એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની 17


અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતા વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે. જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતા વાહનોને સામેના વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડીયામાં બધે – બધા જ ક્ષેત્રોમાં – આમ જ બનતું હોય છે. ફોરેનરને હમેશાં આપણે ત્યાં દોડતા વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતા કેમ નથી? મને કહેતા ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની મુશાફરીમાં મેં પાંચ શહેરનો ટ્રાફિક જોયો છે, દરરોજ કારમાં બેઠો છું. પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી. એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું. કારણકે બન્ને કાર ચાલી શકતી હતી. અને બન્ને પાસે વાદ વિવાદનો સમય નહોતો અને મોટો અકસ્માત થાય તો ય શું ? જો  આપણે જીવતા હોઈએ તો ભૂલ કબૂલવાની નહીં. ભૂલ હમેશાં સામાવાળાની જ હોય છે અને એ વાતની બન્ને ડ્રાઇવરોને ખબર હોય છે અને પોલીસને પણ ખબર હોય છે.

આપણે ધ્યાનથી જોઈએ તો આ ટ્રાફિક આખા દેશનું નાનું મોડેલ છે. જો ઈન્ડીયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશના બધા જ ક્ષેત્રમાં બને છે તેમ. એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય તો તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે અને ઍક્સિડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો ઍક્સિડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરીક બનવા નથી નીકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘૂસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાનું વાહન, અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તે. જો સર્કલ પર હો તો – ‘જો ડર ગયા વોહ મર ગયા’ – ના નિયમ મુજબ આગળ વધ્યે જાવ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય. એને કયાંક જલ્દી જવાની ઉતાવળ છે ? એટલે એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કુટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં ! લાકડી લઈને પોલીસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નીકળી જવાનું. એ આપણને મારવા માટે નથી રાખી પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મૂકી દેવા માટે છે. પોલીસની બીજી જવાબદારી છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. ટ્રાફિક વાઇલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહન ચાલકને કાયદા ભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસૂલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદર પંદર – વીસ વીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામૂલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે. “સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ.” મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેઈનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટર સાયકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની દરકાર પણ નહીં કરે. દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઉતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્ષાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી સ્કૂટરસવાર કૉલેજ કન્યાઓ. આપણે જો ધ્યાનથી જોઈએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલીસને એ દુપટ્ટા માથાની હેલ્મેટમાં ખપાવતી હશે. અને પોલીસ એનો વાંધો ન લેતી હોય કારણકે એકસીડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો કામ લાગે. મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલીસ એને રોકે કે ના રોકે? આપણો ટ્રાફિક તો જાણે યુદ્ધમાં આગળ વધતી સેના. જમણી બાજુ ઐરાવત પછી અશ્વો પછી પાયદળ. આ સ્કૂટરવાળી કન્યાઓ તે પાયદળ. ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની ખૂબી એ છે કે તેમણે અંદરો અંદર લઢવાનું હોય છે.

હવે દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કૂલ – કૉલેજમાં એડમિશન લેવું છે, માર્કસ ઓછા છે, તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું, નહીં તો ડોનેશન કરો – એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે તો મોટા વાહનની ઓથે ભરાય જાવ. જોઈએ તો પોલીસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રફિક કેટલો વધી જાય? પછી આપણા ટ્ર્રાફિક પોલીસોની નોકરીનું શું? તમારે મકાન બનાવવું છે, બનાવી દો. મરજી પ્રમાણે માળ બનાવો, જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલીસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડીંગ તોડે ખરું? એ તો એમ જ ચાલે ! ભારતમાં કેટલીય ગેરકાયદેસર કાર્યપદ્ધતિઓ છે કે જે વરસોથી ચાલી આવી છે. તમારે મકાન ખરીદવું છે તો બ્લેકના પૈસા આપો. હવે આ સત્ય દેશનો દરેક નાગરીક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલ્મેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મજા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !

તમને કાર આવડે કે ન આવડે, લાયસન્સ મળી જાય. જો તમને એરોપ્લેનમાં બેસતા ચક્કર ન ચઢતા હોય તો પછી પાયલોટનું લાયસન્સ જ કઢાવી લેવાનું. થોડું ડોનેશન કરવું પડે મારા ભાઈ! પછી દુનિયાકી સૈર કર લો. તમારે આઈસ્ક્રીમ ખાવો છે, બીજાની ચિંતા કર્યા સિવાય કાર આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભી કરી દો. બીજા વાહનો તમારી આજુબાજુથી જશે અને હોર્ન શેને માટે આપ્યા છે? એ લોકો હોર્ન વગાડશે. આમ તો તેઓને હોર્નની ટેવ હોય છે જ. હું માનું છું કે હોર્ન તો વગાડવા જ જોઈએ, એથી ડ્રાઇવરનો સ્ટ્રેસ દૂર થાય છે. જો હોર્ન ન હોય તો બધાએ ગાળાગાળી કરવી પડે અને એ પછી મારામારીનું સ્વરૂપ પકડે, તો પછી ટ્રાફિક પોલીસનું કામ વધી જાય. યુરોપ અને અમેરિકામાં કોઈ હોર્ન નથી વગાડતું. મને લાગે છે કે આથી અમેરિકાના મોટા શહેરોમાં ડ્રાઇવરો વચ્ચે ગોળીબારના બનાવો બને છે, જયારે આપણે ત્યાં હોર્ન વગાડવાના કારણે કોઈ મર્યું નથી. મને તો લાગતું કે ડ્રાઇવરો આ હોર્ન દ્વારા એકમેક સાથે વાતો કરે છે. “એય જલ્દી ચાલાવ.” “પેલો તારો કાકો હટે તો ને!” “એ ઓટો અહીં કયાં ભરાય છે?” “સાલો અભણ દેશ છે.” “આ મોટરબાઈકવાળો એના બાપનો રસ્તો સમજે છે.” “મારી બાઈક આ બે કાર વચ્ચેથી લઈ લઉં. સા.. લેડિઝ ડ્રાયવરો” “આ બાયલો ધીમો ધીમો કેમ જાય છે?” “ઓ ભાઈ હું નવો ડ્રાઇવર છું. મારાથી બચો.” હવે આવી વાતો એકમેક જોડે કરવી પડે તો ? આપણે ત્યાં પણ ધારિયાં ઊછળે ! એના કરતાં હોર્ન વગાડવા સારા.

કોણ કહે છે કે આપણે ગાંધીબાપુને ભૂલી ગયા છીએ. તેમની જેમ આપણે પણ કાયદાભંગમાં માનીએ છીએ. આ ટ્રાફિકના કેટકેટલાય કાયદા બન્યા હશે. જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું, કાયદાનો ભંગ કરો.. “એ તો ચાલે”. સીટબેલ્ટ બાંધવો જોઇએ, કાયદા કી એસી તેસી. “એ તો ચાલે.” તમે રેલ્વે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખૂલશે તો બન્ને બાજુ પર સૈન્ય સામ સામે આવી ગયા છે, ટ્રાફિક કેવી રીતે આગળ વધશે? કોણ પકડવાનું છે? અને આ વાત બધા જ ક્ષેત્રમાં છે. એક રીતે જોઈએ તો તેમ ચાલે પણ છે.

સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે. આમાં હોસ્પીટલો, સ્કૂલો, અરે આર્મી સુદ્ધાં આ ગેરકાયદેસર – કાયદેસર વાતોમાં ફસાયું છે. વીસ ત્રીસ વરસથી જાત જાતના આર્મીના કૌભાંડો બહાર આવે છે એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજજ છે. હવે આ વાત મારા જેવા ડોબાને ખબર છે તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય?

– હરનિશ જાની

હેમિલ્ટન, ન્યૂ જર્સીમાં રહેતા શ્રી હરનિશભાઈ જાનીનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ નથી, અનેક સામયિકોમાં તેઓ લખે છે, તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ ને ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકૅડમિનો પુરસ્કાર મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને ગુજરાતી સાહિત્ય અકૅડમિનું વર્ષ ૨૦૦૭નું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં તેઓ ભારતીય વાહનવ્યવહારને અને અહીંની સિસ્ટમની વાતોને એકમેકસાથે સુંદર રીતે સાંકળે છે. કાયદેસર – ગેરકાયદે જેવા ભેદભાવોથી પર ચાલતી આ સિસ્ટમની વાત તેઓ સહજતાપૂર્વક અને સૂક્ષ્મ હાસ્ય સાથે મૂકી રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી હરનિશભાઈ જાનીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

બિલિપત્ર

મારાં પગલાંથી પંથ એક ફૂટ્યો,
કે પંથમાં પગલાં બંધાયા, હું છૂટ્યો!
– અજ્ઞાત


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની

  • M.D.Gandhi, U.S.A.

    તમારા બધા લેખો વાંચતાં હસવું રોકાતું નથી, અને વાંચ્યા વગર તો ચાલે તેમજ નથી, એટલે નવા નવા લેખો જરૂરથી આપતાં રહેશો……………..એટલીજ માંગણી છે……

  • Harnish Jani

    સ્નેહી ભાઈશ્રી કાર્તિકભાઈ,
    નમસ્કાર.
    તમે આટલા ધ્યાનથી મારો લેખ વાંચ્યો બદલ ખૂબ આભાર.અને ખૂશી એ વાતની કે અક્ષરનાદને આવા વિચારક વાચકો મળ્યા છે.
    હું કેવી રીતે awarenessલાવી શકું? પહેલ નંબરે હું સરકારી કર્મચારી નથી. કે નથી હું સમાજ સુધારક. હું હાસ્ય લેખક છું એટલે હું એક નિરીxક છું અને એ જ ચિત્ર જુદી રીતે જોઉં છું.
    આપ મને પૂછો છો કે તેમાં મારું contribution કેટલું? તો એટલું કહું કે હું ડ્રાઈવ કરી ને ગિર્દી નથી વધારતો.That’s my contribution. આપ મારો ઓપિનીયન પૂ]o છો તો મારા મતે–
    આપણે ત્યાંનું ન્યાય તંત્ર અને કાયદા(પોલિસ) તંત્ર પોતાની ફરજ બજાવે તો ટ્રાફિક તો શું દેશ સરસ રીતે ચાલે. મારો ઈ મેઈલ harnish5@yahoo.com

  • Kartik Pandya

    Dear Harnishbhai. ..Spot on. But how would it help? Who would bring the awareness? It’s the easiest thing to do what you have done. While I appreciate your article, ur views…I look-forward to ur Contribution. How would u do it? The solution will not come while observing these from a distance, but while being in it and contributing to solve it. R u in? Regards, Kartik Pandya

  • harnish

    મિત્રો, આપે સમય કાઢીને મારો લેખ વાંચ્યો.એ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો,મેં જીવનમાં કદી ભારતમાં કાર ચલાવી નથી. કારણકે જય્ારે જ્યારે કારમાં બેડો છું ત્યારે મારા પગ ચેરમાં ઊંચે હોય છે. મોટે ભાગે મારી નજર ડ્રાયવરના મોઢા પર તેના હાવભાવ જોવામા્ ઠરેલી હોય છે. તે વ્યક્તિ મને સુપરમેન લાગે છે. લતા હિરાણીનું ડ્રાઈવીંગ પણ તેમની કવિતાઓ જેટલું શાર્પ હોય છે. ઘણાં અમદાવાદીઓની કવિતાઓ વાંચીએ તો લાગે કે તેમણે આ કાવ્ય ડ્રાયવ કરતાં જ લખ્યુ હશે.શરુઆત કયાંથી અને અંત કયા.–બેફામ સાહેબ ને તો પોતાનું ઉપનામ પણ ડ્રાઈવીંગ કરતાં જ સુઝયુ. હશે.
    ચાલો આટલેથી અટકું નહીં તો બીજો લેખ થઈ જશે. સૌ મિત્રોનો દીલી આભાર. હરનિશ.

  • Mahendrsa Shah

    હરનીશભાઈ, એઝ યુઝવલ આર્ટીકલ માણ્યો! ફની પાર્ટ., કોઈ રોન્ગ ટર્ન, નો યુ ટર્નમાં યુ ટર્ન લેતા હોય, રેડ લાઈટમાં જતા હોય તો પાછળથી કોઈ કોમેન્ટ મારશે.., ” લોકોમાં ટ્રાફીક સેન્સ જ નથી.!”., અને એ બોલતો બોલતો જ્યારે એનો ટર્ન આવશે ત્યારે એ પણ રોન્ગ ટર્ન લેશે, નો યુ ટર્નમાં યુ ટર્ન લેશે, ને રેડ લાઈટમાં મારી મૂકશે!

  • P. P. M A N K A D

    Till now i had a misconception that i am the lone ‘DOBO’ in the world. Hats off to the self-styled another ‘Dobo’ !
    To be serious, the article is very VERY humourous. Congrats a lot for that.

  • Geeta Shukla

    સાચેજ સાવ સાચેી વાત , બહાર થેી ઘરે સાજા આવેીઅએ ત્યારે થાય કે હાશ
    ઘરે પહોઁચ્યા ખરા… ! વાઁચવાનેી મજા આવેી

  • Dhimant

    Dear Harnish Jani,

    Many congratulations for enlightening us with the traffic situation and your other thoughts.

    There is no doubt on the issues you have raised but at the end of the day, thousands of people visit India for peace of mind, meditation, Yoga and other spiritual advancements. Think about it.

    May be the places you have visited are not clearly written in your article but the things are changing very fast and being a US citizen it should not matter much as we are witnessing this change staying here. It will take time and efforts but “Delhi is not Far”.

    Anyways your perception is well taken.

    regards,

    Dhimant

  • R.M.Amodwal

    નજિવિ વાત સમજિ ને ગભિર વાત જનાવવિ તે કોઇ તમારિ પાસે શિખે.
    આનદ થયો.
    Harnishbhai
    interested to enjoy shushila & Sudhan.
    please inform availability.

  • ashvin desai

    હર્નિશ જાનિ આપ્ના નિવ્દેલા વ્યન્ગકાર
    એમ્ના વ્યન્ગ્નિ ખુબ્િલિતિઓ
    ૧ એમ્નો વ્યન્ગ અત્યન્ત કરુન હોય ચ્હે , કારન્કે ઉપર ઉપર્થિ તમને હસાવે ,
    પન પચ્હિ દરેક શબ્દનિ પાચ્હલ રહેલો ગમ્ભિર ચાબખો આપનને વાગે ચ્હે
    ત્યારે રદય ઉપર ચમચમતા સોદ પદે ચ્હે
    આપનિ સિસ્તમ , સમાજવ્યવસ્થા , જિવનવ્યવસ્થાનિ ગમ્હિર બાજુઓનિ આતલિ જલદ સમિક્ષા આતલિ હલવાશ્થિ ફક્ત હ , જા . જ કરિ શકે . ગ્રેત
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • lata j hirani

    વાંચવાની બહુ મજા પડી હરનિશભાઇ, આજકાલ ક્યાંય મળતા નથી … અને એક બીજી વાત, તમે કદાચ હજી મારી કારમાં બેઠા નથી, નહીંતર બમ્પ વિશે પણ લખી નાખત !!! અમદાવાદ ક્યારે આવો છો ?

    લતા હિરાણી

  • M.D.Gandhi, U.S.A.

    “આંખે દેખ્યા” જેવો કેટલો સત્ય અને તટસ્થ અહેવાલ આપ્યો છે….હરનિશભાઈ તો પાંચ શહેરમાં કારમાં ફર્યાં છે, બાકી હું તો એક શહેરમાં પણ કાર તો ન ચલાવી શકું અને બેસું તો પણ, આંખો બંધ કરીનેજ બેસવાનું…….
    બાકી વાત તો એકદમ સત્યજ છે, ભલે લોકો ભગવાનમાં માનતાં હોય કે નહીં, પણ, ભારત દેશ તો ભગવાન ભરોસેજ ચાલે છે…..

    Mansukhlal Gandhi
    U.S.A.

  • Namrata

    હર્નિશભાઈના લેખ પહેલા ‘કેસુડા’માં માણ્યા છે. ‘કેસુડા’ ફરીથી ચાલુ થઈ શકે?

  • Ramesh Patel

    શ્રી હર્નિશભાઈના લેખને માણવાની અલગ મજા છે. સમસ્યાઓને હળવી ભાષામા ગુંથી ઘણું બધું કહી દેવાની તેમનામાં જે સમર્થતા છે, એ આ લેખમાં અનુભવાય છે.દેશ પરદેશની મનનીય સફર.

    રમેશ પટેલ(આકાશદીપ)