તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૧ 7


અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ શરૂ કરી રહ્યા છીએ. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ રહ્યો છે. આભાર માનવા જેટલી ઔપચારીકતા હવે તેમની સાથે રહી નથી અને એ તેમને ગમશે પણ નહીં, આ આખીય શરૂઆતનું કારણ અક્ષરનાદ પ્રત્યેનો તેમનો પ્રેમ – ભાષા અને સાહિત્ય પ્રત્યેનો તેમનો નિતાંત સ્નેહ જ છે.

ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ  વેકરિયા સાથે અક્ષરનાદ માટે એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧

સંપાદક : તન્મયભાઈ, અક્ષરનાદ.કોમ વેબસાઈટના સર્વ વાચકો તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમને રૂબરૂ મુલાકાતનો અવસર મળ્યો અને આપે વ્યસ્તતાઓ છતાં સમય ફાળવ્યો એ માટે હું આપનો ખૂબ આભારી છું. સૌપ્રથમ તો મારે અને વાચકમિત્રોને એ જાણવું છે કે અભિનય ક્ષેત્રમાં આપની શરૂઆત કઈ રીતે થઈ?

તન્મયભાઈ : મારી શરૂઆત બાળ કલાકાર તરીકે થઈ, મારા પપ્પા, શ્રી અરવિંદભાઈ વેકરીયા છેલ્લા પંચાવન-સાંહીઠ વર્ષથી ગુજરાતી રંગભૂમી પર કાર્યરત છે. નાનપણથી તેમને નાટકો કરતાં જોયા છે, સીરીયલોમાં કામ કરતાં જોયા છે. જ્યારથી મને સમજણ આવી કે મારે જીવનમાં શું કરવું, કારકિર્દી માટે કયો વિકલ્પ પસંદ કરવો એ વિચાર આવ્યો ત્યારથી જ મેં મારી જાતને એક કલાકાર તરીકે જોઈ છે, અને ભગવાનની દયાથી મને ઘણાં નાટકો કરવાનો અવસર મળ્યો છે, ગુજરાતી રંગભૂમીના ઘણાબધા કલાકારો સાથે સ્ટેજ વહેંચવાનો મોકો મળ્યો છે. ત્યારબાધ ઘણી સીરીયલમાં નાનાં નાનાં રોલ મળતાં હતાં, ગુજરાતી સીરીયલો ખૂબ કરી, હિન્દી સીરીયલોમાં ‘કૅમીયો’ કેરેક્ટર્સ કર્યા, ત્યારબાદ એક સીરીયલ આવી મણીબેન.કોમ તેમાં સ્મૃતિ ઈરાનીના ભાઈનું, નટુનું પાત્ર કર્યું જે ત્યારે ખૂબ પ્રચલિત થયેલું. બસ પછી જ્યારે મણીબેન.કોમ બંધ થઈ ત્યારે ભગવાનની કૃપાથી ‘તારક મહેતા…’ માં બાઘાનું આગમન થયું.

સંપાદક : તમે ગુજરાતી રંગભૂમીની વાત કરી, આજકાલ જે ગુજરાતી નાટકો થાય છે એ મહદંશે હાસ્યપ્રધાન હોય છે. મનને સ્પર્શી જાય, ચોટ પહોંચાડે એવા વિષયવસ્તુ સાથેના નાટકો આજકાલ ઓછા થાય છે એનું કારણ તમને શું લાગે છે?

તન્મયભાઈ : હા, તમારી વાત સાચી, પણ લોકોનો ટેસ્ટ સમયાનુસાર ફરતો રહે છે, એક જમાનામાં જ્યારે કાંતિ મડીયા નાટકો કરતાં હતાં, ગીરીશભાઈ દેસાઈ નાટકો કરતાં હતાં કે પ્રવીણભાઈ જોશી પણ જે નાટકો કરતાં હતાં તેમાં એ સંદેશ રહેતો, કે જ્યારે નાટક પતે અને તમે ઘરે પહોંચો ત્યારે એક વિચાર સાથે ઘરે પહોંચો, પણ આજકાલ એવું રહ્યું નથી. મને લાગે છે ત્યાં સુધી એનું કારણ એ જ છે કે આજના સમયમાં સ્ટ્રેસનું લેવલ ત્યારના સમય કરતાં અનેકગણું વધી ગયું છે. એક ટીકીટના સાડા ત્રણસો રૂપિયા ખર્ચીને નાટક જોવા જઉં તો – ઑફકોર્સ મને મેસેજ ગમે, સમાજ દર્પણનું નાટક મને સ્પર્શે છે – એ વાત સાથે સહમત, પણ હું જે રોજીંદા જીવનમાં અનુભવું છું એ જ શું કામ સાડા ત્રણસો ખર્ચીને અઢી કલાક ભોગવું ? એના કરતાં હું હસું નહીં? એટલે એ ટ્રેન્ડ બદલાયો છે, લોકોનો ટેસ્ટ બદલાયો છે. એટલે જ ગુજરાતી રંગભૂમી પર અત્યારે કોમેડી નાટકોનો ફાલ ચાલ્યો છે, આજે લોકોને મગજ એક બાજુએ મૂકીને ફક્ત અઢી કલાક હસવું છે, તરોતાજા થવું છે, નાટક પત્યા પછી લોકોને કોઈ મેસેજમાં રસ નથી. હસતાં હસતાં નાટક પૂરું થયું, હોટલમાં જમ્યા, ઘરે ગયા અને સૂઈ ગયાં. રવિવારની સાંજ આજકાલ લોકોને આ રીતે જ પસાર કરવી ગમે છે.

સંપાદક : કહેવાય છે કે ગુજરાતી નાટકોનું ક્ષેત્ર અત્યારે જોખમમાં છે. મરાઠી કે અન્ય ભાષાનાં નાટકોને જે માન મળે છે કે હાઊસફુલ જાય છે એ પ્રકારના ખૂબ જ પ્રચલિત અને અલગ કહી શકાય એ પ્રકારના ગુજરાતી નાટકો અત્યારે ઓછાં આવે છે, તમારું એ બાબતે શું માનવું છે ?

તન્મયભાઈ : સૌપ્રથમ તો ગુજરાતી રંગભૂમી જોખમમાં છે એ વાત તમે કહી, તો લગભગ હું ત્રીજા ધોરણમાં હતો અને મેં નાટકો શરૂ કર્યા ત્યારથી સાંભળું છું પણ એમાં મારું મંતવ્ય એવું છે કે ગુજરાતી રંગભૂમી ક્યારેય મરશે નહીં. બીજું તમે કહ્યું કે મરાઠીની સરખામણીએ ગુજરાતી રંગભૂમીનો વિકાસ નથી, વિકાસ પર્ફોર્મન્સની દ્રષ્ટીએ ન હોય પણ કોમર્શીયલી વધારે છે. મરાઠી નાટકોના નિર્માતા સતત નવું નવું કર્યા કરે છે કારણકે તેમને એ વિશ્વાસ છે કે લોકો એ સ્વીકારશે, એ નવીનતા, એ કલાસ્વરૂપને, એ પ્રયોગશીલતાને લોકો એ સ્વીકારતા હોય છે જ્યારે ગુજરાતી નિર્માતાઓને એ વિશ્વાસ નથી, અને કારણ કે ગુજરાતી રંગભૂમી મરાઠી કરતા વધુ કોમર્શીયલ છે એટલે નિર્માતા એ જોખમ લે પણ નહીં, જેમ કે મરાઠીમાં ઘણા નાટકોની શરૂઆત, જેમ કે તમે ‘ઓલ ધ બેસ્ટ’ નું ઉદાહરણ લો, જે મરાઠીમાં હીટ થઈ ગયા પછી જ ગુજરાતીમાં એનું જોખમ લેવાયું, અને એ ચાલ્યા પણ છે, એટલે ગુજરાતી નાટકો વધુ કોમર્શીયલ હોવાને લીધે મરાઠીની સરખામણીએ નથી, પણ એ કોમર્શીયલ હોવાને લીધે ગુજરાતી કલાકારોને મળતું મહેનતાણું, એક એક શો ના મળતા નાણાં એટલા સારા હોય છે કે હું આજે કાંઈ ન કરું અને ફક્ત ગુજરાતી નાટક કરું તો મારું ગુજરાન વ્યવસ્થિતપણે ચલાવી શકું, જ્યારે મરાઠીમાં એવું નથી.

સંપાદક : કલાકારો, કસબીઓ કે આ ક્ષેત્રના લગભગ દરેક વિભાગમાં યોગદાન આપનાર ગુજરાતીઓ જ્યાં હિન્દી ફિલ્મો કે સીરીયલની વાત આવે ત્યાં ખૂબ સફળ છે પરંતુ એ જ લોકો ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યાં આઘા ખસી જતા હોય એમ લાગે છે, પ્રશ્ન એ છે કે લોકો ગુજરાતી ફિલ્મોને જોવા જતા નથી કે ફિલ્મો એ પ્રકારની બનતી નથી કે લોકો જુએ?

તન્મયભાઈ : એક્ઝેક્ટલી, તમે જે બીજી વાત કરી એ.. ગુજરાતી ફિલ્મો એ પ્રકારની બનતી નથી કે લોકો જુએ. એકદમ ઈન્ટીરીયરમાં, નાના ગામડાઓમાં આપણે જઈએ કદાચ તો મને એમ લાગે છે કે ત્યાંના લોકો, સૌરાષ્ટ્ર તરફનું એ કલ્ચર, એ કેડીયામાંથી બહાર આવી જ નથી શક્યા. હિતેનકુમારે એ રીતે ખૂબ પ્રયત્નો કર્યા દ્રશ્ય બદલવાના. અમુક રીતે એ સફળ રહ્યા અને અમુક દ્રષ્ટીએ જોવા જઈએ તો એમને પણ એટલી સફળતા નથી મળી.

બીજું, ગુજરાતી કલાકારો જે હિન્દી ફિલ્મોમાં જાય છે અને ગુજરાતી ફિલ્મોમાં નથી જતા એનું એક કારણ મેકીંગ પણ છે… મેકીંગમાં બહુ ફરક પડી જતો હોય છે. મેં જે સાંભળ્યું છે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી પણ છે – ચીકાભાઈ કરસાણી સાથે, જે એકદમ મોર્ડનાઈઝ્ડ હતી – ન ચાલી કારણ કે મોર્ડનાઈઝ્ડ હતી. બીજું, પૈસાની દ્રષ્ટીએ જોઈએ તો ગુજરાતી ફિલ્મોમાં પૈસા નથી. હું ગુજરાતી છું, ગુજરાતી મારી ભાષા છે, મને ભાષાપ્રેમ છે એને લીધે હું ગુજરાતી ફિલ્મ કરું, એક ફિલ્મ કરું, બે ફિલ્મ કરું – પણ એની પર મારી કારકિર્દી ન બનાવી શકું, કારણ કે ફરીથી એ જ સવાલ – વળતર મળતું નથી.

ત્રીજું કારણ – આઠ આઠ, દસ દસ, પંદર દિવસમાં આખી ફિલ્મ થઈ જતી હોય તો એની ગુણવત્તાનું શું? વ્હેર ડઝ ધ ક્વૉલીટી સ્ટેન્ડ? તમે રીહર્સલ કર્યા, ડાયલોગ બોલ્યા અને પછી એક ટેક કર્યો અને એ જ ઓકે કરી લીધો, કારણ કે પછીના ડબ્બા બગાડવા નથી, રીલ બગાડવી નથી – ડબિંગમાં જોઈ લઈશું. એટલે મારી દ્રષ્ટીએ એ જે ફરક છે કે હિન્દી શું કામ વધારે કરવામાં આવે છે એનું આ એક મુખ્ય કારણ છે.

Taarak Mehta ka ooltah chashma

‘તારક મહેતા…’ સીરીયલની વાત કરીએ, તમારું ‘બાઘા’નું પાત્ર તો ખૂબ જ પ્રચલિત છે – હાસ્ય પ્રગટ કરતું અને સાથે સાથે સંદેશો પણ આપતું લાગણીશીલ પાત્ર છે, તેને તમે કઈ રીતે આત્મસાત કર્યું?

તારક મહેતા… ની વાત કરું તો મારી દ્રષ્ટીએ માત્ર મારું જ નહીં, ત્રેવીસે ત્રેવીસ કલાકારો જે કેમેરાની સામે તારક મહેતાની સાથે સંકળાયેલા છે તેમની દરેકની એક આગવી ઓળખ બની ગઈ છે. રહી વાત ‘બાઘા’ની તો એક સમય એવો હતો જ્યારે ‘નટુકાકા’ની તબીયત ખૂબ જ બગડી ગઈ હતી, બાયપાસ સર્જરી કરવી પડી હતી, ત્યારે એક એવું પાત્ર જોઈતું હતું કે જે જેઠાલાલની સાથે મળીને દુકાનના દ્રશ્યો કરી શકે, બીજું કે જે જેઠાલાલને નટુકાકા જેટલી સહજતાથી, નિર્દોષ હેરાનગતી કરી શકે, ત્યારે મારી વાત ચાલી, શરતો નક્કી થઈ અને ધીમે ધીમે કરતા હું બાઘા તરીકે પસંદ થયો.

દિલીપભાઇ સાથે પણ મારે ખૂબ જ અંગત મિત્રતા – આત્મીયતા કહી શકાય એવું છે કારણ કે મેં દિલીપભાઈ સાથે એક નાટક, ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’ કરેલું છે એ પહેલાં, એટલે એ મને ખૂબ સારી રીતે ઓળખતા હતાં, અને હું તેમને બહુ સારી રીતે ઓળખતો હતો.. અને મારું એટલું સદભાગ્ય કે મને એમની સાથે સ્ટેજ પણ કરવા મળ્યું અને કેમેરાની સામે પણ તેમની સાથે કામ કરવા મળે છે કારણ કે મારી દ્રષ્ટીએ આજની તારીખે દિલિપ જોશી જેવા ગુજરાતી રંગભૂમી પર અથવા તો પછી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં – સારા માણસ અને અદભુત અભિનેતા મળવા મુશ્કેલ છે – ન જ મળે, સાડત્રીસ વર્ષની ઉંમરમાં હું જેટલા સાથે સંપર્કમાં આવ્યો છું, તેમાં આ પેકેજ મને નથી મળ્યું. એટલે હું અને દિલીપભાઈ સાથે આમ જ વિચારી રહ્યા હતાં કે કઈ રીતે કરીશું આ.. શું કરીએ જેથી આ પાત્રને સરસ બનાવી શકાય, ત્યારે તો ચાર પાંચ જ એપિસોડ પૂરતું જ હતું. આ બોડી લેંગ્વેજ મેં દિલીપભાઈને બતાવી કે આવી રીતે હોય તો? અને એમને ખૂબ મજા આવી, બાઘાનું હાસ્ય – એક એવી ક્ષણ આવી જેમાં મને કહેવાયું કે તું આના પર હસજે – એટલે મેં કહ્યું કે નોર્મલ હસવા કરતાં આવી રીતે હસું તો… એમાં પણ એમને મજા આવી. બાઘાનો એક મનપસંદ તકીયાકલામ છે ‘જૈસી જીસકી સોચ…’ એ પણ દિલીપભાઈની જ દેન છે. એ આજકાલ એટલું પ્રચલિત થયું છે કે રીક્ષાવાળાઓ પણ પાછળ જૈસી જીસકી સોચ લખીને ફરતા હોય છે. અને આ બે વસ્તુઓ સિવાય – બાઘાની બોલવાની સ્ટાઈલ, બાઘો કઈ રીતે રીએક્ટ કરશે, બાઘો કેટલું ક્યાં અંડરપ્લે કરશે, બાઘો કેટલું ક્યાં લાઊડ કરશે – આ બે વસ્તુ સિવાય બાઘાને બનાવવામાં ૯૫% ફાળો દિલીપભાઈનો છે, અપાર્ટ ફ્રોમ રાઈટર્સ, લેખકોને તો ધન્યવાદ છે જ કે તેમણે બાઘાને કાગળ પર ઉતાર્યો, અને આસિતભાઈએ મારામાં વિશ્વાસ રાખ્યો, પણ બાઘાને જેમણે બનાવ્યો છે એ છે દિલીપભાઈ, એની પોપ્યુલારીટીનો યશ દિલીપભાઈને જાય છે. હું તો એ જે બતાવે છે એમ જ કરું છું. નટુકાકા એટલે કે ઘનશ્યામભાઈની તો પોતાની ઓળખ છે જ, પણ મારી માટે આ જે મોટી શરૂઆત મળી છે એ દિલીપભાઈને જ આભારી છે.

‘તારક મહેતા…’ સમગ્ર સીરીયલની આટલા લાંબા સમયથી આટલી બધી જોરદાર લોકચાહના હોવાનું કારણ શું?

એનું તમને હું મૂળભૂત કારણ કહું તો, એક તો સેટ પરની હકારાત્મકતા, દરેકે દરેક કલાકાર જ્યારે સેટ પર આવે છે ત્યારે એક નવા જોમ સાથે, એક નવા જુસ્સા સાથે આવતો હોય છે કે આજે શું નવું કરશું? કોમેડીમાં છેલ્લા પાંચ વર્ષથી સતત નવું નવું કરતા રહેવું એ એમનેમ ન થાય. બીજું મને લાગે છે ત્યાં સુધી કોઈ ઈશ્વરીય શક્તિ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પાછળ કારણ કે પાંચ વર્ષથી સત્તત ટી.આર.પી આટલી મળતી રહેવી અને નંબર વન શો બની રહે એટલે એમાં ઈશ્વરનો ખૂબ મોટો ઉપકાર છે, એમની દ્ર્ષ્ટી છે અમારા શો ઉપર.

ત્રીજું, કે ગૃપમાં અંદર અંદર કોઈને અહમનો ટકરાવ નથી. હું, નટુકાકા અને જેઠાલાલ દુકાન કે ગોડાઊનનું દ્રશ્ય કરતા હોઈએ તો – દિલીપભાઈનું વ્યક્તિત્વ એટલું સરળ છે કે એ ગૅગ્સ (હાસ્યપ્રેરક ચમત્કૃતિપૂર્ણ પંક્તિ કે હાવભાવ) અમને આપે છે. તેમને એમ ન થાય કે હું ગૅગ્સ આ લોકોને આપીશ તો હાસ્ય એ લોકોને મળશે, અને દ્રશ્યમાં એમની કિંમત ઓછી થઈ જશે એવું એમને ક્યારેય લાગતું નથી. અને એ જ રીતે મારી કે નટુકાકાની કોઈ એક લાઈન હોય અને મારી લાઈન કપાઈ જાય તો મને એમ ન થાય કે મારી લાઈન ગઈ એટલે હાસ્ય એમને મળશે, તો ક્યારેક એમની લાઈન કપાઈ જાય અને મને મળે તો ઘનશ્યામભાઈને પણ એમ નથી થતું, એટલે આ જે આંતરીક કેમેસ્ટ્રી છે, ખાલી અમારા ત્રણ વચ્ચે નહીં, ત્રેવીસે ત્રેવીસ વચ્ચે, એ જ આ શો આટલો સફળ હોવાની ચાવી છે.

Tanmay Vekariya

મને લાગે છે કે ક્વોલીટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા સિવાય, સતત મનોરંજન અને હાસ્ય સાથે સંદેશ પીરસવાની જે અદભુત ક્ષમતા આ ધારાવાહીકે દેખાડી છે એ પણ નોંધપાત્ર છે…

એક્ઝેક્ટલી, તમે જેમ કહ્યું એમ, હાસ્ય સાથે સંદેશ – એ તો શો હીટ થવાનું મુખ્ય કારણ છે જ કે તમને હસાવતા હસાવતા ક્યાંક એક ગર્ભિત સંદેશ આપી દે અથવા તો ક્યાંક તમારા આંખોના ખૂણા ભીના કરી દે..

બીજું, અમારા પ્રોડ્યુસર આસિતભાઈ, ગમે તેટલું મોટું -ત્રેવીસે ત્રેવીસ આર્ટિસ્ટનું સંકલન હોય અને દ્રશ્યની રીતે એમ લાગે કે અહિંયા ચાલી જશે, વાંધો નહીં આવે – એ પણ ચલાવતા નથી, હી વોન્ટ્સ ધ ક્વોલીટી ટુ બી બેસ્ટ. કારણ કે તેમને ખબર છે કે જેટલી ઉત્તમ ગુનવત્તા વિચારશું લોકોને આપશું એટલો ફાયદો આપણને પણ થશે અને લોકોને પણ એટલી જ વધુ મજા આવશે, એ વસ્તુ તો ખરી કે ક્વોલીટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ અમારા નિર્માતા કરતા નથી.

આસિતભાઈ જે રીતે તારક મહેતા… સીરીયલને આટલા વખતથી સતત ટોચ પર રાખી શક્યા છે, તમે બધા કલાકારોમાંના ગુજરાતી મિત્રો જે રીતે સતત આ અભિયાનમાં તેમની સાથે છો એની નોંધ સીરીયલ, ટીઆરપી કે કોમર્શીયલ આંકડાઓ સિવાય લેવાતી હશે? એક હકારાત્મક વાતાવરણ સર્જીને, હિંસક અને અશ્લીલ મનોરંજનના સમયમાં સ્વચ્છ હાસ્યસભર અને ઉપયોગી મનોરંજન પીરસીને તમે સમાજનું મોટું કાર્ય કરી રહ્યા છો. અભિનય કે કળાના કોઈપણ ક્ષેત્રમાં ગુજરાતની પ્રતિભાઓને ઓળખ કે માન આપવામાં ગુજરાતી સમાજ પાછો પડતો હોય, એ કસબીઓની નોંધ ઓછી લેવાતી હોય એવું ક્યાંક મને લાગે છે. લગ્નમાં, નવરાત્રીમાં કે ગણપતિમાં તેમને બોલાવીને સ્ટેજ પર લાવવા એ સામાન્ય કોમર્શીયલ વસ્તુ છે, પણ સરકાર, સંસ્થાઓ કે લોકો દ્વારા ગુજરાતી કલાકારોનું, કસબીઓનું બહુમાન થવું ન જોઈએ?

તમારી વાત એકદમ સાચી છે, બહુ સાચું કહું તો આ વિચાર તમે રોપ્યો છે મારામાં, કોમર્શીયલી બધા જ જાય છે – હાજરી આપવા, લગ્નમાં, સંગીત સંધ્યામાં પણ આવી રીતે મોટા પ્લેટફોર્મ પર નથી. દેશના સ્તરે વાત ન કરીએ તો પણ ગુજરાતમાં કે મુંબઈમાં – કલાકારોનું બહુમાન થવું જોઈએ કે નિર્માતાનું – જે સર્જનાત્મકતા સાથે ટીવી પર તારક મહેતાની લેખિનીને લઈ આવ્યા છે. દરેકે દરેક ઘરમાં આજે જેઠાલાલ, દયા, ટપુ કે ચંપકલાલને લઈ આવ્યા છે. તારકભાઈની તો હથોટી છે જ પણ તેમની મર્યાદા એટલી કે ટપુડાને ગુજરાતીઓ જ વાંચતા, પણ આજે ભારતના દરેકે દરેક ઘરમાં – પછી એ પંજાબી હોય, ગુજરાતી હોય, મુસ્લીમ હોય કે ક્રિશ્ચન હોય – એ લોકોને પણ દયા, જેઠા, ચંપકલાલ કે ટપુ એ બધા પાત્રો એકદમ ગમવા લાગ્યા છે એનું શ્રેય આસિતભાઈને જાય છે.

આ માધ્યમ થકી પણ લોકોને એટલી જાગૃતિ આવતી હોય તો હું વિનંતિ કરીશ કે કંઈક કરો, જે માણસ છેલ્લા પાંચ વર્ષથી સતત સર્જનાત્મકતા સાથે તમને હાસ્ય પૂરું પાડવા, નવા નવા સંદેશાઓ આપવા અને મનોરંજન આપવા મથે છે, એ માણસ રાત્રે ત્રણ વાગ્યા પહેલા સૂતો નથી અને સવારે છ વાગ્યે જાગી જાય છે. સૂવે ત્યારે તારક મહેતાના વિચારો સાથે સૂવે છે, જાગે ત્યારે પણ એ જ વિચારો…. સતત નવું નવું હાસ્યસભર પીરસતા રહેવું એ જ એમનો ધ્યેય. ખરેખર આસિતભાઈને એના માટે દરેકે દરેક કલાકાર સલામ કરે જ છે. એટલે એવું કાંઈક થવું જોઈએ.

અને જરૂરી નથી કે એ ભારતના સ્તરે જ હોય, ઘણાં બધાં દેશોમાં ‘તારક મહેતા…’ પ્રસારીત થાય છે, એશીયા ટીવી કે સબ ટીવી આવે છે ત્યાં ત્યાં ‘તારક મહેતા…’ જોવાય છે. મારે ત્યાં નાઈરોબીથી એક મિત્રનો ફોન આવેલો કે ‘તારક મહેતા….’ જોઈએ છીએ અને ખૂબ મજા આવે છે. લંડનથી પણ એવા સંદેશાઓ મળે છે કે ત્યાં પણ ‘તારક મહેતા…’ ખૂબ જોવાય છે. અમેરીકામાં પણ લોકો યૂટ્યૂબ પર બફર કરી કરીને ‘તારક મહેતા…’ જુએ છે. વિશ્વમાં તેની એક ઓળખ થઈ છે એટલે તેને બહુમાન મળવું જ જોઈએ.

(આ મુલાકાતનો બીજો અને અંતિમ ભાગ – ભાગ ૨ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૧

  • Natwarlal

    તન્મયભાઈ, તમે તો અમને બાઘા કરી દો છો. તમે ચાલવામાં સમતુલા કેવી રીતે જાળવો છો? કે પછી એમાંય તમને દૂરથી દિલીપભાઈ લાકડી બતાવે છે. જૈસી જિસકી સોચ. કેમ બરાબરને?

  • Sakshar

    નવો વિભાગ ગમ્યો. એક સુચનઃ આવી મુલાકાત પહેલા વાચકોના પણ સવાલો નો સમાવેશ કરવા વિનંતી. એટલે જ્યારે પણ આવી મુલાકાત બ્લોગ પર આવવાની હોય એની પહેલા ૧ અઠવાડિયા પહેલા ફોર્મ દ્વારા વાચકો પાસેથી પ્રશ્નો લેવા અને બધા ન સમાવી શકાય તો તમને જેટલા યોગ્ય લાગે એટલા સમાવવા. એના લીધે પ્રશ્નોનું પણ વૈવિધ્ય મળશે અને વાચકોને પણ પોતાના પ્રશ્નો પહોચાડ્યાનો આનંદ.

  • R.M.Amodwal

    excellent thanks all paticipant & best wishes.We are pround of art performance being gujarati. Myself & family residing at Bharuch , we always see the Gujarati Play by the membership in ” Stage Craft ” & ” DipKala ”
    Thanks

  • Prakash Panchal

    અક્ષરનાદ અને શ્રી “બાઘા” જી ની જણાવવાંનુ કે અમે ગુજરાતી ફૅમિલી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સાઉદી અરેબિયા માં પણ
    માનીઍ છીયે અને દરેક ઍપિશૉડને જોવાનુ છોડતા નથી.

    અમારી સાથેના હિન્દી ભાષી મિત્રો પણ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સાઉદી અરેબિયા માં ખૂબ હોંશ થી જુવે છે.

    બાઘા નુ પાત્ર અને જેઠાલાલને જોવાની અને સાંભળવાની ખાસ મજા આવે છે.

    તમારી નોધમાં સાઉદી અરેબિયા નું નામ નોધી લેશો.

    અક્ષરનાદ ને શ્રી “બાઘા” જી સાથે રૂબરૂ કરાવવા બદ્લ આભાર…