તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૨ 11


(આ મુલાકાતનો પ્રથમ ભાગ – ભાગ ૧ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

Tanmay Vekariya 3

સંપાદક : જેમ આપણે ગુજરાતી નાટકો માટે વાત કરી એમ ગુજરાતી ભાષા માટે પણ કહેવાઈ રહ્યું છે કે એ મરી રહી છે, ગુજરાતીઓ હિન્દી અને અંગ્રેજી બોલતા થઈ ગયાં છે, પોતાના જ વિસ્તારમાં પોતાના જ લોકો સાથે તે અંગ્રેજી -હિન્દીમાં વાત કરે છે… સમગ્ર સમાજમાં જ ફેરફારની જરૂર છે કે થોડાક લોકોના સભાન પ્રયત્નો ભાષાને બચાવી શક્શે? એકબીજાને ‘ભાષા માટે કંઈક કરો..’ એવું કહેતા લોકોનો અવાજ તો સંભળાય છે પણ એ દિશામાં કાંઈક થઈ શકે – કાંઈક કરવાથી ભાષા બચી શકે એમ તમને લાગે છે?

ના, મને નથી લાગતું કે એવું કાંઈક કરવાથી ભાષા બચી શકે. તમારી વાત એકદમ સાચી છે, આજનું જે કલ્ચર આવી ગયુ છે અને મોર્ડનાઈઝેશન થઈ ગયું છે (તેમાં લોકોનો પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો લાગે છે.) હું જ્યારે સ્કૂલમાં હતો, હું પોતે અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી પણ મારા પપ્પાના હિસાબે અમારા ઘરમાં ગુજરાતી સાહિત્યનું વાતાવરણ ખરું. લગભગ ચોથા પાંચમા ધોરણમાં હતો ત્યારથી ગુજરાતી વાંચતા આવડી ગયું. આજે હું ગુજરાતી વાંચી શકું છું, ગુજરાતી લખી શકું છું, સારી ગુજરાતી ભાષા બોલી શકું છું, પણ મારી દીકરી સાત વર્ષની છે એને ગુજરાતી વાંચતા બોલતા નથી આવડતું. એમાં મારો પણ વાંક ખરો, મને તેને પાસે બેસાડીને ભાષા શીખવવાનો સમય મળતો નથી. ગુજરાતી ભાષા ખરેખર મરી રહી છે કારણ કે શાળાઓ એવી રહી નથી, મા-બાપને પોતાને બાળકોને ગુજરાતી સાહિત્ય તરફ વાળવામાં રસ નથી. તેમાં એમ થઈ શકે કે – મુંબઈ ખાતેની વાત કરું તો અહીંની દરેકે દરેક શાળાઓમાં – એ આજકાલ નવો ફાલ નીકળ્યો છે તેમ આઈસીએસ સી કે સીબીએસસી એ બધી શાળાઓમાં મારિ દ્રષ્ટીએ એકાદ પીરીયડ ગુજરાતીનો હોવો જ જોઈએ. મારી દીકરી જે શાળામાં જાય છે ત્યાં ચોથા ધોરણ પછી મરાઠી ફરજીયાત છે કારણ કે મહારાષ્ટ્ર છે, એ રીતે ગુજરાત સૌરાષ્ટ્રમાં જે અંગ્રેજી કે કોન્વેન્ટ શાળાઓ છે એમાં ગુજરાતી હોવું જોઈએ. સાથે સાથે મુંબઈમાં પણ એવું હોવું જોઈએ.મુંબઈમાં તો આજની પેઢીને ગુજરાતી સાથે કોઈ લેવા દેવા નથી. ગુજરાતી ઘરમાં હોવા છતાં, ગુજરાતી પરિવારમાં ઉછર્યા છતાં, સંયુક્ત કુટુંબ હોવા છતાં બે બહેનો કે બે ભાઈઓ ભાગ્યે ગુજરાતી શબ્દનો કે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હશે. Hi, How are you? Where were you? Not seen since ages.. આ રીતનું વાતાવરણ છે એટલે ગુજરાતી ભાષા માટે આ પ્રયત્ન વિચારવા જેવો ખરો.

સંપાદક : તમારે તન્મયભાઈની મુલાકાત લેવાની હોય તો એક એવો કયો પ્રશ્ન જે તમે તન્મયભાઈને અવશ્ય પૂછો, અને એનો જવાબ..

તન્મયભાઈને જો મારે એક સવાલ પૂછવાનો હોય તો એ એમ હોય કે તન્મયભાઈ તમે કલાકાર ન હોત તો શું હોત? અને એનો જવાબ તન્મય વેકરીયા આપત જે તદ્દન અજાણ હોત કારણ કે તેની પાસે તેનો જવાબ જ ન હોત. તન્મય વેકરીયાએ, જ્યારથી તેને બુદ્ધી આવી છે, થોડી ઘણી મેચ્યોરીટી આવી છે ત્યારથી કલાકાર બનવા જ વિચાર્યું છે, એણે પોતાની જાતને થિયેટર, નાટકો અને સીરીયલ્સને સોંપી દીધી છે. મને ગર્વ છે કે ભગવાને મને આટલા સરસ ઘરમાં જન્મ આપ્યો છે. મારા પિતા ખૂબ સંઘર્ષ કર્યા પછી ગુજરાતી મંચ પર એક ઓળખ ઉભી કરી શક્યા છે હું એટલો નસીબદાર છું કે મારે એવો સંઘર્ષ કરવો પડ્યો નથી, છતાં મને ઘડવા માટે મારા પિતાજીએ બેકસ્ટેજ કરાવ્યું છે, સ્ટેજ પાછળ બેસીને વગાડ્યું પણ છે. એટલે તન્મય વેકરીયાને આ જ સવાલ પૂછવામાં આવે કે તમે કલાકાર ન હોત તો શું હોત અને એનો જવાબ એ જ આવે કે મને ખબર નથી કારણ કે એ દ્રષ્ટીએ કદી વિચાર્યું જ નથી.

28235_102770193104518_4141646_n

સંપાદક : તમે કરેલ નાટકોમાં તમારા યાદગાર પાત્રો કયા કયા?

મેં કરેલ નાટકોમાં દિલીપભાઈ જોશી સાથે જે નાટક કર્યું હતું, ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’, જેમાં મારી એન્ટ્રી સેકન્ડ એક્ટમાં આવતી હતી, તેમાં મેં દિલીપભાઈના કાકાનો રોલ કયો હતો એ, ત્યારબાદ સિદ્ધાર્થભાઈ સાથે ‘પ્રેમનો પબ્લિક ઈસ્યુ’ કરેલ જેમાં તેમના દીકરાનો રોલ કરેલ એ, મારા પિતા સાથે મેં એક નાટક કરેલું ‘સંબંધોને પેલે પાર’ જેમાં મેહુલભાઈના પત્ની પણ હતાં જેમના ભાઈનો રોલ મેં કરેલો એ, ત્યારબાદ હમણાં જ ૨૦૦૯માં એક નાટક કરેલું ‘જય હો જમનાદાસ’ જેના ડિરેક્ટર ઉમેશ શુક્લા હતા તેમની ‘ઓહ માય ગોડ’ નામની મોટી ફિલ્મ ગયા વર્ષે આવી, એ પહેલા મેં કરેલું ‘કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ’ જેમાં હું અને દયા એટલે કે દિશાબેન – અમે લોકો પતિપત્નીના રોલમાં હતા, આટલા નાટકો એવા છે કે આજની તારીખે અડધી રાત્રે મને ઉઠાડીને પૂછો કે આ નાટકમાં ત્રીજા સીનમાં એન્ટ્રી વખતે કયો ડાયલોગ હતો તો આજે પણ હું સડસડાટ એ ડાયલોગ બોલી શકું. આ અમુક રોલ એવા છે જે ક્લોઝ ટુ માય હાર્ટ છે. લોકોને એક હોય, પણ મારે ઘણાં બધાં છે.

સંપાદક : ‘બાઘા’ના પાત્ર કે તમારી નામના પછી અને સંઘર્ષના દિવસોને યાદ કરો, સરખામણી કરો તો કેવી લાગણી થાય?

બહુ જ સાચી વાત કહું તો અત્યારે જે સમય હું ભોગવી રહ્યો છું – દરેકે દરેક કલાકાર કે વ્યક્તિનું એ સપનું જ હોય કે તેને લોકોમાં ઓળખ મળે, નામના થાય. જ્યારે હું કંઈ નહોતો ત્યારે એ ખરું કે બિંદાસ મારા પરિવાર સાથે હરી ફરી શક્તો., ગમે ત્યાં જઈ શક્તો, હવે એમાં થોડીક મર્યાદાઓ આવી ગઈ છે. રોજીંદા જીવનમાં હું બહુ સુસ્ત માણસ છું, અપટુડેટ કપડા પહેરીને જવામાં કે પ્રોપર શૅવ કરીને જવામાં હું માનતો નહોતો, પણ જ્યારથી લોકો ઓળખવા મંડ્યા ત્યારથી એવું ખરું કે વ્યવસ્થિત કપડાં પહેરીને જવાનું, દાઢી કરી લેવી એમ મારી પત્ની કહે છે…

લોકો ઓળખે છે, એ મારી પાસે આવે. અજાણતાં કોઈને નારાજ કરી દેતો હોઉં તો ખબર નહીં, પણ અમારા તારક મહેતાનો એ પ્રોટોકોલ પણ બધાંનો ખરો કે લોકોને મળવાનું, ફોટા પડાવવા, જેટલાને જોઈતા હોય એમને ઓટોગ્રાફ આપવા કારણ કે અમને બધા કલાકારોને એટલી સદબુદ્ધિ ઈશ્વરે આપી છે કે લોકોને લીધે અમે છીએ, લોકો છે તો શો છે. અજાણતા મન દુભાઈ જાય તો ખબર નહીં પણ જાણીજોઈને કોઈનું મન દુભવ્યું નથી, ફોટો નથી પડાવવા કે ઓટોગ્રાફ નથી આપવા એવું કર્યું નથી.

સંપાદક : તારક મહેતા…. સીરીયલ માટે ફેનક્લબ બન્યું છે, એક સીરીયલ માટે આ નવી અને પ્રોત્સાહક વાત છે, લોકોના આટલા બધા પ્રેમ અને પ્રોત્સાહનને લીધે તમને બધાને એમ લાગે છે કે તમારી પર મોટી જવાબદારી આવી ગઈ છે આ સ્તર જાળવી રાખવાની કે પછી એમ માનો છો કે અત્યારે જે રીતે આગળ વધી રહ્યા છો એ જ સરસ રસ્તો છે, એ રીતે જ આગળ વધવું.

જવાબદારી એ રીતે કે લોકોને આપણે કાંઇક નવું આપવાનું છે, પણ કોઈએ મગજમાં એવો ભાર નથી લઈ લીધો કે અરે બાપ રે! મોટા થઈ ગયા… હવે શું કરીશું? કારણ કે એ ભાર સાથે કામ કરીશું તો કામ ઉલટું બગડશે. સેટ પર અમે ફક્ત હસવા, બોલવા, રમવા, તોફાન મસ્તી, ધમાલ કરવા જ જઈએ છીએ અને એ કરતા કરતા કામ થઈ જાય છે, એ રિલેક્સ મૂડમાં કામ કરીએ છીએ એટલે જ આટલું સરસ થાય છે. અમારા ડિરેક્ટર્સ છે હર્ષદ જોશી, માલવ રાજદા – એકદમ કુલ ટેમ્પરામેન્ટ છે એમનો, તેમને ક્યારેય મોટા અવાજે અમે બોલતા સાંભળ્યા નથી, બીજું કે દિલિપભાઈ ના હાથમાં સુકાન છે એમ કહીએ તો ચાલે. જ્યારે સેટ ઉપર હોઈએ. એવું છે કે જો તમારી સીરીયલનો સ્ટાર નખરાં કરતો હોય તો તેને જોઈને બીજા નખરાં કરે, જો સીરીયલનો સ્ટાર જ જમીન સાથે જોડાયેલ હોય તો બીજા બધાને તો કોઈ હક જ નથી નખરાં કરવાનો. દિલિપભાઈ ડાઉન ટુ અર્થ છે એટલે તેમની સાથે સાથે અમે બધાં જ જમીન પર રહીને કામ કરીએ છીએ. એ પોતે મજા કરે છે એટલે અમે મજા કરતા કરતા કામ કરીએ છીએ અને એટલે જ સારા પરિણામ આવે છે.

તમે ફેન ક્લબની વાત કરી તો હા, બહુ મોટી વાત કહેવાય. એપ્રિલ મહીનામાં જ્યારે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના 1111 એપિસોડ પૂરા થયાં ત્યારે રાજકોટથી એક ફેન ક્લબ શરૂ થયું છે તેઓ, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેન ક્લબ, રાજકોટ’, આવી ગરમીમાં ત્રીસ જણાં બસ કરીને રાજકોટથી મુંબઈ ફિલ્મસીટી આવેલા. દરેકે દરેક કલાકારનું બહુમાન કર્યું, મોમેન્ટો આપ્યા અમને બધાને, અમારા ફોટા ગૂગલ પરથી શોધી આ સરસ ડિઝાઈન કરી, તે પછી આસિતભાઈએ તેને ફિલ્માવ્યું કે આ ખરેખર મોટી વાત કહેવાય. ટેલિવિઝનમાં ઘણાં મોટા મોટા શો આવ્યા, પણ કોઈ શો ના ફેન ક્લબ નથી બન્યા. બીજા દિવસે આસિતભાઈએ બધાને આર્ટિસ્ટ્સ સાથે જમાડ્યા, અને બપોર પછી એ લોકો રાજકોટ જવા નીકળ્યા. મારા હિસાબે આ બહુ મોટી ઉપલબ્ધી કહેવાય.

સંપાદક : તન્મયભાઈને હવે બાઘા પછી બીજા કયા કયા રોલમાં કે કયા કયા ક્ષેત્રમાં જોઈ શકીશું?

ક્ષેત્ર તો આ જ રહેશે. અત્યારે તો પૂરું ધ્યાન બાઘા પર જ છે, ભગવાન કરે ને ‘તારક મહેતા…’ બીજા પંદર વીસ વર્ષ ચાલ્યા જ કરે. અમારી બધાંની એવી ઈચ્છા કે રિટાયર થઈએ ત્યારે તારક મહેતા…. માંથી જ રીટાયર થઈએ. રોલ તો એક અભિનેતા તરીકેના સંતોષ માટે, ઘણાં બધાં કરવાની ઈચ્છા ખરી. મણીબેનમાં હું બહેરો હતો, અહીં આખી બૉડી લેંગ્વેજ અલગ છે, નાટકોમાં સાહીંઠ વર્ષના વૃદ્ધથી લઈને પાંત્રીસ વર્ષના અને બાવીસ વર્ષના યુવાનના પણ રોલ કર્યા છે, આગળ હજી ઘણું કરવું છે પણ એ કાંઈ પણ ‘તારક મહેતાકા ઉલટા ચશ્મા’ ને ભોગે નહીં. ભવિષ્યમાં જેમ જેમ અવસર મળશે તેમ તેમ સારું કામ કરવું છે, જે લોકોને સરસ રીતે મનોરંજન આપે.

સંપાદક : મારા બાળકો ‘તારક મહેતા…’ નિયમિતપણે જુએ છે. મને લાગે છે કે અન્ય ફિલ્મો કે સીરીયલો જુએ એ કરતા ‘તારક મહેતા….’ વધુ સારું કારણ કે અહીં પાત્રો અને ઘટનાઓ કાંઈક સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે. તમે નાના બાળકોથી વૃદ્ધો સુધીના બધી વયના દર્શકોમાં ખૂબ લોકપ્રિય છો, આશા રાખીએ કે ‘તારક મહેતા…’ આ જ રીતે અમને સતત પ્રોત્સાહન આપતું રહે, ભવિષ્યમાં અમે તમને પણ તમે ઈચ્છો તેવા વિવિધ પાત્રોમાં જોઈએ, તમારી સાથે પણ આ જ રીતે અમને મજા આવતી રહે, તમે ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. અક્ષરનાદને આપની મુલાકાત અને સમય આપવા બદલ આભાર.

થેન્કયુ જીજ્ઞેશભાઈ, તમને પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ જે કામ હાથમાં લીધું છે દરેક કલાકારને, વાયા ઈન્ટરનેટ લોકો સુધી પહોંચાડવાનું, અક્ષરનાદ વાંચવા વાળા અને સાંભળવા વાળા દરેક પ્રેક્ષકો – વાચકોને મારી, ‘બાઘા’ની એટલે કે તન્મય વેકરીયાની એક જ અપીલ છે, કે વાંચતા રહો, સારું વાંચતા રહો, ગુજરાતી ભાષાને પ્રોત્સાહીત કરતા રહો. તારક મહેતા કા ઉલટા ચશ્મા જોતા રહો, અમને પ્રોત્સાહીત કરતા રહો. અમારી પ્રેરણા તમે છો, એવું નહીં કે દરેકે દરેક એપિસોડના વખાણ જ કરો, ફક્ત વખાણ જ કરશો તો અમારી જે સર્જનાત્મકતા છે એ સ્થગિત થઈ જશે, એટલે અમને ક્રિટીસાઈઝ પણ કરો, તમજે જે સાચું લાગે કે નથી ગમ્યું તે વેબસાઈટ દ્વારા – સોશિયલ નેટવર્કિંગ જેમ કે ટ્વિટર કે ફેસબુક દ્વારા તમારા પ્રતિભાવ આપો. જે અમે અમારા પ્રોડ્યુસર સુધી પહોંચાડશું. અમને એ ખબર છે કે લોકોને જે નથી ગમતું એ નથી કરવાનું, તો અમને પણ એ રીતે સભાન થઈ જઈશું. અમને આમ જ પ્રેમ કરતા રહો અને અમે એ વચન આપશું કે ગમે તે થઈ જાય, દુનિયા આમ થી તેમ થઈ જાય તો પણ રોજ સાડા આઠ થી નવ હસાવવાનું કાર્ય કરીશું. થેન્કયુ સો મચ…

સંપાદક : થેન્કયુ તન્મયભાઈ.

મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૨

  • kirtidev 00265888202292

    vah jigneshbhai vah mazo karavi didho .Bhagha nu character aave ne hasya na ave e bane nahi

    late ramesh mehta pacchi jo koi hasya character aave to bagha nu character aave. pan chhela thoda

    varso thi thodi hasya ni sharpness occhi thai gay chhe. Jevi jeni soch

    vah bhai vah videsh ma rahi ne gujrati no prem cum nathi thato

    hal ma usa chhu pan india aavish tayere jarur thi rubru mulakat karishu

  • Hitendra Rawal-anjar-kutch

    શ્રેી જિગ્નેશભાઈ,
    પહેલા તો તમને અભિનન્દન ને પાત્ર છો ……….ઈનટરનેટ પર સરસ મહિતિ આપવા બદલ આપણૉ ખુબ ખુબ આભાર ……..
    નેટ પર લખિ શકાતુ ન હોવાથેી વધુ માહેીતિ નથેી લખતો,

    હિતેનદ્દ રાવલ
    અ’જાર કરછ
    ૯૯૭૮૫૧૫૯૮૦

  • M.D.Gandhi, U.S.A

    “તારક મહેતા”ના બધાજ કલાકારોનો અભિનય ઉત્તમ છે. જોકે સીરીયલ જોતી વખતે “બાઘા”ને જોતા વેંતજ, એ સંવાદ બોલે તે પહેલાંજ હસવું આવી જાય છે. સરસ પાત્ર છે. “બાઘા”નો અભિનય પણ ઉત્તમજ છે.
    દરેક કલાકારને અભિનંદન……
    mdgandhi21@hotmail.com

  • vipul aswar

    તારક મહેતા કા ઉલટા ચસ્મા તેમા પન બાઘા નુ પાત્ર એટલે જાને હસિ મજાક ના પૂર … થેન્કયુ જિગ્નેસસર

  • R.M.Amodwal

    Respected Tanmaybhai & Jigneshbhai

    i am finding it difficult in gujarati version due to typography as such i love gujarat language. may i suggest that you may please plan to creat movie with all this Artist……
    best wishes

  • virendra bhatt

    ઉત્તમભાઈ અને મધુકાન્તાબેનનો પ્રતિભાવ ખુબ જ સમ્તુલિત અને યોગ્ય છે. તન્મયભાઈને અનેક અભિનન્દન સાથે શુભેચ્છાઓ. આસિતભાઈ અને દિલિપભાઈનો સુન્દર સિરિયલ આપવા બદલ આભાર. અને જિગ્નેશભાઈને અમને સહુને અક્ષરાનન્દ આપવા માટે અભિનન્દન સાથે શુભેચ્છા.

    વિરેન્દ્ર ભટ્ટ્

  • અક્ષરનાદ Post author

    પ્રસ્તુત પોસ્ટના પ્રતિભાવમાં મળેલ ઈ-મેલમાંનો એક અદભુત પ્રતિભાવ…

    વહાલા ભાઈ જીજ્ઞેશ,

    જ્યારથી મને વાવડ મળ્યા કે તમે હવે કશુંક નવું કરવાના છો ત્યારથી હું ઉત્સુક હતો કે એ શું હશે !

    આજે મળસ્કે જ પાંચ વાગ્યે તે જાણ્યું કે વીશીષ્ટ વ્યક્તીની મુલાકાત અને તેના રેકૉર્ડીંગનું કામ તમે માથે લીધું છે..
    (‘રેકૉર્ડીંગ’ પરથી લેખન કરવાનું કામ કેટલું કપરું છે તે તો જેણે કર્યું હોય તે જ જાણે !)

    બહુ જ સરસ …ધન્યવાદ.. ગુજરાતીઓમાં(જો કે હવે તો ભારતભરના અન્યભાષીઓમાં પણ..)
    લોકલાડીલા બની ચુકેલા અભીનેતા ‘તારક મહેતા…’ સીરીયલના ‘બાઘા’થી તમે શરુઆત કરી તે
    અભીનંદનને પાત્ર છે..
    સાવેસાવ દેખાતો ‘બાઘો’ એ જરીકેય બાઘો નથી એવા તન્મય વેકરીયાને વાંચી ધન્ય થવાયું..
    સાડત્રીસ વરસનો આ યુવાન તેજસ્વી છે, એ જાણી બેહદ ખુશી થાય છે..

    મરાઠી રંગભુમી, પ્રેક્ષકો અને થતી આવક તથા ગુજરાતી રંગભુમી, પ્રેક્ષકો અને મળતી આવક;
    ગમ્ભીર સામાજીક સંદેશ પ્રધાન નાટકો કરતાંયે ખડખડાટ હસાવનારા નાટકો, સાહીત્ય, સીરીયલોના
    તેજ–ગરમ બજાર માટેનાં વીવીધ કારણો વગેરે બાબતો માટે એમણે જે કારણો આપ્યાં તેની સાથે
    અસમ્મત થવા જેવું ભાગ્યે જ કશું છે..

    ગુજરાતી ભાષા વીશે એમણે જે ફીકર–ચીંતા સેવી તે વીશે એમને અને એવું માનનારા સૌએ
    નીશ્ચીંત રહેવા જેવું છે.. મારી નજરે ગુજરાતી હાલ કરવટ–વહેણ બદલી રહી છે, બહુ જ
    ઝડપથી.. સદીઓથી એમ થતું આવ્યું. ગાંધીનગરમાં સેક્ટરનાં નામ ‘ક–ખ–ગ–ચ’ જેવાં
    હાસ્યાસ્પદ પાડનારાઓનો સમય વીતી ગયો.. એ પણ એક જુવાળ હતો ત્યારે ભાષાએ તે
    તરફનું વહેણ રાખેલું. હવે ટૅક્નૉલૉજીના યુગમાં ગુજરાતી તેવું રુપ ધારણ કરવા જઈ રહી છે..!
    એટલું જ..

    કામવાળી ને શાકભાજી વેચનારીયે ‘મોબાઈલ, બૅટરી, ચાર્જર, બેલેંસ, પ્રીપેઈડ, નંબર, સેવ’
    જેવા શબ્દ સમજતી–વાપરતી થઈ ગઈ છે. ‘રીમોટ’ શબ્દનો શો અર્થ થાય અને ‘કંટ્રોલ’ શબ્દનો
    શો અર્થ થાય તેની કશીયે જાણ વીના તે ‘ચેનલ’ બદલે છે ને તેનો ‘સેલ’ બદલવાની મને સુચના
    આપે છે.. ટુંકમાં, બોલાતી ગુજરાતીમાં ઉમેરાવા લાગેલા પુષ્કળ અંગ્રેજી શબ્દોથી સૌ ચોંકે છે
    ને રીડીયારમણ કરે છે કે ‘ગુજરાતી મરી રહી છે’; પણ તે વાત સાચી કહેવાય ?

    મોગલો આવ્યા ત્યારે આમ જ ફારસી–અરબી શબ્દો ગુજરાતીમાં જ નહીં; ભારતભરની ભાષાઓમાં
    ઘુસવા લાગેલા.. ત્યારેય વીદ્વાનોએ આવો જ હોબાળો મચાવ્યો હશે.. મોતીલાલે તો જવાહરને
    અરબ્બી–ફારસી શીખવવા મૌલવી સાહેબને ટ્યુશને રોકેલા..

    મારા મીત્ર અંગ્રેજી શબ્દ ન વાપરે. કહે, ‘પલાંઠીવાળીને જમવું છે કે મેજ–ખુરશી પર ?’ એમને હું
    કેમ સમજાવું કે ભઈલા, તમે ‘મેજ’ કહો છો તે ફારસી ભાષાનો શબ્દ છે અને ‘ખુરશી’ કહો છો તે
    અરબી ભાષાનો શબ્દ છે ! તો પછી આ અંગ્રેજી ‘ડાઈનીંગ ટેબલ–ચેર’ શબ્દની શીદ આભડછેટ પાળવી ?
    નવી અને તે પછીની નવેઢીને તો એ બધા શબ્દો ‘મેજ–ખુરશી’ની જેમ ગુજરાતી જ લાગવાના..!
    ટુંકમાં, ‘ગુજરાતી માણસ’ ગ્લોબલ–જન છે.. એને આ કે તે શબ્દો–પહેરવેશ–ખાણીપીણીની સંકીર્ણતા
    ક્યાંથી પાલવે ?

    ખેર ! જ્યાં સુધી ગુજરાતીમાં ‘હું અપસેટ છું’, ‘ફીલ્મ અમે એન્જોય કરી’, તું સીક છે ?,’ ‘તમે કોઈ સારા
    કન્સલ્ટન્ટ ડૉક્ટર પાસે ચેક–અપ કેમ નથી કરાવતા ?’ ‘મારા હસબન્ડ ઓફીસમાં બીઝી હોય ત્યારે ટાઈમસર લંચ
    લેવાનુંય મીસ કરે’, ‘જા, ફ્રીઝમાંથી વન પીસ ટૉમેટો લાવ’ જેવાં વાક્યોને તમે ગુજરાતી ન કહી
    શકો ત્યાં સુધી તમને ‘ગુજરાતી મરી રહી છે’ એમ કહેતા રહેવાની છુટ છે..
    આ સાથે ધીરુબહેનના પ્રવચનમાં વર્ણવાયેલો એક કીસ્સો વાંચવા જેવો છે તેથી તે બીડું છું..

    ચાલો, લાંબું થઈ ગયું..
    ભાઈ તન્મય વેકરીયા ઉર્ફે ‘બાઘા’ને મારા અભીનંદન પહોંચાડજો.. અને તમને તો ઘણા ઘણા..

    Uttam & Madhukanta Gajjar,
    53-Guraunagar, Varachha Road,
    SURAT-395 006 -INDIA

  • M.D.Gandhi, U.S.A.

    શ્રી જીગ્નેશભાઈ,
    અંગ્રેજી મીડિયા કે અંગ્રેજી મેગેઝીનો તો માત્ર હીંદીના મોટા મોટા કલાકારોનીજ મુલાકાત-ઈંટરવ્યુ લે છે અને છાપે છે, જ્યારે તમે એક ગુજરાતી કલાકારની મુલાકાત લીધી અને સંપુર્ણ છાપી તે બહુ સુંદર, સમયસર અને ઉચિત કામ કર્યું છે.

  • ashvin desai

    ભાઈ જિગ્નેશ ,
    આજે તમને મન મુકિને ધન્યવાદ આપવા પદે એવિ મુલાકાત તમે રજુ કરિ , એક તો યોગ્ય પસન્દગિ અને બિજુ તમારિ સરલ – સહજ શૈલિથિ તમે ઓચ્હામા ઓચ્હા સવાલોમાથિ વધારેમા વધારે ‘ રિલેવન્ત ‘ માહિતિ રસપ્રદ રિતે કધ્હાવિ શક્યા – તે ‘ પ્રોફેસનલ ‘ કામ થયુ . તન્મય પન અરવિન્દ વેકરિયાના પુત્ર તરિકે પુરવાર કરે ચ્હે કે ‘ મોરના ઇન્દાને ચિતરવા નથિ પદતા , અશ્વિનદેસાઈ , ઓસ્ત્રેલિયા