પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા 13


૧.

હવે એ ફક્ત વારતામાં જીવે છે,
છતાં લાગતું આટલામાં જીવે છે.

આ ધરા તો કેવળ ધરોહર છે એની,
સદા જે જરાથી જગામાં જીવે છે.

બળાપા શું કાઢે છે ચપટીક દુઃખના,
અહીં કોણ કાયમ મજામાં જીવે છે?

નદીઓ, પહાડો, ગગન ઓળખે છે,
ફકીરી ભલે કુટિયામાં જીવે છે.

અજબ મોહિની જિંદગી પણ કરે છે,
ઘણાં મોતનાયે કૂવામાં જીવે છે.

જરા કોર પાલવની સ્પર્શી હતી બસ,
હજુ ટેરવા તો નશામાં જીવે છે.

ટળી કારમી ઘાત ‘રાકેશ’ પરથી,
હવેનું જીવન એ નફામાં જીવે છે.

૨.

એ જ ટોળાથી અલગ પડતા નથી,
જાતને ક્યારેય જે મળતા નથી.

શું કહું એને, કૃપા કે અતકૃપા?
પાંદડા આ વૃક્ષના ખરતા નથી !

ચીસ સંભળાતી નથી, એવું નથી,
પણ હવે લોકો જ ખળભળતા નથી.

એવું શું ફેંક્યુ સરોવરમાં તમે?
કાં હજુયે નીર આછરતા નથી!

વ્યર્થ છે ખોબો ધરી નિત ઊભવું,
એમ કાંઈ પથ્થરો ઝમતા નથી.

૩.

કેટલાં અસ્તિત્વ અહીં રીબાય છે,
તારી કરુણા પર મને શક જાય છે.

તૃપ્તિનો વર્તાય છે હર પળ અભાવ,
આમ તો કાયમ ઘણું પીવાય છે.

લ્હેર માટે જ્યાં ઉઘાડું દ્વાર હું,
જાણે ક્યાંથી લૂ પ્રવેશી જાય છે?

ઘરનું બંધન એટલે ગમતું રહે,
ચાર ભીંતો હાથથી સર્જાય છે.

ચાસ માટે ભાઈઓ જ્યારે લડે,
રણ થવાનું ખેતને મન થાય છે.

માર્ગના નમણાં વળાંકો જોઈને,
દોડવાની રાહ ક્યાં રોકાય છે.

વિશ્વએ ‘બેધ્યાન’નું આપ્યું બિરુદ,
જેને પગરવ કીડીનો સંભળાય છે.

૪.

આભની છત ને દિશાઓ દ્વાર છે,
આ ધરા મારે હવે ઘરબાર છે.

બે-ઘડી આળોટવા દે તું મને,
માટી મારી જિન્દગીનો સાર છે.

એ ભલે હોતી લખોટી જેવડી,
આંખમાં આકાશનો વિસ્તાર છે.

શાંતિપૂર્વક બેસવા દેશે નહીં,
આજ મારા હાથમાં અખબાર છે.

આભને એકીટશે જોતો રહે,
ક્યાંક જોડાયેલ એના તાર છે.

સ્મિત આપે કોઈ પણ બાળક બને,
મારા માટે એ જ પુરસ્કાર છે.

આમ વેકેશન ઘણું લાંબુ છે પણ,
‘એ ફરી ખુલી જશે’નો ભાર છે.

આમ તો ‘રાકેશ’ સારી છે ગઝલ
પણ બધો રજૂઆત પર આધાર છે.

૫.

કોઈ એવું પણ મળે રસ્તા ઉપર,
થાય દીવા એમના પગલાં ઉપર.

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

રોજ ઝઘડે એકડો, બગડો છતાં,
વાંક સઘળો આવતો તગડા ઉપર.

સ્વપ્નમાં પણ ‘ત્રાક’ને જોઈ નથી,
ભાષણો આપે એ સૌ ચરખા ઉપર.

કોણ જાણે એની પાછળ શું હશે?
દ્રશ્ય તો સુંદર છે આ પડદા ઉપર.

જેમ આરુઢ થાય કોઈ તખ્ત પર,
એમ માખી બેસી ગઈ મડદા ઉપર.

એટલી ક્યાં હોય છે દુનિયા ખરાબ,
ધૂળ જામી જાય છે ચશ્મા ઉપર.

વિશ્વના અટકી પડે સઘળાંય કામ,
પેટ બેસી જાય જો ધરણા ઉપર.

આટલો ઝૂકી ગયો ‘રાકેશ’ કાં?
બોજ ક્યાં સહેજેય છે ખભ્ભા ઉપર.

– રાકેશ હાંસલિયા

આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. ‘જીવે છે’ ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે’રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે,

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ ‘જે તરફ તું મને લઈ જશે..’ પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા

  • Bankimchandra Shah

    ઉપર નેી બધિ comments નો સરવડૉ કરો એટલે થાય મારેી comment. શુ લખો છો રાકેશ્ભાઇ…..

  • jacob

    રાકેશભાઇ તમામ ગઝલ સુંદર પણ અનુ- ૩ અને ૪ અતિ સુંદર !

    જરા કોર પાલવની સ્પર્શી હતી બસ,
    હજુ ટેરવાં તો નશામાં જીવે છે.

    એ જ ટોળાથી અલગ પડતા નથી,
    જાતને કયારેય જે મળતા નથી. બંને હદયસ્પર્શી શેર છે છે.

    સ્મિત આપે કોઇ પણ બાળક બની એ પકિત
    સ્મિત આપી કોઇપણ બાળક બને અથવા
    સ્મિત આપે કોઇપણ બાળક બની એમ લખવામાં આવે તો વધારે દીપી ઉઠે… ફકત એક મારું સજેશન છે !!

  • Dhaval soni

    રાકેશભાઈ શું કહુ એ જ સમજાતુ નથી… ખરેખર લાજવાબ… અદભુત.. અદ્વિતિય… એક વાત કહ્યા વગર નહી રહી શકાય, આમ તો પાંચેપાંચ ખુબ જ સુંદરતમ રચનાઓ છે પણ બોસ પહેલી જ રચના વાંચી ને જે નશો ચડે છે તે પછી બીજી રચનાઓ વાંચતી વખતે પણ ઉતરતો નથી… એડવાન્સમાં અભીનંદન… આટલા સરસ કાર્યમાં હું ઇચ્છુ છુ કે મારો પણ થોડો ઘણો ફાળો બને, ને આટ્લી સરસ દિલથી લખાયેલી ગઝલની બુક મેળવવાની તક જતી થોડી કરાય છે. જિગ્નેશભાઈ તમારે એક મારું નાનુ એવુ કામ કરવુ પડશે… આ રાકેશભાઈની નવી બુક્નું વિમોચન થાય કે એ મારા સરનામે મોકલી આપવી પડશે.. (એ માટે જો મને તમે એ વખતે કોલ કરી શકો – ૯૭૧૨૯૬૧૭૭૫ , તો એ વખતે મારું એડ્રેસ લખાવી દઈશ, અને મનીઓર્ડર પણ.) આટલી તકલીફ બદલ હુ આપનો ઋણી રહીશ.. આશા છે કે જલ્દી મુલાકાત થશે.

  • Rajesh Vyas "JAM"

    બધી જ ગઝલો સુંદર છે પણ ૩ અને ૫ ખરેખર લા-જવાબ છે. પ્રસ્તુત કરવા બદલ રાકેશભાઈ ને ધન્યવાદ.

  • Mitul Thaker

    બહુ સરસ રચનાઓ છે રાકેશભાઇ, વાસ્તવિકતાની તદ્દન નજીક હોવા છતા રસભન્ગ નથી થતો આપની આ કૃતિઓ મા …..