દુવાની અસર… – મુર્તઝા પટેલ (Audiocast) 33


દુવા….દરેક દર્દની દવા !

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“બેન, હું તને જોઉં છું કે કેટલાંક દિવસોથી તું દરરોજ આ મસ્જિદના પગથિયાં પર ઉદાસ બેસી રહે છે. શું તને આ રીતે જુવાન રહી ભીખ માંગવું ગમે છે?” – ઈર્શાદે હિંમત કરી ભલાઈની નિયતથી તે ગરીબ લાગતી બાઈને દુઃખનું કારણ પૂછી લીધું.

“સાહબ, હું કોઈ ભિખારણ નથી. મારા ઘરે મારો ધણી અત્યારે ખુબ મુશ્કેલીમાં છે. પણ એ ભીખ માંગવા કરતા કોઈક મજૂરીથી કામ મળી રહે એ માટે બહાર ગયો છે. અને મારી નાનકડી દિકરીને પાડોશીને ત્યાં મૂકી હું અમને બંનેને રોજી મળી જાય એની રાહમાં થોડાં દિવસ માટે અલગ અલગ મસ્જીદના પગથીયે જઈ દુવા કરવા બેસું છું.” –

એ બાઈ… સહરના મોમાંથી જાણે દબાઈ ગયેલા દુઃખની ઝરા ફૂટી નીકળી આવી. અને ખુદાએ તેની દુવા સાંભળી છે એમ માની આવેલા ઈર્શાદને જે કહેવાનું હતું તે કહી દીધું.

“હમ્મ્મ્મ…એમ ત્યારે. તને કોઈ કામ જોઈએ છે ને, તો પછી ચાલ મારે ત્યાં ઘરની સાફ-સૂફીનું કામ કરીશ? તને દરરોજ ૨૦ ઇજિપ્શિયન પાઉન્ડ અને જમવાનું મળશે. મારી ઔરત અત્યારે હામેલા (પ્રેગ્નન્ટ) છે. તેનો ખ્યાલ રાખીશ તો વધારામાં તેની દુવા પણ મળશે. બોલ તૈયાર છે? આવવું હોય તો આ સામે દેખાતી શેરીમાં બીજા નંબરની ગલીમાં મારું પાંચમું મકાન છે. કાલ સવારથી આવી જાજે.”

‘ખુદા જબ ભી દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ.’ કહેવત સહરે સાંભળી હતી પણ આજે જોવા મળશે એવો ખ્યાલ ન હતો. – એ તો બીજે દિવસે સવારે સાડા આંઠ વાગ્યામાં ઈર્શાદના મકાન પર એક નાનકડી બાળકીને હાથમાં તેડી દાદરા પાસે આવી ગઈ. નીચેથી ડોરબેલ સાંભળ્યા બાદ ઈર્શાદે તેને બૂમ લગાવી અંદર આવવાની પરમિશન આપી દીધી.

ચાય-નાસ્તો કરી પરવારેલા ઈર્શાદે તો ઓછી પણ તેની ઔરત અમીરાએ થોડી વધારે નીરખી લીધી અને મનમાં ‘કામવાળી બાઈ’ની પસંદગી પર ‘સબ સલામત’નો એક ઓથેન્ટિક સિક્કો પણ તુર્તજ મારી દીધો. કારણ એટલું જ કે સહર મૂળ સુદાનની હતી એટલે તેનો ઈર્શાદ… ‘શ્યામરંગ સમીપે નહિ જાય’ તેનો પૂરો વિશ્વાસ થઇ ગયો.

દરરોજ સમયસર કામ પર આવતી સહર તેની દિકરીને નાનકડી જાડી ગોદડીમાં સુવડાવી રાખતી અને સતત ૩-૪ કલાક ઘરનું બધું જ કામ કરી પછી અવારનવાર અમીરાને માથે તેલ નાખી આપતી તેમજ પગચંપી પણ કરી આપતી. પૈસા અને ખાણું મહેનતથી મળી જાય પછી એને બીજું જોઈએ પણ શું?

અમીરાને જ્યારે નવમો મહિનો શરુ થયો થયો ત્યારે સહરે સામેથી તેની ખિદમતમાં વધારો કર્યો અને ઈર્શાદે વગર કહ્યે તેની રોજીમાં બીજાં ૧૦ પાઉન્ડનો.

ઘટનાનું ફાસ્ટ ફોરવર્ડીંગ….

પછી તો… અમીરાએ દિકરી ઝૈનાને જન્મ આપ્યો. હોસ્પિટલમાં તો દાયણે તો તેનું કામ પ્રોફેશનલી કર્યું. પણ સાચી સુવાવડ કરી સેવાનો પર્સનલ ટચતો સહરે જ આપ્યો. અમીરાને તો જાણે એક મા નો જ સાથ મળ્યો હતો. અને સાચું પણ હતું કે… કેમ કે સહર જેવી જુવાન બાઈ મા બનીને સાર સંભાળ રાખતી.

દિકરી ઝૈના જ્યારે ૪ વર્ષની થઇ પછી ઊંઘમાંથી જગાવી, નાસ્તો કરાવી તૈયાર કરી નર્સરીમાં મૂકી લઇ આવવામાં સહરની શહર(સવાર) બપોરમાં ફેરવાઈ જતી અને બપોર પછી તેની ડ્યુટી ઓફકોર્સ તેના ખુદના ઘરે પણ હોય જ એ અલગ.

અમીરા અને સહરનો સંબંધ માલકિન-નૌકરાનીથી મટીને બે બહેનો જેવો બની ગયો. પછી તો ઈર્શાદે પણ સહર માટે ફાઈનાન્સીયલી કોઈ હિસાબ ન રાખ્યો. જ્યારે અમીરાએ તેના માટે દુવા કરવામાં.

બંને પતિ-પત્નીએ ક્યારેય સહરને તેના અંગત જીવન કે તે ક્યાં અને કેવા ઘરમાં રહે છે એ બાબતે બહુ ઝાઝું પુછ્યું નહિ. (એટલા માટે કે એવી પૂછપરછ અહીં આરબ સમાજમાં અવિશ્વાસનું કામ કહેવાય છે.) માત્ર ખ્યાલ રાખ્યો કે… સહરના પતિની બેકારીની અસર તેના પર બહુ ન વર્તાય.

અને એક દિવસ અચાનક….

“સુનીયે ! બે દિવસથી સહર આવી નથી. ન તો તેનો કોઈ ફોન છે કે ન તેના આવવાની માહિતી. જરા તપાસ કરો કે શું થયું છે એને?” – અમીરાએ બેચેન થઇ ઈર્શાદને જણાવ્યું.

પછી તો ઈર્શાદે પહેલી વાર (વગર મને) શોધખોળ કરી એક અલગ જ એરિયામાં સહરના ૩ માળના ઉંચા ઘરને ખોળી કાઢ્યું અને અંદર બેસેલી સહરને પણ…

“કેમ બેન? શું થયું આમ અચાનક કોઈ ખબર આપ્યા વિના…કોઈ ખાસ તકલીફ?”

“ઓહ સા’બ આપ?! આહલન વ સાહલન (અરેબિકમાં…‘વેલકમ’ !) આપ બરોબર સમયે આવ્યા છો. સા’બ, હવેથી હું આપને ત્યાં કામ નહિ કરવા આવી શકું. મારા તો નસીબ જ પલટાઈ ગયા છે. તમને તો ખબર છે ને કે…મારા અમ્મી થોડાં મહિના અગાઉ સુદાનમાં ગુજરી ગયા, તેઓ મારા અને મારી બેન માટે લગભગ ૩ લાખ સુદાની પાઉન્ડ મૂકી ગયા છે.

અને આ ઘર જે મારા શૌહરના પિતાનું હતું તેને મારા જેઠે લઇ પચાવી લીધું હતું, તેનો પરમ દહાડે જ કોર્ટમાં ફૈસલો આવ્યો છે અને અમને એક મોટી દુકાન સાથે પાછુ મળ્યું છે. મને કાંઈ સમજણ પડતી નથી કે આમ આવી પડેલી અચાનક ખુશીઓથી કેમ સબર કરું? બસ એ કહેવા માટે જ હું કાલે આખરી વાર મળવા આવવાની હતી.

સાહબ!…આપ લોકોએ મારા દુઃખના સમયમાં જે સાથ આપ્યો છે તેનો બદલો તમને જરૂર મળશે. પણ મને એટલું કહેશો કે… આમ અચાનક અલ્લાહ અમારા પર આટલો બધો મહેરબાન શાં માટે?….”

‘….બેન શક્ય છે, તારી નિયત અને દુવાને પૂરી કરવા અને તને અમીર બનાવવા માટે આ બધી ઘટનાઓ રચવામાં આવી હશે. તારી ગરીબી એ મસ્જીદની ઉપર હતી અને આજે એ ગરીબી તેની નીચે દફન થઇ ચુકી છે. ચાલ ! હવે ખુશીનો હલવો પકાવીને જમાડ..’

ઈર્શાદ તો બસ આવું બોલવા જતો હતો પણ એક બાઈની મીઠ્ઠી લાચારી આગળ એ…. શું ઈર્શાદ ફરમાવે?

માલ-એ-તુજ્જારી મોરલો:

“દુવા દરેક દર્દની દવા છે. બસ ‘સાચા ડોક્ટર’ પાસેથી મેળવવાની જરૂર છે.”

(અમીરાના જ મુખેથી સાંભળેલી તદ્દન સાચી ઘટના…)

– મુર્તઝા પટેલ

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, અને વાચકમિત્રોના અપાર પ્રેમને પામી છે. પણ આજે તેઓ પોતાની ઘરેડથી અલગ – નવી જાણકારી, મેનેજમેન્ટ અને વ્યવસાયિક વાતોને મૂકીને એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. વળી આ પ્રસંગ તેમના અવાજમાં સ્વરબદ્ધ પણ થયો છે, તો આવો આજે વાંચીએ, સાંભળીએ અને માણીએ મુર્તઝાભાઈ પટેલની નવી કૃતિ, ‘દુવાની અસર…’ પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

33 thoughts on “દુવાની અસર… – મુર્તઝા પટેલ (Audiocast)