ચાર ગીતો.. – યાકૂબ પરમાર 12


૧. ઇશ્વર વિશેનું ગીત..

કાગળ ઉપર નદી ચીતરી, મને કહે કે પી,
ઇશ્વર મારી મજાક કરતો હસતો ખી ખી ખી.

ઉપર બેઠાં આડી અવળી મજાક એને સૂઝે,
ખખડાવે એ દ્વાર કદી તો આંગળીઓ આ ધ્રૂજે.
પ્રહાર એના સ્વીકારવાના હસતા મોઢેજી… કાગળ ઉપર..

એની સૂકી લાગણીઓનો ભૂકો એ ઉછાળે,
લમણું તૂટે એવું કયારેક આવે મારા ફાળે,
કોણ કહે એને કે માળા કશાકથી તો બ્હી… કાગળ ઉપર..

૨. પ્રભુ તમે તો..

પ્રભુ તમે તો ભીના, ઝાકળ ટીપા જેવા લાગો,
અલપઝલપ જયાં તડકો આવે, ફૂલોમાંથી ભાગો.

જેવો તેવો સૂરજ ઉગે, આકળ વિકળ થાતા,
કાચાં કાચાં કિરણો પડતાં, રોમ રોમ અકળાતા.
સૂરજમાં શેકો છો અમને દઇ શ્રદ્ધાનો ધાગો.. પ્રભુ તમે તો.

સપનાં આપ્યાં જેવાં તેવાં, એ તો સાચાં પાડો,
મનખા દેહ દીધો છે અમને કે દીધો નિંભાડો ?
ઠંડા પાડો ઝાકળ છાંટી, કે ચિનગારી દાગો.. પ્રભુ તમે તો.

૩. હરી અક્ષર..

અક્ષર એકે ના ઉકલ્યા પણ ઉકલ્યા આંખે હરિ,
આંખ ઉલાળી હરિ કહે કે ખરી છે તું સાંવરી !

મોરપિચ્છ જેવા અક્ષર મેં, માથેથી ઉલેચ્યા,
પાવાના નમણા પડઘાઓ, કમખા ભીતર મેલ્યા,
હરિ કહે કે વાંચ ધીરેથી ઉતાવળી બ્હાવરી ! અક્ષર એકે..

‘હરિ તમે જો અક્ષર છો તો, મને વાંચવા દેજો,
વાંચ્યામાં કંઇ ભુલ પડે તો, ફરી વાંચવા કહેજો,’
હસતાં હસતાં હરિ કહે કે ભણેશરી તું ખરી ! અક્ષર એકે..

૪. શોષીત નારીનું ગીત

આયખું નોંઘાવીને દાવ પર નારી. નરને પતિ કરે છે,
મારે છે, બાળે છે, જવાબમાં નર, પછી નારીને સતી કરે છે !

સમજાતું નથી કે પતિની જરૂરીયાતો પત્નીથી કેમ સમજાય નહિ,
પતિ બને એ પૂરતું છે, પતિને કરવાનું હોય કશું કયાંય નહિ,

તેમ છતાં પતિ તો વેળા કવેળાએ ફરજીયાત રતિ કરે છે.

સંસારી વરાના નાટકમાં પતિનો બોટેલો હોય આખો લાડવો,
સહિયારું હોય એમાં પતિએ બુદ્ધિથી પાવર લઇ લીધો હોય આગવો,

પત્નીના ચેક પર કે ડેથ વોરંટ પર સહી એ વતી કરે છે !

રથના આ પૈડાને ભાર આવે કેટલો પણ બોલી શકે ના, સહેવાય નહિ,
પશ્ચિમમાં અટકયો છે સંસારી રથ, એ અહીં પણ અટકે તો કહેવાય નહિ,

હાલ તો ખખડતી ખોડંગાતી ચાલે એ જેમ તેમ ગતિ કરે છે !

– યાકૂબ પરમાર

આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે – એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ચાર ગીતો.. – યાકૂબ પરમાર

 • Kalidas V. Patel { Vagosana }

  યાકૂબભાઈ,
  સુંદર મજાનાં ગેય ગીતો આપ્યાં. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • sharad

  હરિને પહોંચવાના હરિના શૂરા મારગને યાકૂબે ભણશેરી સ્ત્રી દ્વારા કેટલો સરળ બનાવી દીધો? યાકૂબના કાવ્યની પેલી શોષિત નારી, યાકૂબના જ બીજા કાવ્યની હરિની બહાવરી બની આયખુ હસતે મોઢે વિતાવે છે, ખરુ?

  • jacob

   ખુબ સુંદર પ્રતિભાવ શરદભાઇ. કોઇ સાહિત્યના વિવેચક કરી શકે એમ બે જુદાં જ ગીતોમાં જુદા જ સંદર્ભે વ્યકત થયેલી નારીને એક જ સંદર્ભમાં સાંકળી લીધી!

 • jigna trivedi

  હરિ સાથે એકાત્મકતા સાધીને ગીત લખાયા છે ,ખરેખર ભાવસભર છે. ગીત માણવાની મજા આવી.

 • narayan

  ચારેય કવિતાઓ પોત પોતાની રીતે સુંદર રીતે લખી છે.
  દરેક માં સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાનું સરસ અને સરળ વર્ણન છે.

  અભીનંદન !

 • sapana53

  શોષીત સ્ત્રીને સાંભળી..યાકુબભાઈ આ કવિતા એક સ્ત્રી લખી હ્સકે ખરી???અને લ્ખે તો? જરૂર પધારો મારા બ્લોગમાં
  સપના

 • Harshad Dave

  કલ્પનાશીલતા અને ભાવાભિવ્યક્તિનો સુભગ સમન્વય…અભિનંદન… – હદ.

 • Dhirajlal Soneji

  ઍમ કહેવાય છે કે કવિ દ્રસ્ટા હોય છે..
  તમારા કાવ્યો ઉંડા અંતરથી ઉભરાતા લાગે છે. ખુબ ખુબ ધન્યવાદ…..