અમૃતસર સ્ટેશનથી વિશેષ ટ્રેન બપોરે બે વાગે ઉપડી અને આઠ કલાક પછી મુગલપુરા પહોંચી. રસ્તામાં કેટલાય લોકો મર્યા, અનેક ઘાયલ થયા અને થોડાક અહીં-તહીં વિખેરાઈ ગયા.
સવારે દસ વાગ્યે કેમ્પની ઠંડી જમીન પર જ્યારે સિરાજુદ્દીને આંખો ખોલી અને પોતાની ચારેય બાજુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો એક સમુદ્ર જોયો તો તેની વિચારવાની – સમજવાની શક્તિઓ સાવ કુંઠિત થઈ ગઈ. એ ઘણી વાર સુધી ધૂળીયા આકાશ તરફ ત્રાટક બાંધીને જોઈ રહ્યો. આમ તો કેમ્પમાં ખૂબ શોરબકોર મચ્યો હતો પરંતુ બુઢ્ઢા સિરાજુદ્દીનના કાન તો જાણે બંધ જ હતાં, એને કાંઈ સંભળાતું નહોતું. કોઈ એને જુએ તો એમ જ લાગે જાણે એ ઉંડી નિંદ્રામાં ડૂબેલો છે, પણ એવું નહોતું. એના હોશકોશ ઉડી ગયા હતાં, એનું સમગ્ર અસ્તિત્વ શૂન્યમાં લટકી રહ્યું હતું.
ધૂળીયા આકાશ તરફ કોઈ પણ ઈરાદા વગર જોતાં જોતાં સિરાજુદ્દીનની આંખો સૂરજ સાથે અથડાઈ, તેજ પ્રકાશ તેના અસ્તિત્વના રગેરગમાં ઉતરી ગયો અને એ જાગી ઉઠ્યો. તેના મગજમાં અનેક દ્રશ્યો ઉપરતળે થવા લાગ્યા, લૂંટ, આગ, ભાગમભાગ, સ્ટેશન, ગોળીઓ, રાત અને સકીના… સિરાજુદ્દીન એકદમ ઉભો થઈ ગયો અને પાગલોની માફક તેણે પોતાની ચારે તરફ પ્રસરેલા માનવસમુદ્રને ખંખોળવાનું શરૂ કર્યું.
પૂરા ત્રણ કલાક તે ‘સકીના-સકીના’ની બૂમો પાડતો કેમ્પમાં ભટકતો રહ્યો પણ તેને પોતાની યુવાન અને એકમાત્ર દીકરીની કોઈ ભાળ ન મળી. ચારે તરફ ધાંધલ મચી હતી, કોઈ પોતાનું બાળક શોધી રહ્યું હતું, કોઈ માં, કોઈ પત્ની અને કોઈ દીકરી. સિરાજુદ્દીન થાકી-હારીને એકતરફ બેસી ગયો અને મગજ પર જોર નાંખીને વિચારવા લાગ્યો કે સકીના તેનાથી ક્યાં અને ક્યારે અલગ થઈ, પણ વિચારતા વિચારતા તેનું મગજ સકીનાની માંની લાશ પર જઈને જામી જતું, જેના બધાં આંતરડા બહાર આવી ગયા હતાં. એથી આગળ તે કાંઈ વિચારી શક્યો નહીં.
સકીનાની માં મરી ચૂકી હતી, તેણે સિરાજુદ્દીનની આંખોની સામે દમ તોડ્યો હતો, પણ સકીના ક્યાં હતી, જેના વિશે તેની માંએ મરતા મરતા કહેલું, ‘મને છોડી દો અને સકીનાને લઈને જલ્દીથી અહીંથી ભાગી જાઓ.’ સકીના તેની સાથે જ હતી. બંને ઉઘાડા પગે ભાગી રહ્યા હતાં. સકીનાનો દુપટ્ટો પડી ગયો અને તેને ઉપાડવા તે રોકાયો હતો. સકીનાએ બૂમ પાડીને કહ્યું હતું, ‘અબ્બા, છોડી દો..’ પણ તેણે દુપટ્ટો ઉઠાવી લીધો હતો. એ વિચારતા વિચારતા તેણે પોતાના કોટના ઉપસી આવેલ ખિસ્સા તરફ જોયું અને એમાં હાથ નાંખીને એક કપડુ કાઢ્યું. સકીનાનો જ એ દુપટ્ટો હતો, પણ સકીના ક્યાં હતી?
સિરાજુદ્દીને પોતાના થાકેલા મગજ પર બહુ જોર કર્યું, પણ એ કોઈ નિર્ણય પર પહોંચી શક્યો નહીં. શું એ સકીનાને પોતાની સાથે સ્ટેશન સુધી લઈ આવેલો? શું એ તેની સાથે જ ગાડીમાં સવાર થઈ હતી? રસ્તામાં જ્યારે ગાડી રોકવામાં આવેલી અને મારવાવાળાઓ અંદર ઘૂસી આવ્યા ત્યારે શું તે બેહોશ થઈ ગયો હતો જેથી એ લોકો સકીનાને ઉપાડી ગયા?
સિરાજુદ્દીનના મગજમાં સવાલોનું તુમુલ યુદ્ધ જામ્યુ હતું, પણ જવાબ કોઈ જ નહોતો. તેને હમદર્દીની જરૂર હતી, પણ ચારે બાજુ જેટલા લોકો ફસાયેલ હતા, એ બધાંયને હમદર્દીની જરૂર હતી. સિરાજુદ્દીનને રડવાનું મન થયું પણ આંખોએ તેની મદદ ન કરી, આંસુ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા હતા.
છ દિવસ પછી જ્યારે તેના હોશ થોડાક ઠેકાણે આવ્યા તો સિરાજુદ્દીન એ લોકોને મળ્યો જે એની મદદ કરવા તૈયાર હતા. આઠ યુવાનો હતા, જેમની પાસે લાકડીઓ હતી, બંદૂકો હતી. સિરાજુદ્દીને તેમને લાખ લાખ દુવા આપી અને સકીનાનું વર્ણન કયુંં, ગોરો રંગ છે અને બહુ સુંદર છે… મારા પર નહીં પણ એની મા પર ગઈ છે, ઉંમર લગભગ સત્તર વર્ષની છે, મોટી મોટી આંખો.. કાળા વાળ, ડાબા ગાલ પર મોટો તલ.. મારી એકની એક દીકરી છે, તેને શોધી લાવો, ખુદા તમારું ભલું કરશે.
સ્વયંસેવક યુવાનોએ ખૂબ સંવેદનાપૂર્વક વૃદ્ધ સિરાજુદ્દીનને વિશ્વાસ અપાવ્યો કે જો તેની દીકરી જીવતી હશે તો થોડા જ દિવસોમાં તેની પાસે હશે. આઠેય સ્વયંસેવક યુવાનોએ પ્રયત્નો કર્યા, જાન હથેળી પર લઈને તે અમૃતસર ગયા, કેટલાય પુરુષો અને બાળકોને કાઢી કાઢીને તેમને સુરક્ષિત જગ્યા પર પહોંચાડ્યા. દસ દિવસ વીતી ગયા, પણ તેમને સકીના ન મળી.
એક દિવસ આવી જ સેવા માટે એ લોકો અમૃતસર જઈ રહ્યા હતાં કે રસ્તા પાસે તેમને એક છોકરી દેખાઈ. ખટારાનો અવાજ સાંભળીને એ ચમકી અને ભાગવાનું શરૂ કરી દીધું. સ્વયંસેવકોએ ખટારાને રોક્યો અને બધાંય તેની પાછળ ભાગ્યા. એક ખેતરમાં તેમણે એ છોકરીને પકડી લીધી, જોયું તો એ ખૂબજ સુંદર હતી. ડાબા ગાલ પર મોટો તલ હતો. એક છોકરાએ તેને કહ્યું, ‘ગભરાઈશ નહીં, તારું નામ સકીના છે?’
છોકરીનો ચહેરો વધુ ફીક્કો પડી ગયો. તેણે કોઈ જવાબ આપ્યો નહીં, પણ જ્યારે બધા યુવાઓને તેને દમ-દિલાસો આપ્યો તો તેની ગભરામણ થોડીક ઓછી થઈ અને તેણે માન્યું કે તે સિરાજુદ્દીનની દીકરી સકીના છે.
આઠ સ્વયંસેવક યુવાનોએ દરેક રીતે સકીનાને દિલાસો આપ્યો, તેને જમવાનું આપ્યું, દૂધ પીવડાવ્યું અને ખટારામાં બેસાડી દીધી. એકે પોતાનો કોટ ઉતારીને તેને આપી દીધો કારણ કે દુપટ્ટો ન હોવાને લીધે તે બહુ મૂંઝવણમાં હતી અને થોડી થોડી વારે હાથથી પોતાની છાતીને ઢાંકવાના પ્રયત્નો કરી રહી હતી.
ઘણાંય દિવસ વીતી ગયા, સિરાજુદ્દીનને સકીનાની કોઈ ખબર ન મળી. એ દિવસભર વિભિન્ન કેમ્પોમાં અને ઑફિસોમાં ભટકતો રહેતો, પણ ક્યાંય તેને દીકરીની ભાળ ન મળી. રાત્રે એ મોડે સુધી પેલા સ્વયંસેવકોની સફળતાની દુવા માંગતો રહેતો જેમણે તેને વિશ્વાસ અપાવ્યો હતો કે જો સકીના જીવતી હશે તો થોડાક દિવસોમાં જ એ લોકો તેને શોધી કાઢશે.
એક દિવસ સિરાજુદ્દીને કેમ્પમાં એ યુવાન સ્વયંસેવકોને જોયા, એ લોકો ખટારામાં બેઠા હતા. સિરાજુદ્દીન દોડતો દોડતો તેમની પાસે ગયો, ખટારો જવાનો જ હતો કે તેણે પૂછી લીધું, ‘બેટા, મારી સકીના વિશે કાંઈ ખબર મળી?’
બધાએ એક સૂરમાં જવાબ આપ્યો, ‘મળશે, મળશે’ અને ખટારો ચાલી નીકળ્યો. સિરાજુદ્દીને ફરી એક વખત એ યુવાનોની સફળતા માટે દુવાઓ માંગી અને તેનું હૈયું જાણે હળવુ થઈ ગયું.
સાંજે કેમ્પમાં જ્યાં સિરાજુદ્દીન બેઠો હતો ત્યાં, પાસે જ કાંઈક ગડબડ જેવું થયું, ચાર લોકો કાંઈક ઉપાડીને લાવી રહ્યા હતા. તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે એક છોકરી રેલવે લાઈન પાસે બેહોશ પડી હતી. લોકો તેને ઉપાડીને લાવ્યા છે. સિરાજુદ્દીન તેમની સાથે જોડાઈ ગયો. લોકોએ છોકરીને હોસ્પિટલવાળાઓને સોંપી અને જતા રહ્યાં.
થોડીક વાર હોસ્પીટલની બહાર પડી ગયેલા લાકડાના થાંભલાના ટેકે તે ઉભો રહ્યો. પછી ધીરે ધીરે અંદર જતો રહ્યો. ઓરડામાં કોઈ નહોતું, એક સ્ટ્રેચર હતું, જેના પર એક લાશ પડી હતી. સિરાજુદ્દીન નાના નાના ડગલા ભરતો તેની તરફ આગળ વધ્યો. ઓરડામાં અચાનક અજવાળુ થયું. સિરાજુદ્દીને લાશના ફીક્કા પડી ગયેલ ચહેરા પર ચમકતો તલ જોયો અને બરાડી ઉઠ્યો – ‘સકીના…’
ડૉક્ટર, જેણે ઓરડામાં બત્તી કરી હતી, તેણે સિરાજુદ્દીનને પૂછ્યું, ‘શું છે?’
સિરાજુદ્દીનના રૂંધાયેલ કંઠમાંથી ફક્ત એટલું જ નીકળી શક્યું, ‘જી હું… જી હું… આનો બાપ છું.’
ડૉક્ટરે સ્ટ્રેચર પર પડેલી લાશની નસ ફંફોસવાનું શરૂ કર્યું અને સિરાજુદ્દીનને કહ્યું ‘બારી ખોલી નાખ.’
સકીનાના નિશ્ચેત શરીરમાં જાણે ચેતના આવી, નિર્જીવ હાથોથી એણે નાડું ખોલ્યું અને પોતાની સલવાર નીચે સરકાવી દીધી. બુઢ્ઢા સિરાજુદ્દીને ધીમા અવાજે બૂમ પાડી, ‘જીવે છે – મારી દીકરી જીવે છે.’ ડોક્ટર પગથી માથા સુધી પરસેવામાં ડૂબી ગયો.
– સઆદત હસન મન્ટો,
અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, તેની પહેલી વાર્તા હતી ‘તમાશા’, એ જ સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઈતિહાસકાર બારીને તે મળ્યા અને તેમના દ્વારા રશિયન અને ફ્રેન્ચ સાહિત્યનો અભ્યાસ કર્યો. વિક્ટર હ્યૂગોની ‘ધ લાસ્ટ ડે ઑફ અ કૉન્ડેમ્ન્ડ મેન’ અને ઓસ્કર વાઈલ્ડના ‘વેરા’ પુસ્તકોનો ઉર્દુમાં અનુવાદ કર્યો, અને બારીના જ દબાણથી તેમણે ઉર્દુમાં વાર્તાઓ લખવાની શરૂ કરી.
અક્ષરનાદ માટે સઆદત હસન મન્ટોની વાર્તાનો ગુજરાતી અનુવાદ કર્યો છે. ઓનલાઈન હિન્દીમાં મળી આવેલી આ વાર્તાઓ એટલી તો સચોટ છે કે જાણે તેમાંનો એક પણ શબ્દ વધારાનો ન લાગે, વાર્તામાં કોઈ ચમત્કૃતિ નથી પણ સમાજ જેનાથી દૂર ભાગે છે, જે વાતો શિષ્ટ લોકોને સાંભળવી કે સ્વીકારવી નથી ગમતી એવી હકીકતો મન્ટો ખુલ્લેઆમ કહી આપે છે. મુંબઈથી બધું છોડીને ધાર્મિક કટ્ટરવાદીઓને લીધે તેમને પાકિસ્તાન જવું પડ્યું. જો કે ભારતની જેમ પાકિસ્તાને પણ કદી તેમને પોતાના ગણ્યા નથી. એક સાહિત્યકાર માટે એથી વધુ દુઃખદ વાત કઈ હોઈ શકે કે તેમની જન્મભૂમી તેમને સ્વીકારતી નથી? તેમણે ક્યાંક લખ્યું છે, ‘મારા માટે હવે એ નક્કી કરવું અસંભવ થઈ ગયું છે કે આ બે દેશમાંથી મારો દેશ કયો છે? ખૂબ જ નિર્દયતાપૂર્વક રોજ જે લોહી વહેવડાવવામાં આવી રહ્યું છે એને માટે જવાબદાર કોણ છે? આપણે આઝાદ છીએ? ગુલામીનું અસ્તિત્વ પૂરું થઈ ગયું? પૂર્વગ્રહોની ગુલામી, ધાર્મિક ઝનૂનના ગાંડપણની ગુલામી, પશુતા અને નિર્દયતાની ગુલામી અને અપમાનોની ગુલામી હજુ પણ આપણને પકડીને બેઠી છે. આમાંથી આપણને આઝાદ કરાવવાની પહેલ કોઈ નથી કરતું, કેમ?’ મન્ટોની વાર્તાઓ વાસ્તવિકતાની ધરતી પર જડાયેલી હકીકતોનો શરમજનક સ્વીકાર છે જેને લખવામાં તેણે જરાય ખચકાટ અનુભવ્યો નથી, કદાચ એ તેની આસપાસના ભયાનક સમયની અનુભવવાણી પણ હોઈ શકે. ૧૮ જાન્યુઆરી ૧૯૫૫માં તે મૃત્યુ પામ્યા, અને સાથે દફન થઈ ગયો સર્જનનો એક અનોખો પ્રવાહ.
આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા ‘खोल दो’ નો ગુજરાતી અનુવાદ ‘ખોલી નાખ..’ એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.
આપણા સમાજનેી કડવેી વાસ્તવિકતા ..!! આ દર્દના અહેસાસ ને મહેસુસ કરવાનેી શક્તિ કાશ ઇશ્વરે નરાધમોને આપેી હોત તો હજારો સકિનાઓ – દામિનેીઓ આ દમનથેી બચેી ગઈ હોત..!! અક્ષરનાદ પર આ વેદના ને વાચા આપવા બદલ અભિનંદન અને આભાર જિગ્નેશભાઈ..!
ગુજરાતીમાં પણ પઠનાત્મક રજૂઆત રજૂ થઇ શકે?…
કરુણ કથની, ભાવવાહી પઠન, હવે શું થશે, સકીના મળશે કે નહીં તેવી દહેશત ભરેલી આશા વાચકોને છેક સુધી જકડી રાખે છે અને અંતે ‘ખોલી નાખ’ ‘મારી દીકરી જીવે છે…સાંભળી આપણને પણ પરસેવો વળી જાય છે. વ્યથા અને વેદનાના પર્યાય સમી આ કથા માનવજાતની શરમિંદગીની કથા છે જે વાસ્તવિકતાની કેડીએ આપણને મજબૂર બની ચલાવે છે…શ્રી જીજ્ઞેશભાઈ નોકરીના ગળાબૂડ કાર્યભાર વચ્ચે પણ જે સાહિત્યલક્ષી અભિગમ ધરાવે છે અને પોતાનો ફાળો નોંધાવે છે તે પ્રશંસનીય અને પ્રેરક છે. આભાર…અભિનંદન…આવી કથાઓ, સત્યઘટનાત્મક રજૂઅઆતના પ્રયત્નોથી સમાજમાં કોઈકની તો આંખો ખૂલશે એવી અપેક્ષા અસ્થાને નથી જ…
આ સુંદર વાર્તાનું પઠન સાંભળવા જાવ યુટ્યૂબ પર
અધભુત વાર્તા નો અધભુત અનુંવાદ।
જાણીતા લેખક વિવેચક રવીન્દ્રભાઈ પારેખે આવી ૧૦ વાર્તાઓ દેશ-વિદેશ નામના સંગ્રહમાં અનુદિત કરી છે.. જેમાં બે મંટો સાહેબની અને બે ઇસ્મત ચુગતાઇની વાર્તાઓ પણ છે.. જેનો પરિચય તો મેં આપ્યો જ હતો.. જો વાચકો ઇચ્છે અને જિગ્નેશભાઈ મૂકે તો એ બધી જ વાર્તાઓ હું અહીં મૂકી શકું.. પણ તેમાં જિગ્નેશભાઈની રજામંદી હોવી જરૂરી છે.
નિમિષાબેન,
અક્ષરનાદ પર રવીન્દ્રભાઈ પારેખે અનુદિત કરેલ વાર્તાઓનું સદાય સ્વાગત હોય જ, બધી જ વાર્તાઓ સાથે સગ્રહ પણ જો આપણે મૂકી શકીએ તો અતિ ઉત્તમ…. એમાં મારી રજામંદીની કોઈ જરૂર નથી…
અક્ષરનાદ તમારી જ વેબસાઈટ છે, અહીં મૂકવાલાયક કાંઈપણ વિનાસંકોચે મોકલી આપશો….
પ્રતિભાવ બદલ આભાર અને શુભકામનાઓ.
જીજ્ઞેશ અધ્યારૂ
બહુ સરસ અનુવાદ,અભિનંદન.મન્ટોની “ઠંડા ગોસ્ત” માટે પાકિસ્તાનમાં એમના પર કેસ થયો હતો. મન્ટોને વાંચવા હોય તો શરીફા વીજળીવાળાના ગુજરાતી અનુવાદ વાંચો. અને હા, વિનોદભાઈ ભટટે પણ અનુવાદ કર્યા છે. જિજ્ઞેશભાઈ હવે ઈસ્મત ચુઘતાઈની વાર્તાઓ લાવો.
I had read about this story earlier on Aksharnaad from Nimisha ben’s article.
Thanks for translating and posting…
Unbelievably painful…..just can not stop thinking about it after reading it…
Personally whenever I come across any painful story like this, I try to do one small act of kindness towards someone unknown and try to feel little relieved…believe me worth trying..