્ષી
૨. આત્મદર્શન…
બધાં જ અભરખા મારા હતાં, તમારો શું દોષ,
વા વંટોળ આવ્યો, વહી ગયા, તમારો શું દોષ!
આંબો જ જાણીને તો અમે વાવ્યા હતાં છોડવાં,
પણ બાવળીયા નીકળ્યા, એમાં તમારો શું દોષ!
ને શ્રદ્ધાળુ એટલા કે તનમનીયાને માની વસંત
તણખો પડ્યો ને ઉનાળો ફૂટ્યો, તમારો શું દોષ!
રાવણ વિના શ્રીરામ પણ ક્યાં શોભાસ્પદ છે?
અમે જ યુધ્ધ લલકાર્યા, એમાં તમારો શું દોષ!
વિધાતાનો વાંક કાઢીને જા બદનામ થવું નથી,
જાતે જ લખ્યા અમે લેખ, એમાં તમારો શું દોષ!
ભૂલી જા રસમંજન ઘાત આઘાતને તું વહોરી લે
કુળમાંથી કૌરવ નીકળ્યા, એમાં તમારો શું દોષ!
– રમેશભાઈ ચાંપાનેરી ( રસમંજન )
૩.
ગરવી ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગટાવી તો જો.
એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
સાબરનો આરો ને તાપી કિનારો, ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.
કસુંબલ કંઠના આષાઢી સૂરો, આ વિશ્વમાં સૌને સંભળાવી તો જો.
સુરતના પાસાદાર હીરાની ચમક,પારખી ઝવેરાત નાણી તો જો.
પાટણની આભલા મઢેલી ઝમક, નિરખી પટોળાને પામી તો જો.
ધૂમકેતુના ‘તણખા ને મુન્શીની ’અસ્મિતા’, શૌર્યનો ઈતિહાસ વંચાવી તો જો,
મેઘાણીની ‘રસધાર’ ને સુંદરમની ’વસુધા’, કવિઓના થાળને જમાડી તો જો.
રોમરોમ ઝંઝોડતી ‘શયદા’ની ગઝલ, અંતરમાં ધીરેથી વસાવી તો જો.
થનગનતી ગુજરાતી નારીની ઝલક, હળવેથી નિકટ જઈ માણી તો જો.
નાટકનો લ્હેકો ને રંગીલો છણકો, ભીતરમાં આરપાર ઊતારી તો જો.
સંસ્કૃતિ ને માણસાઈના દીવાનો તણખો, થઈ વિશ્વમાનવ ફેલાવી તો જો.
રોશન કરી ગઈ છે જગને જે દીપિકા, બની ગુજરાતી પ્રસરાવી તો જો.
આલેખે વિદેશી ઝરૂખેથી ‘દેવિકા’, જાગી, ઊઠી, જરા વિચારી તો તો જો.
વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.
એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
– દેવિકા ધૃવ
બધી રચનાઓ સુંદર છે. પણ દેવિકાબેન તો જય જય ગરવી ગુજરાત.
ખૂબ જ સુંદર ને મનનીય રચનાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)
All the three kavya rachna very good.
ALL THREE ARE VERY GOOD….
very nice love it
બહુજ સરસ