પ્રેમનું ગાન – અનુ. જયંત મેઘાણી 7


નાદેઝદા (નાદ્યા) ફોન મેક મોસ્કો નગરીની એક અત્યંત શ્રીમંત નારી હતી. સન ૧૮૭૬માં પતિ પરલોક ગયા ત્યારે એ દોમદોમ સાહ્યબીની સ્વામિની બની, પણ સંપત્તિ એ એકલવાયા જીવન માટે દિલાસો ન બની.

હા, તેના ઝળાંહળાં સદનના એક ખૂણે પડેલા પિયાનોના સૂર તેના અંતરના જખમને રુઝવનાર એકમાત્ર ઔષધ બન્યા ખરાં.

એ જ સમયે મોસ્કોમાં એક યુવાન સંગીતકારનું સંગીત ગુંજતું હતું. એનું નામ પ્યોત્ર (પીટર) ઈલીચ ચાઈકોવસ્કી. નાદ્યાને ચાઈકોવસ્કીની પિછાન નહોતી પણ એ એકાકી નારીના હ્રદયતારોને ચાઈકોવસ્કીની સૂરાવલિઓ ઝણઝણાવતી હતી. સંગીતકારને જાણ નહોતી કે એક સ્ત્રી તેના સ્વરકલાપ પર મુગ્ધ હતી અને તેના ઉત્કર્ષમાં છાનો રસ લઈ રહી હતી. પીટરના પરિચિતો પાસેથી નાદ્યા તેનો મિજાજ અને જરૂરિયાતો વિશે વાકેફ રહેતી હતી. મહાન રોમેન્ટિક પરંપરામાં નાદ્યા આશિકા બની – પહેલા ચાઈકોવસ્કીના સંગીતની, અને પછી ચાઈકોવસ્કીની ખુદની.

છેવટે નાદ્યાએ જિગરને ઝાલીને પોતાની ઓળખ આપી. પછી તો એણે ચાઈકોવસ્કી પાસે સ્વરમાલિકાઓ રચાવીને તેનું દારિદ્ર ફેડ્યું, અંતર ઠાલવવાનું પાત્ર બની, તેની પ્રેરણામૂર્તિ બની રહી. સંગીતની તવારીખ એક અનન્ય સખ્યથી ઝળકી રહી.

ચૌદ વરસ સુધી ચાઈકોવસ્કીએ કેટલીય હ્રદયભેદક સૂર રચનાઓ નાદ્યાને ચરણે ધરી. આ માટે માનવજાત નાદ્યાનું ઋણ કદી વીસરશે નહીં. ચાઈકોવસ્કી માટે નાદ્યા સાક્ષાત મોક્ષમૂર્તિ હતી – કારણ કે પીટર અને પાગલપનની વચ્ચે એ દીવાલ બનીને ખડી હતી.

અને… અને… પછી એક દિવસ અચાનક નાદ્યાએ એ સંબંધનો તંતુ તોડી નાખ્યો. બેઉ એકમેક વિના લાંબુ ન જીવ્યાં. નાદ્યાની લથડેલી તબિયત તેને મૃત્યુના દ્વારે લઈ ગઈ; અને પછી પીટરે પ્રાણ છોડ્યો ત્યારે તેના હોઠે પ્રિયતમાના નામનું રટણ હતું.

એ તો ગયાં, એમનાં પ્રણયનાં રહસ્યો બચી ગયાં, એમના પત્રો.. બસ, એમના વિશે જાણવાનું બીજું કોઈ સાધન નથી. એ બેઉ પણ એકબીજાને પત્રો દ્વારા જ પિછાનતાં હતાં. ઉત્કટતમ ઉર્મિઓને સ્પર્શતું કેટલુંક સંગીત બે વચ્ચે ચાલેલા આ પત્ર-સંબંધ થકી જગતને મળ્યું. એકમેક વિશે મનમાં રચેલી રમ્ય કલ્પનાસૃષ્ટિ તૂટી ન પડે એ હેતુથી બેઉ પ્રેમીઓએ પરસ્પરનો સ્નેહ પત્રોમાં સમાવી રાખ્યો.

ચૌદ વરસમાં એકવાર પણ તેમનું પ્રત્યક્ષ મિલન થયું નહોતું.

– ‘રીડર્સ ડાયજેસ્ટ’માંથી, અનુ. જયંત મેઘાણી

બિલિપત્ર

જેને લોકો ‘સુખ’ અને ‘આનંદ’ કહે છે એ ભાવ કેટલો એકાકી છે? એનો સંયોગ કેટલું વિચિત્ર સંવેદન છે? લોકોને ભ્રમ છે કે સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ જુદી જુદી વસ્તુ છે કારણ કે કોઈના જીવનમાં તે એકસાથે નથી આવતી છતાં વ્યક્તિ તેની પાછળ દોડે છે, આ મૃગતૃષ્ણાઓ માટે બાવરો બનીને ભટકે છે, તેને સુખની તૃષ્ણામાં દુઃખને ગ્રહણ કરવાની ફરજ પડે છે. સુખ અને દુઃખ બે જુદાં જુદાં શરીર છે પરંતુ તેમનું માથું તો એક જ છે.

– અર્નેસ્ટ હેમિંગ્વે (‘સોક્રેટિસની મૃત્યુવેળા’ માંથી)

જયંતભાઈ મેઘાણી દ્વારા સદવાંચનનો વ્યાપ વધારવા પાઠવવામાં આવેલ પત્રિકામાંથી આજનો લેખ ‘પ્રેમનું ગાન’ સાભાર લીધો છે. નાદેઝ્દા (નાદ્યા)ફોન મેક અને પ્યોત્ર (પીટર) ઈલીચ ચાઈકોવસ્કીના અનોખા સખ્યની વાત અહીં આલેખાઈ છે. યુવાન સંગીતકારની સુરાવલીઓને બળ અને પ્રેરણા પૂરાં પાડનાર એ સન્નારીની વાત હ્રદયસ્પર્શી છે. સમયાંતરે આવી સુંદર કૃતિઓ પ્રકાશિત કરવા, સહ્રદયોને મોકલવા અને એ રીતે સદાબહાર વાંચનને તરસ્યાઓ સુધી પહોંચાડવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રેમનું ગાન – અનુ. જયંત મેઘાણી