દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ 3


દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.

દુનિયામાં દરેક જીવ સુખ ઈચ્છે છે, આથી દુઃખ દૂર કરવાનું કામ મુખ્ય બની જાય છે. સર્વે દર્શનો ચાર બાબતો પર નિર્ભર હોય છે.
૧. દુનિયામાં દુઃખ છે,
ર. દુઃખનાં કારણો છે,
૩. દુઃખમાંથી મુકત થઈ શકાય છે,
૪. દુઃખમાંથી મુકત થવાના ઉપાયો છે. (આયુર્વેદમાં ચતુર્વ્યુહ હોય છે. રોગ, રોગનિદાન, ચિકિત્સા, રોગમુકિત.)

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરી મહાભારત, સાંખ્યદર્શન, યોગદર્શન દ્વારા આ ચારેય બાબતોની તાર્કક છણાવટ થઈ છેસ તેથી મહાભારત, સાંખ્ય અને યોગદર્શનમાં શ્રેષ્ઠ, તટસ્થ અને યોગ્ય વિચારોનું મહત્તમ સંકલન થયું છે. હિન્દુઓનું ધર્મ વિશેનું ઊંંડું ચિન્તન સ્થળ અને સમયની મર્યાદા વગરનું છે. તેથી જ તેને સનાતન ધર્મ કહયો છે જે સર્વ સ્થળે અને કોઈ પણ સમયે માન્ય રાખી શકાય એવો છે.

કુદરતી રીતે દરેક જીવ સુખ ઈચ્છે છે. આથી દરેક કાર્યો એવાં કરવાં જેમાં સજીવ કે નિર્જીવ સૃષ્ટિને ઓછામાં ઓછી હાનિ થાય અને સૌ સુખપ્રાપ્તિનો આનંદ માણી શકે. મનુષ્ય સમૂહમાં રહેવા ટેવાયેલો છે એટલે સામૂહિક સુખની શોધ માટેના પ્રયત્નો એ જ ધર્મ. સુખનો આધાર પરોપકારવૃત્તિનો વિકાસ અને પરપીડન વૃત્તિનો રકાસ, આટલી જ ધર્મની વ્યાખ્યા. સમાજને ધારણ કરી રાખે તે ધર્મ. ધર્મનું લક્ષણ પ્રેરણા છે. જે સમાજ, જે વ્યકિતએ પરોપકાર અને અપરપીડનની પ્રેરણા વિકસાવી હોય તે ધાર્મિક. આમ ધર્મનું શસ્ત્ર સમાજશાસ્ત્ર છે, જ્યારે જડ-ચેતન અને ઈશ્વર ભૌતિકશાસ્ત્રના વિષયો છે, પરંતુ દુનિયાના લગભગ દરેક ધર્મમાં પરોપકાર અને અ-પરપીડનની વૃત્તિઓ વિકસાવવા ઈશ્વરના ભયને જરૂરી ગણ્યો છે, તેથી જ ઈશ્વર અને ધર્મ એક સિક્કાની બે બાજુ બની ગયા. વળી કેટલીક સમસ્યાઓનો ઉત્તર કે ઉકેલ ક્યારેય મળી શક્તા નથી ત્યારે ઈશ્વર ખૂબ જ ઉપયોગી થાય છે જેમ કે મૃત શરીરને પુનર્જીવીત કરવા વિજ્ઞાન, યંત્ર કે મંત્ર કામ આવતાં નથી, ગમે તેટલા ભૌતિક રસાયણોના અનુકૂળ સંયોજનો વડે ચેતન તત્વ પેદા કરી શકાતું નથી, કોઈ વનસ્પતિનું નાનકડું બીજ પણ કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી, ત્યારે એનો ટૂંકો ઉત્તર “ઈશ્વરની માયા” સિવાય શું હોઈ શકે?

ઈશ્વરના હાથમાં કોઈએ લાકડી આપી દીધી૧ મનુષ્યોનાં સારાં કર્મો માટે સારાં ફળ૧ અને દુષ્કૃત્યો કરનારને નરક૧ એકવાર આવી કર્મફળની વાત સ્વીકારી એટલે પુનર્જન્મ અને અવતારવાદ સ્વીકારવા પડે. પ્રાર્થના કરીએ તો વરસાદ આવતો એ યુગમાં આ વાત બરાબર હશે પણ અત્યારના યુગમાં માત્ર સૌનું ભલું થાય એ દ્રષ્ટિકોણ સાચવવા ઈશ્વર – પાપ – પુણ્ય – સ્વર્ગ – નરક એક સુંદર કલ્પના બની રહે છે. વળી, આ બાબત જગતના સર્વે રાજ્યકર્તાઓ, સત્તાધીશો, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક વડાઓ સારી રીતે જાણે છે અને લોકોની અજ્ઞાનતા અને મૂર્ખતાનો લાભ માણે છે! અજાણ્યા માણસોની પરપીડનવૃત્તિનો દ્રષ્ટિકોણ જાણી ન શકીએ ત્યાં સુધી આપણી પરોપકારવૃત્તિ અલકાવી દેવાની પણ જરૂર નથી. એક કહેવત છે, ‘ભસતા કૂતરા કરડે નહીં.’ પણ કૂતરાઓની આ વાતમાં સહમતિ છે કે નહીં તે જાણ્યા સિવાય આવો પ્રયોગ ન કરાય! વાસ્કો ડી ગામા, મહમૂદ ગઝનવી, પિઝારો ઈતિહાસના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.

આપણે ‘અતિથિ દેવો ભવ’ ની પરોપકારિતામાં ગૂંચવાયેલા રહ્યા અને વાસ્કો ડી ગામાએ ઝામોરીન (કેરળના રાજા, જેણે તેને આશ્રય આપેલો) નું મોત નીપજાવી સંપત્તિ હરણ કર્યું. ઈશ્વર આપણું રક્ષણ કરશે એવી રાહ જોતાં આપણે ગઝનવીને હાથે સોમનાથ લૂંટાતું જોયું. અમેરિકાના રેડ ઈન્ડિયનોના કેદી રાજાએ લૂંટારૂ પ્રવાસી પિઝારોના ‘વધુ સોનું આપશે તો મૃત્યુદંડનહીં આપે.’ એવા વચનોમાં વિશ્વાસ મૂક્યો પછી સોનું અને જિન્દગી બેય ગુમાવ્યા… અત્યારે ડગલે ને પગલે ગામા, ગઝનવી કે પિઝારો મળી આવે છે. આપણે ‘અતિથિ દેવો ભવ’ માં ગૂંચવાઈ ન જઈએ, ‘અહીંસા પરમો ધર્મ’માં અટવાઈ ન જઈએ. માર્કેટિંગની મોહક વાણીમાં ભરમાઈ ન જઈએ.

સમાજનો એક ઉચ્ચસ્તરનો અર્ગ જે ઈશ્વરનો ડર રાખવાની જરૂર નથી, એ સત્ય સમજ્યો છે તે સામાન્ય પ્રજાને ધાર્મિક આસ્થા, ભ્રામક વચનો અને છેતરામણી જાહેરાતોની આડશમાં ભયંકર રીતે લૂંટે છે. વિશ્વાસઘાત કરે છે. જેની કયારેક ખબર પડે છે, કયારેક નથી પડતી ત્યારે તમે જાણે, સ્વભાવથી મરચું ખાવા ન ટેવાયેલી બિલાડી પોતાની પૂંછડીએ લગાડેલું મરચું ચાટવાનો આનંદ માણતી હોય તેવા લાગો છો. મને કોણ જાણે કેમ મરચાવાળી પૂંછડી ચાટતી બિલાડીઓની દયા આવે છે. મારો હેતુ બિલાડીની પૂછડીએ છાની રીતે મરચું ચોપડનાર તરફ અંગુલિનિર્દેશ કરવાનો છે… ઍડમ સ્મિથના પેલા દ્રષ્ટિકોણને અવગણીને પણ ‘Don’t try to do any good, let good come out as a by-product of selfishness’ કદી કોઈનું સારું – ભલું કરવાનો પ્રયત્ન જ ન કરો, સિવાય કે ભલાપણું તમારી સ્વાર્થસિદ્ધિની ઉપપેદાશ હોય.

આટલી વાત પરથી રખે ન માનવું કે ઈશ્વર પાપીઓને સજા નથી કરી શકતો તેથી તેના અસ્તિત્વનો અસ્વીકાર થાય છે. ઈશ્વર નિરંજન, નિરાકાર, સર્વવ્યાપી, અવ્યકત રૂપે સદાય આપણી સાથે જ છે, પોતાના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. એટલે જ શૂન્ય ડિગ્રી સેલ્સિયસે પાણીનો બરફ અને ૧૦૦ સે. એ વરાળ થાય છે. સર્વે જીવોની અનુકૂળતા ખાતર પાણીને ઘન, પ્રવાહી અને વાયુ એવાં ત્રણેય સ્વરૂપ આપ્યાં છે અને કેટલાંય રહસ્યો માનવજાતથી અણઉકેલ રાખ્યાં છે. પણ સાત માણસોની બેઠકની ક્ષમતાવાળી હોડીમાં ૧૫ માણસો બેસી મધદરીયે મહત્તમ આસ્થાપૂર્વક પ્રાર્થના કરશે એને ઈશ્વર બચાવશે તો તેવો ઈશ્વર એક ભ્રમ હશે. ઈશ્વર પોતાના નિયમોમાંથી કોઈ પણ જાતનો પક્ષપાત રાખી કયારેય ચલિત થતો નથી. મનુષ્યનાં સારાંખરાબ કૃત્યોનો હિસાબ રાખવાનો ઈશ્વર પાસે સમય નથી. માનવજાતે સુખી થવું હોય તો ઈશ્વરીય નિયમોને માન આપી પરોપકાર કરવો અને પરપીડન અટકાવવું એટલું જ નહીં, ‘સર્વેભૂતહિતરતાઃ’ થવું, જળ, વાયુ અને પૃથ્વીનું પ્રદૂષણ અટકાવવું, તો સમગ્ર માનવજાત સુખેથી રહી શકે. પણ સૌ મનુષ્યોના સ્વભાવ એકસરખા હોતા નથી. સર્વે મનુષ્યો સનાતન સત્ય સાથે સહમત થઈ શકતા નથી. આથી શાસ્ત્રોની, શાસન અને કાયદાની, ધર્મની, ઈશ્વરની જરૂર પડે છે. હિન્દુઓએ પોતાનાં શાસ્ત્રોમાં ઉંડું ચિંતન કર્યુ છે. જેમાંથી મહાભારતમાંથી શ્રીમદભગવદગીતા, શાંતિપર્વ અને સાખ્ય દર્શન તેમજ યોગદર્શન નો અભ્યાસ ટૂંકા સમયમાં, સ્થળકાળની મર્યાદા સિવાય (એટલે કે વિશ્વના કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે) વધુમાં વધુ માર્ગદર્શન આપવા સક્ષમ છે. હિન્દુ શાસ્ત્રોના આધારે માનવજાત થોડો વિચાર કરી દુઃખમુક્ત થાય તે દિશામાં એક નમ્ર પ્રયાસ અહીં કર્યો છે.

૧૯૯૦માં રશિયા તુટ્યું, આપણે વૈશ્વીકરણ સ્વીકાર્યું. એક નવી મોહમયી મલ્ટિનેશનલ્સની દુનિયામાં પ્રવેશ!

હાડકું કરડતા કૂતરાને પોતાના તાળવામાંથી લોહી નીકળે છે પણ તે તો હાડકામાંથી લોહી ચૂસે છે એવો આનંદ માણે છેે, એવો આનંદ તો આપણે નથી માણી રહયા, સમસ્યાઓના ઉકેલો હાથવગા છે તોય..

– ભવસુખ શિલુ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ

 • Rajesh Vyas "JAM"

  અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના નામે સાયન્સની પ્રગતિની ગુલબાંગો પોકારે છે ત્યારે આપણાં શાસ્ત્રોમાં તો હજારો વર્ષો પૂર્વે કુદરતના નિયમો પાળવાનું કહેલું છે. એકદમ નમ્ર અને સ્તુત્ય પ્રયાસ કરવા બદલ શ્રી ભવસુખભાઈ ને કોટિ-કોટિ અભિનંદન.

 • Pushpa

  Jem gotakhor unda driyma jay tyre tene khajono ke ene shu krvu hoy che te kri shake che.Evi rite aapni patrata ke svane janya shivay svahit ane parhit vishe kem smjay, jevi rite H2O etle paninu smikaran ema badhuj smpraman hoy, evij rite jivan samjay ke vartma ek baxish che, jivan anmol che, drek jiv jivava mate tadpe che pan je jivanane samje te best jindgi jivi jane ane drek jivo ne jivavam mdada kre e pan nishvarth bhavthi ane sajagtathi. Aa to je pame ej jane. Aa vishva ek kutumb che, jem ghrna drek shbhyno sahvash mitho ane lagnibhryo che em aa suvrn jindgima aapne ane kudrana syojanthi vishv aneru che, je bahar dekhay che eni karta khudno anmol antaratmano khajano ghno vishal ane parmarhni taraf pragtiman che. Svahit ane parhit vagar jivanma sanghrsh ke dvesh dur karvo mushkel che, aavo aa snasarne assar thi bachavie ane pamine aandthi jivtajiv mryune pan janie.

 • dushyant dalal

  શ્રેી ભવ્સુખ શિલુ નો લેખ અન્ધ્ શ્રદ્ધા સામે લાલ બત્તેી …..અને ઇશ વિશ્વાસ નેી વાત કરેી ને સાચેી વાત્ લખેી છ.અભિનન્દન્……..

  દુશ્યન્ત દલાલ્.