બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે 12


૧. શાંતિ

રણછોડ ખુશ હતો. તેની ભણેલી આધુનિક પત્નીએ તેને આજે નવું કાંડા ઘડિયાળ ભેટ આપ્યું હતું. વળી આ મોસમની ફસલ પણ સારી હતી. દાણા કોઠારમાં આવી ગયા હતા. એક ખેડૂત તરીકે તેને પોતાનો મબલક પાક જોઈને સંતોષ થતો હતો. તેને થયું ‘આ વર્ષે મહેનત લેખે લાગી.’

તે નવા ઘડિયાળમાં વારે વારે જોતો હતો અને સમય જોઈને મનોમન હરખાતો હતો. તે કોઠાર બંધ કરવા જતો હતો તેવામાં તેની નજર તેનાં કાંડા પર પડી. કાંડા પર ઘડિયાળ નહોતું! અરે! ઘડિયાળ ક્યાં? તેને બરાબર ખબર હતી કે જયારે તે કોઠારની અંદર ગયો ત્યારે તેનું ઘડિયાળ તેનાં કાંડે જ હતું. એ તો અણમોલ ભેટ હતી. રીમા પૂછશે તો તેને શો જવાબ આપીશ? હવે શું થશે? તેણે ફરી કોઠારમાં જઈને સારી વાર સુધી ઘડિયાળ શોધ્યું. પણ તે ન મળ્યું. તેનાં મનમાં કેટલાંય વિચારો વંટોળિયાની જેમ વહેવા લાગ્યા. રીમા પ્રશ્ન કરે ત્યારે તેને આપવા માટે કોઈ સારો જવાબ પણ રણછોડને સૂઝતો નહોતો.

રણછોડે બહાર જોયું કે કોઠારની સામેના મેદાનમાં બાળકોની ટણકટોળી રમી રહી હતી. તેને થયું લાવ બાળકોની મદદ લઉં. તેથી તેણે બાળકોને બોલાવી તેમને પોતાનું ઘડિયાળ કોઠારમાં પડી ગયાની વાત કરી અને કહ્યું, ‘તમારામાંથી જે મને મારું ઘડિયાળ શોધી આપશે તેને હું ઇનામ આપીશ.’ બાળકો તો ઇનામની લાલચે ઘઉંના ઢગલામાં અને કોથળામાં ઘડિયાળ શોધવા લાગ્યાં. થોડીવાર ધમપછાડા કરી તેઓ કહે, ‘અમને તે નથી મળતું.’ રણછોડ નિરાશ થયો. કોઠારની બહાર નીકળી તે કોઠારને તાળું મારવા જતો હતો તેવામાં એક નાનકડો છોકરો તેની પાસે આવ્યો અને કહે, ‘અંકલ, મને ફરી એકવાર અંદર જોવા જવા દેશો?’

છોકરાની આંખમાં તેજ હતું અને ચહેરા પર આત્મવિશ્વાસ. રણછોડને થયું છેલ્લો પ્રયત્ન કરી જોવામાં શું વાંધો. તેણે એ નાનકડા છોકરાને ફરી વાર કોઠાર ખોલી આપ્યો અને કહ્યું, ‘જા જોઈ લે!’ અને પોતે તેની રાહ જોઈને કોઠારની બહાર ઊભો રહ્યો. થોડીવાર પછી તે છોકરો પેલી નવી કાંડા ઘડિયાળ પોતાના હાથમાં લઈને આવ્યો!

ઘડિયાળ જોઈને રણછોડને ખૂબ આનંદ થયો અને તેને નવાઈ પણ લાગી. તેથી તેણે તે છોકરાને પૂછ્યું: ‘આ ઘડિયાળ કોઈને ન મળી અને તને કેવી રીતે મળી?’

છોકરાએ જવાબ આપ્યો: ‘અંદર જઈને મેં તો કાંઇ ન કર્યું. બસ, એકબાજુ બેસી ગયો અને સાંભળવા માટે મેં કાન માંડ્યા. અંદરની શાંતિમાં મને ઘડિયાળનો ટક ટક અવાજ સંભળાયો. જ્યાંથી તે અવાજ આવતો હતો તે જ બાજુ હું ઘડિયાળ શોધવા ગયો અને મને ઘડિયાળ મળી ગયું.’

બીજે રોકાયેલા મન કરતાં જે મન શાંત હોય તે વધારે સારી રીતે વિચારી શકે છે. તે સાચી દિશામાં વિચારી શકે છે. અને પરિસ્થિતિને સાચી રીતે સમજી શકે છે. તમારા મનને રોજ થોડો સમય શાંત રહેવા દો પછી જુઓ તમારા જીવનમાં એક ચમત્કાર સર્જાશે. જયારે તમારું મન શાંત હોય ત્યારે તે તમારા જીવનને તમે ઈચ્છો છો તેવું કરવામાં સહજપણે સાથ આપે છે!

– હર્ષદ દવે. (વડોદરા) ૧-૯-૨૦૧૩

૨. ગુરુજીની બકરી – 

હવે રાજા નથી રહ્યા, પરંતુ તેની વાતો રહી છે. રાજાનો નાનો સુંદર કુંવર, હસતો રમતો… અચાનક ઉપર પહોંચી ગયો. રાજા વિષાદમાં સરકી પડ્યા. ન ખાય, ન પીએ. આવું ક્યાં સુધી ચાલે? બીજું, રાજકાજ પર ધ્યાન કોણ આપે? વજીર ચિંતા ગ્રસ્ત. શું કરવું? સમય સરતો જાય છે. છેવટે તેણે રાજાના ગુરુજી પાસે જવાનો નિર્ણય કર્યો. ગુરુજી દૂર એકલા એક ટેકરી પર કુટિરમાં રહે. વજીરે ત્યાં જઈને ગુરુજીને બધી વાત જણાવી. ગંભીરતા સમજી ગુરુજી રાજમહેલમાં પધાર્યા. તેઓ રાજા પાસે ગયા. બહુ બધો બોધ આપ્યો. સમજાવ્યું. ‘કર્મણ્યેવાધિકારસ્તે’ ઉપદેશ આપ્યો. અને…રાજા શોકમુક્ત થાય. જનજીવન થાળે પડ્યું. ગુરુજી પોતાની કુટીરે ગયા.

ગુરુજીના એકાંતવાસમાં એક ઘટના બની. તેઓ જે બકરના દૂધ પર રહેતાં હતા તે તેના જીવનના આધાર સમી બકરી મૃત્યુ પામી. ગુરુજી શૂનમૂન. જાણે સમાધિસ્થ હોય તેમ લાગે. સેવકોને ખબર પડી અને વાત ગામમાં ફેલાતી રાજાને કાને પહોંચી. દેહધર્મ મુજબ જો દેહને પોષણ ન મળે તો તે ટકે શી રીતે? ગુરુજીના મુખ પર છવાયેલી કઠોરતા જોઈ સહુને મનમાં ધ્રાસકો પડતો. રાજાએ વિચાર્યું કે મને શોક મુક્ત કરનાર જ્ઞાની ગુરુજીની આ દશા કેમ? તેને થયું મારે પણ તેમણે બકરીના શોકમાંથી મુક્ત કરવા જોઈએ. રાજા તેનાં રસાલા વગર એકલા ગુરુજી પાસે ગયા. કહ્યું,’ગુરુજી, મને મારાં પુત્ર વિયોગના શોકથી મુક્ત કરવા માટે તમે મને જે ઉપદેશ આપ્યો હતો તેનું હું નિત્ય સ્મરણ કરું છું. તમે તો મહાજ્ઞાની છો, એક બકરી ગઈ તેમાં આટલો બધો શોક કરવાનો હોય?’ ગુરુજી નિરુત્તર. નિરુપાય થઈને રાજાએ છેવટે પ્રશ્ન પૂછ્યો: ‘ગુરુજી મને મારા એક પ્રશ્નનો જવાબ નથી મળતો. કૃપા કરીને મને તેનો જવાબ આપો: મારા કાળજાના કટકા જેવો કુંવર ચાલ્યો ગયો તેમ છતાં હું શોકમુક્ત થયો તો તમે આ એક બકરીના મુર્ત્યુંથી આમ શોક સંતપ્ત થઈને આટલા કઠોર પાષણવત કેમ થઇ ગયા છો?’

રાજા જવાબની પ્રતીક્ષામાં ગુરુજીના ચહેરાને એકીટસે જોઈ રહ્યા…

…અને ગુરુજીએ અચાનક કહ્યું, ‘હે રાજન! તું રાજા છે, જે જતો રહ્યો તે કુંવર ‘તારો’ હતો, પણ આ બકરી તો ‘મારી’ હતી!’

– કથા: ભરત જે. શુકલ (જામનગર) પ્રસ્તુતિ: હર્ષદ દવે. (વડોદરા)

નાનકડી કથા, નાનકડો પ્રસંગ કેવો સુંદર સંદેશ આપી શકે છે! હર્ષદભાઈ દવે દ્વારા અહીં પ્રસ્તુત પ્રસંગકથાઓ પણ થોડામાં ઘણું કહે છે. એક કથા મનની શાંતિ અને સ્વસ્થતાની અગત્યતા વિશે કહી જાય છે ત્યાં બીજી કથા ઉપદેશ આપવા અને સ્વયં તેનું પાલન કરવા વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિઓ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે