ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે 6


ડુંગર ટોચે ડગમગ ડગમગ સૌ અંદરથી મલકાયા રે !
ઝરમર ઝરમર વાદળ વચ્ચે ભીનું ભીનું ભીંજાયા રે !

ઝલમલ ઝલમલ તડકો ઓઢી સરવરિયે ઠલવાયા રે !
હળવે હળવે હોડી જોડી હાલક ડોલક છલકાયા રે !

અજબ ગજબની ઠેક મારતાં હરણાંથી હરખાયા રે !
ખળખળ વાંકાચૂંકા વહેતાં ઝરણાંથી પરખાયા રે !

અગડં બગડં લડતાં લડતાં તરુવરથી ભટકાયા રે !
અડકો દડકો રમતાં રમતાં વન-જંગલમાં પટકાયા રે !

પકડા પકડી, દોડાદોડી, વચગાળામાં અથડાયા રે !
અમથેઅમથા હસતાં હસતાં અજવાળામાં અટવાયા રે !

– હર્ષદ દવે. (૨૨-૦૭-૨૦૧૩)

વરસાદની ઋતુ છે, શ્રાવણ મહીનો શરૂ થયો છે, ભક્તિ અને વર્ષાની અદભુત સરવાણી વહી રહી છે, વડીલો જ્યાં ધર્મ, ધ્યાન, ભક્તિ, વાવણી અને ખેડ જેવી બાબતોમાં વ્યસ્ત થઈ ગયા છે એવામાં બાળકો તો એ સરવડાંને મન ભરીને માણી જ રહ્યાં હશે. આવા અદભુત સમયે અક્ષરનાદને તેમની કલમ પ્રસાદી વડે સતત સમૃદ્ધ કરતા હર્ષદભાઈ દવે એ બાળકોના મનોભાવોને પદ્યમાં વણીને સરસ પ્રસ્તુતિ લઈ આવ્યા છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ઝરમર ઝરમર વાદળ વચ્ચે… – હર્ષદ દવે