સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૫)
મૂળ પુસ્તક – પુરાતન જ્યોત
આ પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૪ થી આગળ…
ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી.અમરબઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, પરિવર્તન દેખાયું પણ — પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી.એને પોતાને જ ન પડી. કેટલાક પલટાઓને લાંબો સમય લાગે છે. કેરીની રંગ બદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટાએટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.
“તમે કોણ છો બોન? ક્યાંના છો? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો.
“આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવાદેશો? આંહીં મારું મન ઠરે છે.”
આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે ! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.
“ભલે દીકરી, બેસો, અહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી.
સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું: ‘માતાજી, મે’માન છે. બે શેડ્ય પાડી લઉં?’
ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.
આઠદશ શેડ્યો પાડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું: દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.
ધેનુના આંચળો હજુ ટપકતાં હતાં, માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો. અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી.
એણે રામપાત્ર પી લીધું.
“તમારી સાથે કોણ છે?” દેવીદાસે પૂછ્યું.
અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાના કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂંકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.
“બોન !” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અમે કોઈને વરદાન વેચતા નથી. આશિર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુ:ખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ….”
અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પણી તબક્યાં.
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું:
ગોધન હાલ્યાં જય,
આ નવલખ તારાસૂરજ કેરાં ગોધન હાલ્યાં જાય.
એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખોવાય.
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.
પ્રથમીનાં વાછરડાં ખોવાય,
માતનાં બાળકડાં ખોવાય.
ઊઠો ગોવાલા ! નંદદુલારા !
રજની ખાવા ધાય;
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય?
ધરતીનાં વાછરડાં ખોવાય — સુનમાં
લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું ન ઠરે,
હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના મતવાલ ! – સુનમાં
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે : જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે: પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંત:કરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — “આ બેઠી એ તો આંહીં !” એકાએક બોલ સંભળાયો.
છ આઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.
સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું .
“આવો મા ! તમે હતા માં ?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.
એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો: “આ શું માંડ્યું છે તમે મા’રાજ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. “અમર..”
એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક ! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.”
અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી.
“ને આ દાગીના કેમ ઊતાર્યા છે વેરાગણ?”
સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો:
“મા, તમને સોંપવા માટે જ.”
“માં માં કોને કરછ? ને સોંપવા છે શા સારુ? ”
“માં, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી માં — મારી ધરતીમાતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યો છે.”
“આ તને શું થઈ ગયું?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢોળ્યું. “તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી?”
“કાંઈ નહીં માં ! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે માં?”
“આઈ” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર કરું છું.”
અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું : “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે, આયર ! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર ; સુખેથી બીજે ચડાવજો.”
નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.
“અરે ઊઠ ઊઠ હવે ભગતડી !” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા.
“હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર ! લાવો છરી.” કહીને અમરબાઈએ એ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.
સાસુ અને પતિ : અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓ; એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે ! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને ! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને?
ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દૃઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી.
“કજાત ! બસ થયું કજાત !” કહેતાં આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું : “માં, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.”
વેગીલી પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ “તને મૂઈ સમજું છું.” એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય, હાય, એ શબ્દે હાથ પટકતી બહાર નીકળી ગઈ.
થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લક્કડખોદ પક્ષીના કડકડાટ સિવાય બીજો કોઈ બોલાશ નહોતો રહ્યો.
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલતમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચન કહ્યું:
“મા, આ તેં શું કર્યું?”
“સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે.”
(ક્રમશઃ)
– ઝવેરચંદ મેઘાણી
આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પરથી પણ, જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ વાંચી શકાશે.
{લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપીતિયાંની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હ્રદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીનાં કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લોકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી.}
સન્ત દેવિદાસ – મેઘાનિ સાહેબ્નિ અદભુત કલમ પ્રસાદિ
આપનને પ્રેમ્પુર્વક પહોચાદવા માતે જિગ્નેશ – પ્રતિભાનો સાદર રુનસ્વિકાર – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા