ગઝલ અષ્ટક + હસ્તાક્ષર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 8


Jitendra Prajapati

Jitendra Prajapati

૧. બેઠા થવાયું…

નયન બ્હાર એને ન લાવી શકાયું,
રહ્યું એક આંસુ સદા ઓરમાયું.

હતું શાંત પાણી હતું શાંત મનડું,
પડી કાંકરી તો બધું ડહોળાયું.

અમે એક ચોમાસે નળિયાને પૂછયું,
પલળવું ગમ્યું? કે પરાણે તું ન્હાયું ?

મને એક તસવીરે ટીંગાતો જોઈ,
કહે ખાલીપો, હાશ બેઠા થવાયું.

કબુતરની માફક ગમે શાંત રહેવું,
અમારું કહ્યું એટલે ના કરાયું.

૨. નમાવી જોઈએ..

દુઃખનો અવસર વધાવી જોઈએ,
આવ, બે આંખો વહાવી જોઈએ.

પાનખરથી રોજ શું ડરવું હવે?
મોસમો મનની સજાવી જોઈએ.

જીતવાનો આખરી ઉપાય છે આ,
પ્રેમથી માથું નમાવી જોઈએ.

પ્રશ્ન છે, એની રીતે કરશે રજુ,
આપણે ઈચ્છા જણાવી જોઈએ.

એકધારું જિતવાથી શું વળે,
હાર પણ કયારેક પચાવી જોઈએ.

૩. મ્હોરીએ..

જળ તણી સંભાવના સંકોરીએ,
ચાલ, કાગળ પર નદીને દોરીએ.

ફાયદો છે એ જ અત્તર છાંટવાનો,
ફુલ માફક આપણે પણ ફોરીએ.

આપી છે આંખે લીલી ઝંડી અહીં,
એકબીજાના હ્રદયને ચોરીએ?

ના નથી કેવળ હવાનો ભોગ ત્યાં,
હૂંફને લીધે અમે બહુ મ્હોરીએ.

આગ હો કે હો પછી શીતળ ઘટા,
દ્રશ્ય થાય કે સહુ નયનમાં ઓરીએ.

૪. તારા અભાવને..

દિવાલની સમેત બધું ધ્વસ્ત થઈ ગયું,
તારા ગયા પછી ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું.

તારા વિયોગનું આ પરિણામ છે કે શું?
મારું હોવાપણુંય મને ત્રસ્ત થઈ ગયું.

સૂરજ ઉગ્યો હતો હજી તો પ્રેમનો મારા,
ના થઈ ખબર, કિરણ પ્રત્યેક શિદ અસ્ત થઈ ગયું.

તારા અભાવને અંગ ફૂટ્યા કરે હવે,
એનું હોવું કદી પગ, કદી હસ્ત થઈ ગયું.

તારા વિચાર માત્રથી જે ખુશ થઈ જતું,
મન એ; તારા જ લીધે વિષાદગ્રસ્ત થઈ ગયું.

૫. સાચવી છે

એક ઈચ્છાને ઢબૂરી સાચવી છે,
મેં ગઝલ મારી અધૂરી સાચવી છે.

સાચવ્યું છે એણે મારા નામને તો,
મેં ય શ્રદ્ધાની સબૂરી સાચવી છે.

સાવ પાસે આવવાનું ક્યાં બન્યું છે,
ક્યાં કદી એણેય દૂરી સાચવી છે.

જખ્મનો ઉલ્લેખ મારા હાથમાં છે,
હસ્તરેખા મેં વલૂરી સાચવી છે.

હાંસિયો થઈ એક બાજુએ રહીને
પત્રમાં જગ્યા જરૂરી સાચવી છે.

૬. ચહેરો

મને મૂકીને જોજન દૂર ચાલ્યો જાય છે ચહેરો,
તમારી યાદ આવે એ ક્ષણે ગૂમ થાય છે ચહેરો.

નસીબનો સાથ ક્યારેય પણ અહીં મળતો નથી જેને,
નિહાળ્યું છે કે, એ સૌનો અહીં કરમાય છે ચહેરો.

પ્રથમ મેળાપથી છુટ્ટી પડેલી પ્રેમિકા કે’છે,
તમે ચાલ્યા ગયા તોયે હજી શરમાય છે ચહેરો.

ભૂલ્યા હો માર્ગ ત્યારે માત્ર પગલાંઓ જ નહીં કિન્તુ –
ધરી વ્યાકુળતાને ચોતરફ અટવાય છે ચહેરો.

લખું છું આજ વર્ષો બાદ એને પત્ર હું મિત્રો,
હજી પણ જેમને મારો અહીં સમજાય છે ચહેરો.

૭. આયનો

શ્વાસમાં એને અમે ક્યારેક સંકેલી હતી,
ચોતરફ મારા હવાની જે સતત હેલી હતી.

આગ કેરા આ બનાવે દોસ્ત હું નિર્દોષ છું,
હાથમાં દીવાસળી પહેલેથી સળગેલી હતી.

આજ વર્ષો બાદ એનો પત્ર મુજને સાંપડ્યો,
શી ખબર, અત્યાર લગ એ કોના પર ઘેલી હતી.

આયનો કેવળ હવે પ્રતિબિંબ બતાવે છે તને,
જાત તારી આમ તો પહેલેથી બહુ મેલી હતી.

કે ખરે ટાણે હું આંખે અશ્રુ ના લાવી શક્યો,
વાત રડવાની નહીં તો, મારે મન સહેલી હતી.

૮. આપીને

મહેક કેરો ખિતાબ આપીને
એ ગયા છે ગુલાબ આપીને

એક બસ એમને જ જોયા છે,
ખ્વાબને સહેજ દાબ આપીને.

હા, સવાલો સરળ હતા સર્વે,
એમ છૂટ્યા જવાબ આપીને.

પત્રની જરૂરીયાત લાગી નહીં,
પ્રેમ પામ્યો કિતાબ આપીને.

લ્યો હ્રદય આપને અર્પું છું હું,
આપશો શું? જનાબ આપીને..

૯. હસ્તાક્ષર ગઝલ

Jitendra Prajapati Ghazal

આજે શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે અને તેમને આપણી શુભેચ્છાઓ પાઠવવા તેમની જ આઠ ગઝલો અને એક પ્રલંબ લયની અતિસુંદર હસ્તાક્ષર ગઝલ પ્રસ્તુત કરવાથી વધુ ઉપર્યુક્ત માધ્યમ કયું હોઈ શકે? બધી જ ગઝલો સુંદર અને બંધારણની રીતે ચુસ્ત છે, પ્રલંબ લયની ગઝલ તો વળી એક અનોખા વિશ્વમાં જ લઈ જાય છે. આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેઓ સતત આમ જ આગળ વધતા રહે, અર્થસભર, સંવેદનાસભર અને લાગણીશીલ કૃતિઓ દ્વારા આમ જ આપણી લાગણીઓને વાચા આપતા રહે એવી શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી અક્ષરનાદના સર્વે વાચકો વતી ઈશ્વરને પ્રાર્થના સાથે તેમની કૃતિઓ તેમને જ સાદર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ગઝલ અષ્ટક + હસ્તાક્ષર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ