ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે 4


અડીખમ ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…!

[ કુછ પલ જીવન કા આનંદ લીજીએ… ઝીન્દગી મેં એકબાર ગિરનાર તો ચઢીએ…! ]

– હરેશ દવે: હર્ષદ દવે
—————————————————

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!

તમે યુવક હો કે યુવતી, તમારામાં સાહસવૃત્તિનો અભાવ ન હોય અને તમને તક મળે તો (ધારો તો મળી જ શકે) તમે ગિરનારનો પડકાર અવશ્ય ઝીલી શકો. આ કાંઇ મન હોય તો માન્ચેસ્ટર જવાની વાત નથી, આ તો છે કુદરતની આહ્લાદક પળોને હસતાં રમતાં, ઉપર ચડતા માણવાની. તમારી ઇચ્છાશક્તિનો (વિલપાવર) તમને માપદંડ મળી જશે અહીં. ગિરનાર અડીખમ છે પણ તમારું તનમનથી ખડતલ હોવું જરૂરી છે. તો કરી જુઓ પારખાં તમારી હામના…અહીં તમે કોઈ ચાલાકી નહીં કરી શકો…

તમને ખબર છે કે અહીં જૂનાગઢમાં આવેલાં ગિરનાર પર્વત પર આરોહણ-અવરોહણ કરવાની સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે! તેના ભૂતકાળના રેકોર્ડઝ પર નજર નાખશો તો સૂરજની સાખે પણ તમે પરસેવાથી રેબઝેબ થઇ જશો! તો, તમારે એ સ્પર્ધામાં ભાગ નથી લેવાનો પણ મોજ ખાતર ગિરનાર ચડવાનો છે…તમારી અનુકુળતાએ, બોલો છો તૈયાર? આ ગિરનારનો પડકાર છે… ઝીલી લો આ પડકાર…

કુછ પલ જીવન કા આનંદ લીજીએ… ઝીન્દગી મેં એકબાર ગિરનાર તો ચઢીએ…! અને તમારે તે માટે થોડીઘણી માહિતી જોઈએ તો કમ્પ્યૂટર પર સર્ફ કરવાની જરૂર નથી…કારણ અહીં નીચે તે નજરવગી છે…જુઓ:

ગુજરાતમાં જ નહિ કદાચ એશિઆનાં પર્વતોમાં સૌથી વધુ પગથિયા ગિરનારના છે જેની સંખ્યા ૧૩ હજાર કરતાં વધારે છે. ગિરનાર ઉપર જવા માટે બે માર્ગ છે જેમાં એક મુખ્ય પગથિયાં ધરાવતો માર્ગ છે અને બીજો માર્ગ પાછળના રસ્તેથી જતો પગથિયા અને કેડી જેવો માર્ગ. આ માર્ગેથી જટાશંકર પણ જઇ શકાય છે. (અહીં સ્વામી વિવેકાનંદ આવ્યા હતા, એ વાત પછી ક્યારેક). અહીં રોપ-વે બનાવવાની વાતો ૩૫ થી ૪૦ વર્ષોથી ચાલે છે! મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ભૂમિ-પૂજન પાંચ વર્ષ પહેલા કર્યું છે. જો કે, તે અંગે હજુ સુધી ચર્ચા સિવાય કોઈ જ કામગીરી થઇ નથી. રોપ-વે થશે કે કેમ તે અંગે જૂનાગઢની જનતાનાં મનમાં શંકા સેવાઈ રહી છે. યુવાનોએ આ રોપ-વેની વાત એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખવી! કારણ કે તેઓ રોપ-વેના મોહતાજ નથી હોતા. (અહીં આપણે ઉમરમાં યુવાન હોય તેની જ વાત નથી કરતાં, ઉમર ગમે તે હોય, મનથી યુવાન હોય તે પણ યુવાન ગણાય!)

 વેદ અને પુરાણોમાં ગિરનાર નો ઉલ્લેખ છે. તે હિમાલયનો પ્રપિતામહ ગણાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તે ૨૨ કરોડ વર્ષ જૂનો હોવાનું કહે છે. અહીં હિંદુ,જૈન,બુદ્ધ અને મુસ્લિમ સંપ્રદાયના સ્થાનકો છે. કહેવાય છે કે ગિરનાર ઉપર નવ નાથ, બાવન પીર, ચોસઠ જોગણી અને ચોર્યાશી સિદ્ધ બિરાજે છે. ભગવાન ગુરુ દતાત્રેય અને અશ્વત્થામા અહીં બિરાજે છે. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ગિરનાર પર્વત વિષે ઘણાં કાવ્યો રચાયા છે.

 જૂનાગઢ શહેરથી ગિરનારની તળેટી સાત કી.મિ. ના અંતરે આવેલી છે. ત્યાં પહોચ્યા બાદ પગથિયાં ચડવા પડે છે અથવા તો ડોળીમાં બેસીને ઉપર જવાય છે. ગિરનારની ટૂકોમાં: ૨૨૦૦ પગથિયે માળી પરબ, ૩૫૦૦ પગથિયે જૈન દેરાસરો અને ઉપરકોટ, ૫૫૦૦ પગથિયે અંબાજી મંદિર, ૪૦૦ પગથિયે ગુરુ ગોરખનાથનું શિખર જે દરિયાની સપાટીથી ૩૬૬૬ ફૂટની ઉંચાઈ એ આવેલું ગુજરાતનું સૌથી ઊંચું સ્થળ છે. ત્યાંથી ૭૫૦ પગથિયાં નીચે ઉતરીને કમંડળ કુંડ જવાય છે. તેની પાછળના કેડી રસ્તે મહાકાળીની ગુફા આવે છે.

 કમંડળ કુંડથી ઉપર બીજા ૭૫૦ પગથિયાં ચડ્યા બાદ ગુરુ દત્તાત્રેયનું શિખર આવે છે. પગથિયાં અહીં પૂરાં થાય છે. યુવાન અને સશક્ત અને સાહસિક વ્યક્તિઓ વહેલી સવારે પાંચ આરોહણ શરૂ કરીને દત્તાત્રેયનાં શિખરે જઈને અગિયાર કે બાર સુધીમાં નીચે આવી શકે છે. હાલ ગિરનાર ઉપર ફૂલ ટ્રાફિક રહે છે. લોકોની કતારો ઉપર જવા લાગે છે. તેમાં શાળાના પ્રવાસી છાત્રોનો મોટો સમુદાય હોય છે. આ રીતે ગિરનાર ધર્મ અને શ્રદ્ધાના કેન્દ્ર ઉપરાંત પ્રવાસધામ તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે.

 અને હવે તો કેવળ યુવાનો જ નહીં, બાળકો પણ ગિરનાર ચડવાની રઢિયાળી રઢ લે છે…!

રઢ…!

હિન્દુસ્તાની હું ગુજ્જુ છું,
રઢિયાળી છે મારી રઢ,
જાવું મારે જૂનાગઢ !

તારે પઢવું હોય તો પઢ,
નટખટ મારો નિર્ણય દૃઢ,
જાવું મારે જૂનાગઢ !

માલમ ખોલી નાખો સઢ,
ત્યાં છે માતાજીના મઢ,
જાવું મારે જૂનાગઢ !

તારે વઢવું હોય તો વઢ,
મારે જોવા ઊંચા ગઢ,
જાવું મારે જૂનાગઢ !

તું છો ને આગળ બઢ,
મારે ચડવો ગિરીગઢ,
જાવું મારે જૂનાગઢ !

મારી રઢિયાળી છે રઢ,
મારે જાવું જૂનાગઢ!
———————————————————————————
ચાલો ત્યારે ગિરનારની ટોચે પહોંચીએ…  જય ગિરનાર…

– હરેશ દવે: હર્ષદ દવે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે

  • Hitesh Dave

    ચાલો ભૈ ચાલો, ગિરિ પર્વત ચાલો, કદાચ મેઘાનિનિ ચારન્ન કન્યા, રા ખેન્ગાર ના અશ્વો, સમ્રાત અશોક ના જિવનનિ સમ્જન્ન કે પચ્હિ મનોજ નિ મોજ મલિ જાય.

    Literature stalwarts – pardon my grammer (jodni) as I am writing Gujarati via computer for the first time