રતનશી ખડકીની બહાર બેસતુ ટોળુ હવે રોજની જેમ વિખેરાવાની તૈયારીમાં હતુ અને ત્યાંજ કોઇ બોલ્યુ “હવે જવાય છે, હજી જેંતી એક્ટર અહીંથી પસાર નથી થયો, ને તમારે ઘરે જવું છે? બેસોને યાર.. સમય થવા જ આવ્યો છે. હમણાં જ દૂધ લઈને નીકળશે સુપરસ્ટાર…”
ટોળુ ખડખડાટ હસી પડ્યું. ઉભા થયેલાઓએ પોતાની જગ્યા પાછી ગરમ કરવી શરૂ કરી. પોતાનુ હસવું રોકીને મનહર માસ્તરે બોલનારને ખાલી ખાલી ખખડાવાનું શરૂ કર્યું “શું તમે બધા પણ એ બિચારાની મજાક ઉડાડો છો? એ એક દિવસ કશુંક કરી બતાવશે જ..”
“પણ ક્યારે? ૫૦ વર્ષે હીરો બનીને?” ટોળામાંથી વળતો જવાબ મળ્યો. ફરી પાછો એ જ ખડખડાટ ખડકીના નાકે ગૂંજી વળ્યો.
એક માણસ બધાંયને ચૂપ કરાવતા બોલ્યો, “એ.. શીઈઈઈઈ… જો એન્ટ્રી પડી છે..”
ગલીના નાકેથી જયંત જોશી હાથમાં એક દૂધની કોથળી લઈને ખડકી તરફ આવી રહ્યો હતો. બ્રાઉન કલરના એડીની ઉપર સુધીના બૂટ પર કદાચ વધારે પડતી ઘસી ઘસીને કાળી પોલીશ રોજ થતી હશે એટલે એટલે એ કંઇક જુદા જ રંગના દેખાતા હતા. ૩૨ ની ક્મર પર ૩૦ નું ભુરું જિન્સ કચકચાવીને પહેર્યું હતું, જેની અસર ચાલ પર દેખાતી હતી. લાલ ચટ્ટક શર્ટ પર દરરોજ થતી ઈસ્ત્રીના પરીણામે પાસા પડી ગયેલા દેખાતા હતા. કમર પર ડ્રેગનના લોગોવાળો પટ્ટો વધી રહેલા પેટને ખીચોખીચ પકડીને ગોઠવાયો હશે તે દેખાઇ આવતું હતું.
નાનપણમાં રહેલા વાંકોડિયા વાળ સીધા કરવાની સખત મહેનતને લીધે અત્યારે એકટરના વાળ ન તો સીધા કહી શકાય ન તો વાંકોડીયા. ચહેરા પર સુવ્યવસ્થીત કાપેલ મૂછો આકર્ષક હતી પણ વધારે પડતો લગાવેલ પાઉડર જોનારને વિચિત્ર લાગી શકે એમ હતો.
ટોળા પાસેથી પસાર થતી વખતે બેઠેલા બધાંય તુચ્છ મગતરા હોય તેવી અદાકારી કરવી એ એની રોજની ટેવ હતી પણ અંદરથી ઝટ ચાલીને ખડકી પસાર કરી લેવાની ઉતાવળ પણ હતી.
એટલામાં જ કોઈએ બૂમ પાડી, “એકટર, કેમની ચાલે છે એક્ટિંગ ? કોઇક વાર અમારી જોડેય બેસાય બોસ.”
ભૂતકાળમાં આજ ટોળામાં બેસીને ફિલ્મી એકટર બનવાના સપના લોકોને જણાવતા જણાવતા વેઠેલી ખીજથી ચેતી જેંતીએ મોં હલાવીને સ્ટાઇલમાં કહ્યું “મોડુ થાય છે દોસ્તો…” ઉતાવળે જેંતી સડસડાટ ખડકીમાં જતો રહ્યો.
એક જણે બબડીને મન મનાવ્યું “હા ભાઈ.. કાલે સવારે તો પાછી એની શુટીંગની શિફ્ટ હશે..” જેંતીના જવાથી મહામૂલો અવસર ચૂકી ગયા હોય એમ ખડકી પરથી ટોળું છુટ્ટું થયું.
જયંત મનહરલાલ જોશીએ ૧૫ વર્ષની ઉંમરે પહેલી વાર સિનેમામાં ફિલ્મ જોઇ ત્યારે નાનકડા મગજમાં ગાંઠ વાળી હતી કે આવા મોટા પડદે આવવું છે. પછી તો જાણે એકટર બનવુ એના જીવનનો અંતિમ ધ્યેય બની ગયો. શાળા કોલેજના કલાસમાં પણ એને ચોતરફ એકટીંગ જ દેખાય. ગામમાં નાટક કરતી અનેક સંસ્થાઓમાં ગયો પણ નાટક એનું અંતિમ ધ્યેય ન હતું. એને તો કચકડે મઢાવું હતું. આ રીતે રોજ ખડકીમાં સાંજે બેસતા નવરા મિત્રોએ મજાક ખાતર એના વખાણ કરવા ચાલુ કર્યા. ભોળા જયંતને મન એ ઓસ્કર અવૉર્ડ હતા. એણે એની જાતને એક મહાન એકટર તરીકે જોવાનું શરૂ કરી દીધું.
૨૫ થી ૩૦ વર્ષ સુધીની ઉંમરમાં મુંબઈની મુલાકાત કરી ત્યારે એટલું સમજાયું કે સ્થાનિક ફિલ્મોમાં થોડુ કામ કરીએ તો પછી હિન્દી ફિલ્મોમાં ઘૂસી જવાય એટલે વળી પાછું ગુજરાત ભણી જોયુ. આમનેઆમ પાંચ વર્ષ વીત્યા. કોઇ કોઇક ગુજરાતી ફિલ્મોમાં ગુંડાની ગેંગમાં તો રાજાની પાછળ ઉભા રહેતા સૈનિકના રોલ એને મળી જતા.
જેંતીની ફિલ્મોની ખણજને જાણતા લોકોએ એને ખંખેરવાનો એક પણ મોકો ન છોડ્યો. મા વિનાનો જેંતી નાનપણથી પિતા સાથે રહેતો. પિતાના ગુજરી જવા પર આવેલ વીમાની રકમ ‘જંતર મંતર’ નામની પ્રોડક્શન કંપનીને આપી પોતાની ફિલ્મ બનાવાની શરૂઆત પણ કરાવી. કંપનીના ડાયરેક્ટરે એક જુદા જ પ્રકારની ગુજરાતી ફિલ્મ ‘પહેલો દાવ’ બનાવાનો વાયદો કર્યો. આ વખતે લાગ્યું કે એ ચોક્કસ હીરો બની જશે. આખરે જયંત હીરો બન્યો પણ ખરો. ફિલ્મ રીલિઝ થઇ. જે દિવસે પોતાના ગામના બસસ્ટેન્ડ પાસે પોતાની ફિલ્મનુ પહેલુ બોર્ડ ચડાવેલું જોયું એ દિવસે એને શેર લોહી ચડ્યું. અને એ આખુ અઠવાડીયું રોજ સવારે તૈયાર થઇને પોસ્ટરની નીચે જઇને ઉભો રહે. આવતાજતા લોકોમાંથી કેટલા એને જુએ છે અને કેટલા બોર્ડને એ જોઇ રાજી થાય. ગામના એકમાત્ર થિયેટરમાં જયારે ફિલ્મ લાગી ત્યારે મેનેજરે તો કોઇને મફતમાં બતાવવાની ચોખ્ખી ના પાડી દીધી તો પોતાના પૈસે અડધા ગામને પોતાની ફિલ્મ બતાવી. ફિલ્મ એક અઠવાડીયુ ટકી, ત્યાં સુધી કોઈ હોય કે ન હોય – જેંતી થીયેટરમાં હોય જ.
મુંબઈથી આવેલ એ ડાયરેક્ટરના વાયદા પ્રમાણે ફિલ્મ તે વખતની ગુજરાતી ફિલ્મોથી જુદી જ હતી જેથી પ્રેશ્રકોએ પણ એને જુદી જ માની. અંતે આખા ગુજરાતમાંથી બે અઠવાડીયામાં તો ફિલ્મ ઉતરી ગઈ. જેંતી પાસે હવે રતનશી ખડકીના ઘર સિવાય કંઇ જ બચ્યું ન હતું.
થોડા દિવસો દુઃખમાં ગયા. બે ચાર વડીલ પાડોશીઓએ તો નોકરી કરવાની સલાહ પણ આપી. એક્ટિંગની ઇચ્છા છોડી નાછૂટકે નોકરી કરવાની તૈયારી થઈ. દયા ખાઇને ગામના પેલા થિયેટરના મેનેજરે એને ટિકીટબારીએ ટિકીટ વહેંચવાની નોકરી આપી.
પહેલીજ વાર ઈનશર્ટ કર્યા વગર, સ્લિપર પહેરીને જેંતી ઘરની બહાર નિકળ્યો.
સવારથી બન્ને શોમાં, નાનકડી બારીમાં હાથ નાખીને જયારે કોઇ પૈસા બતાવીને એમ કહેતુ કે “એકટર, બે બાલ્કની આપોને.” ત્યારે ટીકીટ તો પછી ફાટતી પણ જેંતીના હૈયામાંથી ચરરર.. નો અવાજ આવતો.
પહેલા દિવસની નોકરીની સાંજ થવા આવી. ત્રીજા અને ચોથા શૉ ની વચ્ચેના સમયમાં નવરા બેઠેલ જેંતીની નજર, સામે મારેલ ફિલ્મના પોસ્ટરની ધારે જતા એક મંકોડા પર પડી. પોતાના કદ કરતા બમણા પોપકોર્નના ટુકડાને લઇને ઉપર જતા એ મંકોડાથી અનેક વાર એ ટુકડો પડી જતો. દરેક વખતે વળી પાછો એ જ ટુકડાને નીચે જઈ, લઈ આવી એ મંકોડો ફરી ઉપર ચડતો. અજાણપણે તે આ યત્ન અને પ્રયત્નને એકીટશે જોવા લાગ્યો. અચાનક એક કલાકે ઈન્ટરવલનો બેલ જોરથી વાગ્યો અને જેંતીનુ ધ્યાન મંકોડા પરથી હટ્યું. કદાચ મહાભારતના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણે જે ગીતાજ્ઞાન અર્જુનને આપેલુ તેનાથી મોટું જ્ઞાન જેંતીને આ મંકોડાએ આપ્યું.
એણે સૌ પહેલા તો ઉભા થઇને ઇનશર્ટ કર્યુ, ત્રીજા શૉ નો હિસાબ મેનેજરના હાથમાં સોંપી, એમને સલામ કરી થિયેટરની બહાર નીકળી ગયો.
અંત ૧
બીજા દિવસ સવારથી એ જ ત્રણ જોડ કપડાને ટાઇટ ઇસ્ત્રી કરીને એણે ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓને મળવાનુ ચાલુ કર્યુ. તે દિવસથી લઇ આજે ૫૧ વર્ષે પણ એની અંદર પેલો પોપર્કોન લઇ ઉપર ચડતો મંકોડો જાગ્રત છે..
અંત ૨
આ વાતને ઘણો સમય થયો, આટલા વર્ષે જેંતીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાંજ ઓળખવા માંડ્યા. હવે એની ઉંમર પણ થઇ, વર્ષે બનતી ૩૦ થી ૪૦ ગુજરાતી ફિલ્મોમાંથી ૧૩ કે ૧૪ માં તો જેંતીને સાઇડ રોલ મળતો થઇ ગયો. જેંતીના મનમાં તો હજીયે એક એકટર તરીકે બધે ઓળખાવાની તરસ અકબંધ હતી. રોજ સવારથી નીકળી અભિનય કરતો, સંઘર્ષ કરતો જેંતી સાંજ પડે દૂધની એક થેલી લઇને ઘરે આવતો. અચાનક એક દિવસે મુંબઇથી ફિલ્મ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઇએ એને ફોન કરીને એક હિન્દી ફિલ્મમાં એક ખૂબ અગત્યના અને મોટા રોલ માંટે એમની પંસદગીની જાણ કરી. મુંબઈ જવા આવવાની શતાબ્દીની ટિકીટ પણ મોકલી.
મુંબઈ સ્ટેશને કોઇ કુલીએ સ્ટેશન પોલીસને જાણ કરીકે એક વૃદ્ધનો મૃતદેહ સી-૭ ડબ્બામાં પડ્યો છે. પોલીસે આવીને જોયું તો ત્યાં ભીડ હતી. ૫૧ નંબરની સીટ પર એક અજબ સંતોષી સ્મિત સાથે સૂતા હોય એવા આધેડને જોઇ ટોળામાંથી કોઈક બોલ્યું, “અલ્યા, આ તો કોઇ એક્ટર છે. બહુ ગુજરાતી ફિલ્મોમાં આવે છે.”
આ વખતે બાજુની બારીની ધારે ઉપર ચડતો મંકોડો છેક ઉપર પહોંચી ગયો.
– ડૉ. હાર્દિક યાજ્ઞિક
અંત ૩
આ વાતને ઘણો સમય થયો. સતત મહેનત અને ચક્કરોને લીધે તેને ઘણી ગુજરાતી ફિલ્મો અને સીરીયલોમાં સાઇડ રોલ મળતો થઇ ગયો. અચાનક એક દિવસે સાઉથની એક ફિલ્મમાં સહયોગી એક્ટર તરીકે, રોલની ઓફર મળી, જેંતીએ તક સ્વીકારી લીધી. આ ઉંમરે પણ નવી ભાષા શીખવાનો યત્ન આદર્યો, શૂટિંગ માટે સાઊથના ફેરા પણ કર્યા. વાળની, કપડાંની, બૂટની અને પોતાના હાવભાવની પોતાની જ જેંતી સ્ટાઈલ એણે વિકસાવી. બે વર્ષની સખત મહેનતને અંતે ફિલ્મ રીલીઝ થઈ ત્યારે જેંતી ઉર્ફ જયંતકુમારનો અભિનય મુખ્ય અભિનેતાથી પણ વધુ વખણાયો અને તે સાઊથની ફિલ્મો માટે અચાનક જ સિતારો બનીને ઉભર્યો. એક પછી એક ફિલ્મોની ઓફર એ સ્વીકારતો ગયો, પચાસ વર્ષનો જેંતી મેકઅપની કમાલે ૨૫નો લાગતો અને વીસ વર્ષની હિરોઈન સાથે તે જોડી બનાવતો, ફિલ્મો હિટ થતી રહી. હવે તે મુખ્ય અભિનેતા હતો, બ્રાઊન કલરના શૂઝ અને લાલ પાસા પડેલ શર્ટની ફેશન નીકળી પડી, એ સાઉથમાં જ સ્થાયી થઈ ગયો.
અને એક ડાયરેક્ટર જેંતી પાસે તેની પહેલી ફિલ્મ ‘પહેલો દાવ’ ના સાઉથના રીમેક માટે આવ્યો, વિચારથી પ્રભાવિત જેંતીએ જંતરમંતર પ્રોડક્શન કંપનીને સજીવન કરી અને પોતે જ એ ફિલ્મ પ્રોડ્યૂસ કરી. તેના આશ્ચર્ય વચ્ચે એ ફિલ્મ ફક્ત જેંતીનું નામ પડવાને લીધે સુપર હિટ રહી… જેંતીની ઈચ્છા મુજબ ફિલ્મ ડબ થઈને તેના ગામના પેલા થિયેટરમાં રીલીઝ થઈ, સુપરસ્ટાર જેંતીને નિહાળવા આખુંય ગામ ટોળે વળ્યું, રતનશી ખડકીમાં લોકો ટોળે વળ્યા હતાં અને ત્યાં જ કોઇ બોલ્યુ “કદાચ આજે એક્ટર અહીંથી પસાર થશે…”
આ વખતે મંકોડો છેક ઉપર પહોંચી ગયો.
– જીજ્ઞેશ અધ્યારૂ
હાર્દિકભાઈ યાજ્ઞિકે એક વાર્તા મોકલી, અને પછી ફોન પર કહ્યું કે એ વાર્તાના તેમણે બે અંત મૂક્યા છે, તેમણે મને પસંદ પડે તેવો અંત સ્વીકારવા જણાવ્યું. પરંતુ વાર્તા વાંચી તો ક્યાંક મને એક અલગ જ અંત આપવાની ઈચ્છા થઈ આવી, અને એ અંત લખીને મેં તેમને મોકલી આપ્યો. તેમણે સહર્ષ તેને વધાવ્યો. એ ત્રણેય અંત સાથે વાર્તા આજે પ્રસ્તુત કરી છે. કદાચ આ નવો પ્રયોગ છે, અને અક્ષરનાદની પ્રયોગખોર છબીને આથી વધુ બળ બીજુ શું જોઈએ? વાચકમિત્રોને પણ હાર્દિકભાઈએ ઈજન આપ્યું છે, તમને ત્રણમાંથી કયો અંત ગમ્યો તે કહો અથવા તમારી સર્જનાત્મકતાને આધારે કોઈ નવો જ અંત સૂઝે તો પ્રતિભાવમાં મૂકો. અક્ષરનાદને કૃતિ પાઠવવા, અખતરાઓ કરવા અને સાહિત્યક્ષેત્રને સદાય કાંઈક ‘નવું’ આપ્યાના દેખાડા સિવાય, કામ કરતા રહેવા બદલ આભાર વ્યક્ત કરીશું તો તેમને જ નહીં ગમે…
બિલિપત્ર
હું અભિનેતા છું,
પરંતુ એટલો બધો સારો અભિનેતા નથી,
તેથી હું રાજકારણમાં જતો નથી..
– કમલ હસન
બહુ જ સરસ
ત્રિજો અન્ત સરસ છે
બહુ ઓછા લેખકની હિમંત હોય કે પોતાની વાર્તાનો અંત અન્યના હાથમા સોપી દે . આ પ્રયાસને સાદર સલામ.
ત્રિજો અન્ત સરસ સરસ છે. દિલિપ પટેલે જે પોતાના વિચારો રજુ કર્યા તે પણ કાબેલે તારિફ છે.
૩ જૉ અંત સુંદર છે.
ત્રીજો અંત સારો લાગ્યો. જો ક્રમ આપવાનો હોય તો છેલ્લેથી શરૂ કરવું પડે. મતલબ ત્રીજો અંત પ્રથમ, બીજા ક્રમે બીજો અંત અને ત્રીજા ક્રમે પહેલો અંત. વાર્તા વાંચવાની મજા આવી..
થાકવાનું ભૂલી જઈએ તો પામવાનું જરુર થાય.
જયંતમાં અભીનય ક્ષમતા નહિં હોય ,અને એના પરિણામે એણે જીવનભર સંઘર્ષ કરવો પડ્યો હશે એમ કેમ માની લઇએ? એનામાં રહેલ અભીનયકલા પારખનાર કોઇ સક્ષમ ડાયરેક્ટર ન મળ્યો હોય એમ ન બન્યું હોય હું આગળ કહી ગયો છું તેમ જયંતે ગુજરાતી ફિલ્મોમાં સ્થાયી થવા ફાફાં માર્યા જ્યાં ગોકીરાને મનોરંજન સમજનાર અને સમજાવનાર ડાયરેક્ટરો એને મળ્યા.
મારી દ્રસ્ટીએ લેખકે આપેલ વાર્તા એ કદાચ ઇન્ટરવલ કહી શકાય.કહાની અભી બાકી હૈ મેરે યાર્.ચાલો ઇન્ટરવલ પછીની કથાને વધું રોમાંચક બનાવીએ.અંત-૩ માં જયંત દક્ષિણના ફિલ્મ જગત સાથે સંકળાઇને ત્યાં જ સ્થાયી થઇ જાય છે.(મારી દ્રસ્ટીએ દક્ષિણની મોટા ભાગની ફિલ્મો સસ્તા મનોરંજનથી વિશેષ કાંઇ જ નથી)એટલે જ અંતને જરા વધું પોલીશદાર બનાવીએ.
ઇન્ટરવલ પછીની કહાનીઃ-
પરેશભાઇએ મુંબઇમાં યોજાયેલ ફિલ્મ ફેસ્ટિવલમાં જયંતના અભીનયવાળી એક ગુજરાતી ફિલ્મ જોઇ.પોતે પણ એક આલા દરજ્જાના અદાકાર હોવાને નાતે(કદાચ પરેશ રાવલ તો નહિં હોય?)તેમને જયંતના અભીનયમાં રસ પડ્યો.વધુ પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે જયંત ગુજરાતી ફિલ્મોમાં સંઘર્ષ કરતો એક મામુલી ચરીત્ર કલાકાર છે.તેમને લાગ્યું કે જયંત નામના હિરાને પોલિશ કરવાની જરુર છે, એટલે એમણે તેને મુંબઇ બોલાવ્યો.
સમાંતર સિનેમામાં બિજોય ચક્રવર્તી એક મશહુર નામ ગણાતું. તેની ગણના એક પરફેક્શનિસ્ટ ડયરેક્ટરોમાં થતી હતી.તેની ફિલ્મોમાં રોજબરોજ બનતી ઘટનાઓનો પડઘો પડતો. કહેવાતી તેની આર્ટફિલ્મો માસ અને ક્લાસ બન્નેયને પસંદ પડતી.છાપામાં આવતા તેની નવી મૂવિની જાહેરાતના સમાચારથી જ લોકો તે ક્યારે થિયેટરમાં લાગે તેનો ઇન્તજાર કરતા.હાલમાં જ બિજોયે નવી મૂવી બનાવવાની જાહેરાત કરી હતી,એ સંદર્ભમાં પરેશભાઇએ જયંતની મુલાકાત બિજોય સાથે કરાવી.પરેશભાઇ જેવી વ્યક્તિ ગમેતેવાની સિફારીશ તો ન કરે એમ માની તેણે જયંતનો સ્ક્રિન ટેસ્ટ લીધો.મનોમન તો જયંતને તેણે પાસ કરી જ દિધો,પણ તેમ છતાં ચોકસાઇના આગ્રહી એવા એણે જયંતને હજી પણ વધુ સંવાદો અવનવી ઢબે બોલાવીને ખાતરી કરી લીધી.અને હવે શરૂ થયો જયંતના જીવનમાં સફળતાનો એવો તબક્કો કે જે તેણે કરેલા તમામ સંઘર્ષનું સાટુ વ્યાજ સાથે વાળી દેવાનો હતો.
બિજોયે શરૂ કરેલ નવી ફિલ્મ શ્રીલંકામાં રહેતા તમિળો પર સિંહાલી લશ્કરે ગુજારેલ ત્રાસ,અને પરિણામે વિસ્થાપિત થતા તમિળ કુંટુંબો,તેમની લાચારી,મજબુરી વિ.અંગેની હતી. જયંતના સદનસીબે બિજોયે તેને એવા જ એક તમિળ કુંટુંબના વડાનો રોલ આપ્યો હતો.પોતાની આંખ સામે હણાતા પોતાના ભાઇઓ,દિકરાઓ,નજર સામે ચુંથાતી પોતાની પત્ની,દિકરીને જોઇ એક ભાઇ,બાપ કે પતિનો રોલ એણે એવી રીતે ભજ્વ્યો… એવી બખુબી રીતે ભજ્વ્યો કે ખુદ બિજોય પણ તેના અભિનય પર ઓવારી ગયો.બિલકુલ ઓછી પબ્લિસીટી વિના જયંતની પહેલી મુખ્ય ભુમિકાવાળી બિજોયની ફિલ્મ ‘કાર્નેજ બાય લાયન્સ’ સિનેમાઘરોમાં પ્રદર્શીત થઇ.પ્રેક્ષકને વિચારતા કરી દિધા જયંતના જીવંત અભિનયે.પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્ મિડિયાએ જયંતના અભિનયની મુક્ત મને ભરપૂર પ્રશંસા કરી.પોતાના અભિનયથી જયંતે માસ અને ક્લાસના મન પર અમીટ છાપ છોડી.હંમેશની જેમ બિજોયની આ ફિલ્મ પણ ખુબ સફળ થઇ.સજ્જન એવા બિજોયે તેનો સઘળો યશ જયંતને આપ્યો.પોતાની સમગ્ર કારકિર્દિમાં આજ જયંતને પહેલી વાર આટલી બધી પ્રશંસા પ્રપ્ત થઇ હતી.બોલિવુડના ખેરખાંઓએ પણ જયંતના મુક્તમને વખાણ કર્યા.
જયંતની આ ફિલ્મ વિદેશોમાં યોજાતા ફિલ્મ ફેસ્ટીવલોમાં પ્રદર્શિત થતી ગઇ તેમ-તેમ તેને જોનારા આફ્રીન પોકારી જવા લાગ્યા.એ વર્ષે શ્રેષ્ઠ અભિનય માટેનો નેશનલ એવોર્ડ જયંતને અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ એવોર્ડ બિજોય ચક્રવર્તીને મળ્યો.ત્યાર પછી પણ બિજોયની ત્રણ અલગ વિષયો પર આધારીત ફિલ્મો જયંતે કરી.હવે જયંતનું નસીબ તેને હૉલીવુડથી પોકારી રહ્યું હતું.એક ઇન્ડો-અમેરિકન પ્રોજેક્ટ અંતર્ગત જયંતે એક એવા સાયન્ટીસ્ટની ભુમિકા ભજવી કે જે પોતાના ઐહિક સુખ,કુંટુંબ જીવનનો ત્યાગ કરી અપાર મુશ્કેલીઓ વેઠીને પણ પોતાના દેશને મિસાઇલયુગમાં લઇ જાય છે(ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનું જ પાત્ર કહોને !)
અમેરિકાના લોસ એન્જેલીસમાં આવેલુ કોડાક થિયેટર!
કાર્યક્રમ છે ઑસ્કર ઍવોર્ડસ!!!!!
આખું થિયેટર આમંત્રીત મહેમાનોથી ખીચોખીચ ભરાઇ ગયું છે.એક પછી એક ઍવોર્ડની જાહેરાત થવાની શરૂઆત થઇ.હવે વારો છે વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિચર ફિલ્મના ઍવોર્ડનો…..
“એન્ડ ઑસ્કર ગોઝ ટુઉઉઉઉઉઉઉ ‘ધ મિસાઇલ મૅન’ ”
ચાલુ વર્ષે નવો ઉમેરાયેલ શ્રેષ્ઠ વિદેશી ફિલ્મના અભીનેતાનો ઍવોર્ડ્ અને તેની જાહેરાત………
” એન્ડ ઑસ્કર ગોઝ ટુ મી.જયંથ પાંડ્યા ફોર હિસ આઉટસ્ટેન્ડીંગ પર્ફોરમન્સ ઇન ‘ ધ મિસાઇલમૅન’ !”
ભારતની પ્રુષ્ઠભુમિ ધરાવતી ફિલ્મને બબ્બે ઑસ્કાર મળ્યા હતા.જયંત તેના જીવનના ઉર્તરાધમાં અપાર પ્રશંસા પામતો રહ્યો.રતનશીની ખડકીના પેલા ચુગલીખોર અભાગીયાઓ હજી ત્યાંના ત્યાં જ છે.ગુજરાતની પ્રજાનું સસ્તુ મનોરંજન કરનાર પેલા ડફોળ ડાયરેક્ટરો પણ હજી ત્યાંના ત્યાં જ છે અને રાધા, પ્રેમ,ઠાકોર,ચુંદળીનો કચરો વાળે છે.જયંત આજે તેમની પહોંચ બહારની વાત ગણાય છે કારણ કે તેઓ જાણે છે કે જયંતને ડિરેક્ટ કરવો એ એમના લાયકાત બહારની વસ્તું છે.
જયંત આજે હૉલિવુડમાં રહે છે,પણ એ પરેશભાઇને જરાય ભૂલ્યો નથી.અને હા,બિજોય ચક્રવર્તી માટે જયંત પિતા બરાબર છે.
અસ્તુ.
મને જે અને જેવી કલ્પના થઇ એ મુજબ લખ્યું છે.અસંખ્ય જોડણીભૂલો,વ્યાકરણની ભૂલો પણ થઇ હશે.મહેરબાની કરી તેને અવગણશો.
આભાર.
પ્રથમ અંત યોગ્ય લાગે છે. આ અંત દ્વારા વાચક પોતાની કલ્પનાશકતી થી પોતાને ગમતો અંત કલ્પી શકે છે.
‘એક્ટર’ વાર્તા વાંચી.બે અંત લેખકે પોતે લખ્યા છે અને ત્રીજો અંત જીગ્નેશ અધ્યારુએ લખ્યો છે.જો કે લેખક પણ ત્રીજો અંત લખી શક્યા હોત.એક વ્યક્તિના સંઘર્ષ અને તેના પરિણામોને અનેક રીતે હકારાત્મક અથવા તો નકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વાર્તાનો ત્રીજો અંત મોટા ભાગના વાચકોને પસંદ આવ્યો એજ બતાવે છે કે આપણા સૌમાં હવે હકારાત્મક અભિગમ વિકસતો જાય છે.આપણે જોઇએ છીએ કે, હાલમાં ભારે પબ્લીસિટીના સહારે કે પછી ઇન્ડસ્ટ્રીમાં કોઇને પોતાનો ગોડ ફાધર બનાવીને ગમેતેવા લોકો પણ એક્ટર બની જાય છે.જ્યારે જયંત જોશી જેવા પોતાની અડધી જવાની ખર્ચી નાખીને પણ સફળતા નથી મેળવી શકતા.
ચલો ,આપણે અભીનયને ધ્યાને રાખી કેટલીક વાત કરીએ. આપણા જ્યુબિલીકુમાર રાજેન્દ્રકુમારની એક્ટિંગ વિવેચકોએ ક્યારેય વખાણી ન હતી છતાંય એમની મોટા ભાગની ફિલ્મો જ્યુબિલી હિટ રહી હતી.એનાથી વિપરીત અમોલ પાલેકર કોઇને યાદ પણ છે?વિવેચકોએ સદાય એમનો અભિનય વખાણ્યો છે,તેમ છતાંય તેઓ ખ્યાતિ મેળવી શક્યા નથી.ટુંકમાં રાજેન્દ્રકુમારને એમની ફિલ્મોના ગીતોએ ખ્યાતી અપાવી જ્યારે અમોલ પાલેકર જેવા અભિનેતાઓ પોતાના અભિનયના જોરે વિવેચકો દ્વારા ખ્યાતી પામતા રહ્યા.
કોઇ કલાકારની સફળતા માટે ઘણા બધાનો ફાળો હોય છે. આપણા નાયક જયંતે પોતાનો સંઘર્ષ જ ખોટી જગ્યાએ કર્યો હતો.એને બદલે જો તેણે હિન્દી ફિલ્મો માટે આટલું કર્યું હોત તો તેની સફળતાના ચાન્સ વધી ગયા હોત.પોતાના જીવનકાળ દરમિયાન કોઇ ક તો એવો ડાયરેક્ટર મળ્યો જ હોત કે જે એની પાસે વખાણવા યોગ્ય અભિનય કરાવી શકે(અલબત્ત્,જો એનામાં અભિનય ક્ષમતા હોત તો).
(વાર્તાનો પાંચમો અંત આવતી કાલે.વાક્યોમાં આવતી જોડણીભૂલો અવગણવી)
૩ જો અન્ત એક્દમ બન્ધ બેસતો ———
સરસ વાર્તા.
Third end is fitting. Person who works and puts efforts to come forward in Film acting needs some encouragements.
ખુબ જ સરસ વાર્તા બનાવી છે. ત્રીજો અંત એકદમ બંધ બેસતો છે .
બીજો અંત ખરેખર અદ્ભુત કહી શકાય. ત્રીજા અંત વિશે એવુ કહી શકાય કે વાર્તા એક સીધા સરળ રસ્તા અંત પર પહોચી જાય. મકોડો અહી એક આશાના રુપમાં વપરાયો છે, જેંતી હારે છે પણ નાસીપાસ નથી થતો,એના દિલમાં આશારુપી મકોડો ઉપર ચડતો રહે છે,નીચે પડતો રહેછે ,ત્યાસુધી જ્યાસુધી એને એક મોટી તક નથી મળતી અને જ્યારે એ મળેછે ત્યારે આશાઓ અને વર્સૉની મહેનત પુરી થવાની ખુશીમાં એ…. આખરે આજે મકોડો ઉપર પહોચી ગ્યો છે.ટોચ પર્.
બેીજો અઁત મને સારો લાગ્યો. સઁવેદનશેીલ , દિલને સ્પર્શેી જાય તેવો લાગ્યો…
ત્રીજો અંત પોઝિટીવ છે એટલે સૌને ગમી જાય જ. હિન્દી ફિલ્મોમાં જેમ અંતે બધું સારું થઇ જાય તેવું જ કઈક..ફીલ ગુડ.. પરંતુ બીજો અંત વાર્તા તત્વને વધુ ઉજાગર કરે છે. બાકી એક વાર્તા લેખક હોવાને નાતે મને હર્ષદ દવેએ લખેલો અંત વધુ સારો લાગ્યો..
III rd end is super . Like it.
Today nobody wants Tragedy. every body wishes that the smart / hard will definately catch the goal .
Contact Daud for better future.
ખરેખર તો ૩ નંબરનો અંત જ પરફેક્ટ છે.
3rd end is good and positive, but 4th end written by Shri Harshad Dave is also good one as it reflects real lives. Both ends are helpful in carrier choice.
Last is THE BEST…
ત્રીજો અંત સર્વ શ્રેષ્ઠ છે.
ત્રીજો અંત શ્રેષ્ઠ છે.
કાંઇક કરવાની કે બનવાની ધગશ માણસ હોવી જોઈએ. તે સાથે તેને અનુરૂપ સમજણ પણ હોવી જોઈએ. પોતાની ટૂંકી સમજણ મુજબ જયંતીએ પોતાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ કર્યો…ફિલ્મ જગતની વાસ્તવિકતાથી અજાણ જયંતીએ વલખા ઘણાં માર્યા…ધીમે ધીમે તે ઉપર આવ્યો અને લોકપ્રિય બન્યો તે સારો, સકારાત્મક અંત કહી શકાય. મૃત્યુ પામવું અને નિષ્ફળ જવું એ પણ નરી વાસ્તવિકતા જ છે પરંતુ તેમાં પ્રેરક તત્વ ખાસ નથી, પ્રાણાંતે પણ પોતાના સ્વપ્નને સાર્થક કરવા વળગી રહેવું એ ઉત્સાહ પ્રેરક નથી. કરતાં જાળ કરોળીયો અનેકવાર પાડીને છેવટે જાળું રચે એ ગળે ઊતરે તેવી વાત છે. બંનેને અભિનંદન. નવો અંત આવો આપી શકાય?
અંત: ૪
જયંતીનાં વાળની કાળાશ હવે ઘટી હતી. પણ તેનો ઉમંગ એટલો જ તરવરિયો હતો. હવે તેને દુનિયાદારીનું ભાન થયું હતું. તેણે જે સમય ગુમાવ્યો તે ફરી આવવાનો ન હતો. તે જીવનમાં બીજું પણ ઘણું કરી શક્યો હોત તે તેને રહી રહીને સમજાવા લાગ્યું હતું.
ઠેકડી ઉડાવતું રતનશી ખડકીનું ટોળું પણ હવે બહુ મહેણાં ટોણા મારતું ન હતું. હવે તો કોઈ જયંતી પસાર થતો હોય તો તેની સામે નજર પણ કરતું નહોતું. પણ જયંતી તે ટોળાં સામેથી પસાર થતાં એક સૂચક દૃષ્ટિ જરૂર કરતો.
એક વખત તેને રસ્તામાં જયા મળી. હાથમાં પોટલું. આગળ-પાછળ જોતી, ડરતી, ગભરાતી તે ક્યાંક જતી હતી. જયંતીએ પૂછ્યું, ‘આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી?’ જયાએ જયંતીકાકા સામે જોયું. આજુબાજુ કોઈ ન હતું છતાં તે ધીમે સાદે બોલી, ‘કાકા કોઈને કહેશો નહીં, હું હિરોઈન બનવા માટે મુંબઈ જાઉં છું, ઘરે કોઈને કહ્યું નથી.’ જયંતીને ક્ષણભર એ સમય યાદ આવ્યો જયારે તે પરેશભાઈનાં ફોન પર મુંબઈ જવા નીકળ્યો હતો. ત્યાના કડવા અનુભવો અને બીજાં તેનાં જેવાં અભરખા ધરાવતા ઘણાં લોકોની વાત યાદ આવી. જયા જતી રહી રહી. જયંતી સાંજનું અંધારું ઘેરાઈ જાય તે પહેલાં ઝડપથી સ્ટેશને પહોંચ્યો. જયા એક બાંકડા પર બેઠી હતી. તે મુંબઈની ટ્રેનની રાહ જોઈ રહી હતી. જયંતી તેની પાસે ગયો અને તેણે ખૂબ જ મમતાપૂર્વક તેનાં માથે હાથ મૂક્યો, જયા અચાનક સ્પર્શથી ડરી, ચમકી…જયંતીએ ખૂબ જ સ્નેહથી તેની પાસે બેસી કહ્યું…’જો બેટા,…’
ટ્રેન આવી, ગઈ. જયંતી અને જયા ગામ તરફ જતાં જતાં ટ્રેનની ચીસ સાંભળતા રહ્યાં…બંનેના હૃદયમાં એ ચીસના પડઘા ગુંજતા રહ્યાં…
-હર્ષદ દવે.
આવી સુંદર અને માહિતી સભર વાર્તા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ વાર્તાને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..
શાહરુખખાન પણ પ્રથમ તો દીલ્લીના થીએટરમાં નોકરી કરતોજ હતોને, ક્યાંથી ક્યાં પહોંચી ગયો…..પહેલા બે અંત કરતાં ત્રીજો આશાવાદી અને આશ્ચર્યકારક સુખદ છે, એટલે ત્રીજો અંત વધારે ગમતો અને બંધબેસતો છે. મંકોડાની ઉપમા બહુ સરસ રીતે સમજાવી છે.
બહુ સુંદર વાર્તા છે.
The 3rd End is very nice. He deserves it.