૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – હાર્દિક યાજ્ઞિક 25


(૨૧)

“ટ્યૂમર હવે લાસ્ટ ફેઝમાં છે, તમારી પાસે વધુમાં વધુ ૨૦ થી ૨૫ દિવસ છે રતનભાઈ.” ડૉક્ટરના શબ્દો હોસ્પીટલથી નીકળીને બસસ્ટેન્ડ સુધી તેમના મનમાં ઘૂમરાતા રહ્યા. અચાનક જ ૧ વર્ષ જૂના ચપ્પલે પણ સાથ છોડ્યો.

હાથમા તૂટેલી ચપ્પલ લઈ એમણે નજર કરી તો એક બાજુ મોચી બેઠો હતો અને બીજી બાજુ મોંઘીદાટ એવી ચપ્પલની દુકાન. બે ક્ષણ સુધી થેલીમાં રહેલા રીપોર્ટ્સ તરફ જોઇ, હસીને રતનભાઈ ચપ્પલની દુકાનમાં પેઠા..

(૨૨)

પોતાના વિદાય સંમારભમાં બોલવા માટેની સ્પીચ તેઓ ૧૦ દિવસથી બનાવતા હતા. કોઇનું નામ રહી ન જાય તે માટે બધાને યાદ કરી કરીને નામ ગોઠવ્યા. જીંદગીની સૌથી અગત્યની સ્પીચ હોવાથી આગલા દિવસે ઉંઘ પણ નહોતી આવી. અંતે એ ક્ષણ આવી, પટેલભાઈએ માઇક પરથી જાહેર કર્યુ, “સમયને અનુલક્ષીને હવે સુમનભાઇ આપણને બે શબ્દો કહેશે.” આ સાંભળી હાથમા રહેલ તૈયાર સ્પીચના કાગળને વાળીને ખીસ્સામાં મૂકતા સુમનભાઇ ફક્ત એટલું બોલ્યા, “આભાર તમારો.”

(૨૩)

ગાડીમાં એકદમ સન્નાટો હતો. બાપને ઘરડાઘર મૂકવા નીકળેલ પરેશને રસ્તા પર સખત ભીડ નડી. કંઇ કેટલાય મંડળો ગણપતીજીની મૂર્તીઓ લઇને વિસર્જન માટે નીકળ્યા હતા. રસ્તા પર ભીડ જોઈ પરેશ અકળાયો, એ જોઇ અમરતલાલ બોલ્યા, “બેટા, આ બધાને જો, વિર્સજનનો તો આંનદ હોય..”

(૨૪)

આજે પહેલી વાર રતનો ધૂળીને લઈને તાજમહેલ જોવા ગયો. ટિકીટનો ભાવ વાંચ્યો, ૨૫ રૂપિયા વ્યક્તિદીઠ. બન્ને બહારથીજ પાછા ફર્યા. બે દિવસ પછી રતનો ધૂળીને યમુના નદીના કિનારે રેલ્વે ટ્રેકની પાછળ મૂકેલા એક મોટા ભૂંગળા પાસે લઇ ગયો. એમા બે ફાટેલી સાડીના પડદા હતા. અંદર એક થીંગડાવાળું ગોદડું અને જૂની બે પેટીઓ હતી, બહાર ચોકથી એણે લખ્યુ હતું, “મારી ધૂળી માટે મારો તાજમહેલ.. પ્રેમથી જોવાની કોઇ ટિકીટ નહીં… મફત.”

(૨૫)

એક હિંદુ મરી ગયો. સ્મશાનમાં ખૂબ ભીડ થઇ. એક મુસ્લિમ મરી ગયો. કબ્રસ્તાનમાં ખૂબ ભીડ થઇ.

એક માણસ મરી ગયો. કોઇ ન આવ્યું, મ્યુન્સીપાલટીએ વાલીવારસ ન મળતા મેડિકલ કોલેજમાં દેહદાન કરી દીધું. મરીનેય કોઇને કામમાં આવ્યો, ખરેખર થયુ કે એક માણસ મરી ગયો.

(૨૬)

“અલ્યા આટલુ મોટુ બોર્ડ માર્યું છે, વંચાતુ નથી? બપોરના સમયે ફેરીયાઓએ સોસાયટીમાં પ્રવેશવું નહીં. ચાલ્યા આવો છો તે?” મોં બગાડીને રમેશભાઇએ ચંદુ શાકવાળાને ખખડાવ્યો.

ચંદુએ શાંત મગજે જવાબ આપ્યો, “સાહેબ, વાંચતા આવડતું હોત તો શાક ઓછો વેચતો હોત ! કોઇ અભણને બોર્ડ ના બતાવતો હોત?”

(૨૭)

હાથમાં નપાસ વિદ્યાર્થીઓની યાદી હતી જેમા પોતાના દિકરાનુ નામ પણ હતું.

અભયરામ હેડમાસ્તરે થોડી વાર સામેની ભીંત પર લટકી રહેલા ગાંધીજીના ફોટા સામે જોયા કર્યુ અને પછી મનમાં બબડ્યા, “તમારા જેવી ભૂલ હું નહી કરૂં. આજના જમાનામાં માણસે પ્રેકટીકલ થવુ જોઇએ, મહાત્મા નહીં.” અને દિકરાના નામ આગળ ગ્રેસ માર્ક મૂકી દીધા.

(૨૮)

રૂતુલના મનમાં તોફાન ઉઠ્યું, પહેલીવાર કોઇ છોકરી એને છેલ્લા ૧૦ મીનીટથી તાકી તાકીને જોઇ રહી હતી. લાગ્યું કે પપ્પાની ક્લિનીકમાં તો રોજ આવવું જોઇએ. થોડીવારમાં તે છોકરી કેબીનમાં જઇ બહાર આવી, જતી રહી.

અંદર જતાં જ ડૉ. હિમાંશુએ મેડિકલ સાયન્સમાં ભણતા દિકરા રૂતુલને જણાવ્યું, “થોડો મોડો પડ્યો, ખૂબ જ ઇન્ટરેસ્ટીંગ કેસ હતો. હમણાં જે છોકરી ગઈ તે આમ તો નોર્મલ છે પણ એક વખત એ કોઇની સામે તાકીને જુએ, પછી જોયા જ કરે છે અને પછી અચાનક જ એ વ્યક્તિને તે બચકા ભરવા માંડે છે. દવાઓની અસરથી ઉન્માદ ઓછો થયો છે પણ મટતા વાર લાગશે. તારે આવા કેસ જાણવા જોઇએ.”

રૂતુલથી બોલાઇ ગયું, “થેન્ક ગોડ.”

(૨૯)

“રમેશ મોટો થઇ શું બનીશ?”
“ડોકટર”
“પ્રતીક તું?”
“વકીલ.”
“અને તું શું બનીશ?”
“બનાય તો માણસ…”

(૩૦)

એક લેખકે પોતે જીવતા રહીને આત્મહત્યા કરી. એણે પોતાની બધીજ રચનાઓ ગઇકાલે બાળી નાખી.

(૩૧)

આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા. એક પર લખ્યુ હતું, “ગામની શાળાનું સમારકામ કરી તેમા વિદ્યાર્થીઓ માટે નવા પુસ્તકો લાવવાનો ફાળો..”

બીજા પર લખ્યુ હતું, “ગરબડદાસ બાપુની સમાધી પર શિખરબંધ મંદિર બનાવવાનો ફાળો..”

મંદિર બની ગયુ છે, શાળાની દિવાલ તૂટી ગઇ હોવાથી શાળા છેલ્લા છ મહીનાથી બંધ છે.

(૩૨)

ગાંધીજયંતી નિમિત્તે નિકળેલ શાંતિયાત્રાના લોકોએ સરકાર વિરોધી દેખાવો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. ગાંધીજી બનેલા એક યુવકને પોલીસે પકડીને ફટકાર્યો.. પોતડી પહેરેલ તેણે વળતા જવાબમાં પાસેના કોન્સ્ટેબલની પિસ્તોલ ખેંચી લઇ ત્રણ રાઉન્ડ છોડયા… ભીડમાં એક અવાજ સંભળાયો, “હે રામ…”

(૩૩)

લાંચરૂશ્વત વિરોધી અને લોકપાલ અભિયાનના જાગૃત લોકોના ઉપવાસ આયોજકોને મહેતા હોલનું ૨૦ દિવસ પેટે ૮૦,૦૦૦ રૂપિયાનું લાઇટબીલ આવ્યું. છેલ્લે લાઇટકંપનીને ૧૦,૦૦૦ ખવડાવતા ૨૫,૦૦૦માં સેટલેમેન્ટ થયું.

(૩૪)

મિનેશભાઇ ગાંધીજીના ખૂબ મોટા ચાહક. હમણાં જ લાઇબ્રેરીમાંથી “સત્યના પ્રયોગો” પુસ્તક વાંચવા લઇ આવેલા. એમાંથી બે ત્રણ પ્રંસગો તો એટલા ગમી ગયા કે એને ફાડીને પાકીટમાં મૂકી દીધા. જ્યાં કંઈક ખોટું થતાં જુએ ત્યાં એ બે કાગળ કાઢીને વાંચી જ સંભળાવે.

(૩૫)

મિનેશની સ્કૂલમાં ડિબેટ કોમ્પીટીશન હતી. “સત્ય એજ ઇશ્વર” વિષય પર પપ્પાએ ૫ મીનીટની સ્પીચ તૈયાર કરાવી હતી. કોમ્પીટીશનના દિવસે મિનેશને સ્કૂલે પહોંચવામાં મોડું થતાં પપ્પાએ નો-એન્ટ્રીમાંથી સ્કૂટર કાઢ્યું. પોલીસવાળાએ પકડ્યા તો ધીરેથી ૧૦૦ની નોટ સરકાવી, જેમ તેમ સમયે મિનેશને સ્કૂલ પહોંચાડ્યો. મિનેશનો એ સ્પર્ધામાં પ્રથમ ક્રમ આવ્યો હતો, બોલો !

(૩૬)

આર.ટી.ઓ કચેરીની બહાર એક જૂનું બોર્ડ હતું “નિયમ પ્રમાણે દર ૧૦ વર્ષે ખટારા અને બસોને આર.ટી.ઓમાં આવી રીન્યુ કરાવવા જરૂરી છે.” અંદરથી સરકારી કર્મચારીઓની વાતો સંભળાઇ

“પટેલ સાહેબ, સરકારી નોકરીનો આ જ તો જલસો છે, એક વાર પેઠા એટલે પછી રીટાયરમેન્ટ સુધી આપણને કોઈ ખસેડી ન શકે.”

(૩૭)

છેલ્લા ૩૦ વર્ષોથી નાનકડી લાકડાની કેબીનમાં પ્રોવિઝનલ સ્ટોર ચલાવતા ધનસુખલાલને કોઇએ કહ્યું, “આ પાછળના મેદાનમાં મોટો શૉપિંગ મૉલ બનવાનો છે. હવે ચિંતા કરવાનું ચાલુ કરી દો.”

ધનસુખલાલે બેફિકર બની જવાબ આપ્યો, “ઇ થોડા ૫૦ પૈસાની પીપરમિન્ટ બાકીમાં આપવાના છે? ચિંતા ઇને થવી જોઇએ.”

(૩૮)

સરકાર સ્ત્રીલિંગ,
કઈ રીતે?
સરકાર આવ્યો/ગયો સાંભળ્યું? આવી ને ગઈ જ કહેવાય એટલે સ્ત્રીલિંગ
વાત સાચી છે, સરકાર પુલ્લીંગ હોય તો મજાલ છે કોઈની કે…

(૩૯)

મંદીરની બહાર બેસતા બધા ભિખારીઓમાં આજે જીવલા ભિખારીએ જાતે ગોળ વહેંચ્યો.
ખુશીનું કારણ પૂછતા જીવલાએ જણાવ્યું “કાલે મારે ઝૂંપડે ચોરી થઇ બોલો…ચોર આપણે ત્યાં પણ આવે..”

(૪૦)

મંદબુદ્ધિ હોસ્ટેલમાં ગઇકાલે દીનુને એની મમ્મી યાદ આવતાં આખો દિવસ રડ્યો, અને જમ્યો પણ નહીં.

આજે બધા છોકરાઓએ દીનુ વગર જમવાની ના પાડી છે…

– હાર્દિક યાજ્ઞિક

આ પહેલા ગત વર્ષે હાર્દિકભાઈની ૨૦ માઈક્રોફિક્શન – લઘુકથાઓ રજૂ કરી હતી જેને વાચકોનો ખૂબ સુંદર પ્રતિભાવ અને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે એ જ શૃંખલાને આગળ વધારતા પ્રસ્તુત છે તેમની વધુ ૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ. એકથી પાંચ લીટીની સીમારેખામાં પોતાની આગવી છાપ ઉભી કરી અસર છોડી જતી આ કથાઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક આગવો પ્રયોગ છે, અને કદાચ અક્ષરનાદ જેટલું એ ક્ષેત્રનું ખેડાણ અન્યત્ર ક્યાંય થયું હોય એવું જોવાયું નથી. આજની પેઢીના વાર્તાકારો માટે આ ક્ષેત્રનું ખેડાણ એક આવશ્યક્તા છે, કારણકે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહી શકવાની આ ક્ષમતા તેમને લઘુનવલ, ટૂંકી વાર્તાઓ અથવા નવલકથાના સર્જનમાં પણ આડકતરી મદદ કરી શકે છે. બિલિપત્રમાં આજે માણીએ અંગ્રેજી સાહિત્યજગતની નોંધપાત્ર માઈક્રોફિક્શન.

બિલિપત્ર

For sale: baby shoes, never worn.
– Ernest Hemingway

The last man on Earth sat alone in a room. There was a knock on the door.
– Frederic Brown


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – હાર્દિક યાજ્ઞિક

  • દિશાન્ક વેગડ

    હાર્દિક ભાઈ બહુજ સરાશ બસ આમજ લખતા રહો એવી અમારી શુભકામનાઓ.

  • PRINCE

    સુપર્બ…
    ખરેખર સુંદર અને કટાક્ષપૂર્ણ રીતે લખાયેલી માઇક્રોફિક્શનસ….

  • Kishore Patel

    હાર્દિક ભા ઇ , અ ભિ નન્દન વિશય વસ્તુ મા એક્વિધ્ તા જનાય ચ્હે પન એકન્દરે સ્તુત્ય પ્રયાસ આભાર

  • urvashi parekh

    ખુબ જ સરસ.
    મને પહેલાની વાર્તાઓ પણ ખુબ ગમિ હતી.
    ખુબ ખુબ અભીનન્દન.હાર્દીક ભાઈ.
    હું આ વાર્તાઓ આગળ તમારા નામ સાથે મોક્લી શકુ?
    વીનન્તી કે,મને હાર્દીકભાઈ નુ એડ્રેસ અથવા ફોન નંબર મળી શક્શે?
    ખુબ આભારી થઈશ.

  • jadavji kanji vora

    ખરેખર ગજબની કળા છે આવી સુંદર જાણે કે આખો મોટો લેખ ફકત ચાર પાંચ લાઇનોમાં જ. અભિનંદન.

  • Pushpakant Talati

    ઘણી જ સરસ રીત તથા પધ્ધતિ થી આ માઈક્રો-વાર્તાઓ ની રચના કરવા માં આવી છે.
    મને અંગત રીતે આ પ્રકાર ખુબજ પસંદ છે. કારણ કે આજનાં ફાસ્ટ અને ઝડપી જમાનામાં આવી વાર્તાઓ ની એક ખાસ મહત્વતા તથા અગત્યતા છે.
    આ વખત કરતા ભાગ એક ની (એટલે કે અગાઊ રજુઆત પામેલી ૨૦ વાર્તાઓ વધુ નવિનતા સભર તેમજ વધુ અસર કારક હતી. – જો કે આ પણ તેમના સ્થાને યોગ્ય જ છે.
    આ પ્રકારની અતિલઘુ (માઇક્રો) વાર્તાઓ માં સચોટતા ની સાથે સાથે એક ચોટદાર વણાંક કે દિમાગ ઉપર જબરજસ્ત અસર કરે તેવો અંત હોવો જોઈએ. જો કે લેખક આ બાબત કાળજી તેમજ જાગ્રુતતા રાખશે તો તે ચોક્કસ હાંસીલ કરી બતાવશે જ તેનો મને પાક્કો વિશ્વાસ છે.

    મારા હાર્દિક અભિનંદન તેમજ હવે પછી વધુ સારી રીતે પરફોર્મન્સ આપો તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે – પુષ્પકાન્ત તલાટી.

  • Umakant V. Mehta. "ATUL "

    સચોટ અને ભાવવાહિ,હ્રદયમાથી સ્ફુટ થતું અદભુત !!શ્રેી હાદ્રીકભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ઉમાકાન્ત વિ. મહેતા. “અતુલ “

  • Rajesh Vyas

    આને કહેવાય ટુંકમાં મર્મ સભર વાતો કહેવાની ક્ળા. આજે જ્યારે લોકો પાસે અર્થપુર્ણ વાંચવા કે સંભળવા કરતાં અર્થ વિહીન દલીલો કરવાનો સમય હોય છે ત્યારે આવા નાવિન્ય સભર પ્રયોગો સહિત્ય ક્ષેત્રે ખુબજ આવકાર દાયક છે. તે માટે હાર્દિક ભાઈને ખુબ ખુબ અભિનંદન.

  • Ali Asgar

    ઘનિજ સુન્દર વરતાઓ.પન્ દિલ મા વિશાદ ભરઈ જયે ચ્હે.ફરિ જલ્દિ થિ થોદિક આન્નદ દયેક વર્તઓ મલ્સે તેમ ઉમ્મિદ રખિયે ચ્હે.

  • ashvin desai

    ભઐ હાર્દિક્નો પ્રયોગ મને રસ્પ્રદ લાગ્ય્યો , તેથિ નવા
    આધુનિક લેખક મિત્રોને પ્રતિભાવ માતે મોકલુ ચ્હઉ
    મને પોતાને એમ લાગે ચ્હે , કે હાઈકુને જો કવિઓ
    કવિતા કહેતા હોય , તો આને હાઈવુ કહિએ તો ?
    ashvindesai47@gmail.com
    samanvay 15 service rd blackburn vic 3130
    australia

  • ashvin desai

    ભઐ હાર્દિક્નો પ્રયોગ મને આ વખતે વાચવા મલ્યો .
    રસ્પ્રદ લાગ્યો . તુચકો ન બનિ જતા કૈક ગમ્મ્ભિર – સન્દેશપ્રદ
    હોય , તો હઐકુને જો કવિતા કહેવાતિ હોય , તો આને લઘુકથા
    શુ કામ નહિ ? તમે નવાને પોન્ખો ચ્હો , તે પન સરાહનિય
    થોદા આધુનિક લેખકોને મોકલુ ચ્હુ . જોઇએ શુ પ્રતિભાવ આવે ચ્હે . – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • M.D.Gandhi, U.S.A.

    ૨૭,૩૧,૩૩ વાર્તા તો અફલાતૂન છે. લાંબા લાંબા સંવાદો અને અકુદરતી અને કંટાળાજનક પ્રસંગો વાંચવા કરતાં તો ઘણુજ સરસ. ગમ્યું.

  • GAURANG DAVE

    Heartiest Congratulations to Hardikbhai. All the stories are “DHAARDAAR – HRIDAY SONSARVI UTRI JAAY TEVI”.
    If possible, please forward part-I stories, I have missed to read.

    With Regards,

    GAURANG DAVE

  • રાજુ પટેલ

    ખૂબ પ્રસંશનીય પ્રયાસ. જોકે હાર્દિક ભાઈ ની પ્રથમ ૨૦ વારતાઓ મને વધુ કસદાર લાગી હતી. આ વખતે અમુક વાર્તાઓમાં પુનરાવર્તન અને અમુક માં ઢીલાશ લાગી પણ અ એક વ્યક્તિગત અભિપ્રાય છે- એકંદરે ખૂબ સરાહનીય કૃત્ય. અક્ષરનાદ અને હાર્દિક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • deepak Solanki

    ‌‍સુપર્બ….જોરદાર…..આટલી બધી નવલકથા એકસાથે આટલા ઓછા સમયમાં વાંચી શકાય તે આજે ખબર પડી…

    આજના સમયમાં માઇક્રોફિક્સન વાર્તાના સ્વરુપ ખૂબ જ ગમે તેવુ છે…. વધુને વધુ વાર્તા આ વર્ષે માણવા મળે તેવી આશા… કમસેકમ 1 મહિને એકવાર તો આપોજ …

  • Sakshar

    કટાક્ષ, ચોટ, વાહ! આ કળા હસ્તગત કરવા માટે હાર્દિકભાઈ ને અભિનંદન.