રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ – અવિનાશ મણિયાર 5


Ramkrishna Paramhansબંગાળના કામારપુકુર ગામમાં ૧૮૩૬ની ૧૭મી ફેબ્રુઆરીએ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને ચંદ્રમણિને ત્યાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો હતો. એનું નામ ગદાધર પાડવામાં આવ્યું. મોટૉ થઈ કોઈના માર્ગદર્શન કે શાસ્ત્રોના અભ્યાસ વગર જ મા જગદંબાની કઠોર ઉપાસના કરી તે રામકૃષ્ણ પરમહંસ બન્યા. ‘લોટ દાળના સીધાં બાંધવાની વિદ્યા’ તેને જોઈતી નહોતી. તેને તો એવી વિદ્યા પ્રાપ્ત કરવી હતી જેનાથી ઈશ્વરના દર્શન થાય અને મનુષ્યજીવન ધન્ય બની જાય. કોલકાતાની ઉત્તરે દક્ષિણેશ્વર ખાતે રાણી રાસમણિએ બંધાવેલા વિશાળ કાલીમંદિરના પૂજારી તરીકે મોટાભાઈ રામકુમારની પસંદગી થતાં ગદાધર પણ તેમની સાથે ગયા હતા.

ગંગાકિનારે મંદિર, પ્રાકૃતિક શાંતિ તથા મા કાલીના સાંનિધ્યના પરિણામે ઈશ્વર સાક્ષાત્કારની ઝંખના પ્રબળ બનતી ગઈ. વેદાંતી સંન્યાસી તોતાપુરીજીનું માર્ગદર્શન મળ્યું કઠોર સાધના બાદ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ. મા કાલીના દર્શન થતાં રહ્યાં અને સંવાદ થતો રહ્યો. જનેતાના આગ્રહથી રામકૃષ્ણે શારદામણિ નામની તેમનાથી અઢારેક વર્ષ નાની કન્યા સાથે લગ્ન કર્યા પણ સંસારમાં આસક્ત થયા નહીં. તેઓ સાધુજીવન જીવે તેમાં પત્નીની અનુમતિ હતી. તેમને દિવ્ય અનુભૂતિઓ થતી રહી. શારદામણિદેવી પણ ભક્તહ્રદયી હતાં, બંનેની આધ્યાત્મિક સાધના ચાલુ રહી. અનેક પંડિતો અને વિદ્વાનો તેમના શિષ્ય બન્યાં.

નરેન્દ્રનાથ રામકૃષ્ણને પહેલી વખત મળ્યા ત્યારે જ રામકૃષ્ણને લાગ્યું હતું કે નરેન્દ્ર તેમનો સંદેશો વિશ્વને આપશે. નરેન્દ્રનું ચિત્ત અંતરના ઊંડાણમાં કાંઈક શોધી રહ્યું હોય એવું તેમને લાગ્યું. નરેન્દ્રે થોડાક ભજનો ગાયા અને રામકૃષ્ણ સમાધિમાં ઊંડા ઊતરી ગયા. તેઓ નરેન્દ્રને હાથ પકડીને બાજુના ઓરડામાં લઈ ગયા અને હર્ષના આંસુ વહાવ્યાં. ‘આટલું મોડું અવાય? મને સમજી શકે એવી વ્યક્તિ પાસે મનનો ભાર હળવો કરવા હું ઝંખી રહ્યો છું.’ આવું બધું બોલતાં રહ્યાં અને ફરી મળવા આવવાનું વચન માગી લીધું. નરેન્દ્રને તેમણે ‘ધ્યાનસિદ્ધ’ તરીકે ઓળખાવી આનંદ વ્યક્ત કર્યો તો બીજી બાજુ આત્માનુભૂતિના ઊંડાણમાંથી આવતી વાણી સાંભળીને નરેન્દ્રને લાગ્યું કે આ ત્યાગી, પવિત્ર અને સાચા સંત છે. ઈશ્વરને જોયા હોય તેવાની નરેન્દ્રને તલાશ હતી. ‘તમે ઈશ્વરને જોયા છે?’ તેવા પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપવાને બદલે રામકૃષ્ણે કહ્યું, ‘હા, જોયા છે, તને જોવું છું એ રીતે જોયા છે.’ તે ધન્ય બન્યો.

એકાદ માસ બાદ નરેન્દ્ર ફરી દક્ષિણેશ્વર ગયો. રામકૃષ્ણે પોતાની પાસે બેસાડ્યો અને એની છાતી પર પોતાનો જમણો પગ મૂકી દીધો. અંગૂઠાના સ્પર્શ સાથે જ નરેન્દ્રને અવનવા અનુભવ થવા લાગ્યા. ઓરડામાંની વસ્તુઓ ફરતી અને શૂન્યમાં લય પામતી લાગી. તેના વ્યક્તિત્વનો લોપ થતો હોય તેવું લાગ્યું. ચિત્તમાં મહાન ક્રાંતિ સર્જાતી લાગી. નવી શક્તિનો સંચાર થયો. રામકૃષ્ણ તેને અદભુત પુરુષ લાગ્યા. થોડાક દિવસ બાદ ત્રીજી મુલાકાત વખતે પણ એવો જ અલૌકિક અનુભવ થયો. રામકૃષ્ણે સમાધિસ્થ થઈને નરેન્દ્રને સ્પર્શ કરતાં જ તેણે ભાવવિભોર થઈને સઘળું બ્રાહ્ય જ્ઞાન ગુમાવી દીધું. સ્પર્શ સાથે રામકૃષ્ણનું પ્રભુત્વ સ્થપાઈ ગયું. તેમના સમાગમથી નરેન્દ્રની તપ અને ત્યાગની ભાવના વધુ દ્રઢ થઈ. અપાર સ્નેહ અને ધીરજ સાથે માર્ગદર્શન મળતું રહ્યું.

નરેન્દ્ર દક્ષિણેશ્વર જતા ત્યારે રામકૃષ્ણને બહુ આનંદ થતો. વારેવારે તેઓ નરેન્દ્રની આતુરતાપૂર્વક રાહ જોતાં. નરેન્દ્રની બે મુલાકાતો વચ્ચે વધુ દિવસ જાય તો તેમને અજંપો રહેતો. નરેન્દ્રને જોઈને તેઓ ઘણીવાર સમાધિસ્થ થઈ જતા. નરેન્દ્રની કોઈ કશી ટીકા કરે એ તેમને ગમતું નહિં. ક્યારેક તો તેઓ એવું પણ કહેતા કે, ‘નરેન્દ્રનો પાર પામવાનો કોઈએ પ્રયત્ન કરવો નહીં, એનો પાર પામવાને કોઈપણ મનુષ્ય સમર્થ નથી.’ નરેન્દ્રને તેઓ શિવજીનો અવતાર માનતા. એક વખત તેમણે નરેન્દ્રને કહેલું પણ ખરું કે, ‘તારામાં શિવ છે અને મારામાં શક્તિ છે, બંને એક છે.’ મોટા ગણાતા વિદ્વાનો દલીલોમાં નરેન્દ્ર પાસે હારી જતા ત્યારે તેમને આનંદ થતો હતો. નરેન્દ્રનું બળવાખોર માનસ જોઈને પણ તેઓ બહુ રાજી થતા. બુદ્ધિની કસોટીએ જે બાબત ન ચડી શકે તેને નરેન્દ્ર ખોટી માનતો અને ખોટાનો વિરોધ કરવા એ સદા તત્પર રહેતો. અદ્વૈતવાદની તે મશ્કરી કરતો. જો કે સમય જતાં તેને લાગ્યું હતું કે શાસ્ત્રના વચનો ખોટાં નથી. અદ્વૈતના વિચારો પ્રત્યેની તેની અશ્રદ્ધા દૂર થઈ હતી.

રામકૃષ્ન પોતાને મળેલી અષ્ટસિદ્ધિઓ નરેન્દ્રને આપવા તૈયાર હતા પરંતુ નરેન્દ્રે જવાબ આપ્યો હતો કે, ‘પહેલાં મને ઈશ્વરના દર્શન થવા દો. હમણાં હું સિદ્ધિઓ સ્વીકારું તો કદાચ મારું ધ્યેય ચૂકી જાઊં અને કોઈ સ્વાર્થી હેતુ માટે તેનો ઉપયોગ થતાં દુઃખી થઈ જાઉં.’ પોતાના આ વણજાહેર કરાયેલા પટ્ટશિષ્યની નિષ્ઠા જોઈ ગુરુદેવ અત્યંત પ્રસન્ન થયા હતા. ગુરુદેવે નરેન્દ્રને સ્વતંત્ર રીતે વિચાર કરવા માટેની શક્તિ ખીલવવામાં ખૂબ સહાય કરી હતી. તેની આત્મશ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સત્યનિષ્ઠામાં અનેકગણી વૃદ્ધિ કરી હતી. તેના વ્યક્તિત્વના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

કોલેજમાં નરેન્દ્ર વાર્તાઓ કરવા ને કહેવાની કળા, આનંદી સ્વભાવ અને રમૂજવૃત્તિ માટે જાણીતો હતો. ઈતિહાસ કે ફિલસૂફીના જટિલ પ્રશ્નો તે ઉકેલીને જ રહેતો. તેની મગજની શક્તિ તેજસ્વી હતી અને ત્યાગવૃત્તિ સહજ હતી. મગજમાં ગૂંચવાડા થાય ત્યારે તે ધ્યાનમાં બેસી જતો. તેને ચિત્તમાં શાંતિ મળતી અને તે રામકૃષ્ણના માર્ગદર્શનમાં આધ્યાત્મિક સાધના તરફ આગળ વધતો. પરિવારજનો લગ્નનો આગ્રહ કરે તો તે કહેતો કે એક વખત પરણ્યો એટલે મારું આવી બને. તમારે મને ડુબાડી દેવો છે? કરકિર્દી ઘડતર અને ઉજ્જવળ ભાવિની વાતો કરતાં મિત્રોને તે કહેતો કે સંન્યાસીનું જીવન મહાન છે. સંન્યાસી સનાતન સત્યની શોધમાં લાગેલો હોય છે. રામકૃષ્ણ તેને બ્રહ્મચર્યનું સંયમી જીવન ગાળવા માટે પ્રોત્સાહિત કરતા.

નરેન્દ્રની બી.એ.ની પરીક્ષાનું પરિણામ આવે એ પહેલાં જ તેના પિતાનું આકસ્મિક અવસાન થતાં આર્થિક મુશ્કેલી ઊભી થઈ. મકાન અંગે અન્ય કુટુંબીજનો સાથે વિવાદ થયો. ઘર બચ્યું પણ જીવન જરૂરતની ચીજવસ્તુ મેળવવામાં મુશ્કેલી પડવા માંડી. નોકરીની શોધ માટે ભટકવું પડ્યું. શિક્ષકની અને બીજી એક નોકરી કરી પણ ખરી, વકીલની ઓફીસમાં નોકરી કરી. થોડાક અનુવાદો પણ કર્યા. અનુભવે તેમને લાગ્યું કે વાસ્તવિકતા ઘણી કઠોર હોય છે. નિઃસ્વાર્થ સહાનુભૂતિ માટે કોઈ સ્થાન નથી. ખોટી રીતે કમાવાના પ્રલોભનો તેને પિગાળી શકે તેમ નહોતાં. મનોમંથનથી તેને પ્રતીતિ થતી જતી હતી કે સ્થૂળ આનંદ મેળવવા કે કુટુંબનું ભરણપોષણ કરવા તે જનમ્યો નથી. પોતાના દાદાની જેમ સંસારત્યાગ કરવા માટેની માનસિક તૈયારી કરી. ભૂખે મરતા પરિવાર માટે પ્રાર્થના કરવા તે કાલી મંદિરમાં ગયો. તેને પરમાનંદ પ્રાપ્ત થયો. શાંતિ મળી. વિવેક, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ સિવાય તે કાંઈ માગી શક્યો નહીં. રામકૃષ્ણે તેને ફરી બે વાર દર્શને મોકલ્યો પણ તે બીજુ કાંઈ માંગી શક્યો નહીં. ગુરુદેવ પાસે આજીજી કરી અને જવાબમાં ખાતરી મળી કે તારાં કુટુંબીજનોને સાદાં અન્નવસ્ત્રની ક્યારેય તાણ નહીં પડે.

રામકૃષ્ણ પાસે અનુભવની સંપદા અને ભાષા હતી. વાણીવિલાસી પંડિતો તેમને ગમતાંનહીં. શિષ્યોના વાદ-વિવાદમાં પણ તેઓ ભાગ્યે જ પડતાં, ઈશ્વરદર્શન અને તેના સાક્ષાત્કાર વિશે તેઓ શિષ્યોને માર્ગદર્શન આપતા. તેમના ઉપદેશનું હાર્દ નરેન્દ્ર સારી રીતે પામી જતો અને તાદાત્મ્ય કેળવી શક્તો. રામકૃષ્ણના શબ્દોનું રહસ્ય આત્મસાત કરવાની તેનામાં વિરલ શક્તિ હતી. રામકૃષ્ણની પ્રેમભરી છાયામાં નરેન્દ્રની બૌદ્ધિક, આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી હતી. તેનું વ્યક્તિત્વ શક્તિ સ્ફૂર્તિથી તરવરતું હતું.

જ્ઞાની નરેન્દ્ર રામકૃષ્નના સહવાસથી ભક્ત બન્યો હતો. પોતે વેઠેલી મુશ્કેલીઓના પરિણામે તે દીનદુઃખિયા પ્રત્યે વધુ અનુકંપાવાળો થયો હતો. કંઠમાળના કેન્સરથી પીદાતા ગુરુદેવની તેણે ખૂબ સેવા કરી હતી. તેની મનોભૂમિકા ખૂબ ઉચ્ચ બની અને અન્ય સાથી શિષ્યો માટે તે આદર્શ બની ગયો. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ગુરુદેવે મહાપ્રયાણ કર્યું. નરેન્દ્ર તેમની શક્તિઓ અને સંદેશનો વાહક બન્યો તેમજ દેશવાસીઓને તેણે ઢંઢોળીને જાગૃત કર્યાં.

– અવિનાશ મણિયાર
(સાભાર શ્રી વિજયભાઈ રોહિત, સંપાદક, ફીલિંગ્સ સામયિક, સ્વામી વિવેકાનંદ વિશેષાંક, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩)

સ્વામી વિવેકાનંદ ભારતીય તત્વજ્ઞાન, આધ્યાત્મિક વિચારસરણી અને ધર્મ વિશેની સાચી તાર્કિક સમજણના વિશ્વભરમાં એક અનોખા વાહક અને સીમાસ્તંભ હતા. ધર્મની કૂપમંડુકતા અને અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવાનો તેમનો યત્ન આગ્વો અને અનોખો હતો. તેમના વિચારો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોરથી લઈને કાકા કાલેલકર, ડૉ. અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવો તેમના વિચારોથી પ્રભાવિત થયાં છે. તેમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના પત્રો, પ્રવચનો અને વિચારોની પ્રસ્તુતિ તથા પ્રસાર થવો આવશ્યક છે. ફીલિંગ્સ સામયિકના સ્વામી વિવેકાનંદ વિશેષાંક (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩) માંથી ઉપરોક્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સંપાદક શ્રી વિજયભાઈ રોહિતનો આ માટેની પરવાનગી બદલ અને સુંદર સંગ્રહ કરવા લાયક અંક પાઠવવા બદલ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ – અવિનાશ મણિયાર

  • સુભાષ પટેલ

    સમાધીસ્થ થવું, ઈશ્વર સાક્ષાત્કાર થવો, કાલી-મંદિરમાં પ્રાર્થના કરવી, કુટુંબીજનોને સાદાં અન્નવસ્ત્રની ક્યારેય તાણ નહિં પડવી, આ બધું વાંચતાં અચરજ અને જીજ્ઞાસા થાય કે આ બધું કેવી રીતે કરતાં અથવા થતું હશે? ક્યાંય આ ખરેખર શિખવવામાં આવતું હોય તો માહિતી જોઇયે છે.

  • Harshad Dave

    ફીલિંગ્સમાં ફીલિંગ્સની સુંદર અને સર્વોત્તમ અભિવ્યક્તિ છે. કૂપમંડુકતા જેવો વિદેશમાં (એથેન્સમાં) અને વિદેશી તત્વચિંતકોમાં ‘કેવ ડ્વેલર્સ’ શબ્દ પણ સુંદર રૂપક રજૂ કરે છે અને તે લોકપ્રિય છે. નરેન્દ્રના ગુરુ ગદાધર કહીએ તો ઝટ ન ઓળખાય પરંતુ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ કહીએ તો સહુ ઓળખે. પરમહંસ ડીગ્રી એમ જ નથી મળી જતી. પ્રેરક વાતોમાંથી પ્રેરણા પામી આગળ વધે તેનું જીવન સફળ થઇ જાય. – હર્ષદ દવે.