સંસ્કૃતિનો જન્મ કયારે થયો હતો? એના માં-બાપ કોણ છે? કોઈને ખબર નથી ! તેને પણ કંઈ ખબર નથી. તેને એટલીજ ખબર છે કે ભરતભાઈ અને ભારતીબેને તેને ઉછેરીને મોટી કરેલી છે. તેના માં-બાપે તેના લાલનપાલન માં કોઈજ કચાશ નથી છોડી. રાજા જેમ રાજકુમારીને મોટી કરે તેમ જ એને જતન મળ્યું છે. જૂની વાર્તાની જેમ દિવસે ન વધે એટલી રાતે વધતી જાય છે. આજુબાજુના લોકોમાં પણ એનું માન છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામા સમજણ પણ વધતી ગઈ, લોકોમાંય તે લાડકી બની ગઈ.
બે દીકરાની સાથોસાથ સંસ્કૃતિને પણ એવી જ જતનથી ઉછેરેલી છે. ત્રણે માટે કદી પણ મા-બાપે વેરો આંત્રો કે અન્યાયને સ્થાન નથી આપ્યું. એમાય સંસ્કૃતિને બધા લોકો વધુ માન આપતા. સંસ્કૃતિ બધા લોકોમાં પ્યારી ને માનીતી થવાનું કારણ એ પણ હતું કે તે ખૂબસુરત, ભોળી, મળતાવડી ને મીઠું મીઠું બોલનારી છે.
“મા, મા, મને એક નવી ઢીંગલી અપાવીશ?” કાલી કાલી ભાષામાં તે હમેશા તેની માં ભારતી પાસે અવનવી વસ્તુઓની માંગણી કરતી.
“સારું, મારી મોટી ઢીંગલી માટે એક નાની ઢીંગલી લાવી આપીશ. બસ ..” ને માથે ટપલી મારતા ભારતીબેન હરખમાં ને હરખમાં પોતાની દીકરી મોટી થતી જાય છે તેનો ગર્વ કરતા. આજુબાજુના કોઈની પણ દીકરી કરતા તેમની દીકરી વધુ સારી લાગતી. નાના ગામડામાં સંસ્કૃતિનો જન્મ થયેલો. દીકરી ને દીકરાઓનો ઉછેર કરતા તેમના મા-બાપ ફૂલ્યા સમાતા નથી. બીજાના સંતાનને જોઈને વધુ હરખમાં આવી જાય છે. અને એમાય તો સંસ્કૃતિ પર તો એમને વધુ ગુમાન છે. જોકે સંસ્કૃતિ પર તેમનું ગુમાન ખોટું પણ નહોતું. હજારોમાં એ ઝળકી ઉઠતી હતી. ચારેકોર એની પ્રસંશા થતી હતી. સૌના મુખે એકજ નામ હતું ‘સંસ્કૃતિ’.
“ભારતી, મારી ઈચ્છા સંસ્કૃતિને શહેરમાં મોકલવાની છે. ત્યાં ભણશે ને વધુ હોશિયાર થશે. અને વધુ તેનું અને આપણું નામ રોશન કરશે.”
“તમે પણ મારી હૈયાની વાત કરી દીધી.” ભારતીએ પણ ટાપસી પૂરી, ને સંસ્કૃતિ હવે શહેરમાં આવી ગઈ છે. ગામડાની એક નાદાન દીકરીને ધીરે ધીરે શહેરનો રંગ લાગવા લાગ્યો.
આજ સંસ્કૃતિ છ મહિના પછી શહેરથી આવી હતી. તેની માં ભારતીબેન તો ફૂલ્યા સમાતા નથી. લાંબુ ફ્રોક પહેરીને ગામમાં ફરતી દીકરી હવેતો સ્કર્ટ મીડી ને પેન્ટ શર્ટ પહેરવા લાગી છે. બોલવાની અદા પણ બદલાઈ ગઈ છે.
“કોણ હશે બોલ જો?” ગીતાની આંખ પર હાથ મૂકતા તે બોલી
“..અ..મ…મ….સ્નેહા ….”
“નહિ… બસ ગીતા છ મહિનામાં ખાસ ફ્રેન્ડને ભૂલી પણ ગઈ?”
“અરે…સંસ્કૃતિ….. વાહ, કયારે આવી શહેરથી?”
“કાલે રાત્રે”
“અરે.. આ કપડામાં તું વધુ સારી લાગે છે. કહે શું ખબર છે. શહેરમાં ફાવી ગયું ? ”
“હા, ધીરે ધીરે બધું ફાવી જશે ને પિતાજીને વધુ ઈચ્છા છે તો.. જવાદે એ બધું કહે તને મારા વગર ગમતું કે?”
“કેવી વાત કરે છે.. સંસ્કૃતિ વગર ગમાડવાનું અઘરું છે, પણ તારા પર મારો અધિકાર તો નથી. તું ગઈ ત્યારે હું રડી પડેલી યાદ છે?”
“હા યાદ છે.” ને તે ગીતાને વળગી પડી.
“જો સંસ્કૃતિ, શહેરમાં જઈને તારી કારકિર્દી ઉજવળ બનતી હોય તો કેટલું સારું ! ને તારા માટેથી તો હું સહન કરી લઈશ. તું મારી ચિંતા ના કરતી. હું તો એક નદીની પાણીની ધાર જેમ છું. તેની જેમ ગામમાં અવિરત વહેતી રહીશ.”
“ગીતા તારી મિત્ર હોવાનો મને ગર્વ છે. ને આશા રાખું કે આપણી મિત્રતા અખંડ રહે.” ગીતા થી છૂટી પડીને તે ઘરે આવી. માંએ જમવાનું બનાવી લીધું હતું. ઘણા દિવસ પછી આજે તે માના હાથની બનાવેલી રસોઈ ખાશે. ખાતા ખાતા મનમાં ઉન્માદ જાગે છે, ને તે ભાવ વિભોર થઇ જાય છે.
“મા તારા હાથની રસોઈ ખાધા પછી મને શહેરમાં ખાવાનું મન પણ નહિ થાય. ને તારા જેવી રસોઈ ખબર નહિ કેમ કોઈ બનાવી નહિ શકતું હોય !”
“પેટ ભરીને રોજ ખા, ને જયારે જઈશ ત્યારે નાસ્તાનો ડબરો ભરી આપીશ.” વેકેશન પૂરું કરીને સંસ્કૃતિ શહેર જતી રહી. ને આમજ ધીરે ધીરે તે જાણે કદી ગામડામાં રહીજ ના હોય તેમ વર્તવા લાગી.
“ગીતા.. કેવી દેખાય છે તું ..”
“કેવી મતલબ ..”
“મતલબ.. એકદમ ગમાર.. હા.. હા.. હા..” ને તે જોશથી હસવા લાગી.
“ઠીક છે, હસ મારા પર… પણ એ ના ભૂલ કે તું પણ એકવાર આવા જ કપડાંમાં મારી જેમ આજ ગામમાં તું એ રહેતી.”
“રહેતી હતી.. રાઇટ, પણ અત્યારે નહિ ને?”
“જો સંસ્કૃતિ હું કંઈ તારી જેમ અહીં હરી ફરીને મારો વેશ બદલવા નથી માંગતી. ને વળી મારા માં-બાપ તારા જેવા કંઈ સદ્ધર નથી. છોડ બધું.. ચલ મારા ખેતરે જઈએ અત્યારે મકાઈ ડોડા ખૂબ આવ્યા છે ને મને ખબર છે તને ભાવે છે.. ચલ”
“ના.. આજ નહિ ફરી ક્યારેક…” ને તે પોતાના ઘરે પાછી ફરી.
તેના ગયા બાદ ગીતા વિચારવા લાગી કે મકાઈ ડોડા નું નામ પડતાં એકદમ ખુશ થઇ જવા વળી સંસ્કૃતિ આજ આવું કેમ કરે છે? ને જાણે કશી પડી ના હોય તેમ ઘરે જતી રહી. પછી તો ઘણી વાતોની ગીતાને નવાઈ લાગી.. પણ કહેવાય છે કે રોજ બનતી ઘટના ક્રમથી નવાઈ નથી રહેતી. ગીતા તો ઘણી વાર ભારતીબેન સાથે વાત કરી બેસતી.
“માસી, તમને એવું નથી લાગતું કે સંસ્કૃતિને આપના ગામ કરતા શહેરમાં વધુ ફાવી ગયું છે?”
“જો ગીતા.. મારા ખ્યાલથી હવે તે શહેરમાંજ રહેશે ને કદાચ તેને લગ્ન પછી તો આપણે કોણ એને અહીં રોકવા વાળા !”
ને એવું જ થયું.. સંસ્કૃતિ માટે છોકરો પસંદ કરવાની ઘડી આવી ગઈ. તેના માં-બાપ બધાને છોકરા માટે ભલામણ કરતા રહે છે ને તેઓ પણ તક મળે ત્યાં વાત ચલાવતા રહે છે.
“સંસ્કૃતિ કેટલી સુંદર દેખાય છે, તો એના માટે છોકરો પણ એવોજ ખોળવો પડશે.”
“તમારી વાત સાચી છે.. પણ એકવાર સંસ્કૃતિને પુછી તો લઈએ કે તેને ગામડાનો છોકરો ગમશે કે કેમ?”
“જો ભારતી ભલે તેનો ઉછેર ગામડામાં થયો પણ આપણે તો એના માટે શહેર નો જ છોકરો પસંદ કરીશું. મારી વાત સાચી છે ને ? ”
“તમને તો ખબર છે કે મને આમાં કંઈ વધુ ગમ ન પડે.”
“સારું આવતા મહીને આપણે શહેર માં જઈને સંસ્કૃતિ સાથે વાત કરી લઈએ.”
“સારું..” બીજા મહીને બંને શહેરમાં ગયા પણ વીલા મોઢે પાછા આવ્યા. કારણકે સંસ્કૃતિએ ગામડાનો છોકરો તો ઠીક પણ પોતાની પસંદના છોકરા સાથે જ લગ્ન કરવાનું કહ્યું. ભારતીબેન જરા થોથવાયા પણ ભરતભાઈ એ મન માનવી લીધું કે જમાનો બદલી ગયો છે, ઠીક છે જોઈએ હવે સંસ્કૃતિ કેવો છોકરો પસંદ કરે છે?
સમય જતા વાર નથી લાગતી, હવે તો તેમના ભાઈઓ ને સગા સંબંધીઓ પણ કહેવા લાગ્યા કે સંસ્કૃતિને પરણાવો, એમાંજ ડહાપણ છે. વાત તેના માં-બાપે સ્વીકારી પણ ખરી.
“સંસ્કૃતિ, હવે અમે નક્કી કર્યું છે કે આવતી દિવાળી પછી તારા લગ્ન થઇ જાય.”
“તમારી વાત સાથે હું સંમંત છું, પણ મારી દ્રષ્ટીએ હજી સમય નથી પાક્યો ને તમે સારી રીતે જાણો છો કે મારી પસંદ નીચી નહિ હોય!”
“નીચી કે ઉંચી મારે કશું નથી સાંભળવું.. કાં તો હા કહે નહિ તો અમે છોકરો પસંદ કરી લઈએ.” ભારતી બેન જરા ઉશ્કેરાઈને બોલ્યા.
“શું માં તું એ, જો મારી બધી ફ્રેન્ડ મારી સામે જોઇને હશે છે..” ને તે માં ને વળગી પડી.
“મને ખબર હતી એટલેજ હું ગીતાને પણ સાથે લઇ આવી છું. કંઈ કહે ગીતા આને…” અત્યાર સુધી ચુપ ગીતાને પણ આમાં સામેલ કરી. “માસી હવે તો કદાચ સંસ્કૃતિ મારી વાત પણ નહિ મને.” ને ગીતા પણ વચ્ચેથી ખસી ગઈ.
વાતનો દોર લંબાયો નહિ ને ઉલટું સંસ્કૃતિ તેની માં ને ભાંડવા લાગી “શા માટે ગીતા ને સાથે લઇ આવી.. જો ને કેવી ગામડિયણ લાગે છે…. કાલે મને બધી ચીબ્લીઓ ચીડવશે કે તારી ફ્રેન્ડ તો અસ્સલ ગમાર છે.”
”ચુપ ….ફરી વાર બોલી છે તો, ભૂલી ગઈ ? એ જ ગીતા સાથે રમીને તો તે પૂરું બાળપણ વિતાવ્યું છે.” ભારતીબેન ગુસ્સે થાય એટલે તે ચૂપ થઇ ગઈ.
બંને શહેરથી પાછા આવ્યાકે સંસ્કૃતિએ ધડાકો કર્યો, “મારે એક વિદેશ સ્થિત છોકરા સાથે લગ્ન કરવા છે.” ને તેના માં-બાપે હસતા મોઢે ને રડતી આંખે સંસ્કૃતિને વિદેશ જવા માટે વિદાઈ આપી. હવે તો સંસ્કૃતિ વિદેશમાં રહે છે, મોબાઈલ ને નેટ પરથી માં-બાપ સાથે અવાર નવાર વાત કરે છે.
“માસી સંસ્કૃતિ કેમ છે?”
“ગીતા, એતો એકદમ ફાઈન છે ને ખુબજ ખુશ છે કહેતી કે આ મહીને જમાઈએ ગાડી લઇ લીધી છે, એય મજાના ગાડીમાં બંને ફરે છે.”
“વાહ.. ખૂબ સરસ… મને યાદ કરે છે ?”
”હમ.. હા હા કેમ નહિ? કહેતી કે ગીતા મળે તો કહેજો કે આવીશ ત્યારે પહેલા એને મળવા આવીશ.”
ગીતાથી ભારતીબેનનો કંઈક છુપાવતો ચહેરો અછાનો ના રહ્યો. તે પામી ગઈ કે માસી તેને ખોટું ના લાગે માટે જુઠ્ઠું બોલી રહ્યા છે. હવે તો સંસ્કૃતિ એકદમ ફેશનેબલ કપડા પહેરે છે, અડધું અંગ પણ ના ઢંકાય તેટલા ! પાર્ટીઓ માણે છે, મિત્રો સાથે ફરવા જાય છે. ઘણા વિદેશી મિત્રો એની ખૂબસુરતી અને આકર્ષણથી અંજાઈ ગયા છે. તેથી દોસ્ત પણ થઇ ગયા છે. કયારેક પાર્ટીમાં કોઈ આગ્રહ કરેતો દારૂ પણ પીવાનું ચૂકતી નથી. ને ક્યારેક સિગારેટ પણ પી લે છે… કારણ અહીં તેને કોઈ તો ટોકવાવાળું નથી, ગીતા તેને ખુબ ટોકતી પણ અહીં તો કોઈ નથી, એનો પતિ, તે પોતે પણ ખાતો પીતો હોય ત્યાં સંસ્કૃતિને ક્યાં ટોકે !
સંસ્કૃતિ બગડીને બેહાલ થઇ ગઈ. તેનો પતિ પણ તેનાથી કંટાળી ગયો, આથી તેણે ભારતભાઈ ને ફોન કર્યો કે “તમે તમારી દીકરીને જીવતી જોવા માંગતા હોય તો આવી ને લઇ જાવ નહિ તો હું અહીંથી પ્લેનમાં મોકલી આપું છું. સંસ્કૃતિ ફરી એકવાર પોતાના નાના ગામડામાં આવી ગઈ છે. લોકો જોઇને પણ શરમાય તેવા કપડા પહેરીને આવી હતી. ભારતીબેને સમજાવીને એને પેન્ટ અને શર્ટ પહેરાવ્યા.
“જોયું ભરત, કોઈનું નહિ માનવાનું પરિણામ ?” પડોશી લંકેશભાઈએ કહ્યું.
પણ ભરતભાઈ તો એકદમ ચૂપ હતા, નીચું જોઇને ઉભા રહ્યા.
“તમારી વાત સાચી છે લંકેશભાઈ, પહેલી વાર જયારે સંસ્કૃતિને શહેરમાં મોકલવાનું નક્કી થયું ત્યારે સંસ્કૃતિ પણ જવા તૈયાર નહોતી, પણ ભરતભાઈને સંસ્કૃતિ પર વધુ ગુમાન હતું કે આટલા પરગણામાં એના જેવું કોઈ નથી, હવે સરખાવો બધા સાથે. આમાં સંસ્કૃતિનો કોઈ વાંક નથી.” બીજાએ એમાં સૂર પુરાવ્યો.
“હા મેં પણ એકવાર એમને ટકોરેલા જયારે પહેલી વાર તેણે એકદમ ટૂંકું ફ્રોક પહેરેલું, આપણી મર્યાદા એજ છે..”
“હા એ જ તો આપની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ એ આપણું સૌથી કિંમતી ઘરેણું છે, જયારે તમે તો સંસ્કૃતિને વિદેશના હવાલે કરી દીધી.”
ચારે બાજુથી ભારતભાઈ ઉપર જાણે વરસાદ થયો હોય તેમ બધા તૂટી પડ્યા. એટલે એક સજ્જન જે પાછળ ઉભેલા તે બોલ્યા, “જે વીતી ગયું તે ફરી હાથ નથી આવવાનું પણ બધા નક્કી કરો કે સંસ્કૃતિઓ તો આપણી દીકરી છે ને તેને આપણે જ સાચવવાની છે, એનું જતન કરવાનું છે. જે સંસ્કૃતિને આપના વડીલો સદીઓથી કેળવતા આવ્યા ને જતન કરતા આવ્યા, તો હવેથી પ્રતિજ્ઞા કરીએ કે આપણે સંસ્કૃતિને જીવની જેમ સાચવીશું.”
વાતને બધાએ વધાવી લીધી…
– રીતેશ મોકાસણા
રીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.
Thanks.
As far as story is concern it is alright but if you will describe Global world senerio . you have to mix & interact with their culture.it may be like mental magic box.
રાજેશભાઈ , વાર્તા નો મર્મ એટલો જ કે ભારત દેશ એક અખંડ સંસ્કૃતિ દેશ છે ! આપ સર્વે વાચકોનો ખુબ ખુબ આભાર… જીગ્નેશ ભાઈએ મારો ઉત્સાહ ખુબ વધારેલ છે. અક્ષરનાદ હવે એક મોટું ઝાડ બની ગયુ છે, અને ઘણા મારા જેવા નવા કવિ કે લેખકો એની છાયા નીચે મોટા થયા છીએ….ખુબ ખુબ આભાર એમનો પણ.
ખુબ સરસ રિતેશભાઇ
વાહ રિતેશભાઈ વાહ, પાત્રોના નામ થકી રૂપક મુકીને ખુબજ ધારદાર વાર્તા ની રજુઆત કરી છે. પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આજીવન એક જ વાત સમજાવતાં રહ્યા હતાં કે ધર્મ વગર સંસ્ક્રુતી નો ઉદ્ધાર નથી માટે શ્રી મદ ભગવદ ગીતાનો સાથ આવશ્યક છે.
બધા મિત્રોનો આભાર ….આમજ ઉત્સાહિત કરતા રહેશો.
વાર્તને જિણવટથી જોશો તો વધુ મજ આવશે.
સરસ વાત્ કહિ હો, આભાર્.
ખુબજ સાચી વાત, આપણી સસ્ક્રૂતિ આપણૅજ સાચવવાની છે. આવી ઉપયોગી સમજવા લાયક વાત આપવા માટે આપનો ખુબ આભાર.