માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા 28


૧.Jhakal nu sarnamu

વર્ષોથી બંધ ડેલીને
કોઈએ હળવેથી સાદ દીધો;
અને એ તો
આખે આખી ઉઘડી ગઈ!

૨.

ઘરમાં નવી વહુના
આગમનની વાત સાંભળીને
ઊંબરો વધુ પીઢ બની ગયો.

૩.

કક્કાએ કાનામાત્રનો
શણગાર કર્યો
ને બારાખડીની તો
જાન નીકળી પડી !

૪.

હવે ખેતરમાં ચાડિયા વધુ
ને પાક ઓછો છે
ખબર નથી પડતી
કોણ કોને સાચવે છે?

૫.

ધર્મસ્થળના દરેક પથ્થરની
રામાયણ કે મહાભારતમાં
પ્રવેશવાની
પૂરેપૂરી શક્યતા છે.

૬.

જ્યાં સુધી પાપીઓ
આ જગતને માણે છે,
ત્યાં સુધી કેમ કહેવાય
કે ઈશ્વર બધુંય જાણે છે!

૭.

લીલાંછમ્મ વૃક્ષની પરિભાષા
શું હોઈ શકે?
ડાળીએ ડાળીએ લૂમઝૂમ ફૂલો
કે ડાળીએ ડાળીએ
બંધાયેલ પંખીના માળા?

૮.

એક સૂકું ખરેલું પાન
ઊડી ઊડીને
ત્યાગની વાતો સમજાવે છે
આખાયે જંગલને.

૯.

ક્ષણ બે ક્ષણ
જો, ભૂતકાળનું ખોળિયું
પાછું મળે તો-
મારે…
વર્તમાનને
મજા ચખાડવી છે.

૧૦.

પાંચિકા ઝીલતી નિર્દોષતા,
પાનેતર પહેરે
એટલે…
ગુમસુમ થઈ
કાંકરા વીણવા માંડે છે.

– પ્રતિમા પંડ્યા
(લઘુકાવ્યોના સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ માંથી સાભાર…)

અક્ષરનાદ પર માઈક્રોફિક્શન વાર્તાઓનો અનેરો વિભાગ શરૂ થયો ત્યારથી અનેક મિત્રોની માઈક્રોફિક્શન પ્રસ્તુત કરવાની મજા લીધી છે, અને એ માઈક્રોફિક્શનને વાચકોએ પણ હાથોહાથ વધાવી, વખાણી અને એ જ પ્રયાસને પરિણામે અનેક નવસર્જકોએ એ ક્ષેત્રમાં પ્રયોગો આરંભ્યા છે.

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

28 thoughts on “માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા