(જેલ-ઑફિસની બારી બોલે છે)
તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડ મારી કહ્યું કે ‘તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તુમ્હારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ?’
ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો.
‘તુમ સુના? કાન હૈ તો? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ.’
ભીલની સમાધિ તોયે ન છૂટી.
પછી જેલરે હસીને સંભળાવ્યું, ‘દેખો, તુમ્હારી ફાંસીકી સજા નિકલ ગઈ, તુમકો છુટ્ટી દેનેકા હુકમ આયા હૈ, યે તુમારે કપડે લો, પહેન લો ઔર જાઓ દેશમેં. મગર દેખો, અબ વો તુમારી ઓરત કે પાસ મત જાના. ગલા કાટકે માર ડાલેગી તુમકો.’
ફાંદવાળો ભીલ તો આ ખબર સાંભળીને પણ બાઘાની પેઠે થીજી ગયેલો ઊભો છે. એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો.
ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હશે કે આ બધું આમ કેમ? હું મનુષ્ય છું કે માજિસ્ટ્રેટોના હાથમાં રમતું રમકડું છું? મારું જીવતર શું આવા ઝીણા તાંતણા પર ટીંગાઈ રહ્યું છે? આ જેલર બોલે છે તેમાં મશ્કરી કઈ? પહેલું બોલ્યો એ? કે પાછલું? મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની બહાર જવા દીધા પછી પાછો પકડીને લાવવાનો, મારું ટીખળ કરવાનો, સાંજ વેળાની જરી મોજ માણવાનો આ નુખતો તો નહીં હોય ને?’ ફાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા તૈયાર નહોતો. એ દિગ્મૂઢ ઊભો રહ્યો.
પછી સહુએ કહ્યું, ‘સચમુચ તુમ છૂટ ગયા, તુમ ગભરાઓ મત, યે હાંસી મત સમઝો.’
છ-બાર મહિનાની સજાવાળાઓને પણ છૂટતી વેળા જે હર્ષાવેશની કૂદાકૂદ હોય છે, તેમાનું કશુંયે આ મોતના ઉંબરમાંથી પાછા વળતા ફાંદવાળા ભીલને હૈયે નહોતું થતું, એ પોતે જ પોતાના પિંડ ઉપર નિહાળી રહ્યો હતો – પોતે પોતાને જ જાણે પૂછતો હતો કે હું તે જીવતો છું કે મરી ગયેલો?
બહુ સમજાવટ તેમ જ પંપાળને અંતે એણે મૂંગા મૂંગા કપડાં બદલાવ્યાં. અને પછી એણે બારી આરપાર બહાર નજર નાખી, બીજી બારીઓની આરપાર પણ જોયું.
કોઈ એને લેવા નહોતું આવ્યું. જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી. આખી દુનિયાએ ત્યજેલાને પણ જે એક ઠેકાણે આદર હોય એ તે ઠેકાણું – તે પરણેલી ઓરતનું હૈયું ફાંદવાળા ભીલને માટે ઉજ્જડ હતું. કેમ કે એ હૈયામાં કોઈ બીજાનું બિછાનું બન્યું હતું. એ બિછાનાની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપિ નહોતો આવતો, પણ એની બુઢ્ઢી માતા હંમેશની નડતરરૂપ હતી. ફાંદાળા ભીલને ઓરતે પોતાના આશકની મદદથી આ બન્ને નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઢોળી દીધો હતો. એટલે હવે ફાંદાળો ભીલ ક્યાં જઈ,, કઈ ધરતી પર પગ મૂકશે એ એની મૂંઝવણ હતી.
ભાઈ ફાંદાળા ભીલ! તું જીવતો જગતમાં જાય છે તે ઠીક વાત છે. મને એ વાતનો કશો આનંદ નથી. પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણે – ફાંસી-તુરંગના વૉર્ડરો અત્યારે આંહી વાર્તા કરી રહ્યા છે કે બાપડૉ ફાંદાળો રોજેરોજ બેઠો ભગવાનને વીનવી રહ્યો હતો કે, ‘હે ભગવાન! મેં મારી માતાને મારી નથી, માટે જો હું નિર્દોષ હોઉં તો મને આમાંથી છોડાવજે.’ હવે તે છૂટ્યો, એટલે અનેક મૂરખાઓને નવી આસ્થા બેઠી, ‘જોયું ને? ભગવાનને ઘેર કેવો ન્યાય છે!’
આ આસ્થાના દોર ઉપર અનેક નાદાનો નાચ માંડશે. જગતમાં ઈશ્વર છે ને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે, એવી ભ્રમણામાં થોડાં વધુ લોકો ગોથા ખાશે, ને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે! છૂટી જનારા નિર્દોષો લેખાશે, ને લટકી પડનારા તમામ અપરાધી ઠરશે! આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે. એમાંથી તો મને આંસુઓનો ભક્ષ પણ ઘણો મળી રહેશે. ‘ખી-ખી-ખી-ખી!’
ફાંદાળા ભીલની પોચી પોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારો બામ્ઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાનામોટા સહુએ આ સ્પર્શસુખનો લહાવો લીધો, પણ મને ઘણુંય મન થયું કે હું મારા સળીયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું. પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંસી વર્ષો અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે.’
જેલરસા’બ! કારકુન ભાઈઓ! તમે ફાંદાળા ભીલની કનેથી આ ખુશાલીની કંઈક ઉજાણી, કંઈક મહેફિલ તો માગો! એની ‘કેશજ્વેલરી’ના પરબીડિયામાંથી શું કંઈ રોકડ કે સોનુંરૂપું ન નીકળ્યું? જમાલ ડોસાની પેઠે એને કોઈ દીકરી અથવા દીકરીની દીકરી નહીં હોય? એવી નાની શી પુત્રી અથવા ભાણીનું કંઈ ફૂલિયું, લવિંગડું કે કોકરવું, કોઈ કડી, છેલકડી કે કાનની સાદી વાળી, એકેય નાનો દાગીનો એની કને નથી રહી ગયો કે? ફાંદાળો ભીલ તો સાદા ચા-પાણીમાંથી પણ ગયો!
ક્યાં ગયો? બહાર જઈને ઉભો રહ્યો, થોડો થંભીને ફરી ચાલતો થયો. ફરીને ઉભો રહે છે, દરવાજા પર પહેરો ભરતા બંદૂકદાર સંત્રીને સંશય પડે છે.
ફાંદાળો ભીલ કંઈ ભયાનક મનસૂબા તો નથી કરતો ને?
સંત્રીના મોંમાથી મશીન-ગનના ગોળાની પેઠે તડતડાટ કંઈક ‘હોટ હોમ! ગદ્ધા! ચલ જા! ગંવાર!’ એવા શબ્દો છૂટે છે. ફાંદાળો ભીલ સમજ્યા વગર આગળ પગલાં માંડે છે. સ્ટેશન પર પોલીસ એને એના ગામની ટિકિટ લઈ સોંપે છે. પણ આ બધી ક્રિયા ચાલી રહી છે તેની હજુય કશી ગમ ફાંદાળા ભીલને પડતી નથી.
‘પેલું જ ઠીક નહોતું?’ ફાંદાળો ભીલ ફરીથી વિચારે છે.
-પેલું એટલે?
એટલે વળી બીજુ શું? પ્રભાતમાં વહેલી હજામત, પછી ચક્ચકિત સંગીનોથી શોભતી બંદૂકદાર પલટનોનું આગમન, પેલી ફૂલશોભન કેડી પર થઈને સહુને રામરામ કરતા ચાલી નીકળવાની યાત્રા, શિવમંદિર જેવા સાફસૂફ કરેલા ફાંસીખાનાને દ્વારે દાખલ થતાં જ માથા ઉપર કાળી ટોપીનો અનંત અંધકાર ને પછી શું થવાનું છે કે શું થઈ રહ્યું છે તેની સુખભરી અજાણમાં ને અજાણમાં ચૂપચાપ એક જ ધડાકે ખતમ થઈ લટકી પડવાની એક-બે મિનિટો.
આ શું ઠીક નહોતું? રોજેરોજ, રાત્રિદિવસ, પળેપળે ને શ્વાસે શ્વાસે, સ્વપ્નમાં ને જાગ્રત દશામાં ફાંદાળો ભીલ શું આ ફાંસીની સજા નહોતો ભજવી રહ્યો! કાળી કાન-ટોપી શુ અહોરાત એને કોઈક અદ્રશ્ય હાથ નહોતા પહેરાવી રહ્યા? સૂબેદાર રોજ સવારે આવીને એની સામે તાકી રહેતો, ત્યારે શું ફાંદાળો ભીલ સૂબેદારની આંખોમાં દોરડાના ગૂંચળા ને ગૂંચળા ઉખેળાતાં નહોતો જોયો? કોઈ છીકખોંખારો ખાતું, તો શું એને ધડાક કરતું ફાંસીનું પાટિયું પડતું નહોતું લાગતું? પોતે જ પોતાની લાશને દોરડે લટકતી ને દરવાજે નીકળતી શું નહોતો નિહાળ્યા કરતો? પોતાના મુર્દાનો કબજો લેવા કોઈ નથી આવવાનું એમ સમજીને, એને પોતાને જ શબ લઈ જવા દરવાજે હાજર રહેવું પડશે એવી ચિંતા શું એને નહોતી થઈ? પોતે એકલો જ પોતાના ખભા પર પોતાના શબને ઉપાડીને સ્મશાન નહોતો શોધતો? સ્મશાન દૂર હોવાને કારણે શું એણે સ્ટેશન પરની માલગાડીના એંજિનની ભઠ્ઠીમાં જ શબને નહોતું પેસાડી દીધું? ને પછી ડ્રાઈવરના આવવાની રાહ જોયા વગર પોતે જ એ સળગેલા એંજિનને હાંકી નહોતો ચાલી નીકળ્યો? ને પછી પોતાના શબની રાખની પોટકી બાંધીને શું એ પોતાને ઘેર પોતાની સ્ત્રીને નહોતો સોંપી આવ્યો?
આટલી આટલી માનસિક આપવીતીઓ વેઠી લીધા પઈ પોતાને પાછા જીવતા જગતમાં જવું પડે છે એ શું ફાંદાળા ભીલને ગમતું હશે? મરવાનું કામ જો વહેલું કે મોડું પતાવવાનું જ છે, તો આટલા ભેગું એટલું પણ ફેંસલ કરી નાખ્યું હોત!
– ને ફાંદાળા ભીલની વિચારસરણી તો ક્યાંની ક્યાં આગળ વધે છે –
ટૂંકો અને મુકર્રર માર્ગ – સરલ અને શોભીતો માર્ગ તો એ જ હતો – એ રસ્તે મારે કોઈને શોધવા જવાનું નહોતું’ ઉલટા મને સહુ શોધતા આવતા હતા! મારે કશી જ તૈયારી કરવાની નહોતી, ભેજું જરીકે વાપરવાનું નહોતું. સમજપૂર્વક ડગલાં પણ ભરવાનાં નહોતાં, પડ્યાં પડ્યાં બસ બેફિકર અમીરી જ માણવાની હતી. ઝીણામાં ઝીણો આખો જ કાર્યક્રમ બીજાઓને ગોઠવવાનો હતો, તેઓએ જ પાર ઉતારવાનો હતો. મારા પગ ભાંગી પડીને ચાલવાની ના પાડત, તો તે લોકો જખ મારીને મને ઉઠાવી લઈ જાત. હું પાટિયા પર ઢગલો થઈ પડત તો પણ તે લોકો મને સતાવત નહિ. મારે ગળામાં દોરડું ક્યાં ને કેવી રીતે પહેરવું તેની કડાકૂટ પણ કરવાની નહોતી. દોરડું તુટી જઈ દગો દેશે એવી દહેશત પણ મારે રાખવાની નહોતી. દોરડું તૂટી જઈ દગો દેશે એવી દહેશત પણ મારે રાખવાની નહોતી. મારી લાશ કોને સોંપવી કે મારા રામરામ કોને કહેવા, તે જંજાળ પણ મારે ક્યાં કરવાની હતી? મારી દહનક્રિયામાં ઈંધણ કેટલાં જોશે તેય મને કોઈ પૂછનાર નહોતું.
આવો મુકરર માર્ગ છોડીને હવે હું ક્યાં જઈશ? હમણાં જ હું ભૂખ્યો થઈશ. અપીલ ન કરી હોત તો મારે ક્યારનુંય ભૂખતરસનું દુઃખ ટળી ગયું હોત! ભૂખની આગ હું ક્યાં જઈ ઓલવી શકીશ? ભીખ માગીશ તો કોણ દેશે? હું ભિખારી જેવો તો દેખાઈશ જ નહીં! હું વીસ વર્ષોથી ખેતરમાં મહેનત કરી ગુજરનારો ખેડુ, મારા મોં પર ભિક્ષુકની મુખમુદ્રા શી રીતે પહેરી શકીશ? મને ભિક્ષાના સ્વરો કાઢતાં પણ ક્યાંથી આવડશે? મને કોઈ પૂછશે ને હું જો કહીશ કે હું તો જેલમાંથી છૂટ્યો છું – ને મને ફાંસી મળવાની હતી – તો?
તો લોકો ભયભીત બની બારણાં બીડશે, નાનાં બાળકો રડશે, હું ખૂન કરવાના ઈરાદાથી જ આવ્યો છું એવું માનશે. હું કોઈ ફાંસી ખાધેલાનું પ્રેત હોઉં એવું કલ્પશે. મને મારીને કાઢશે – પોલિસમાં સોંપશે! પૂછશે તેના પૂરા જવાબો નહીં આપી શકું તો માનશે કે હું કંઈક છુપાવું છું, ને મારા હાથ બીકના માર્યા સંકોડાશે તો કહેશે કે, બતાવ ક્યાં છૂપાવ્યો છે તેં તારો છૂરો?
અરધી રાતનો ભૂખ્યો ને તરસ્યો હું કોઈક ધર્મશાળામાં ભરાઈ બેસીશ તો? ને ત્યાં મારા પાડોશી મુસાફરો કંઈક જમતા હશે તો? મારાથી નહીં રહેવાય ને હું કોઈકના રોટલાની ચોરી કરી બેસીશ તો? ચોરવા જતાં કોઈ બાવો ફકીર મને મારવા દશે તો? હું મારા બચાવમાં એની જ છૂરી ઝૂંટવીને જખમ કરી બેસીશ તો?
તો તો ફરી પાછી આ કેદ ને? ફરી પાછું ખૂનનું તહોમતનામું, ફરી પાછી ફાંસીની સજા, ફાંસી દેવાના દિન પર્યંતનું પળેપળ કરપીણ કલ્પના-મૃત્યુ, અને હાય! ફરી પાછા મારી ફાંદમાં આ જેલર તથા આ કારકુનોની આંગળીઓના ગોદા! અને એ વખતે તો જેલર બીજી જાતની મશ્કરી કરશે, કહેશે કે-
‘તુમ છૂટ ગયા, જાઓ તુમ્હારે ઘરકો, તુમ્હારી ઓરતકા યાર મર ગયા હે. અબ ઓરત પસ્તાયકે તુમકો લે જાનેકો આઈ હય.’
– ને હું એ વખતે કપડાં બદલાવી મારી ઓરતને મળવા અધીરો અધીરો બહાર નીકળવા જઈશ, તે ઘડીએ જ જેલરનું તથા કારકુનોનું ગંભીર મોં ખડખડાટ હસી પડશે, મારાં જેલકપડાં પહેરાવીને એ મારી ફાંદમાં ફરી આંગળા પેસાડશે. મને સંભળાવશે કે ‘કલ તુમકો ફાંસી મિલેગી. ફાંસી તુમારી ઓરત બનેગી. વો તુમારે ગલેમેં હાથ ડાલેગી.’
‘એ બધાં કરતાં આ શું ખોટું હતું? મેં શા સારૂ ભૂલ કરી? હું ફાંસી અપીલમાં શીદ ગયો?’
આવું મનન કરતો ફાંદાળો ભીલ આગગાડીમાં ચડે છે. પોતાની કને ટિકિટ હોવા છતાં એ પાટિયા ઉપર નથી બેસતો, નીચે બેસે છે; પલાંઠી નથી વાળતો, ઉભડક બેસે છે. હજુ જાણે એ પોતાની અપીલના ફેંસલાની વાટ જોતો બેઠે છે. ફાંસીની રસીનો ગાળિયો હમણાં જાણે ગળામાં પડ્યો કે પડશે!
બાંડકા ઉપર વાણિયા-બામણ બે ડોસા બેઠા છે. એક બે બૈરાં પણ ફાંદાળા ભીલને દેખી લૂગડાં સંકોડી રહ્યાં છે.
હોકલીના ધુમાડા કાઢતો કાઢતો વાણિયો અમારી જેલ તરફ આંગળી બતાવે છે ને કહે છે કે ‘આ પેલી જેલ; ને આ પેલો જે ઊંચો ભાગ વરતાય તે ફાંસીખાનું.’
એટલું કહીને એ લહેરથી હોકલી પીએ છે.
બામણ ડોસો હથેળીમાં તમાકુ ને ચૂનો ચોળતો ટૌકો પૂરે છે – ‘મારું બેટું આપણે તો અવતાર ધરીને ફાંસીયે ના દીઠી!’
બૈરું બેઠું છે તે ખબર આપે છે – ‘અગાઉના સમયમાં તો ઉઘાડી ફાંસી આલતા. મન્ખો જોવા મરતો, પણ આવડે તો ગપત્ય મારી નાંખે છે રોયા!’
વાત કરતાં કરતાં એ મારાં જાતબહેન ઢેબરાં જમતાં હતાં.
ડોસો હોકલી પીતાં પીતાં અફસોસ કરે છે કે, ‘શરકારે ફાંશી કમતી કરી નાખી તેથી જ તો મારા દીચરા ધારાડા ને ભીલદા ફાટ્યા સે ના!’
‘ભીલડા’ શબ્દ કાને પડતાં જ અંતરમાં ફાળ ખાતો ફાંદાળો ભીલ ચમકી પડે છે; ને એ ફાંસીએથી છૂટીને આવે છે તેટલી વાત જાણતાં તો આખા ડબાનાં ઉતારુઓ સ્તબ્ધ બને છે. ‘હે શિવ! રામ તુંહિ! હે અંબે, હે અંબે!’ એવા ઉચ્ચાર કરીને સહુ પોતપોતાની રક્ષા માટે ઈષ્ટદેવને તેડાવે છે, છૂટા છૂટા ઉદગારો સંભળાય છે. –
‘રાતની વેરા છે, ભૈઓ! સહુ જાગતા સૂજો.’
‘સમો ખરાબ છે, બાપા! બે પૈસા સાટુ પણ ગરાં કાપનારા પડ્યા છે.’
‘-ને મારા બેટા એ તો કોણ જાણે ક્યાંથી છરો કાઢતાંકને ફાંદમાં પેસાડી વાળે છે – ખબર પણ ના પડે!’
ફાંદાળો ભીલ પોતાની ફાંદ સંભાળતો સંભાળતો મનને પૂછે છે –
‘હે મનવા, હું આ કઈ દુનિયામાં હીંડ્યો જાઉં છું? હું તો લોકોને ક્યાં લગી કહ્યા કરું કે મારી ફાંસીની સજા તો નરાતાર જૂઠી હતી! આવું જીવતર શા સારુ? એ કરતાં પેલો અંજામ શું ખોટો હતો?’
ફાંદાળો ભીલ નથી જાણતો કે આગગાડી એને લઈને ક્યાં જઈ રહી છે એને એક ઝોલું આવી ગયુ. ઊંઘમાં એને લાગ્યું કે અધરસ્તે જાણે સરકારનો નવો હુકમ આવ્યો છે એને ફાંસી દેવાનો, એટલે આખી આગગાડી પાછી જઈ રહી છે. સાથેના ઊતારુઓ પણ એની જોડે જાય છે કેમ કે સરકાર ફાંદાળા ભીલને પ્રકટ ફાંસી આપવાની છે તેથી પ્રેક્ષકોની જરૂર પડી છે. ફાંદાળા ભીલની સામે જાને પેલા ઉપદેશક દાદા આવીને ઊભા છે – ઉપદેશક દાદા એને સમજાવી રહેલ છે કે, ‘ભાઈ! આ એક ગીતા તું વેચાતી લઈ લે. એ તને નરકે જતો બચાવશે.’
ફાંદાળો ભીલ કહે છે કે, ‘દાદા, મારી કને પૈસા નથી. મને જો વગર પૈસે આપો તો આવતે ભવ હું તમને વ્યાજ સુદ્ધાં વળાવી દઈશ.’
‘આવતા ભવના શા ભરોસા, ગમાર!’ એટલું કહીને ઉપદેશક દાદા ચાલી નીકળે છે. જતા જતા એક ઓડકાર ખાય છે પણ એ ઓડકાર અર્ધેથી અટકીને ખાટો ઘચરકો બની જાય છે. પોતાને ઘચરકા-વિકાર ન થઈ જાય તે માટે ઉપદેશક દાદા પાણી પીવા દોડે છે, ક્યાંય પાણી મળતું નથી. પછી એ ફાંસીખાનામાં ધસી જાય છે, સુબેદારને કહે છે કે ‘ભાઈ, જલદી ફાંદાળા ભીલને લટકાવી દો ને! મારે જલદી પાણી પીવું છે. એ પાપીને ખાતર હું સંતરામોસમ્બી જમીને ઝટ ઝટ આવી પહોંચ્યો તેથી તો મને ખાટો ઘચરકો આવ્યો.’
આવાં આવાં વિચિત્ર સ્વપ્નો બતાવતી નિદ્રા ફાંદાળા ભીલને એક બાજુ ઝોલાવે છે, એનું માથું નજીક બેઠેલી એક બાઈના ખોળામાં ઢળી પડે છે – જાણે એની મૂએલી મા એને પંપાળી રહી છે, ત્યાં તો બાઈએ ‘મેર રે મેર મૂવા!’ કહી એનું માથું હડસેલી નાખ્યું ને ફાંદાળો ભીલ જાગી ઊઠ્યો.
એ ‘મા! મા!’ શા માટે બોલી ઊઠ્યો? કોઈને ન સમજાયું.
– ઝવેરચંદ મેઘાણી
વાર્તા એક ભીલની છે, ફાંદવાળા ભીલની – જેને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો છે. એ જેલમાંથી છૂટી ગયો છે, પણ હવે તેની પાસે જવાનું કોઈ ઠેકાણું નથી. ફાંદાળા ભીલને ઓરતે પોતાના આશકની મદદથી નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઢોળી દીધો હતો. આમ જેલમાંથી છૂટેલા એ ભીલના મનની કશમકશ આ માનસીક આત્મવાર્તા અહીં પ્રસ્તુત થઈ છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમનું આ અનોખું રત્ન છે, આશા છે વાચકમિત્રોને માણવાનો આનંદ મળશે.
બિલિપત્ર
આ સપનાંને સંચકવા ડાઘુઓ દ્વારે ઊભેલા છે,
એ જન્મોજન્મથી તેડ્યા વગર આવી પૂગેલા છે!
– હેમન્ત દેસાઈ
Short Story in Gujarati by Jhaverchand Meghani
This is best story for human life of Indian citizen. This story tell us the real justice system of India for conviction & acquittal in one murder case. No proper exercise before judgment of conviction to innocent and after acquittal also his life is fail. This is case of murder of innocent Soul by justice system of
India. Justice system & social system shall be focus on this point.
what a story… agree with Ashwin uncle…strong subject matter is The key for successful story.
સરસ વાર્તા… મને મેઘાણેી નેી વાર્તા ખુબજ ગમે ચ્હે. મજા આવેી વાઁચવાનેી
અદભૂત વાર્તા… કરૂણ કટાક્ષથી ભરેલી….!!!
અદભૂત વાર્તા, કરૂણ કટાક્ષથી ભરેલી….
એક નિર્દોષ માનવીની વ્યથાનો સાક્ષાત્કાર તો મેઘાણી સિવાય કોણ કરાવી શકે ?
સાચો મત . હુઁ આપના મન્તવ્ય સાથે સહમત ચ્હુઁ .
ભરતકુમાર ડાહ્યાભાઇ મહેતા. — મઢેી.
મારિ મર્યાદા ચ્હે
હુ અક્ષર્નાદ ઉપર અન્ગ્રેજિ અલ્ફાબેત્સ્નેી મદદથિ ગુજરાતિ તઐપ કર્વા પ્રયત્ન કરુ ચ્હુ
મિત્રો સુધારિ લેશે ?
– અશ્વેીન દેસાઈ ઓસ્ત્રેલિયા
I WANT TO SUBSCRIBE FOR MAGAZINE IF ANY
સરસ વાર્તઅ હતિ
અભર્
૯૮૯૮૨૬૮૫૧૩
મેઘાનિસાહેબ પુર્વાર કરે ચ્હે , કે તુન્કિ વાર્તા લખવા માતે લેખક પાસે મજ્બુત સ્તોરિ
હોવિ – એ પહેલિ શર્ત ચ્હે
આધુનિક વાર્તા – મોતે ભાગે – વાર્તા વિનાનિ વાર્તા કહેવાના ધમપચ્હાદા કરે ચ્હે ત્યારે
આપ્નને આવા ધુરન્દર વાર્તાકારો યાદ આવે ચ્હે . ધન્યવાદ્
અશ્વેીન દેસાઈ ઓસ્ત્રેલિયા