ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 12


૧. શહેરમાં મોસમ..

શહેરમાં હવે એ મોસમ રહી નથી!
ફૂલો ખીલે છે પણ
ખુશ્બૂમાં પહેલા જેવી વાત નથી.
પવને પોતાની શીતળતા ગુમાવી દીધી છે.
સુરજને કંટાળો આવે છે
ને ચંદ્ર બગાસા ખાધા કરે છે.
આકાશ પણ ગમગીન છે ને પંખીઓ ચૂપ!
વરસાદી ઝાપટા પડ્યા કરે છે
છતાં કશુંય પલળતું નથી!
સુના થઇ ગયેલા રસ્તાના
નિસાસા સંભળાયા કરે છે.
મને ફૂલ, પવન, સૂરજ, ચંદ્ર, આકાશ, વરસાદ અને
રસ્તાની દયા આવે છે પરંતુ
એ બધાને હું
કેમ કરી સમજાવું
કે
શહેરમાં હવે એ મોસમ રહી નથી!

૨. તું નહિ હોય

કાલે સુરજ ફરીથી ઉગશે
મંદિરમાંથી ફરી એજ ઘંટારવ સંભળાશે
છાપાવાળો નિયત સમયે આવી છાપું નાખી જશે
વહેલી સવારે ઊઠીને
લોકો ઓફીસ તરફ ચાલી નીકળશે
રસ્તાઓ ફરીથી વાહનોની ચીસાચીસથી ગુંજી ઉઠશે
પેલો ફૂટપાથ પરનો ભિખારી પણ ત્યાં જ બેઠો હશે
તૂટેલો બાંકડો કાલે પણ એકલો હશે
ને રસ્તા પર ઉગેલા વૃક્ષો કાલે પણ હવા સાથે
લહેરાતા હશે
કશુજ બદલાશે નહીં,
માત્ર પેલા ઉદાસ ઘર સિવાય જ્યાં
તું નહિ હોય,
ને તારા વિના
હવેથી મારામાં હું નહીં હોય!

૩. આકાશની વેદના

આટઆટલા પતંગોની વચ્ચે
આકાશે
સાવ એકલા જોયા કરવાનું?
બે ઘડી સાથ આપ્યાનો
આભાસ ઉત્પન કરી
સઘળું સમેટાઈ જવાનું!
પછી આકાશ શું કરશે?
…જોયા કરશે,
ધુમ્મસની પેલે પાર ના દ્રશ્યો!

૪. રણની વ્યથા

એકાદ વરસાદી ઝાપટું પડી ગયું તો શું?
રણે લીલાછમ હોવાના સપના જોવાના?
હવે વાદળો કોઈ હર્યાભર્યા પ્રદેશ તરફ
આગળ વધી ગયા છે ને
હવાની દિશા પણ બદલાઈ ગઈ છે.
એકાદ કાફલો પસાર થઇ ગયો તો શું?
રણે દોસ્તી કરવા માટેના સપના જોવાનાં?
મુસાફરોએ રણના માર્ગ નો ઉપયોગ કરી લીધો છે અને
તેમને મંઝીલ પણ મળી ગઈ છે.
એકાદ આંધી ઉઠી ગઈ તો શું?
રણે આકાશને ચૂમવાના સપના જોવાના?
હવા કોઈ લીલાછમ પર્વત સાથે ટકરાઈ ને
શાંત થઇ ગઈ છે
અને ધૂળ પણ હવે નીચે બેસી ગઈ છે.

– દિનેશ જગાણી ‘અલિપ્ત’

પાલનપુર, બનાસકાંઠાના શ્રી દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા ચાર અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. ચારેય અછાંદસ સુંદર અને અર્થસભર છે. શહેરમાં અનુભવાતા નિરસ ઋતુપરિવર્તનની વાત હોય, જીવનમાં પ્રિય પાત્રની અનુપસ્થિતિના વિચાર હોય, વિચારોના ઝાંઝવાને જોવાનો પ્રયત્ન હોય કે રણની વ્યથાના માર્ગે માણસની એકલતાને વાચા આપવાનો પ્રયત્ન હોય, ચારેય અછાંદસ માણવાલાયક સર્જાયા છે. અક્ષરનાદ પર દિનેશભાઈની આ પ્રથમ કૃતિ છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

બિલિપત્ર

મોત આટલું મગરૂર હશે ન્હોતી ખબર,
દવા સુધી દરદને પહોંચવા દીધું નહીં.
– ચન્દ્રા જાડેજા


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’