ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ. મધ્ય ગીરમાં આવેલી રાવલ નદીને કાંઠે ગીચ ઝાડીઓમાં આવેલું આ નાનકડું સ્થળ ચામુંડા માતાજીનું મંદિર છે. રાવલ નદી ડુંડીયા ટેકરીઓમાંથી ઉદભવે છે અને ઉનામાં આવેલ માણેકપુર પાસે અરબ સાગરને મળે છે. આ નદી પર ચિખલકુબાના ઉપરવાસમાં એક ડેમ બાંધવામાં આવ્યો છે જેનું નામ નદીના નામ પરથી રાવલ ડેમ છે. ચિખલકુબાથી કાચા રસ્તે થઇ અમે રાવલ ડેમ પહોંચી શકાય છે, આ ડેમના લીધે જ્યાં જ્યાં આ નદીના ફાંટા જાય છે તેવી અન્ય જગ્યાઓ પર કાયમ પાણી ઉપલબ્ધ થઇ શકે છે. અમરેલી જીલ્લાના રાજુલાથી ડેડાણ થઇ હનુમાનપુર, દલડા, કંટાળા, બેડીયા અને ધોડકવા ગામ પસાર કરતા જસાધાર પહેલા જમણી તરફ એક ફાંટો આવે છે જે ચિખલકુબા નેસ તરફ લઈ જાય છે.
રાવલ ડેમ પછી નદીનો પ્રવાહ બે ફાંટાઓમાં વહેંચાય છે અને ચિખલકુબા પાસેથી વહેતા નદીના એ ફાંટાને ગોઠણ સમા પાણીમાં ચાલીને પસાર કરીએ તો સામે એક ટેકરી જેવો વિસ્તાર આવેલો છે જે ઉંચો હોવાને લીધે ચોમાસામાં પણ નદીના પાણીમાં ડૂબી જતો નથી. આ ટેકરી પર આવેલા ઘટાદાર વડના થડમાં માતાજીના આકારની આકૃતિ રચાઇ છે અને જાણે માતાજીનો નાનકડો ગોખ જોઇ લો. એ ગોખની આસપાસ લોકોએ શ્રધ્ધા અને અહોભાવથી જાળવ્યું છે. ચામુંડા માતાજીનો આ ગોખ હવે જંગવડ આઈ તરીકે ઓળખાય છે. ઉંદરડાઓ અખંડ દીવાને ઘણી વખત પાડી નાખે છે એનાથી બચાવવા ત્યાં ગોખની બહાર લોખંડની પાતળી જાળી લગાવેલી છે. ઝાડમાં થયેલા ગોખમાં પ્રાકૃતિક રીતે ઉપસેલી બે આંખો, કપાળ, નાક કાન અને ચહેરાની હુબહુ પ્રતિકૃતિ જોઇને કુદરતની રચનાને મનોમન વંદન કરવાનું મન થાય એવું મનોરમ્ય આ સ્થળ છે.
એક ઘટાદાર વડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ વસ્તુ કદાચ માન્યામાં ન આવે પણ આ વડ વિશે એમ કહેવાય છે કે લગભગ પાંચેક કિલોમીટર દૂર તેનો મુખ્ય થડો (ઝાડનું મુખ્ય થડ) ઘણા વર્ષો પહેલા હશે. વડવાઇઓ જમીનમાં ઉતરતી રહી, નવી વડવાઇઓ આગળ વધતી રહી અને ઝાડ જાણે પ્રસરતું રહ્યું. આજે પણ તમે એક નજરમાં આ આખો વડ ન જોઇ શકો એટલો વિશાળ તેનો ઘેરાવો છે. આ સ્થળને અને તેના એકાંતને જોઈને અહીં સાધના માટે આવેલા એક સાધુ વર્ષોથી અહીં જ રોકાઈ ગયા અને આજે પણ ભક્તિ, સાદગી, સેવા અને સાધુધર્મની મહેક ચોતરફ પ્રસરાવી રહ્યાં છે. અહીં તે જંગવડના બાપુ તરીકે પ્રસિધ્ધ છે. જંગવડની વડવાઇઓ નીચે એક નાનકડી ઓરડી, એક ધૂણી, એક ચીપીયો, થોડાક વાસણો, એક બે ગોદડી જેવા અહીં આસપાસના ગામના લોકોએ વાર તહેવારે વનભોજનનો કાર્યક્રમ કરવા માટે વસાવેલા સાધનો અને બાપુની નાનકડી જરૂરતોની વચ્ચે આ ઓરડી અલખનો ઓટલો જોઈ લો. ખપથીય ઓછી વસ્તુઓ ધરાવતા આ સંતે વડની આસપાસનો વિસ્તાર ચોખ્ખો ચણાક બનાવ્યો છે કે જેથી દર્શને આવતા ભક્તોને સુવિધા રહે, પરંતુ વનની નૈસર્ગિકતામાં કોઈ પણ ખલેલ ન પડે એ માટે કોઈ બાંધકામ તેમણે અહીં થવા દીધું નથી. લાંબી દાઢી, વેધક આંખો અને સરળ પણ માયાળુ સ્વભાવ એ તેમની લાક્ષણીકતાઓ છે. વડની પાસે એક નાનકડું શિવલિંગ છે, વડના ઘેરાવાની બહારની ખુલ્લી જગ્યામાં પક્ષીઓને ચણ નાંખવાની વ્યવસ્થા છે. બાવળની ચોતરફ વાડ અને ઝાડી અને બાવળના ઝાંખરા ગોઠવીને બનાવેલ કુદરતી દરવાજો તેને વન વિસ્તારથી અલગ પાડે છે. નદીકિનારો હોવાથી સમગ્ર વિસ્તાર વન્ય સૃષ્ટીથી સજીવ રહે છે. પહુડાના અવાજો સંભળાય છે તો રાત્રીની નિરવ શાંતિમાં સિંહની ત્રાડો પણ અચૂક સંભળાય.
સાધારણ પહોંચથી દૂર હોવાને લીધે જાણકાર સિવાય ભાગ્યે જ અહીં કોઈ દર્શેન આવે છે, આવા પ્રવાસી ભક્તો માટે ચિખલકુબાના રહેવાસીઓ રોજ દૂધ, દહીં, છાસ વગેરે પહોંચાડે છે, તો બાપુ પોતે પણ કાવડ લઈને રાવલ નદીમાં પાણી ભરવા જાય ત્યારે આવતાં, વનમાંથી ચીકુ જેવા ફળ શોધીને રાખે છે. ખૂબ જ ઓછી અવરજવર છતાં અહીં આવતા લોકોને બાપુ ગામલોકોએ આપેલા દૂધની ચા કરીને પીવડાવે છે, બાળકોને બૂંદી અને ગાંઠીયા આપે છે અને વધેલા દૂધનો મીઠો માવો પ્રસાદમાં આપે છે. ગામવાળાઓએ બાપુને એક મોબાઈલની સગવડ પણ કરી આપી છે, જેને ચાર્જ કરવા તેઓ જ ગામમાં લઈ જાય છે.
આવી જગ્યાઓ જ આપણા સાચા યાત્રાધામો છે, બની બેઠેલા સંતોને આપણે મોટા માન આપીએ છીએ, તેમના દેખાડાઓથી અંજાઇ જઈએ છીએ. લક્ષ્મીના પ્રભાવે આવા સાધુઓ સાધુપણુ લજવે છે અને તેમના કહેવાતા આશ્રમો બધી જ નઠારી લીલાઓના સાક્ષી બને છે, એસી ગાડીઓમાં ફરતાં આવા સાધુઓના કોઠારો સોના ચાંદીથી છલકાય છે અને મન અભિમાન અને ઘમંડ થી. આવા સમયે જંગવડ બાપુ જેવા પવિત્ર, સાચા અને ગુણીયલ સંતો તેમના પ્રત્યેની આપણી આસ્થાને જીવતદાન પૂરું પાડે છે. સોરઠી ભૂમી આમેય સંતોની ભૂમી છે, અને એમાં આવા મહાત્માઓ એ ભૂમીની મહત્તાને ઓર વધારે છે.
જંગવડથી બે-એક કિલોમીટરના અંતરે બીજું એક આવું જ સુંદર સ્થાન ‘સરના ખોડીયાર’ તરીકે ઓળખાય છે. તો અહીંથી થોડા કિલોમીટર દૂર આવેલું એવું જ સુંદર, મનોહર અને ઐતિહાસીક સ્થળ એટલે ભીમચાસ. કહેવાય છે કે પાંડવોએ જે પ્રભાસ યાત્રા કરી હતી તે મુજબ તેઓ વનપર્વમાં ગાઢ વન પાસે આવેલા એક વિસ્તારમાં પહોંચ્યા હતા જેનું નામ પ્રભાસ જણાવાયું છે અને ત્યાં શ્રીકૃષ્ણનું રાજ્ય હતું. વનમાં કુંતામાતાને જ્યારે પાણીની તરસ લાગી ત્યારે ભીમે પોતાની ગદાથી પથ્થરમાં ચાસ પાડ્યો હતો અને પાણી ઉદભવ્યું હતું. અહીં કુંતામાતાને સમર્પિત એક મંદીર આજે પણ છે. જો કે ભીમચાસ ધૂનો થોડોક ભયાનક પણ છે કારણકે આ ધૂનો ઉંડો છે અને અહીં મગરનો ભય પણ છે. રાવલ નદીમાં ઘણાં મગર છે એટલે અકસ્માતો પણ અહીં ઘણાં થાય છે.
જંગવડનો સમગ્ર વિસ્તાર આપણા આજના સમાજથી સાવ અલગ અનોખી સૃષ્ટિ નો પરિચય કરાવે છે. કોંક્રિટના જંગલમાં રહેવા ટેવાયેલા આપણને એ કૃત્રિમ વાતાવરણમાંથી નીકળીને કુદરતના સાંન્નિધ્યમાં વિહરવા મળે એ કેવો મોટો લહાવો કહેવાય?
– જીજ્ઞેશ અધ્યારૂ
(ફીલીંગ્સ સામયિક, દીપોત્સવી વિશેષાંક, નવેમ્બર ૨૦૧૩ માંથી)
Click on Magazine pages to read full size page article.
ખુબજ સરસ લેખ. એક નવિ જગ્યા વિસે જાનકારી મલી…..
વાચી ને સરસ માહિતી ની જાણકારી મલી.
જીજ્ઞેશભાઈ….!!
ગીર યાત્રાના તમારા અગાઉના લેખો વાંચીને હંમેશા મઝા પડે છે.
પરંતુ જ્યારે પહેલી વખત જંગવડ વિશે અક્ષરનાદ પર વાંચ્યુ હતુ ત્યારથી ત્યા જવાની અને બાપુને મળવાની તીવ્ર તમન્ના મનમાં જાગી છે પણ હજી સુધી શક્ય બન્યુ નથી. આજે તમે આ લેખ સાથે ફોટા પણ મુક્યા એ જોઇને એક અનેરો આનંદ મળ્યો. તે બદલ આપનો ખુબ ખુબ આભાર….!!
બાપુને મળવા ચોક્કસ જઈશ જ……!!
અને હા…..!!
સમસ્ત અક્ષરનાદ પરિવાર ને નૂતનવર્ષાભિનંદન……..!!
જીગર પુરોહિત.
જીજ્ઞેશભાઈ તમારો લેખ વાંચતાવેત જ જંગવડ જવાની ઈચ્છા થઈ ગઈ છે. મારા મોટાભાઈ પણ પીપાવાવ પોર્ટ ખાતે જીઓ કેમમાં સર્વિસ કરે છે અને રાજુલા રહેછે. તેમને ત્યાં આવવાનું થશે ત્યારે તમોને રૂબરૂ મળીને વધુ માહીતી મેળવવી છે. મારો મોબાઈલ નં; ૯૮૯૮૨ ૯૫૯૯૭ છે.
My next trip is fixed now…
Thanks for this informative article…Jigneshbhai..
Keep it up.
Yogesh Vaidya
જાણકારી બદલ આભાર.
ઉનાના વતની હોવા છતાં
આ કુદરતની ખબર નો’તી.
ખૂબ ખૂબ આભાર.
સુંદર, નૈસર્ગિક, રમણીય સ્થળો ઘટતા જાય છે તેમાં જંગવડ વિષે જાણી આનંદ થયો. આભાર. – હદ.