કોને ખબર કેમ.. (વાર્તા) – અશ્વિન દેસાઈ 15


પણ ન્યુ જર્સીના ગાંઘી બજારમાં તારા હસબંડનો ભેટો થઈ ગયો.

મારા મિત્ર દલપત પટેલે મને જોરથી એની કોણીનો ગોદો માર્યો ‘દેહાઈ! પેલો હામેથી ગબડતો ગબડતો આવે – તે કોણ છે, ખબર કે?’

મેં ઝીણી આંખ કરીને જોયું તો, એક બેઠી દડીનો, ઢીંગણો, જાડો માણસ અમારી તરફ આવી રહ્યો હતો.

‘લાકડાવાળો છે’, દલપતની આંખો ચમકી, ‘અમેરિકાનો મોટામાં મોટો પોગરામ- ઓર્ગેનાઈઝર!’

‘અં..હં!’ મેં વધારે ધ્યાનથી તારા હસબન્ડને જોયો, ‘એ કેવા પોગરામ ગોઠવે છે, અમેરિકામાં?’ મને સહેજ કુતૂહલ થયું.

‘બધું કેતા બધું જ!’ દલપત હરખાયો, ‘તારો નાટક હો જો – તારે અમેરિકામાં ભજવવા હોય તો, લાકડાવાળો આપણો ઘાટ બેહાડે એવો છે!’

‘ખરેખર?’ હું બોલુ તે પહેલા તો, તારા હસબન્ડે અમારી નજીક આવીને દલપતને જોરથી ધબ્બો માર્યો, ‘પટેલસાહેબ, તમે મોટેલોની દુનિયાના બેતાજ બાદશાહ ! અહીં અનાજ કરીયાણાની બજારમાં તમે કેવી રીતે દેખાયા?’

દલપતે પણ સામે બમણાં જોરથી ધબ્બો માર્યો, ‘આ દેહાઈ, મારો લંગોટ્યો દોસ્તાર! કહે કે, દલપા, એક વાર અમેરિકા તો બતાવ!’ મેં ક્યૂ કે, ‘આવી રે!’

તારા હસબન્ડે ભાવપૂર્વક જમણા હાથમાંની એની ચમકતી બ્રીફકેસ ડાબા હાથમાં ટ્રાંસફર કરી અને જમણો હાથ મારી તરફ લંબાવ્યો, ‘મનીત લાકડાવાળા.’ એમણે દલપતના ખભે હાથ મૂકીને, મારી આંખોમાં ઊંડાણથી જોયું, ‘દેસાઈ, તમે જો દલપત પટેલના મહેમાન છો, તો એમ માનજો કે તમે લાંગ – આઈલેંડના રાજાના મહેલામાં ઊતર્યા છો!’

‘અવે રેવા દે ને તારી ફેંકાફેંક, લાકડાવાલા,’ દલપતે એમનો હાથ પોતાના ખભા ઉપરથી ઉતારીને હકપૂર્વક કહ્યું, ‘દેહાઈને લઈને શિકાગો તારે ઘેરે જમવા ક્યારે આડું તેની વાત કર ને.’

‘આ રવિવારે જ પધારોને, પટેલસાહેબ,’ આપણા ઘરના જ થિયેટરમાં કાશ્મીરી સંતૂર-વાદકને લોંચ કરીએ છીએ. તમને તમારા મિત્ર સાથે પહેલી રોમાં ચીફ ગેસ્ટ તરીકે બેસાડીએ. તમે આવતા હો તો અમારા ધનભાગ્ય’ તારા હસબન્ડે ઝડપથી બ્રીફકેસ ખોલી, અને દલપતને પૂછ્યું: ‘કેટલા પાસ આપું?’

દલપતે સહેજ વિચાર કરીને, તરત જ તક ઝડપી લીધી, ‘તણ પાસ ઢીલા કર લાકડાવાલા.’

‘કેમ, જાનકી નહીં આવે?’ એમણે ઝડપથી ત્રણ કવર બ્રીફકેસમાંથી ખેંચી કાઢ્યા.

‘ના. ભણવાનું મૂકીને જાનકી કેથ્થે જતી નથી.’ દલપતે એક કવરમાંથી પાસ કાઢી ચકાસી લીધો.

‘દેસાઈસાહેબની સાથે કોઈ બીજા મહેમાન….’

‘દેહાઈ વાંઢો છે. આગળ-પાછળ કોઈ કર્તા કોઈ ની મલે.’ દલપતે પાસ પોતાની બેગમાં મૂક્યા એટલે હું સહેજ મલકાયો.

‘હંસાભાભીને ફોન કરીને જરાક પૂછી લીધું હોત તો, દલપા.’ મેં સહેજ દલપતને ટકોર કરી, એટલે તારા હસબન્ડે ટાપશી પૂરી, ‘અમારા હંસાભાભી કલાજગતના બહુ જ મોટા ચાહક. એ તો કોઈ દિવસ મારા આમંત્રણની ના પાડે જ નહિ.’

‘ભટકવાનું જોઈએ તારી ભાભીને ચોવીસ કલાક. ના કાંથી પાડે? ને આ લાકડાવાલો તો દર મહિને ઊંચકાય.’ દલપતે ચાલતી પકડી એટલે તારા હસબન્ડે પાછી ટકોર કરી, ‘પટેલસાહેબે, આપનો ઉતારો, મહેમાન સાથે આપણા ઘરે જ રાખવાનો છે, હં કે તમારી મોટેલમાં તમારે નથી જવાનું.’

‘અમે રાતની જ ફલાઈટમાં પાછા ફરવાના. જાનકી ઘેરે એકલી. એની પરીક્ષા ચાલે.’

‘તમારા મેન્શનમાં પંદર જણાનો સ્ટાફ રહે. જાનકી એકલી કેવી રીતે, પટેલ સાહેબ.’

‘પોરીને માણાહોના ભરોહે ની રખાય, લાકડાવાલા તને ની હમજ પડે.’ દલપતે કહ્યું, ને મને ખેંચીને ચાલવા માંડ્યું.

‘લાકડાવાલો તારી ઉપર કેમ આટલો બધો ખુશ?’ મેં દલપતને સહેજ કુતૂહલ ખાતર પૂછ્યું. ‘દર મહિને એનું પંદર જણાનું આપણી મોટી મોટેલમાં પરમેનન્ટ બુકિંગ. પણ એ ને એની બૈરી તો આપણે ઘેરે જ ધામા નાખે. એની બૈરીને હંસા હાથે હારુ ફાવે.’ દલપતે કહ્યું, ને મનમાં ને મનમાં જ મેં કંઈક ગણતરી કરી. હંસાભાભીએ મને બહાર હિંચકા ઉપર અમે બે એકલા જ બેઠા હતા ત્યારે, તારી વાત કરેલી. એટલે કે પ્રયત્ન કરી જોયેલો.

‘પેલી અહીં શિકાગોમાં જ છે, હં કે!’

‘અચ્છા.’ મેં ચાહી કરીને તારા વિશે હંસા ભાભીને ખાસ રસ નહીં બતાવેલો, એટલે હંસાભાભીએ થોડી વિગત વધારેલી, ‘અહીં ન્યૂયોર્કમાં એના હસબન્ડના શો હોય ત્યારે એ તો આખો દિવસ અહીં મારી સાથે જ હોય. આપણા સુરતી જમણમાં એને ખૂબ જ રસ. મારે જાતે જ રાંધવું પડે એને જમાડવા માટે. રસોડામાં ઊભી ઊભી અલક-મલકની હજાર વાત કરે, પણ હું જ્યારે પલસાણાની વાત કાઢી જોઉં ત્યારે ચૂપ થઈ જાય!’

‘અચ્છા!’ હું સહેજ પૂરાવવા ખાતર ટાપશી પુરાવું, ‘પલસાણા ગામની વાતમાં પણ એને કોઈ રસ નથી પડતો એમ ને?’

‘હા. એક જ વાત કરે. હું તો હાઈસ્કૂલ પૂરી કર્યા પછી ખાસ પલસાણા ગઈ જ નથી એટલે મને ખાસ પલસાણાનું વળગણ ન મળે.’ હંસાભાભી કહેતા કહેતા થોડા હતાશ થાય.

‘અચ્છા!’ મારા ચહેરા ઉપર સહેજ સ્મિત ફરકતું જોઈને, હંસાભાભી મને આશ્વાસન આપવા ખાતર કહેતા હોય તેમ કહે, ‘પલસાણા ગામની વાતમાં જ જો એને રસ ન પડતો હોય તો તમારી વાત હું શું કામ કાઢું? ખરું ને?’

એટલે હું પણ એમને સામેથી પોરસ્કાર આપું,

‘તમે બહુ જ સારાં-ભલાં અને સમજુ છો હંસાભાભી.’

‘પણ એ મારી બેટી કોઈ દિવસ-ગમે તેટલા સારા મૂડમાં હોય તો પણ જરાય મચક નથી આપતી, તેનું શું?’

હંસાભાભી ગળગળા થઈ જાય, એટલે હું સ્વસ્થતાથી કહું, ‘તમારે જરાય હતાશ નહિ થવાનું ભાભી.’ એટલે હંસાભાભી નિરાશા ખંખેરીને પાછા મૂડમાં આવી જાય, ‘મને વિશ્વાસ છે કે કોઈ દિ’ તો જરૂર એને તમારી સામે ઉપસ્થિત કરીશ. જો ઉં છું, કેવી રીતે એ એની મોટીમોટી, ચકળવકળ આંખો તમારાથી ફેરવી લે છે તે.’

ઘરે પહોંચીને દલપતે જ હંસાભાભીને હરખના સમાચાર આપ્યા, ‘હંસી. પેલો જોડિયો પાછો શિકાગો બોલાવે છે.’

‘કોણ લાકડાવાલા?’ હંસાભાભી અતિ ઉત્સાહમાં ચિત્કાર પાડી ઊઠ્યા!

‘હા. કેય કે, કોઈ તંબૂરાવારાને કાશ્મીરથી ઉપાડી લાવેલો છે. તેને એના ઘરેના તબેલામાં લોન્ચ કરવાનો. પછી આવતે મહિને આપને તાં ધામા લખાવાનો ઓહે, માદર બખત!’ દલપતે શાવરમાં જતા જતા કટાણું મોં કર્યું, એટલે હંસાભાભી એ જ ઉત્સાહમાં બબડ્યા, ‘તમે કહ્યું ને, કે અમે તો આ વખતે અમારા મોઁઘેરા મહેમાનને પણ સાથે લઈને આવીશું.’

અને હંસાભાભીએ સહેજ હોઠ મરડીને મને ચીમટી ભરી. ‘હંસાભાભી, હું તમારો ‘મોંઘેરો’ કેવી રીતે – અને ‘મહેમાન’ કેવી રીતે? તે જરાક મને સમજાવશો?’ મેં ખૂબ જ નમ્રતાપૂર્વક હંસાભાભી આગળ કજિયો કર્યો.

‘સમજતા કેમ નથી મારા વહાલા દિયર!’ હંસાભાભીએ ખૂબ જ નાટકીય રીતે, ભાવથી આંખો નચાવીને મને કહ્યું કે, આ લાકડાવાલો તે બીજો કોઈ નહીં, પણ પેલી તમારાવાળીનો વર!’

‘ખરેખર?’ મેં બનાવટી કુતૂહલ બતાવ્યું.

‘હા, હું નહોતી કહેતી કે એક દિવસ હું તમને એની સામે ઉપસ્થિત કરીશ? જોઈએ, હવે એ શું કહે છે!’

શિકાગોની ફ્લાઈટમાં બારીની સીટ લેતા લેતા દલપતે હંસાભાભીને ચેતવણી આપી, ‘હંસા, પેલો જાડિયો કંઈ રાતના આપણને એના ઘેરે રાખી પાડવાની વાત કરતો ઉતો, મેં જાનકીનું બહાનું કાઢેલું છે એટલે તું ફસકી નો જતી.’

હંસાભાભી દલપતની બાજુમાં બેસતાં બેસતાં સહેજ ચમક્યાં, ‘તમે શું કામ ના પાડી રોકાવાની? સંગીત કાર્યક્રમ છે, રાતના બે તો વાગી જ જશે, ને લાકડાવાલાનું ઘર તો થિયેટરની પાછળ જ છે, તો પછી રાત્રે રોકાઈ જઈએ તો જ સારું પડે ને? મધરાતે આપણે બહાર જમવા પણ ક્યાં જવાના?’ કહીને હંસાભાભીએ મારી સામે આંખ મિંચકારી અને મારો હાથ પકડીને એમની બાજુની કોર્નર સીટ પર મને બેસાડી દીધો.’

‘એની બૈરી મધરાતે તને જમાડવાની છે કે? બઉ બઉ તો કોફીને ટોશ પકડાવી દેહે.’ દલપતે મોં બગાડ્યું.

‘એનો તાલ તો જુઓ, દર મહીને મારી દાળ ઢોકળી ખાવા દોડી આવે છે, તો એક દિવસ આપણને નહીં જમાડે?’ હંસાભાભીએ દલપતને માનસિક રીતે, રાત્રે તારે ત્યાં રોકાવા તૈયાર કરી દીધો અને મારી સામે ફરીથી આંખ મિંચકારી.

અમને એરપોર્ટ ઉપર લેવા દલપતની મોટી મોટેલેથી એની મર્સિડીઝ અને ડ્રાઈવર ઉભેલા જ હતાં, એમાં અમે ગોઠવાયા એટલે હંસાભાભીએ ડ્રાઈવરને સૂચના આપી, ‘ભાઈ, પહેલા માળીને ત્યાંથી બૂકે લેવાનો છે, પછી સીધા ‘લાકડાવાલા થિયેટર’ જવાનું છે. જરા જલદી કરજો, સાત વાગી ગ્યા છે.’

તારા ભવ્ય થિયેટરના પાર્કિંગ લોટમાં અમે પહોંચ્યા, ત્યારે તારું ‘લાકડાવાલા થિયેટર’ ભવ્ય રોશનીથી ઝગમગી રહ્યું હતું. તારી જાહોજલાલીથી હું અંજાઈ ગયો, એટલે હંસાભાભીએ કહ્યું, ‘આ લાકડાવાલાનું પોતાનું થિયેટર છે. એની પસંદગીના ખાસ કાર્યક્રમ કરવાના હોય ત્યારે એ લોકો અહીં આવી ભવ્ય રીતે જલસો કરે છે.’

‘એમનું ઘર પણ પાછળ જ છે એમ ને?’ મેં પૂછવા ખાતર પૂછ્યું,

‘ઘર એટલે મોટું મેન્શન, આપણા કરતા પણ મોટું, દસ હેક્ટરના પ્લોટમાં લાકડાવાલાએ એનો પેલેસ બનાવેલો છે!’ હંસાભાભી હરખપૂર્વક બ ઓલ્યા અને અમે તારા થિયેટર તરફ પગ ઉપાડ્યા.

આમે હજી પગથિયાં ચડીએ એટલામાં તો લાકડાવાલા પોતે અમારી સામે ધસી આવ્યો, અને દલપતની સામે હાથ જોડીને ઊભો રહ્યો, ‘આવો આવો પટેલસાહેબ, હંસાભાભી, દેસાઈસાહેબ. બસ, તમારી જ રાહ જોવાઈ રહી છે.’

હંસાભાભીએ બુકે લાકડાવાલાના હાથમાં પકડાવ્યો અને હસીને સહેજ મજાકમાં કહ્યું, ‘લાકડાવાલા, પટેલસાહેબ પાસે કંઈ ભાષણ-બાષણ નથી કરાવવાનોને?’

‘હંસી, તું એને ખોટે રવાડે નો ચડાવની!’ દલપત બબડ્યો, એટલે લાકડાવાલો હરખાયો, ‘ના, ના પટેલસાહેબ, તમે તમારું સ્થાન ગ્રહણ કરો એટલે પડદો ખોલીએ છીએ.’

અને અમે જરાક ઝડપથી લાકડાવાલાના થિયેટરમાં દાખલ થયાં. લાકડાવાલાએ ઉત્સાહપૂર્વક અમને પહેલી રો માં બેસાડ્યા. ગેગવેમાં પહેલી સીટ પર દલપત, બીજી પર હંસાભાભી અને એમની બાજુમાં ત્રીજી સીટ ઉપર હું બેઠો, અને તરત જ ક્લાસીકલ મધુર સંગીતના સથવારે ભવ્ય પડદો ધીમે ધીમે ખૂલ્યો. હું ખૂબ જ કુતૂહલથી મુગ્ધ થઈને જોઈ જ રહ્યો.

મંચ ઉપર ભારતીય બેઠકો વચ્ચે મુખ્ય કલાકાર બેઠા હતા. એમની બાજુમાં એમના સાજિંદાઓએ આસન જમાવ્યા હતા. અને મંચના એક ખૂણે સંચાલક માટે પોડિયમ ગોઠવેલું હતું. જેવી મંચ ઉપર ફુલ લાઈટ્સ થઈ અને મુખ્ય સંતૂરવાદક કલાકારે ઊભા થઈને નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા, કે તરત જ આખા ફુલ હાઊસે તાળીઓના ગડગડાટ કર્યા. અને મંચના પાછળના કોઈ ભાગમાંથી ભવ્ય રીતે ભવ્ય પોષાકમાં તારી એન્ટ્રી થઈ. હું ક્ષણભર માટે આંખનો પલકારો પણ ન પાડી શક્યો. કદાચ, આખું ફુલ હાઊસ પણ, મારી સાથે સ્તબ્ધ થઈ ગયું. લટક મટકતી તું, તારા એ જ મધુરા સ્મિત સાથે પોડિયમ તરફ આગળ વધી. મને અંદાજ આવી ગયો કે સંચાલન તું કરવાની છે. અને હું ધારી ધારીને તને જ જોઈ રહ્યો. એટલે હંસાભાભીએ ગોદો માર્યો. તારી સુંદરતામાં જરૂર વધારો થયો હતો, તારો ગેટ અપ ભવ્ય હતો. પણ તારી ચાલ અને તારુમ સ્મિત હજી એ ને એ જ હતા તેની મને નવાઈ લાગી. હંસાભાભીએ દલપતના કાનમાં કંઈક કહ્યું. તેં પોડિયમ પાસે ઊભા રહીને, મધુરા સ્મિત સાથે હાથ ઊંચો કરીને મારી બાજુમાં હંસાભાભી તરફ જોયું, એટલે મંચ ઉપરની એક ફોક્સ લાઈટ તારી ઉપર આવી અને તું ઝબકી ઉઠી. હંસાભાભીએ પણ સહેજ હાથ ઊંચો કરીને તારું અભિવાદન કર્યું, અને મારા કાનમાં ધીમેથી ગણગણ્યા, ‘છે હજી એવી ને એવી જ!’

મેં મારા હોઠ ખોલ્યા વિના જ તારી સામે નજર રાખીને ‘હં’ કર્યું. અને તારું મધુર સંચાલન શરૂ થયું. હજી એ જ રૂપાની ઘંટડી જેવો અવાજ ! પણ આંખ નચાવીને, મધુર સ્મિત સાથે સંચાલન કરવાની સ્ટાઈલ, કદાચ અમેરિકામાં કોઈ પ્રોફેશનલ મારફત કેળવાઈ હશે તેથી ઘડાયેલી લાગી. હું મુગ્ધ થઈને જોઈ જ રહ્યો. મારી આંખોના પલકારા ઓછા થયા. હંસાભાભી થોડી થોડી વારે સહેજ વાંકા વળીને, મારી સામે જોવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે હું સહેજ હળવું સ્મિત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ હું, કોને ખબર કેમ, નર્વસ થઈ ગયો હતો એ પાકું. અને તારું સંચાલન, કો શીતળ ઝરણાની જેમ વહી રહ્યું હતું. આખું ફુલ હાઊસ મારી માફક મંત્રમુગ્ધ થઈને સંતુરવાદકની સાથે સાથે તારું સંચાલન માણી રહ્યું હતું, ત્યારે કોને ખબર કેમ, હું તારી નજર મારી તરફ પડે છે કે કેમ તે જ ચકાસવામાં મશગૂલ હતો.

ક્યાં ઈન્ટરવલનો સમય થઈ ગયો તેની ખબર ના પડી.

ફક્ત રૂપાની ઘંટડી ફરી પાછી રણકી,

‘હવે ફક્ત દસ મિનિટનો વિરામ, એન ઈન્ટરવલ ફોર ટેન મિનિટ્સ.’ અને લાકડાવાલો ધીમે ધીમે બંધ થતાં પડદાની પાછળથી પાછો અમારી તરફ ધસી આવ્યો.

‘પટેલ સાહેબ અંદર પધારો, આપણા ઘરની લીલા મસાલાવાળી ચા તમારી રાહ જુએ છે !’

દલપતે મારી સામે જોયું, ‘દેહાઈ, ચા પીધાન્નો કે?’ અને હંસાભાભીએ હાથ પકડીને મને ઊભો કરી દીધો, ‘હા હા વળી, શું કામ નહીં પીવાના?’

અમે પાછળ બેકસ્ટેજમાં આવ્યા ત્યારે મારી નજર તને શોધતી હતી, તું મુખ્ય કલાકાર સંતુરવાદક સાથે લળી લળીને વાતો કરી રહી હતી, તે તરફ લાકડાવાલો ધસી ગયો. તને અમારી તરફ ખેંચી લાવ્યો. તું લગભગ દોડવાની ઝડપથી અમારી તરફ ધસી આવીને હંસાભાભીને તીણી ચીસ પાડીને ભેટી પડી, ‘હંસાભા…..ભીઈઈઈઈઇ!’

‘બસ હવે, છૉડ તો ખરી! આજે તને મારે એક ખાસ પરિચય કરાવવાનો છે.’ હંસાભાભીએ મહામુસીબતે તને પોતાનાથી અળગી કરી, એટલે તું એમની આંખોમાં કુતૂહલથી જોઈ રહી.

‘તારા ગામ પલસાણાથી મારા દિયર આવ્યા છે!’ કહીને હંસાભાભીએ મારા ખભા ઉપર સ્નેહથી હાથ મૂક્યો, એટલે તેં તરત જ દલપતની સામે જોયું, અને આંખો પટપટાવીને દલપતને કહ્યું, ‘પટેલસ્તમે તો છુપા રૂસ્તમ છો! મારા જ ગામના છો અને આજ સુધી મને કહેતા પણ નથી?’ – તારો સૂર કજિયાનો હતો.

‘ના બેન, ઉં પલહાણાનો નથી. મારું ગામ તો કણાવ, તમારા દેહાઈ લોકોના મોટા મ્હાદેવ મારા કણાવમાં, તેથી કિકુ-પાધરાના ભંડારમાં આ દેહાઈ કણાવ આવતો ત્યારે અમે આખો દાડો લખોટી રમતા!’ દલપતે તને કહ્યું એટલે હંસાભાભીએ જરા લંબાવ્યું, ‘આજકાલ મારા દિયર મુંબઈમાં નાટકો કરે છે, પણ આમ તો તેઓશ્રી લેખક છે. તારા પલસાણાના બેકગ્રાઊન્ડ ઉપર એમણે કેટલીક સુંદર વાર્તાઓ લખી છે. કદાચ તારા વાંચવામાં આવી હોય.’

‘એમ? તો તો આપણે એમના વાર્તા વાંચનનો કાર્યક્રમ અહિં જ ગોઠવીએ!’ પાછળથી લાકડાવાલાએ ઉત્સાહથી કહ્યું, એટલે મારે સહેજ ગલ્લાંતલ્લાં કરતો હોઉં એમ કહેવું પડ્યું, ‘પ…ણ… હું… મારી સાથે વાર્તા લઈને… નથી આવ્યો.’ અને તારા સિવાયના બધા સામે, ગળગળું સ્મિત કર્યું.

‘આપણે ઈંચકે બેહીને એકાદ એંમી કાઢજે ને દેહાઈ! આ લાકડાવારો પાછો આપણા હાથમાં આવે એવો નથી, ભાઈ’ દલપતે ધબ્બો મારીને મને પ્રોત્સાહિત કર્યો એટલે બધા જ હસી પડ્યા. હું પોતે ફક્ત બાઘા માફક ઉભો રહ્યો.

‘કંઈ વાંધો નહીં’, તે મારી દયા ખાતી હોય તે રીતે કહ્યું, અને પહેલી જ વાર મારી સામે જોયું, અને સૌજન્યપૂર્વક કહ્યું, ‘અમેરિકામાં રોકાવાના હો તો એકાદ દિવસ અમારે ત્યાં જમવાનું રાખજો.’

મારા મનમાં તરત જ સવાલ જાગ્યો, ‘ક્યાં ? ક્યારે? કેવી રીતે?’ પણ મોઢેથી માત્ર એટલું જ બોલી શક્યો, ‘ભલે.’

અને તું, ‘એક્સક્યૂઝ મી’ કહીને નમ્રતાપૂર્વક પાછી ફરી. લાકડાવાલા પણ તારી સાથે પાછો ફર્યો એટલે તું એના કાનમાં સહેજ મોટેથી બબડી, ‘મને તો એમ કે તમે શોભિત દેસાઈને ઉપાડી લાવ્યા હશો!’

અમે પણ પાછા વળ્યા, કોને ખબર કેમ, મારા મનમાં જ હું ગણગણ્યો.

‘આ સતત અવગણના એની મહેરબાની છે મરીઝ,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.’

– અશ્વિન દેસાઈ

‘૮૭માં સપરીવાર ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલ અશ્વિનભાઈ દેસાઈને ‘૯૩ માં જીવલેણ સ્ટ્રોક આવ્યો, શરીરનું ડાબુ અંગ કામ કરવામાંથી નિવૃત્તિ લઈ ગયું, તો પણ એક હાથે સર્જનનો તેમનો પ્રયાસ તો ચાલુ જ રહ્યો. જો કે એ પહેલા પણ તેમને ‘૭૮માં વાર્તાઓ માટે ‘કુમારચંદ્રક’ મળ્યો હતો, કાંતિ મડિયા સાથે નાટકોમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો, પણ સંતાનોના ઉચ્ચ અભ્યાસની મજબૂરીએ સાહિત્ય અને સર્જન પ્રત્યેની આ લાગણીઓ છોડીને ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થવું પડ્યું. છતાંય ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ જરાય ઓછો થયો નથી. અહીં પ્રસિદ્ધ વાર્તા ‘કોને ખબર કેમ..’ વાચકો માટેના ‘મમતા’ સામયિકના દીપોત્સવી અંક – ‘ડાયસ્પોરા સિતારા’ માં છપાઈ હતી. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ શ્રી અશ્વિનભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે – ashvindesai47@gmail.com પર કરી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “કોને ખબર કેમ.. (વાર્તા) – અશ્વિન દેસાઈ

 • parbhubhai s. mistry

  મુ. અશ્વિનભાઈ,
  આપણે ઈ-મેઈલ પર કોણ જાણે કેમ વાર્તા વિષે વાત થયેલી. કોણ જાણે કેમ પણ મને આ કોણજાણે કેમ વાર્તા વાંચવા મળેલી નહિ, આજે રમેશ ચાંપાનેરીને અક્ષરનાદ પર શોધતાં શોધતાં કોણ જાણે કેમ તમે સતત યાદ આવતા રહ્યા. અને તમારી વાર્તા વાંચવાની જિજ્ઞાસા સળવળી ઊઠી. વાર્તાનું નામ તો ભૂલી ગયો હતો પણ કોણ જાણે કેમ શબ્દો વાંચ્યા અને મગજમાં બત્તી થઈ કે આ જ ! આ જ વાર્તા વિષે તમે મને વાત કરીૌ હતી.
  રસપૂર્વક વાંચી ગયો અને અંત સુધી રસ જળવાઈ રહ્યો.
  અભિનંદન! અશ્વિનભાઈ. લખવાનું ચાલુ જ રાખશો. આપણી લોકબોલી હવે તો ભુલાવા આવી છે. વાર્તામાં થતો એનો ઉપયોગ આહ્લાદક લાગે છે. આપણી અસ્સલ બોલીની લિજ્જત જ કંઈક ઑર છે.
  પરભુભાઈ એસ. મિસ્ત્રી, નવસારી.મો.327431312

 • Indu Shah

  વિરહ મિલનમાં પરિણમ્યો નહીં!!
  સરપ્રાયસ એન્ડ …સરસ વાર્તા.
  ઇન્દુ શાહ્

 • La'Kant

  Interesting! ‘LOST LOVE n FOUND , Touch n FEEL story !’… some feelings of “Near-ness”…. Diaspora…… Open haearted ‘CLOSE’ relationships …… HIDDEN n Undisclosed ….but worth explorable ….. There is definitely S’thin that allures …. attracts …. Congrats to ALL CONCERNRD ….

 • Rajesh Vyas "JAM"

  હું જ્યારે પણ અશ્વિનભાઈ ની કોમેન્ટ વાંચતો ત્યારે એમ થતું કે જે વ્યક્તિ ગુજરાતી સાહીત્યમાં આટલો ઊંડો રસ ધરાવે છે તેનું ગુજરાતી લખાણ આટલું ખરાબ કેમ ? પણ આજે હકીકત જાણીને મન એકદમ વિષાદ ગ્રસ્ત થઈ ગયુ. ખરેખર અદભુત વાર્તા લેખન છે. ખુબ ખુબ આભાર.

 • Valibhai Musa

  તળપદી બોલીમાં સંવાદો મનભાવન બની રહ્યા. રસસાતત્યને જાળવી રાખતી સરસ વાર્તા બદલ અશ્વિનભાઈને અભિનંદન.

 • જયેન્દ્ર પંડ્યા

  મુરબ્બી શ્રી અશ્વિનભાઈ દેસાઈએ ખુબજ સરસ રીતે અનાવિલ બોલીમાં મિત્રો વચ્ચેનો (મીઠી ગાળો સભર) સંવાદ રજુ કર્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં ત્યાંની બોલી અને સંવાદ રજુ કરેલ તેની યાદ તાજી કરાવી દીધી.
  મને મારા મિત્રો અને વીતેલા પ્રસંગો યાદ આવી ગયા. મિત્રતા દિવસને અનુકૂળ કૃતિ રજુ કરવા માટે અધ્યારૂ સાહેબ નો આભાર.

  દેસાઈ સાહેબને વિનમ્રતાપૂર્વક પ્રણામ.

 • durgesh oza

  સરસ વાર્તા. માનવમનના તાણાવાણા સરસ રજૂ કર્યા છે. અશ્વિનભાઈ… અભિનંદન.