સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨)
મૂળ પુસ્તક – પુરાતન જ્યોત
આ પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૧ થી આગળ…
“લાલા, બેટા, વહુ ક્યાં ગઈ છે? કોણ પાણી દેશે?” એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું: “કોણ છે?”
“લાલા, બેટા, હું છું.”
“મા છે?”
“હા બેટા.”
“મા, શું છે?”
“મારે પાણી પીવું છે; કોઈ ઘરમાં નથી?”
“હું છું.”
“બહાર કૂંડમાં પાણી છે?”
“નથી.”
“ઠીક ત્યારે, કંઈ નહીં બેટા ! તારી બાને આવવા દે.”
“મા, તમે અંધારે અંધારે કેમ બેઠાં છો? તમે ખડ ખાવા બેઠાં છો મા? તમે બહાર આવોને મા ! ”
“લાલા, બેટા, મારાથી બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.”
“મા, મારે તમારું મોં જોવું છે.”
“ના બેટા, મારું મોં બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા !”
“નહીં બીઉં મા. તમને અહીં કોણે રાખ્યાં છે મા? બાએ? બાપુએ? બાને હું મારું? બાપુને હું મારું? મા તમે મને રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને હાલાં કરો.”
જવાબમાં કશો અવાજ આવ્યો નહીં. ફક્ત એક નિ:શ્વાસ સંભળાયો.
“મા, તમારું નાક ખવાઈ ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું?”
“નહીં બેટા, ન જોવાય. આવતો ના, હોં.”
નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો : “ન અવાય બેટા, લાલા ! બહાર રે’જે ! બહાર રે’જે ! મને ન અડાય.”
આટલું કહેતાં તો નાનો બાળક છેક પાસે પહોંકી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.
દાદીમએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી: “તને વળગશે ! બેટા, તને વળગશે! તું ન અડતો મને.”
“હી-હી-હી-હી મા, ” નાના બાળકને જાણે કે ઘણદિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો: “ઉઘાડો, મા, ઉઘાડો. મોઢું ઉઘાડો!”
“લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.”
નહીં કહી દઉં. ઉઘાડો.”
દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી.
બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતો એ ભેટી પડ્યો.
બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો, ને કોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દૃશ્ય જોયું: પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે ખાઈ જઈ રહી હતી.
“ડોકરી !” એણે બૂમ પાડી : “મારો છોકરો ભરખવો છે? હજુય તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈને જા !”
છોકરાને ખેંચી લઈને છાણ વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું : “ભાઈ, મુરત જોવરાવીશ, બેટા?”
[3]
પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી. કેમ કે એ માનવસમાજ પાસેથી અક્કેક દિવસ ચોરીને લઈને જીવતી હતી. એ કેદારની મા હતી.
રાતના અજવાસમાં રેતીના પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે, ને ચાર ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો ‘બથેશ્વર’નામે ઓળખે છે.
“હે બથેશ્વરદાદા!” કેદારની માએ પ્રાર્થના કરી : “મારા કેદારને હું તમારા વરદાનથી પામી હતી. (આજે પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બથેશ્વરનું લિંગ સમાઈ જાય તેને સંતાન જન્મે) તમે મારી બાથમાં સમાઈ ગયા’તા. આજ મારો પેટનો જણ્યો જ મને દરિયો બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.”
પ્રભાતે કેદારની માનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો.
ડોશીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી.
“ભાઈ કેદાર,” ડોશીએ એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી: “લાલો ક્યાં છે?”
“લાલાને રમવા તેડી ગયા છે.”
“લાલાને સાચવજે હો ભાઈ ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તુંને પેટમાં દુખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.”
ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા.
ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો. ‘હો’ ‘હો’ જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો, વગેરે વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો? કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક-મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં.
“આ રક્તપીતણીનેય સંસાર કેવો ગળે વળગી રહેલ છે !” પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો.
તમામ સામૈયું રત્નેશ્વરના ઊંચા ભાઠા પર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચો ટેકરો છે. સુખી સહેલગાહીજનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપર સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુ:ખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે.
ગામલોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી.
“જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હો, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.”
“હો ભાઈ.”
ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા.
છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો.
“હાં, ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ.” લોકોમાંથી પૂજારીએ સાદ પાડ્યો.
“શાબાશ ડોશી.”
“જવાંમર્દ કેદારની મા.”
“દુનિયામાં કશું અચલ નથી, ડોશી.”
“જો વૈકુંઠનાં વેમાન તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.”
એકાએક ડોશી ત્યાંથી પાછી વળી. દોટ દઈને નાઠી. ચીસો પાડી કે, “ભયંકર ! ભયંકર ! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે.”
“નથી જવું?” પૂજારીએ ત્રાડ પાડી : “નથી જવું એમ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને અંદર. સામૈયું શું અમથું કઢાવ્યું ત્યારે?”
બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો.
પૂજારી બોલી ઊઠ્યો: “પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈઓ !”
ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે — “ઘડીક ઊભા રે’જો. ઘડીક રોકાઈ જજો.”
“ઊભા રહો; થોડી વાર થોભી જાઓ !” એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તો પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે: નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે.
“ઊભા રહો !” નો સાદ નજીક આવ્યો સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યામાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા પર દોટ દીધી. બીજાં સહુ માણસો સ્તબ્ધ બની ઊભાં હતાં તેની સામે લાલ આંખો બતાવતો પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો.
ડોશીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું. પણ એ મોં પર દયાનો ભાવ ઊઠી જ શી રીતે શકે? એ રક્તપિત્તના રોગે મનુષ્યના મુખનો, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો.
ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથીએ એની હાથજોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : “બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક ! બહુ ભયાનક ! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો.”
એ કાકલૂદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે ‘જય રત્નાકર !’ કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોશી ગઈ.
ને પાછા વળતાં જ એણે પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા.
“માનતા પહોંચી ગઈ, હવે ભાગો ભાઈઓ !” બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજાં જોનારાં પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વીખરાયા.
(ક્રમશઃ)
– ઝવેરચંદ મેઘાણી
આ નવલકથાના બધા જ ભાગો નવી સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પરથી પણ, જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ વાંચી શકાશે.
શુ આ જ સંસ્કૃતિ પર આજ સુધી આપણે ગૉરવ લેતા રહીયા છીએ ?
સેંકડો વર્ષોથી સમાજના એક તરછોડાયેલા { બીમારીથી , અંધશ્રધ્ધાથી પ્રેરાઈને , વર્ણભેદનાં કારણે , નીચલી જ્ઞાતિને કારણે , વાંઝીયા હોવાને કારણે , નિર્ધન હોવાને કારણે , વયની અવસ્થાને કારણે } વર્ગને આજ સુધી શું શું સહન કરવું પડ્યું છે . . . તેનો તો કાઈ પાર જ નથી ! . . . અને તેમાં પણ તે જો સ્ત્રી હોય તો તો વાત જ શી પૂછવી 🙁 . . . . એક સ્ત્રી . . . વિધવા સ્ત્રી . . . ઘરડી વિધવા સ્ત્રી ! . . . . જગતમાં સ્ત્રીઓ જેટલું કોઈએ સહન નહી કર્યું હોય .
સંત જોડી , સંત દેવીદાસ અને અમરમાંનું મીઠું ભજન ” મેં તો સીધ રે જાણીને તમને સેવ્યા રે ” મારું સૌથી પ્રિય ભજન છે , કદાચિત આનાથી રૂડું અને મીઠું ભજન બીજું કોઈ નહિ હોય , અહીંયા કમેન્ટમાં તેનો વિડીયો મુકવાની મારી ઈચ્છા હતી , જો આપની પરવાનગી હોય તો . . . અન્યથા કોઈ વાંધો નહિ .
આ અદભુત શ્રેણી શરુ કરવા બદલ આભાર .
આવકાર્દાયક વિભાગ શરુ કરિને તમે નવિ ઉચઐઓને આમ્બિ
રહ્યા ચ્હો , તે તમારિ સાહિત્ય નિશ્થાનો સાચો પરિપાક ચ્હે .
એક ભાવક તરિકે મેઘાનિ સાહેબ્નિ ઉત્તમોત્તમ પ્રસાદિ માન્તા શ્રેસ્થ પરિત્રુપ્તિનો આનન્દ થાય ચ્હે . ધન્યવાદ .
– અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા